સ્ત્રીની તાકાત કેટલી?- રેખા પટેલ (વિનોદિની)
દુનિયામાં સૌથી વઘુ સાહિત્ય કયા વિષય પર લખાયું છે? તો સાવ આસાન જવાબ મળશે…સ્ત્રી વિશે. દેખાવ જેટલો સ્ત્રીઓ માટે મહત્વનો છે તેટલો પુરુષો માટે નથી. આજુ કારણ હજુ પણ જાની શકાયું નથી.
ગમે તેટલા સંસોધન પછી પણ સ્ત્રીના સાચા સૌદર્યને પુરુષ ઓળખી શકતો નથી. દેખાવમાં ખુબસુરત લાગતી સ્ત્રી બુદ્ધિમાં ઉતરતી હશે તો સુંદરતા સ્પર્શી નહિ શકે. એજ રીતે અતિ મહત્વકાંક્ષી સ્ત્રી જો રૂપાળી નહિ હોય તો પુરુષને આકર્ષી શકે નહિ..
ફ્રોઇડથી લઇ ચેતન ભગત અને વાત્સાયન, કાલિદાસ લઇને ચંદ્રકાંત બક્ષી સુધીનાં લેખકોની કોઇ પણ કૃતિ વાંચશો..ત્યારે ચોક્કસ એક વાત સમજમાં આવશે કે પુરુષો માટે સ્ત્રીઓની બુધ્ધિ અને સૌન્દર્યની વચમાં સૌંદર્યની પસંદગી પહેલા આવે છે.
એક વાત હમેશાં વિચારવાં મજબૂર કરે છે કે સ્ત્રી એટલે શું? સ્ત્રી માત્ર ભોગવવાની વસ્તુ કે પછી જગતની અન્ય પ્રજાતીની જેમ બીજા જીવને ઉત્પન્ન કરવાની તાકાત ધરાવતી એક માત્ર માદા જાતી….કે પછી આ બધાની પર એવી એક શક્તિ .
સામાન્ય રીતે પુરુષોમાં કેટલાક ગુણો જે પ્રત્યક્ષ પરોક્ષ દેખાતા નથી. એવા ગુણૉ સ્ત્રીમાં સહેલાઈથી જોવા મળે છે. પુરુષનું મન સામાન્ય રીતે જેને ઇચ્છતું હોય ત્યાજ તેનીજ આસપાસ ભમતું રહે છે. જ્યારે સ્ત્રી એક નદીની માફક માર્ગમાં આવતા અવરોધો અને વળાંકોને અનુસરી આગળ વધે છે. સ્ત્રી સમાજને એક કરી રાખનારી એક શક્તિ છે જેને યોગ્ય માન મળવું પણ જરૂરી છે.
સ્ત્રી પતિ સાથેના સહજીવન દરમિયાન તેને શારીરિક અને માનસિક સુખ આપી તેની ચરમસીમા સ્વરૂપે માતૃત્વ ઘારણ કરીને એના સ્ત્રીત્વનું પૂર્ણત્વ પ્રાપ્ત કરી બીજા જીવને જગતમાં અવતારી શકે છે. સાથે સાથે સ્ત્રી એક વાત્સલ્યસભર માઁ બની બાળકને ગળથૂથીમાંથી સાચું શિક્ષણ આપી શકે છે.કુટુંબના કલ્યાણમાં સ્ત્રીનું મહત્વ ખાસ ભાગ ભજવે છે. સ્ત્રીને એક પુત્રી,બહેન મિત્ર ,પત્ની ,વહુ ,મા અને એક સાસુ તરીકેના બધા અલગ અલગ પાત્રોને બખુબી નિભાવે છે સાથે સાથે આજકાલની આધુનિક નારી તરીકે તે સમાજમાં પોતાનું અલગ સ્થાન પણ બનાવતી જાય છે .
જીવનમાં આવતા પડકારોને ઝીલવાની ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ છે છતાં પણ સ્ત્રીઓ પુરુષોની નજરમાં એક રમકડું બનીને રહી ગઈ છે. પુરુષનો મૂળ અધિપત્ય ઘરાવતો સ્વભાવ છે. જે આદિકાળથી વિકસતો આવ્યો છે.પૃથ્વીના કોઈ પણ છેડે જાઓ દરેક જગ્યાએ પુરુષ સ્ત્રી ઉપર હાવી થવાનો પ્રયત્ન કરતો રહે છે.આ બાબતે દુનિયાનાં કોઇ પણ ઘર્મગ્રંથોનો સાંરાંસ જોઇએ તો એમાં સ્ત્રીઓ માટે ધર્મનાં ઓઠા હેઠળ અલગ અલગ નિયમો અને પાંબંધીઓની વિસ્તૃત છણાવટ જોવા મળશે. જ્યારે બીજી બાજુ આ જ ધર્મગ્રંથોમાં પુરુષો માટે આવી કોઇ છણાવટ જોવા મળતી નથી.
દુનિયાનો એક પણ પુરુષ એવો નહી હોય કે જેને સ્ત્રીને કામુક નજરે જોઈ નાં હોય. જે સમાજને નજરે જોતા સાંભળતાં આવ્યા હોઈએ એના આધારે જો આલેખન કરતા સ્ત્રીઓનાં રોજ બરોજ સંસર્ગમાં આવતાં પુરુષો જેમ પતિનાં મિત્રોથી લઇને આજુબાજુ રહેતાં પાડોશનાં પુરુષો, દેખાવડી અને ખૂબસૂરત સ્ત્રી હોય એને કામુક નજરે જોવાનો મોકો ચુકતાં નથી. સ્ત્રીઓની છઠીં ઇન્દ્રીય આ બાબતે આ બાબતે બહું સજાગ હોય છે. તાકી તાકીને અને ચોરી છુપીથી એની નજીક પુરુષોની આવી હરકતને સમજી શકે છે. મોટાભાગે સ્ત્રીઓ બરાબર સમજી શકે છે કે સામે વાળની નજર ક્યા અને કેવી રીતે ફરી રહી છે. તો આ હિશાબે તે સ્ત્રીની નજર માંથી નીચે ના પડી જવાય તેનો દરેક પુરુષે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. હા એક વાત ચોકકસ છે કે વિજાતિય આકર્ષણ કુદરતી હોય છે, પણ એનું પ્રદર્શન અકુદરતી રીતે નાં થવું જોઇએ. સૌંદર્ય પારખવાની અને તાકવાની પ્રક્રિયા વચ્ચે બહું મોટો ફર્ક છે.
સ્ત્રી અને તેનાં સૌદર્યનો પ્રભાવ પુરુષો ઉપર પ્રાચીન કાળથી લઇ અર્વાચીન કાળ સુધી જબરજસ્ત છે. ભગવાન કૃષ્ણનાં રાધારાણી હોય કે સીંકદરની પ્રેમીકા થાઇસ કે માર્ક એન્ટૉનીની પ્રેમીકા કલિયોપેટ્રા હોય કે પાંચ પાંડવોની દ્રૌપદી હોય..આ બધી મહાન સ્ત્રીઓ મશહુર હોવાનું એક માત્ર કારણ એનું સૌંદર્ય નહોતું, તેઓ પ્રસિદ્ધ હતી તેમના મહાન પ્રેમીઓ જેનાં વ્યક્તિત્વ જગતભરમાં મશહુર હતા. આ બાબત પરથી એક વાત ચોક્કસ સમજી શકાય કે જે પુરાણૉથી લઇને અર્વાચીન કાળ સુધી પુરુષોનું આધિપત્ય પ્રથમ સ્વીકાર્ય છે. સ્ત્રીઓની ગણનાં હંમેશા પાછળ રહી છે.
હા એક વાત ચોકકસ છે સ્ત્રીની સુંદરતા(બ્યુટીની) વ્યાખ્યા સમયાંતરે, એક ચોક્કસ ગાળાનાં વરસોમાં બદલાતી જાય છે. છતાં પણ પુરુષોની નજરે સ્ત્રીનું સનાતન સૌંદર્ય એટલે તેનું શરીર છે. આ વાત અહીંયા આવીને અટકી જાય છે.એક સાવ સીધી કહી શકાય એવી વાત છે. પુરુષો એનાં મિત્રો માટે એની સ્ત્રી પ્રેમીકા માટે “મારો માલ”છે એવું બિન્દાસ્ત રીતે ગર્વ સાથે કહે છે. જ્યારે આજ સુધી કોઇ સ્ત્રીને એનાં પુરુષ પ્રેમી માટે “મારો માલ” છે એવું બોલતાં સાંભળી છે? નહી સાંભળી હોય.કારણકે સ્ત્રીઓને બાળપણ એક લજ્જાશીલ સંસ્કારોનાં હથોડાથી ટીપવામાં આવી હોય છે..પરિણામે એનાં મુખે આવા શબ્દો સાંભળવા ના મળે.
એક વાત ચોકક્સ છે દરેક પુરુષોને સ્ત્રીઓ માટેનુ આકર્ષણ રહેતું હોય છે. એ આકર્ષણ કુદરતી છે, પણ જરૂરી નથી કે દરેક પુરુષની એકજ પસંદગી હોય? સોળમી સદીની આસપાસનો એક સમય એવો હતો કે તેમાં સ્ત્રીનું માંસલ શરીર જેમાં ખાસ કરીને તેના ગોળ ભરાવદાર નિતંબ, ઉપસેલા સ્તન અને તેનું થોડું ચરબીવાલુ ઉપસેલું પેટ વગેરે એની સુંદરતાનાં માપદંડ ગણાતા હતા.સોળમી સદી જ નહી એ પહેલાનાં યુરોપિયન તૈલચિત્રોથી લઇ ભારતિય તૈલચિત્રો જોઇએ આનું એક પ્રમાણિક સત્ય જોવા મળે છે. કારણકે પુરુષોને આવી સ્ત્રીઓમાં વધુ રૂચી રહેતી હતી. આથી તે વખતના શિલ્પો અને ભીતચિત્રોમાં આવા જ પ્રકારની સ્ત્રી આકૃતિઓ ચિતરાએલી જોવા મળે છે.આજે જોવામાં પણ બીભત્સ લાગે તેવા ચિત્રો દોરાએલા જોવા મળી આવે છે.
થોડા વરસો પહેલા સાવ પાતળું પેટ ઘરાવતી સ્ત્રીઓ સુંદર ગણાતી. જેને ઝીરો ફિગર કહેવાતી હતી જ્યાં સાવ સુકલકડી સ્ત્રીઓ સુંદરતાનું માપદંડ ગણાતી. જે દુરથી જોવામાં અને શરીરને ચપોચપ વસ્ત્રો પહેરવા માટે સારું લાગતું. પરંતુ ખરેખર તેવી સ્ત્રીઓ પુરુષોને રોમાન્સ માટે ખાસ પસંદ નહોતી આવતી. આ સમયમાં ફેશનમાં રહેવા અને પુરુષોની નજરમાં પોતાનો દેખાવ અને જગ્યા બનાવી રાખવાની લાલચમાં યુવતીઓ પોતાની જ જાત ઉપર જુલમ કરીને ભૂખી રહેતી.કે પાતાળાં થવાની દવાઓ ખાઈ પોતાના અમુલ્ય જીવને માથે સંકટ નોતરતી જોવા મળતી હતી .
સમયાંતરે સ્ત્રીની આ માન્યતા બદલવા લાગી. કારણકે સ્ત્રી શરીરનાં સૌંદર્યની ભાષા આખરે તો તેની માંસલતા સાથે સંકળાએલી હોય છે. આ વાત નવી પેઢી જલદી સમજી ગઈ,પરિણામે હવે ફરી થોડું ભરાએલું શરીર બધાને ગમવા લાગ્યું. આમ સ્ત્રીઓ પણ ફેશન પ્રમાણે પોતાના શરીર સાથે ચેડા કરવા લાગી છે. સ્ત્રી પોતાને સુંદરતાના માપદંડમાં બાંધી રાખવા માગે છે. જે તેમની ઉન્નતિમાં અવરોધ જનક ગણી શકાય.
પોતાના જ શરીરને ઉઘાડા રાખવાની ફેશનમાં સ્ત્રીઓ “આ બેલ મુજે માર”ની પરિભાષામાં પોતાની જાતને ભૂખી નજરો સામે ધરે છે. ત્યારે સ્ત્રી થઈને આવી સ્ત્રીઓની દયા આવી જાય છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષની નજરમાં ઉચે આવવા બીજા ઘણા રસ્તાઓ છે. જેનાંથી આ સ્ત્રી શક્તિ અજાણ છે. દરેક સ્ત્રીઓ એ પોતાનામાં રહેલી સ્ત્રી શક્તિને ઓળખાવી જોઈએ અને વિપરિતિ પરિબળૉ વચ્ચે પણ એનામાં રહેલી આ સ્ત્રી શકિત જાગૃત કરવી જોઇએ.જેમ કે કલાથી લઇને વ્યવાસીક ક્ષેત્રમાં એ પોતાનું એક અલગ સ્થાન બનાવી શકે છે..અને હા,જો આવી સ્ત્રી સુંદર હશે તો ચોક્કસ એની કલામાં કે અન્ય આવડતમાં બોનસ પોઇન્ટ સાબિત થશે.તો તેમને આગળ વધતા કોઈ રોકી શકે તેમ નથી
આ મુદા પરથી એક પ્રશ્ન ચોક્કસ ઉતપન્ન થાય કે સ્ત્રીઓની સુંદરતાનું માપદંડ પુરુષો જ નક્કી કરે છે.?શું આજે પણ આઘુનિક જમાનામાં સ્ત્રીઓ માત્ર ભીની માટીનો લોંદો માત્ર છે?કે જેને પુરુષોની પંસદગી પ્રમાણેનાં આકારોમાં ઢળતું રહેવાનુ.?
આ બાબતે સ્ત્રીઓએ પોતાની અંગત દ્રષ્ટિને જરા લંબાવવી જોઈએ.સાથે સાથે એ પણ સાચું છે કે તેના સાજ શણગારને પુરુષ જ વધુ મહત્વ આપે છે.પરંતુ દરેક સ્ત્રીએ પ્રથમ પોતાની ઈચ્છાને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ અને તો જ તેનામાં રહેલી શક્તિનો સાચો વિકાસ થઇ શકાશે.નહી તો તે પુરુષનું રમકડું માત્ર બનીને રહી જશે
પુરુષ-પ્રાધાન્ય” આ સમાજમાં સ્ત્રીઓ એ કેમ રહેવું વર્તવું તેના બધા નિયમો અને માર્યાદા પણ પુરુષોએ નક્કી કરેલ છે.કારણકે મોટા ભાગની પ્રજાતીમા પૈત્રુક સમાજની એક પકડ આજે પણ એટલી મજબૂત છે.
હજારો વરસોથી જાણીતા મહાગ્રંથોમાં સ્ત્રીની સુંદરતાના વખાણ કર્યા છે. શાકુંતલ કે મેઘદૂત કે આ બધા ગ્રંથોમાં સ્ત્રીઓના સૌદર્ય અને સ્વરૂપને વિલાસપ્રચુર કામુકતાથી દર્શાવેલ છે આ ગ્રંથો ગ્રંથોના લખનાર બધા પ્રુરુષ હતા.પૌરાણિક ગ્રંથો જેમકે ”રામાયણ”,માં સીતાને જ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.અંતે ઘરતીમાં સમાઈ ગઈ હતી.જ્યારે મહાભારતમાં દ્રોપદી એક અર્જુન સાથે પરણી હતી છતાં પણ કોઈ વસ્તુ હોય તેમ પાંચ ભાઈઓની વચમાં વહેચાઈ હતી.
આજે પણ સવાલ થાય છે કે “શું સ્ત્રી એક વસ્તુ માત્ર છે કે લાગણીઓથી છલકતી મીઠી નદી ?”
પૌરાણિક સમાજના આજે દેવ બની પૂજાતા પુરુષોએ જ ધર્મને નામે પ્રતિબંધો મૂકી સ્ત્રીઓને અન્યાય કર્યો છે.. સ્ત્રીને ભોગવિલાસનું સાધન માત્ર બનાવી દીધી છે.
આજે આઘુનિક યુગમાં ઈન્ટરનેટ ના ફેલાવા સાથે વિચારોની ગંદકી પણ ઝડપથી ફેલાઈ રહી છે.પુરુષો પોતાનાં અંગત મનોરંજન માટે અને જાતને ખુશ કરવા માટે સ્ત્રીઓના નગ્ન ચિત્રો અને વિડીયો જોતા ફરે છે.વાત આટલેથી જો અટકતી હોત તો સારું પરંતુ આવાજ કામુક પુરુષો આવી વિડીયો કલીપ એક બીજાને બતાવી તેમની કામુકતાને પોષે છે.આમ કરતા તેઓ ભૂલી જાય છે કે આ રીતે તે તેમની સાથે બીજાની જાતીયતાને પણ ઉશ્કેરે છે.પરિણામે સમાજમાં સ્ત્રીઓ ઉપર બળાત્કાર અને શારીરિક જોર જબસ્તીના દાખલા પણ વધતા જાય છે.
પુખ્તવયનાં પુરુષો જ નહી.અહીંયા અમેરિકામાં ચાઇલ્ડ પોર્નની પણ એટલી જ જબરદસ્ત ડીમાંડ છે.મોટે ભાગે પશ્ર્મિનાં દેશોમાં એડલ્ટરીની શરૂઆત બાર કે તેરમાં વરસે શરૂં થઇ જાય છે.હવે ઇન્ટરનેટ જેવાં હાથવગા માધ્યમનાં યુવાનીમાં ડગ મુકતાં પહેલા તરૂણ છોકરાઓ આવી વિડિયો કલિપ જોતા થઇ ગયા છે.
આનાથી વધીને સ્ત્રીઓ સામેના હિંસક ગુનાઓનું પ્રમાણ અને ઘાતકી સામુહિક બળાત્કારનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી રહ્યું છે. અને સ્ત્રીઓ સામેના રોજ નવાનવા ગુનાઓની ઘટનાઓ સામે આવતી રહે છે.
આજના યુગમાં સ્ત્રીઓ પુરુષોથી ક્યાંય ઉતરતી નથી. છતાં માં બાપ જાતે દીકરીને ‘સાપનો ભારો’ માને છે અને આવાજ વહેમ અને વિચારોને કારણે ગર્ભમાં જ દીકરીને મોતના ઘાટ ઉતારવાનું હીન કાર્ય કરી લેતા હોય છે. આવા સમયે જેના સ્ત્રીની કુખે અવતર્યા છે એ પુરુષો ભૂલી જાય છે કે આજ કુખને જો ઉજાળી દેશે તો પછીનો વંશ કોણ આગળ વધારશે?.
આજે તમે દરેક જગ્યાએ જોઇ શકો છો કે સ્ત્રીઓના શરીરનો ઉપયોગ પુરુષ પ્રસાધનોની એડથી લઇને ફિલ્મ સુધીમાં થઇ રહ્યો છે. ફિલ્મની પબ્લીસીટી માટેનાં કઢંગા શબ્દોમાં અર્ધનગ્ન કપડામાં પીરસતા ગીતો હોય જ્યાં જૂઓ ત્યાં સ્ત્રી-દેહનું જ પ્રદશન થતું હોય છે. આમાં નૈતિક મૂલ્યો અને મર્યાદાઓને નેવે મૂકી દેવાય છે.સ્ત્રીની સુંદરતાનો ઉપયોગ કમાણીના સાધન તરીકે કરાય છે.સાથે સાથે દુઃખની વાત છે કે હવે સ્ત્રીઓ પણ આવી લોભામણી વાતોમાં જાહેરાતોમાં હાથે કરી પોતાનો ઉપયોગ કરવા માટે રાજી થઇ જતી હોય છે.હજુ પણ સમય છે પોતાનું હિત અહિત જાતે વિચારવું જોઈએ અને તેની માટે સ્ત્રીઓનું શિક્ષિત બનવું જરૂરી છે.
પતિ પત્નીના સબંધોમાં મોટાભાગે પતિને હંમેશા બીજી સ્ત્રીઓ પોતાની પત્ની કરતા સુંદર લાગે છે.અને તે વાત તે કોઈ પણ છોછ વગર તેની ચર્ચા કરી શકે છે.કેટલાક કિસ્સામાં પતિ પોતાની લગ્ન પહેલાની ઐયાસીના કિસ્સા કોઈ ડર વગર મિત્રોને બડાઇ પૂર્વક કહેતા હોય છે..હવે તમે વિચારો કે આ જગ્યાએ પત્નીના કોઈ જુના પ્રેમની વાત કે કોઈ નજીકના મિત્રની વાત જાહેર કરે તો તેનું વર્તન સાવ ઉલટું બની જતું હોય છે.
આ રીતે સહજીવનમાં બંધાએલા પતિ પત્નીમાં બંનેમાંથી પતિને જે કામ કરવાની છૂટ હોય તો એ કામ પત્ની કેમ ના કરી શકે?જો પત્ની કરે તો એ કામ અઘમ ગણાતું હોય તો એ કામ પતિ કેમ કરી કરી શકે? પતિ પત્ની એક રથમાં બે પૈડાં છે તો એક બીજામાં ફર્ક કેમ?કહેવાય છે કે સ્ત્રી પુરુષની અર્ધાગીની છે.તો સંવેદનાની બાબત બંને અંગોમાં સમાન લાગું પડે છે..એક અંગ લકવાગ્રસ્ત હોય તો આખું શરીર પર એની અસર દેખાય છે. આ બાબત સહજીવનને પણ લાગુ પડે છે. આ વિચારવા જેવી બાબત છે.
સમાજમાં પુરુષોને આબરૂ કે કૌમાર્ય જેવું કોઈ બંધન હોતું નથી.ઉપરાંત પુરુષ સ્ત્રીને પોતાની સંપત્તિ માને છે. તેમને છૂટ હોય છે ગમે તે સાથે સહશયન કરવાની અને આજ કારણે વૈશ્યાલયો છાનાછપનાં ચાલતા જ રહે છે.ઘણા પતિદેવો ધધાંનાં કામસર મુંબઇ દિલ્હી જેવાં શહેરોમાં જતાં હોય છે. એમાનાં ઘણાં પતિદેવો અન્ય સ્ત્રીઓ સાથે છાનાછપના ઐયાસી કરતાં હોય છે.
લગ્નબાદ સ્ત્રીને પતિ સાથે નવા ઘરમાં નવી જગ્યાએ નવા લોકોની વચ્ચે પોતાની જાતને એડજેસ્ટ કરવું પડે છે.નવેશરથી જીવનને ગોઠવવું પડે છે. , ત્યારે તેને ખાસ જરૂર પડે છે પ્રેમ અને વિશ્વાસની.પત્ની હંમેસા તેનાં પતિની નજરમાં સુંદર દેખાવવાનો પ્રયત્ન કરતી રહે છે. કારણ તેને ગળથૂથીમાં પીવડાવવામાં આવે છે કે તારું સાચું માપદંડ તારી સુંદરતા છે અને આ બાલાગોટી તેને બાહરી સુંદરતાથી આગળ વધવા દેતી નથી.સ્ત્રીના મગજમાં બાળપણથી જ એવું ઘુસાડી દેવામાં આવે છે કે તારું ચારિત્ર્ય એ જ તારી મોટામાં મોટીને કિંમતી સંપત્તિ છે.
જમાનો બદલાઈ ગયો છે.દીકરીઓને તેમની મહત્તા સમજાવવી પહેલી ફરજ માં બાપની બનેની છે.
દીકરી એતો પારકી થાપણ, સ્ત્રીઓનું નશીબ વાકું હોય છે, તેના નસીબમાં આખી જિંદગી ઢસરડા જ કરવાના લખ્યા છે, તે ખીલે બંધાએલી ગાય છે. આવી અનેક નકારાત્મક ઉક્તિઓમાંથી સ્ત્રીઓને નાનપણથી બહાર કાઢવી જોઈએ. સ્ત્રીઓમાં રહેલો શંકા ઈર્ષ્યાભાવ, અસલામતીની ભાવના તેમજ તેનામાં રહેલો જ્ઞાનનો અભાવના કારણે તેનામાં એક પ્રકારની લઘુતાગ્રંથિ ઉત્પન્ન કરે છે જેના કારણે તે હંમેશા કચડાએલી રહે છે.
આજનાં આધુનિક ડિઝીટીલ યુગમાં સ્ત્રીએ હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે. સમાજની ઉન્નતી માટે સ્ત્રીઓની સુંદરતાને છોડી તેમને એક વસ્તુ કે શો પીસ ને બદલે શક્તિ સમજવામાં આવે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે. કારણકે આવનાર ભાવી પેઢીના સારા નરશા ભવિષ્યનો આધાર સ્ત્રીઓ છે
“શકિત તરીકે પૂજાતી સ્ત્રીઓએ ખરેખર એક શકિત થઇને બહાર આવવું પડશે.”
“સ્ત્રી શક્તિ જિંદાબાદ ”
-રેખા વિનોદ પટેલ
(ડેલાવર..યુએસએ)