RSS

શક્તિનું એક સ્વરૂપ.

23 May

શક્તિનું એક સ્વરૂપ … રેખા વિનોદ પટેલ (ડેલાવર, યુએસએ)

રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર આવેલા નાનકડા પછાત ગામડામાં વિધવા સંતુ બાપ વિનાની ત્રણ છોકરીઓને છાતીએ લગાવી જીવનનો ભાર વેઢારતી હતી.
આજૂબાજૂના ખેતરોમાં આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે માંડ સાંજે બે રોટલા ભેગી થતી હતી.
તો ક્યારેક વરસાદની હેલી વચમાં મજૂરીનાં પણ સાસાં પડી જતા.
મોટી છોકરી વંદના માના દુઃખને કળી જઈ પેટ દબાવી સુઈ જતી પરંતુ નાની કાળી અને મંગુ” માં પેટમાં ગલુડીયા બોલે છે, માં પેટમાં બહુ દુઃખે છે. ભૂખ લાગી છે.” કહેતા ખાવાનું માંગતી ત્યારે સંતુની આંખો તગતગી જતી.

સંતુને આટલું દુઃખ પડવા છતાય એ ગામમાં આવેલી સરકારી નિશાળમાં ત્રણેય છોકરીને ભણવા મોકલતી હતી.અહી મળતું મધ્યાહ્ન ભોજન એક કારણ હતું, અને બીજું કારણ હતું ગામમાંથી બહાર શહેરમાં ધંધો કરતા શેઠ છગનલાલે નિશાળમાં છોકરીઓ માટે પાંચ વર્ષ પહેલા બંધાવેલ મૂતરડી અને શૌચાલય.
સંતુ જાણતી હતી કે એકલા હાથે શહેર હોય કે ગામડું પણ છોકરીઓની દેખભાળ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. બહાર ખૂલ્લામાં કુદરતી હાજત માટે જતી છોકરીઓ ઉપર ગામના ઉતાર ગણાતા ભુખ્યા વરુઓની નજર ટાંપીને રહેતી હતી.
” અલી સંતુડી તું તો આખો દાડો દાડિયે જાઉં સુ પાછળ આ છોડિયું નું ધ્યોન કોણ રાખસ, એમા પણ વળી આતો બાપ વગરની છોકરીઓ અને તેમાય વંદના તો મૂઈ ગયા ભવનું ઉધાર બાકી હોય તેમ નાગરાણીનું રૂપ લઈને જન્મી સ. આ ર્ધુભા ના કાળિયા ની નજર બૌ હારી નથ” મનુ ડોસીએ બે ત્રણ વાર ચેતવી હતી.

વાત પણ સાચી હતી વંદના જાણે ચિંથરામા વીટાળેલું રતન હતી.તેના જન્મ પછી તેનો બાપ કટાક્ષમાં બોલ્યો હતો કે “સંતુ…., આ મારી જ છોકરી છે કે કોક તને આભના તારા બતાવી ગયું છે?” સંતુ જાણતી હતી કે મૂઓ મજાક કરી રહ્યો છે. કારણ કે જીવલો સંતુ માટે જાન પાથરતો હતો.પણ આ સુખ માંડ બીજા આઠ વરસ ચાલ્યું અને એક કાળોતરાએ જીવલાને ડંખ મારતા એ સ્વર્ગ સીધાવી ગયો અને સંતુંનાં સુખમાં ઝેર ભરી ગયુ.

ત્યાર પછી મજૂરીએ જતા નાની છોકરીને મનુબા પાસે અને મોટી બંને છોકરીઓને નિશાળમાં મુકીને જતી હતી. આજે કાળી ચાર વર્ષની અને મંગુ સાત વર્ષની અને વંદના સોળ વર્ષની થઈ હતી. ભણવામાં બહુ તેજસ્વી એવી વંદના મેટ્રીકમાં પાસ થઈ ગઈ હતી.
હવે આગળ ભણવા શહેર જવું પડતું હોવાથી નાં છૂટકે તેને ઘેર બેસવું પડ્યું. જોકે તેના ઘેર બેસવાથી સંતુને થોડી રાહત થઈ કે માં દીકરી ભેગા મળી મજૂરીએ જતા થયા જેથી આવકમાં થોડો વધારો થતો દેખાયો અને હવે રોજ રોટલા સાથે શાક પણ મળતું થયું.

પણ કરમની કઠણાય પણ કેવી હતી કે બીજા વર્ષે આખું ચોમાસું કોરૂ ધાકોર ગયું અને મજૂરી તો ઠીક ખાવાના સાંસા પાડવા લાગ્યા આખા ગામમાં બધાના આ હાલ હતો કોણ કોને મદદ કરે ?આ ભૂખ્યા ગરીબ લોકો માટે દેવતા સ્વરૂપ શેઠ છગનલાલે ગામને થોડી રાહત ફંડ મળે. એવા હેતુથી તેમના મુનીમ સાથે એક મદદનીશ તરીકે શિવા નામના યુવાનને ગામમાં મોકલ્યા. શેઠનાં મુનીમ સાથે જરૂરતમંદોને કપડા અનાજ પહોચાડતાં. થોડાજ દિવસોમાં મીઠા સ્વભાવના શિવાને ગામના બધાજ ઓળખવા લાગ્યા. યુવાન શિવાની નજર વંદના ઉપર પડી અને બોલી ઉઠયો, “આ તો ગામડા ગામનું ચીથરે વીટ્યુ રતન’’!!!!

તેમાય જાણવા મળ્યું કે આ છોકરી ગામમાં રહીને પણ ઘોરણ દસ સુધી ભણી છે આથી શિવાએ સંતુની આગળ વાત મૂકી,”સંતુ તારી આ છોકરી બહુ હોશિયાર લાગે છે. જો તને વાંધો નાં હોય તો તારી છોકરી વંદનાને શહેરમાં મોકલી આપ, શહેરમાં કમાણી છે, અને તને પણ મદદ રહેશે.
શિવાની વાત સાંભળીને ગરીબાઈમાં પીસાતી સંતુની નજર સમક્ષ નાની બે ભૂખી બાળકીઓના ચહેરા તરવરી ઉઠયા. બે પેટ ઠારવા એકને આગમાં શેકાવ્યા વિના છૂટકો નહોતો. શિવાએ બે ટંક ભરપેટ ખાવાનું સપનું દેખાડ્યું હતું. અને આમ કરવાથી વંદનાનું પણ કઈ ભલું થશે એવી આશાએ સંતુએ કમને હા પાડી.

વંદના માની મજબૂરી બરાબર સમજી ગઈ હતી આથી આંખના આંસુ છૂપાવી માને હિંમત બંધાવી ” માં તું ચિંતા નાં કરીશ હો શીવાબાબુ છે અને હું તારી ભણેલી બહાદુર દીકરી છું. ક્યાંક સારી નોકરી મળી જશે પછી તો હું તને અને બંને નાની બેનોને શહેરમાં બોલાવી લઈશ. બંનેને આપણે ભણાવીશું ,મા મને તારી દીકરી નહિ દીકરો માનજે!!”

સંતુ જાણતી હતી કે દીકરીને ભૂખ્યા વરુઓના શહેરમાં મોકલી રહી છે. છતાય ભારે હૈયે મજબૂરીની મારી એક માં કાળજાના કટકાને પરાણે કાપીને દૂર કર્યો.
“જા બેટા માં ખોડિયાર તારી રક્ષા કરે.” રડતા રડતા સંતુએ દીકરીના માથે હેતાળ હાથ ફેરવ્યો

વહેતા આંસુઓના ધોધને પરાણે રોકી પતરાની પેટી માં ચાર જોડ કપડા મૂકી સંતુએ વંદનાને શિવા સામે હાથ જોડી કરગરી પડી ” શીવાભાઈ મારી છોડીને તમારે આશરે મોકલું છું એને નોકરીએ કાંક સારા ઠેકાણે રાખજો.”

“હા..સંતુ, તું જરાય ચિંતા ના કરીશ તારી છોકરી બહુ હોશિયાર છે જલ્દી શહેરમાં ગોઠવાઈ જશે અને પછી તો તારે અહી લીલાલહેર થાશે” શિવાએ કહ્યું

હૈયામાં હામ ભરી વંદના શિવા જોડે શહેરમાં આવી ગઈ.શહેરમાં આવીને શિવાએ એની એક માસીને ઘેર વંદનાને રહેવાની ગોઠવણ કરી આપી .

બે દિવસમાં તો વંદનાને મમતા માસી સાથે બહુ ફાવી ગયું.માસી શહેરની બધી રીતભાત તેને શીખવવા માંડ્યા અને હોશિયાર વંદના બહુ ઝડપ થી બધું શીખવા માંડી ,

“વંદના તું બહુ રૂપાળી છે પણ તને જરાક આધુનિક રીતે શણગારવા ની જરૂર છે ,અહી નોકરીઓ કરતી છોકરીઓ મોર્ડન લાગવી જોઈએ ” કહી માસી તેને નજીકના ખાસ મોંઘા નહિ એવા બ્યૂટી પાર્લરમાં લઇ ગયા ત્યાં વંદના ઉપર હેરકટ,વેક્સિંગ બ્લીચીંગ અને થ્રેડીગ જેવા પ્રયોગો અજમાવી જોતજોતામાં શહેરની યુવતી જેવી બનાવી દીધી.

પહેલી વખત તેના શરીર ઉપર થયેલી આવી બધી ક્રિયાઓથી પીડા અનૂભવતી વંદનાએ જ્યારે તેના બદલાયેલા સ્વરૂપને અરિસામાં જોયું તો તે પણ આભી બની ગઈ અને બધાંજ દુઃખ પળવારમાં ભૂલી ગઈ. અઢાર વર્ષની વંદના આજે પહેલી વાર તેના ખુદના પ્રેમમાં પડી ગઈ.

“બસ છોડી ,આમ તારીજ જાતને ટીકી ટીકીને જોવાનું બંધ કર, નકામી તું તને જ પ્રેમ કરવા માંડીશ તો બીજા તને પ્રેમ કેમ કરીને કરશે?” કહી ખુશ થતા માસીએ વંદનાના ગોરા ગાલ ઉપર ચીમટો ખણ્યો. આ સાંભળતાં વંદના પણ શરમાઈ ગઈ.

અહી આવ્યાને વંદનાને પંદર દિવસ થઇ ગયા હવે તે જરૂરી મેકઅપ અને શહેરની ઘણી રીતરસમ શીખી ગઈ હતી.શિવો માસીને મળવા એકાંતરે આવતો રહેતો અને જ્યારે પણ આવે વધારે સમય વંદના સાથે વિતાવતો અને જ્યારે શિવો ધરે આવે એ સમય દરમિયાન માસી ,”બહાર કામ છે” એવું બહાનું કાઢી થોડો સમય ગાયબ થઈ જતા આ સ્થિતિથી ભોળી વંદના બિલકુલ અજાણ હતી.પરંતુ ચાલાક શિવો ધીમેધીમે વંદનાની નજીક સરતો જતો હતો.

વંદનામાંથી વંદુ કહીને બોલાવતો, સામે વંદના પણ તેને શિવાજી કહેતી હતી.
શિવો વંદનાને કહેતો, “વંદુ તું બહુ સુંદર છે .તું મને બહુ ગમે છે.તને ખબર છે હવે બે દિવસ થાય અને તને ના જોઉં તો મનમાં બેચેની થાય છે અને તારી પાસે અનાયાસે ખેંચાતો ચાલ્યો આવુ છુ. સાચે વંદુ તે મારા ઉપર જાદુ કર્યું છે.”

આ સાંભળતાં મુગ્ધ એવી વંદના શરમાઈ ગઈ.અત્યાર સુધી યૌવનમાં પગ મુક્યાં પછી પહેલી વાર તે કોઈ પૂરૂષને આટલી નજીક અનુભવતી હતી અને તેની આંખોમાં તેના પ્રત્યે આટલો લગાવ જોઈ તેનું યૌવનને બાહોમાં ભરી ઉડવાની તૈયારી કરતુ નાજુક હૈયું હાથથી છટકી ને પાસે બેઠેલા પૂરૂષની વાતોમાં જકડાઈ ગયું.

કાચી વયની અને શહેરમાં નવી આવેલી શમણાઓની પાંખે ઉડતી વંદના શિવા ની મોહજાળમાં બરાબર ફસાઈ ગઈ હતી. કારણકે વંદનાને નોકરી કરવાની ઉતાવળ હતી અને બને એટલા પૈસા કમાવા હતા અને એ કમાયેલા પૈસામાંથી બચત કરીને ગામડે રહેતી એની મા સંતુને મોકલી શકે.

એક દિવસ શિવો દુ:ખી ચહેરે મમતા માસીના ઘરે આવ્યો.આવતાની સાથે જ માથે હાથ દઈને પાસે પડેલી ખુરશીમાં બેસી પડ્યો.

“શું થયું ભાઈ કેમ આમ ઉદાસ થઈ ગયો છે ” માસી હેત બતાવતા બોલ્યા.

“માસી બહુ કોશિશ કરી અને આજે બહુ રખડ્યો પણ વંદનાને લાયક કોઈ સારી નોકરી મળતી નથી.”

“પણ શિવા….., આ છોકરીનું ઠેકાણું પાડવુ જ પડશે નહીતર ગામડે તેની માં ભૂખે મરતી હશે ” માસી બોલ્યા

માસી અને શિવા ની વાત સાંભળતાં જ વંદના રડી પડી અને બોલી,”માસી….,શિવાજી જે પણ કામ કહેશે એ હું કરીશ. મને મહેરબાની કરી કઈક કામ અપાવો, ઘરે રહીને એ પણ હવે કંટાળી ગઈ હતી. ”

વંદનાની આજીજી સાંભળીને શિવા તુંરત બોલ્યો,”એક કામ છે!બાર ડાન્સર તરીકેનું,પણ તને ત્યાં મોકલતા મારું મન નથી માનતું.”

“તમે ચિંતા નાં કરશો ,હું એ કામ કરીશ પણ મારે રૂપિયા જોઈયે છીએ મા રાહ જોતી હશે.” વંદના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

મમતા માસી અને શિવો એકબીજા સામે જોઈ કંઈક વિચિત્ર લાગે તેવું હસ્યા ….

શહેરના બદનામ ગણાતા એરિયામાં ચાલતા “મસ્તી બીયર બાર” શિવા ની ભલામણથી વંદનાને બાર ડાન્સર તરીકે કામ મળી ગયું. ત્યાં પહેલીવાર પગ મુકતા જ વંદના અંદરથી અને બહારથી કાંપતી હતી તેના ચહેરા ઉપર ભય અને ગભરાહટ ચોખ્ખા દેખાતા હતા.
” ગભરાતા ગભરાતા બોલી, “શિવાજી, અહી તો બધા દારૂડિયા જેવા લોકો જ દેખાય છે.મને બહુજ બીક લાગે છે.”

અમે મારી વ્હાલી વંદુ, તું જરાય ડરીશ નહી. હું અહી તારી આજુબાજુ જ રહીશ તું જરાય ફિકર નાં કરીશ બસ અહી આવતા ગ્રાહકો અને માલિક સાથે પ્રેમથી વાત કરજે. માલિક જે કામ બતાવે તે હસતા ચહેરે કરજે. એ દરેક કામને તું તારી નોકરીનો એક ભાગ માનજે .અહી શેઠ જે તને પગાર આપશે તે તું તારી માને ગામડે મોકલી શકીશ અને બીજું સામેના સ્ટેજ ઉપર તારે આમતેમ ડોલતા રહીને નાચ કરવાનો છે એના બદલામાં ગ્રાહકો ખુશ થઈ જે રૂપિયા આપે તેમાંથી અડઘા તારા હશે.અડધા બારના માલિક રાખશે.” આમ કહી બાકીના ટીપમાં આવતા અડધાની રૂપિયાની વ્યવસ્થા ચાલાક શિવાએ બીયર બારના માલિક સાથે મળી પોતાની ઐયાસી માટે કરી લીધી હતી.

બધું નક્કી થઈ જતા વંદનાએ બીજા દિવસની સાંજથી બારમાં નાચ કરવાનું શરુ કર્યું. સીગારેટનાં ધુમાડાના ગોટાઓ ઉડાળતાં શરાબમાં નશામાં ડોલતા પૂરૂષોનાં બીભત્સ હાસ્ય અને વાસનાભરી ગંદી નજરો વચ્ચે વંદનાને ખુબ ડર લાગતો હતો. શિવો ત્યા ખુણાના એક ટેબલ ઉપર બેઠેલો હતો એ તેની માટે હૈયાધારણા હતી. સંકોચ અને આંખોમાં શરમ ભરીને વંદના બીજી ચાર ડાન્સરોને જોઈ જોઈ મટકતી હતી છતાય તેમની જેમ બિન્દાસપણે શરીરનાં આરોહ-અવરોહને મૂક્તપણે મરોડી શકતી નહોતી.

આજે તો બીજીઓના પ્રમાણમાં ખાસ કઈ જ ટીપ મળી નહોતી છતાય નાજૂક નમણી વંદનાને પ્રથમવાર શરમ સાથે નાચતી જોઈ કેટલાક જમાનાના ખાધેલ ફિદા થઇ ગયા અને બસો રૂપિયા તેના હાથમાં આવી ગયા.પહેલીવાર જાત કમાણીના સો રૂપિયા જોઈ વંદનામાં હિંમત આવી ગઈ.

બીયર બારમાં થોડા દિવસો જતા વંદનાની શરમ ધીરે ધીરે બાષ્પીભવન થતી ગઇ. હવે તે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી બારમાં ગોઠવાયેલા ટેબલો ફરતી આંખોથી ચેનચાળા કરી બેઠેલાને લલચાવત. ગામડાની આ ભોળી છોકરીને તેના આ નાચ દરમિયાન તેને મળતી ટીપના રૂપિયા માત્ર દેખાતા હતા. તે ખૂશ હતી કે ભલે તેના આત્માને મારીને તે અહી કામ કરે છે પણ ગામડે તેની નાની બે બહેન અને ઘરડી થવા આવેલી તેની માં સુખે ભરપેટ ખાઈ તો શકે છે.

આ બાજ લાલચું શિવાને આ અડઘા મળતા ટીપના રૂપિયામાં હવે સંતોષ નહોતો.તેણે મમતા માસી સાથે મળીને આ સોનાની મરઘીને સારી કિંમત મળતા વેચવાનું કાવતરું ઘડી નાખ્યું

છેલ્લા કેટલાય સમયથી એક નબીરો સોહન મસ્તી બારમાં આવતો હતો અને શિવો જોઈ ગયો હતો કે તેની નજર વંદનાની આસપાસ લટ્ટુ બની મંડરાતી હતી. શિવાએ એનો બરાબર લાભ ઉઠાવ્યો અને વંદનાનો મોટા ભાવનો સોદો કરી નાખ્યો,
“સોહનભાઈ….., આ તો સો ટચનો માલ છે અને આ છોકરીની નથ વિંધાણી નથી.સાવ પેટીપેક માલ છે અને સોહનભાઇ આ છોકરી ગામડેથી આવી છે એ શહેરની નથી માટે તમારે એનાં નખરા પણ ઓછા સહન કરવા પડશે. જો તમે એકવાર હા કહો તો તે આખી જિંદગી તમારી ગુલામ બની રહેશે તેની ગેરંટી મારી”

શિવાની વાત સાંભળી પૈસાદાર બાપનો એકનો એક ઐયાસ નબીરો સોહનનાં મનમાં લાળ ટપકવા લાગી અને બોલ્યો,”ભલે શિવા,તું ભાવ બોલ, મારે ક્યાં તેને ઘરે લઇ જવાની છે, મારો શહેરની બહારનો ફ્લેટ ખાલી છે ત્યાં રહેશે” આટલુ બોલી સોહન મનોમન બબડ્યો કે એ પછી મને વધારાની કમાણી પણ કરી આપશે ”

એ રાતે જાણે સ્ત્રી કોઈ ચીજવસ્તુ હોય એ રીતે એનો તોલમોલ થયો અને પાંચ લાખની બોલીથી શરુ થયેલો સોદો છેવટ ત્રણ લાખમાં નક્કી થયો. એક જીવતી લાગણીથી લથપથ સ્ત્રી નિર્જીવ વસ્તુની માફક ત્રાજવે ચડી હતી.

રોજ સાંજે મમતામાસીને ઘરેથી સાદા વસ્ત્રોમાં બારમાં કામ કરવા જતી વંદના ત્યાં જઈ માહોલને અનુરૂપ કપડા અને મેકઅપ કરી લેતી. અઠવાડીયાના અડઘા દિવસ તો શિવો અહી મફતના રોટલા ખાઈ જતો. કોણ જાણે મમતા માસી જોડે શું ખીચડી રાધતો હતો કે એ માસી પણ આવ ભાઈ કહી ઘરનાં સભ્યની જેમ સાચવતી હતી.

આજે વંદનાને ઘરકામ પતાવી નીકળતા સહેજ મોડું થઈ ગયું હતું અને ઉતાવળમાં સાફ કરવા લાવેલા સાંજે પહેરવાના ચમકીલા ભપકાવાળા ચણીયાચોળીની થેલી ઘરે ભૂલી ગઈ. થોડે દુર જતા જ આ યાદ આવતા તે ઝડપથી ધર તરફ પાછી વળી. એણે જતા અડકાવેલું બારણું હજુ પણ અધખૂલ્લું હતું.માસી અને શિવા વચ્ચેની વાતોનાં શબ્દો વંદનાનાં કાને પડતા બારણું ખોલવા લંબાયેલો હાથ અટકી ગયો.

“શિવા તું ત્રણ લાખમાં બધું નક્કી કરી આવ્યો છે તેમાં લાખ મારા અને બે લાખ તારા આતો બરાબર છે. પણ શું આ છોડી માનશે ?ક્યાંક નાસી જશે કે બુમબરાડા કરશે તો શું કરીશું?”માસી થોડા હિચકિચાટથી બોલતા હતા.

માસી તમે વંદુની જરાય ચિંતા નાં કરો.હું બધું એને મારી રીતે સમજાવી દઇશ.આમ પણ તેની માં અને બહેનોની ભૂખનું બહાનું તો છે જ,અને હવે તેમને અહી શહેરમાં ભણાવવા આવું બધું કરવું જરૂરી છે.એવું બહાનું હું આગળ ઘરીશ. એક વાર સોહનશેઠના પીંજરામાં પૂરાયેલું પંખી ક્યાય બહાર જવાનું નથી. બસ હવે આ ભાર તારે માથે ચાર દિવસ જ છે માસી.પછી આપણે નવા પંખીની શોધ આદરીશું.”

“શિવા….,તું જે રીતે કહે છે એટલું સહેલું તો નથી આ વંદનાને મનાવવાનું. કારણકે એને હવે શહેરની હવા લાગી ગઇ છે.” માસીએ શિવાને કહ્યું.

“માસી……,તમે ચિંતા ના કરો.હું વંદનાને રવિવારે એક પાર્ટીમાં ડાન્સ કરવા જવાનું છે. એવું કહીને એને સોહમશેઠના બંગલે લઇ જઈશ અને ત્યાં વંદનાને ઘેનની દવાવાળું સરબત પીવડાવી દેશે.એ પછી સોહમ શેઠ વંદનાં પર કાયમને માટે તેમની મહોર લગાવી દેશે ” શિવો બિભત્સ હાસ્ય વેરતાં બોલ્યો.

વંદનાને માથે તો જાણે આખું આભ તૂટી પડ્યું.એને લાગ્યું કે અંધારું ભરેલા કોઈ વિશાળ જંગલમાં એકલી પડી ગઈ છે અને ચારે કોર ભૂખાળવી નજર મનુષ્ય નામનાં પશું એને તાકી રહ્યા હોય.માંડ માંડ પોતાની જાત પર કાબું કર્યો.શહેરમાં આવ્યા પછી વંદનામાં ચાલાકી અને હોશિંયારી આવી ગઇ હતી અને આમ પણ એ ચતૂર હતી. કશો પણ અવાજ કર્યા વિના ઝડપથી પાછી વળી ગઈ.તે રાતે તે ડાન્સ બારમાં જવાને બદલે નજીકના મંદિરને ઓટલે બેસી રહી કઈક વિચારી છેક મોડી રાત્રે ઘેર પાછી આવી. સવારે માસી જાગે તે પહેલા તેના કપડાની પોટલી અને થોડા જુદા રાખી મુકેલા પૈસાની પોટલી લઇ બિલ્લીપગે ખૂલ્લા આભ તળે એકલી નીકળી પડી .

ચાર દિવસ પહેલા અહીના લોકલ ન્યૂઝ પેપેરમાં વાચેલી વાત આજે વંદનાનાં હૈયે ધરપત સાથે ઘીરજ બંધાવી ગઈ હતી.એ કે જેમાં એક બળાત્કારની ઘટનાં વિરુદ્ધ અહીની એક નારીસંસ્થાએ કરેલો ઉહાપોહ અને તેના કારણે બળાત્કારીને મળેલી સજાનાં સમાચાર છપાયા હતા.

આજે હિંમત કરી વંદના એ નારી સંસ્થાના બારણે જઈને ઉભી રહી.થોડી ગડમથલ સાથે નારી સંસ્થાની ઓફિસમાં એને પ્રવેશ કર્યો.અંદર આવી એટલે ઓફિસમાં અનેક આધેડ વયની મહિલાઓને જોઇ. એમાની એક મહિલાની નજર વંદનાં પર પડતા એને પુછ્યુ,”” શું નામ છે છોકરી તારું અને કેમ અહી આવવાનું થયું ?”

“મેડમ….., મારુ નામ વંદના છે અને મારે મોટા મેડમને મળવું છે.”આટલું બોલીને તેની આંખોમાં આંસુ સરી આવ્યા.
તેની આ દશા જોઈ એ બહેન વંદનાને સીધા આ સંસ્થાના મુખ્યા મીનાબહેન પાસે લઇ ગયા.

“આવ દીકરી શું કામ છે તને?શું થયું ?” મીનાબહેન પ્રેમાળ સ્વરે બોલ્યા .

વંદનાને મીનાબેનની પ્રેમાળતા સ્પર્શી ગઈ અને તે ધ્રુસકે રડી પડી.મીનાબેન તરફ સાંત્વના અને સહાનુંભૂતિ મળતા વંદનામાં હિંમત આવી અને તેને શરૂઆતથી લઈ આજ સુધીની આપવીતી કહી સંભળાવી …..

વંદનાની વાત ધીરજપૂર્વક સાંભળ્યા બાદ મીનાબેન બોલ્યા,”બેટા,હવે તું જરાય ચિંતા કરતી નહી.ક્પ્ તારે ઘરે પાછા જવું હોય તો હું તારી ટીકીટ ની વ્યવસ્થા કરાવી દઉ છું.”

“નાં મોટા બહેન….હવે હું ગામડે પાછી જઈને કરીશ પણ શુ? મસરી આશામાં જીવતી મારી માં અને નાની બહેનો ઉપર બોજ બનવા નથી માગતી. અહી ક્યાંક નોકરી અપાવો તો હું ચાર પૈસા કમાઈને મા અને નાની બહેનોનું જીવન સુધારી શકું. ત્યાં ગામડાગામ તો ખાવાના પણ સાંસા પડે છે.”વંદનાએ મક્કમતાંથી કહ્યું.

વંદનાની આવી હાલત જોઈ મીનાબહેને તેની રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થામાં કરી આપી અને કામ અપાવવાની હૈયા ધારણા પણ આપી આથી વંદના અહી પોતાને સુરક્ષિત માનવા લાગી.

તેના નાજુક ચહેરા ઉપર સદાય રમતા મૃદુ હાસ્ય અને પરગજુ વૃત્તિના કારણે થોડા દિવસોમાં વંદનાએ અહી રહેતા બધાનું દિલ જીતી લીધું.મીના બહેન સમજી ગયા કે આ છોકરી બહુ હોશિયાર છે.જો તેને સાથ મળશે તો જરૂર આગળ વધી શકે તેમ છે .

એક દિવસ મીનાબહેને વંદનાને પોતાની ઓફિસમાં બોલાવીને કહ્યુ,”વંદના…તને હું અહી આપણી સંસ્થામાં પાર્ટ ટાઈમ કામ અપાવી દઈશ અને તેમાથી મળતી રકમ તું તારી માને મોકલી આપજે.જેથી તારે બહાર કામ કરવા જવાનો સમય બચી જાય અને બાકીના સમય માં જો તું ઈચ્છે તો અહી રહી આગળ ભણી શકે છે.”

મીનાબહેનની વાત સાથે વંદના તુરત સહમત થઈ ગઈ.એનાં માટે તો જાણે કોઈ ભૂખ્યા સામે પકવાન ભરેલી થાળી પીરસાઈ હોય એવું લાગ્યુ.તેને લાગ્યું કે આગળ ભણવાના તેના અઘુરા સ્વપ્નને પૂરા કરવાનો સામેથી મોકો મળ્યો છે. મળ્યો છે મારા માટે ભવિષ્યની પ્રગતિનો રસ્તો ખુલી ગયો..

વંદનાએ સંસ્થાના કામ સાથે ઘગસ અને મહેનતથી ભણવાનું શરુ કરી દીધું. ક્યારેક રજાઓમાં બે ચાર દિવસ મા બહેનોને મળવા જતી. ત્યારે પોતાનાં પરિવારને મળીને એનાં ચહેરાની ખુશી જોઈ તેની હિંમત બેવડાઈ જતી હતી.

વંદનાએ બારમું ઘોરણ સારા માર્ક્સ સાથે પાસ કરી આગળ કોમ્યુટરનો કોર્સ કર્યો.
” બહેન હવે મને ક્યાંક સારી નોકરી મળી જાય તો હું મારા પગ ઉપર ઉભી રહી શકું તેમ છું.” વંદનાની ઈચ્છાને માન આપી મીનાબહેને આ શહેરમાં સી આઈ ડીની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની નવી ખુલેલી ઓફિસમાં પોતાની ઓળખાણ લગાવી નોકરી અપાવી દીધી.

અહીની ઓફિસનું મુખ્ય કામ હતું કે તેને ટેકનોલોજીના પડદા પાછળ છુપાઈને સ્ત્રીઓને હેરાન કરનારા વિકૃત લોકોને સમાજમાં ખુલ્લા પાડવાનું કામ કરવું હતું.
આવા લોકોને જાળમાં ફસાવવા વંદના તેના રૂપનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતી હતી. ઈન્ટરનેટ ઉપર ખોટી આઈડી બનાવી તેમની જાળમાં સામેથી ફસાઈને છેવટે તેમને ખુલ્લા પાડવા માટે મેદાને ઉતરતી.
વંદનાને આ કામ ખુબજ ફાવી ગયું હતું. વંદનાની તેની આગવી સમજ અને હિંમતના કારણે સ્ત્રીઓના અર્ધનગ્ન ફોટો કે વિડીયો કલીપ કરીને તેમને બ્લેકમેલ કરનારી એક આખી મજબુત ટુકડીને જનતા અને પોલીસ સમક્ષ ખુલ્લી પડી હતી.
આ નોકરીની સાથે સાથે આગળ ભણીને વંદનાએ એમ.સી.એ પણ ફાઇનલ કર્યુ. ત્યાર બાદ તેને બઢતી રૂપે સ્પેશિયલ સાઇબર ક્રાઇમમાં ખસેડવામાં આવી.વંદનાની આ મહત્વની કામગીરી રૂપે રાજય સરકાર તરફથી ખાસ સન્માન પત્ર આપવામાં આવ્યુ.

રૂપાળી એવી વંદનાની બહાદૂરી અને કાબેલિયત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ રણમલ પરમારના હૃદયમાં જગ્યા બનાવી ગઈ. કાયમ કામ કરતા હોવાથી બંને વચ્ચે મીઠા સંબંધો બંધાઈ ગયા. છેવટે અઠ્યાવીસ વર્ષની વંદના અને બત્રીસ વર્ષના રણમલ પરમારના લગ્ન ગોઠવાઈ ગયા.

રણમલ પરમારે માતાપિતાને નાનપણમાં ગુમાવી દીધા હતા આથી મામાએ તેને ભણાવ્યો હતો. વંદનાં સાથે લગ્ન પછી રણમલ સાથે પોલિસ કવાટરમાં રહેવાં આવી ગઇ.

સમય જતા વંદના તેની મા અને બહેન માટે આ જ શહેરમાં એક નાનકડું ઘર લઇ દીધું અને બંને બહેનોને આગળ ભણવા માટે શહેરની સ્કુલમાં એડમિશન અપાવી દીધુ.

સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ખૂબ કામ હોવા છતાં વંદનાં અઠવાડિયામાં બે વખત તે સમય કાઢીને મીનાબહેનની સંસ્થામાં મદદ માટે જતી હતી.અહી નારી સંસ્થામાં સ્ત્રીઓની સુરક્ષા માટે છોકરીઓને ત્યાં સેલ્ફ ડિફેન્સના ક્લાસ શીખવવાની શરૂવાત વંદનાએ પોતાના ખર્ચે કરાવી હતી અહી માર્શલ આર્ટસ: કરાટે, કિક-બોક્સિગં જેવી આર્ટસ સ્વરક્ષણ માટે શીખવવામાં આવતી હતી.જેથી જરૂર પડે સ્ત્રીઓ પોતાનું રક્ષણ કરી શકે. વંદના સાચા અર્થમાં શક્તિનું સ્વરૂપ બની ગઈ .

સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં હોવાથી ખાખી વર્દી પહેરેલી રૂપકડી વંદનાં હવે એક કડક મહિલા પોલિસ ઓફિસર જેવી લાગતી હતી.

રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: