વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર અને ઓલ્ડેજ હોમ- રેખા પટેલ (ડેલાવર)
હાથ પગ ચાલતા હોય ત્યારે જે માણસે જિંદગીને છલોછલ માણી હોય એની માટે એકલતા, વૃદ્ધાવસ્થા અને બીમારી આ ત્રણનું એક સાથે આવવું, એટેલે જાણે નર્કમાં હોવાનો અહેસાસ. આવી સ્થિતિને જેઓ સહજતાથી સ્વીકારી લેતા હોય તેમની માટે આ અસહ્ય નથી. પરંતુ જેઓ સદાય કોઈના સંગાથમાં છત્રછાયા હેઠળ જીવ્યા હોય તેની માટે આ સ્થિતિ દયાજનક બની જાય છે.
સુધીરભાઈ અને તેમના પત્ની પંચાવનની આસપાસ અહી રહેતા દીકરા અને વહુ સાથે બાકીનું જીવન વ્યતીત કરવા આવી પહોચ્યાં. દીકરાના ઘરે બે બાળકો હતા, દીકરા અને વહુને પણ ઘર અને બાળકો માટે વડીલોની જરૂર હતી આથી આથી જીવન સરસ વીતતું રહ્યું. સુધીરભાઈ ભણેલા હતા આથી અહી એક સ્ટોરમાં જોબ પણ મળી ગઈ. જૂની ગાડી પણ લઇ આવ્યા. ટુંકમાં અમેરિકામાં વિકેન્ડ પોતાની મરજી મુજબ જીવી લેતા. પંચોતેર વર્ષે પત્નીના જવાથી તે સાવ એકલા થઇ ગયા. દીકરો અને વહુ નોકરી કરતા અને સમય જતા બંને બાળકો યુવાન થતા પોતપોતાની જીંદગીમાં વ્યસ્ત રહેવા લાગ્યા. સુધીરભાઈ પાસે હવે નોકરી પણ નહોતી ઘરે એકલવાયા બીમાર રહેતા આ વડીલ બહુ ચીડિયા થઈ ગયા.
તેમની આ હાલત જોઈ દીકરાને દુઃખ થતું. છેવટે તેમને કોઈએ નજીકના ટાઉનમાં ચાલતા એડલ્ટ ડે કેરની વાત કરી. અમેરિકામાં પાંસઠ વર્ષ પછી ઓછી આવક ઘરાવતા કે ડિસેબલ લોકોને મેડીકેડ અપાય છે. જે પ્રોગ્રામનાં ભાગ રૂપે આવા વૃધ્ધો માટે ખાસ એડલ્ટ ડે કેરની વ્યવસ્થા હોય છે.
આ ડે કેર સેન્ટર સર્વિસ કારની વ્યવસ્થા કરતા હોય છે જેમાં વૃધ્ધોને ઘરે પીકઅપ અને ડ્રોપ કરવા માટે આવે છે. દિવસના પાંચ કલાક તેઓ ત્યાં રખાય છે. જેથી તેમનો આ સમય હસી ખુશીમાં વીતી જાય.
દીકરાએ તેના પિતાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી. સુધીરભાઈ માટે આ વ્યવસ્થા આશીર્વાદ સમી પુરવાર થઈ.
આવા સેન્ટરોમાં મઝાની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અહી આવતા વડીલોને હળવી એકસરસાઈઝ કરાવે છે,ગેમ રમાડે છે. સાથે ભજન આરતી સાથે સિનેમા પણ બતાવે છે. ક્યારેક બહાર શોપીંગમાં પણ લઇ જવાય છે.
અમેરિકામાં ઘણા મોટા શહેરોમાં આવા એડલ્ટ ડે કેર ચાલતા હોય છે. કેટલાક માત્ર ઇન્ડિયન્સ માટેના અલગ પણ હોય છે. તેમનું મુખ્ય ધ્યેય વડીલોને સુવિધા સાથે ઘર જેવું વાતાવરણ તેમની જિંદગીના પાછલા વર્ષોને ખુશીથી ભરી દેતા હોય છે. કારણ અહી તેને તેમના જેવા હમઉમ્ર મિત્રો મળી જાય છે.જે તેમની એકલતા ભાંગે છે અને જિંદગી જીવવા જેવી લાગે છે.
આવીજ રીતે અમેરિકામાં એડલ્ટ નર્સિંગહોમ કેર પણ ચાલે છે. આ નર્સિંગહોમ એટલે કે પાંસઠ પછી ડિસેબલ થયેલાં વ્યક્તિઓનું કાયમી રહેઠાણ. જ્યાં આવ્યા પછી ભાગ્યેજ ઘરે પાછા જઈ શકે છે. આજ ઘર અને આજ દવાખાનું બની જતું હોય છે.
અહી આવતા વડીલો પ્રેમ અને હુંફના હકદાર હોય છે. કેટલાક તો સાવ પથારીવશ હોય છે તેમને સુતા સુતા ટીવી,સંગીત અને વાંચન જેવી વ્યવસ્થા થતી હોય છે.
અહી ૨૪ કલાકની સુવિધાઓ આપવામાં આવે છે, કાયમ અહી રહેવાનું હોવાથી તેમને ઘર જેવું જ વાતાવરણ મળવું જોઈએ તેમ વિચારી અહી સવાર સાંજની આરતીથી માંડી બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જે વૃધ્ધો ઘરે એકલતાનો ભોગ બની રહ્યા હોય કે ગંભીર બીમારીમાં ઘરે તેમની યોગ્ય સારવાર ના થઇ શકતી હોય,તેવા દર્દીઓ માટે આવી જગ્યાઓ ઘર કરતા પણ વધારે પોતીકી બની જાય છે. કાયમી રહેતા વૃધ્ધો એકમેકના સાથી બની જાય છે અને સુખેથી પાછલી ઉંમર વિતાવે છે. છતાં પણ સ્વજનોને ચોક્કસ યાદ કરતા હોય છે. આથી વર્ષમાં બે વાર અહીં રહેતાં વૃધ્ધોના પરિવારને એકઠાં કરવામાં આવે છે.આમ કોમર્સિયલ ચાલતાં આવા સેન્ટરો અંગત રીતે માનવતાનું કામ પણ કરી રહ્યા હોય છે.
વૃઘ્ઘવસ્થા એક એવી બીમારી છે જે દરેકને આવીને વળગવાની છે “આજે મારો વારો તો કાલે તારો વારો ” જેવું છે. આથી કોઈ પણ વૃદ્ધની લાચારીને જોઈ આડી આંખ કરવાને બદલે તેમને અને તેમની જરૂરીયાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વડીલો તેમની ઢળતી ઉંમરે હૂંફ અને સમય માગે છે. છતાં પણ એમ લાગે કે આપણે આટલું નથી કરી શકતા ત્યારે અસહાયતા અનુભવતા વૃધ્ધો માટે આવા ડેકેર સેન્ટર કે નર્સિગહોમ કેર મંદિર સમા બની જાય છે. લોક શું કહેશે તે ભૂલીને તેમને ત્યાં જવાની પ્રેરણા આપવી જરૂરી બને છે. જેથી તેઓ તેમની આ અવસ્થાને સુખમય જીવી શકે.
જે સંતાનો માટે પોતાની જરૂરીયાતને સિમિત રાખીને સંતાનોને કોઇ ઉણપ દેખાવા દીધી ના હોય એવાં માતા પિતા માટે તેમની પાછલી ઉમરમાં અવહેલના કરે છે ત્યારે પારિવારીક મુલ્યોનું અવમુલ્યન ચોક્ક્સ થાય છે અને માનવતાને એક ડાધ ચોક્ક્સ લાગે છે.
ફ્લોરીડામાં આવેલું શાંતિનિકેતન પણ આવુજ રેસિડન્સ છે જેનું લક્ષ્ય ખાસ કરીને પંચાવન વર્ષથી વધારે ઉંમર ધરાવતા રીટાયર્ડ મેન્ટ ભોગવતા લોકો જેમાં સમગ્ર વિશ્વના લોકો, તેમાય ખાસ કરીને અમેરિકામાં વસવાટ કરતા ભારતીય નાગરીકો માટે સારી ગુણવત્તાયુક્ત જીવનશૈલીને પૂરી પાડવા માટેની યોજના છે. જેમાં તેમને તેમની જરૂરીયાત મુજબ ઘર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
૨૦૦૬મા તેમને આખા અમેરિકામાં ફરીને એ જાણવા પ્રયત્ન કર્યો કે વડીલોની આખરી સમયમાં માંગ શું હોય છે તેમની ઈચ્છા કેવી રીતે બાકીનું જીવન વિતાવવું છે. અને તે પ્રમાણે તેમની માંગ પ્રમાણે આખીય યોજના હાથ થરી.
સહુ પ્રથમ આજથી દસ વર્ષ પહેલા મૂળ ચીન્નાઈના વતની ઇગી ઇગ્નટીયસ એ શાંતિનિકેતન રેસીડેન્સીની શરૂઆત ફ્લોરીડાના ઓરલાન્ડો શહેરથી ૪૦ માઈલ દુર તવેર્સમાં ૨૦૦૮માં ૫૭ કોન્ડો હાઉસથી શરુ કરી હતી. આની બાંધણી ખુબ સુવ્યવસ્થિત રીતે ઉંમર વાળા વૃધ્ધોને તકલીફ ના પડે તે રીતે કરાઈ છે.
આ સમય દરમિયાન અમેરિકામાં આવેલા મની ક્રાઈસીસમાં ઇગી ઇગ્નટીયસ ને ખુબ તકલીફ પડી હતી. છેવટે પ્રથમ દસ રેસીડન્સી તરીકે મળી આવેલા ઇન્વેસ્ટરોની અને બીજા ઇન્વેસ્ટરોની મદદથી ૨૦૧૧માં આખો પ્રોજેક્ટ પૂરો થયો. આજે તેમાં ૩૦૦૦ થી પણ વધારે વૃધ્ધો અહી ખુશી ખુશી રહે છે. આ પ્રોજેક્ટ નું નામ તેમની સ્વર્ગસ્થ પત્ની શાંતિના નામ ઉપર થી રખાયું છે.
આ મકાનોની વચમાં એક મોટું ક્લબ હાઉસ બનાવેલું છે. જેમાં જીમ, લાઈબ્રેરી, પૂજા આરતી માટે મંદિર , યોગા રૂમ તથા એક મોટા હોલમાં સવાર બપોર અને સાંજ જમવા તથા નાસ્તા માટે ડાઈનીંગ રૂમ આવેલા છે. સાંજે ડીનર પહેલાના હેપી અવર્સમાં કેટલાય વૃદ્ધો ક્લબ હાઉસની બહાર ગપાટા મારતા જોવા મળે છે ત્યારે ગામની બહાર આવેલો ચોતરો બરાબર યાદ આવી જાય છે. તેવીજ અનુભૂતિ થી ખુશી થઇ આવે છે.
સામાન્ય રીતે અહી રહેનારે સહુ પ્રથમ ઘર ખરીદી લેવાનું હોય છે ત્યાર બાદ તેની ઈચ્છા પ્રમાણે ઘરે રાંધી શકે અથવાતો અહી જમવાનું બંધાવી શકે છે. અથવા જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ૪૮ કલાક પહેલા ઈમેલ દ્વારા જમવામાં હાજરી આપશે તેમ જણાવી દેવાનું હોય છે. અને એ પ્રમાણે ડોલર્સ લેવામાં આવે છે. અઠવાડિયામાં બે ત્રણ સાંજ જમવાનું પત્યા પછી કઈકને કઈ કાર્યક્રમોની યોજાતા રહે છે.
સામાન્ય રીતે આખો મહિનો અહી દરેક ટાંક જમવા અને રહેવાનો બે જણનો ૧૨૦૦ ડોલર્સ ખર્ચ આવતો હોય છે. જેમાં બધુજ આવી જાય. આખી લાઈફ નોકરી કરી હોય તો પતિપત્નીને ભેગા મળીને મહીને આનાથી વધારે રીટાયર્ડમેન્ટ આવતું હોય છે આથી તે ખર્ચ કોઈને ખાસ ભારે પડતો નથી.
ત્યાર બાદ બીજા ૧૧૦ કોન્ડો બન્યા. માંગ વધતા ફરી ત્રીજા પ્રોજેક્ટમાં ફરી ૧૧૦ બન્યા જેમાં હવે ત્રણ બેડરૂમના વધારે સહુલીયત વાળા ઘર બનાવાયા છે. હવે બીમાર અને અસક્ત વૃધ્ધો માટે નર્સિંગહોમ પણ ટૂંક સમયમાં બની રહ્યું છે. આનાથી એક વધારાનો ફાયદો એ થશે કે પોતાની જાતે કઈ ના કરી શકે તેવા વૃધ્ધોને કોઈ ઓરડાના ખુણામાં સેવા વગર નહિ રહેવું પડે. અહી ડોક્ટર્સ અને નર્સોની સેવા પણ ઉપલબ્ધ રહેશે.
ઇગી ઇગ્નટીયસ સાથે થયેલી વાત ચિત મુજબ તેમને જણાવ્યું હતું કે આવ રહેઠાણ બનાવવાનું સ્વપ્ન બાળપણ થી મનમાં રોપાયું હતું જ્યારે એ ચિન્નાઈના તેમના ઘરે રહેતા હતા. ત્યારે ઘરે કામ કરતી બાઈ ઘરડી અને બીમાર થઇ જતા તેને નોકરના કવાટર્સમાં રહેવાની અને બે ટાઈમના જમવાની સહુલીયત આપી હતી આ ઉપરાંત ત્યાં તેની સાથે કોઈ વાત કરવા કે દુઃખ વહેચવા કોઈ ખાસ હતું નહિ.
દિવસે દિવસે તબિયત બગડતી હતી. તેવામાં ત્યાંના ચર્ચની નન આવીને તે બાઈને તેમની સંસ્થામાં લઇ ગઈ.
ચમત્કારિક રીતે તે બીમાર બાઈની તબિયતમાં દેખીતો સુધારો આવી ગયો. બસ ત્યારેથી આ સ્વપ્ન મનમાં લઈને તેઓ ફરતા હતા.
શરૂઆતમાં તેમના આ પ્રોજેક્ટ ઉપર કોઈનેય ખાસ વિશ્વાસ નહોતો અવાતો. કોઈ પોતાનું ઘર કુટુંબ અને કાયમી જગ્યા છોડી દુર છેક ફ્લોરીડા કેવી રીતે રહેવા જઈ શકાય ?
શાંતિનિકેતનમાં વળતા પોતાના સ્વજનો સાથે તેમના બાળકો કે મહેમાન ત્યાં થોડા સમાય માટે રહેવા જઈ શકે છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ૩૦ દિવસ સુધી દાદા દાદી કે નાના નાની સાથે રહી શકે છે.
અહી રહેવા આવેલા વડીલો સાથે પ્રત્યક્ષ મુકાલાત દરમિયાન અહીની વ્યવસ્થા વિષે ખુબ જાણવા મળ્યું તે આધારે તેઓ અહી આવીને ખુબજ ખુશ છે. તેમની જૂની જીંદગી કરતા આ ખુબ મઝાની આનંદ ભરી લાગે છે.
ઇગીના જણાવ્યા પ્રમાણે જેઓ અમેરિકાની સમૃદ્ધિ વચમાં પણ એકલતામાં રહેતા હોય તેમની માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. એક રીતે આ વાત સાચી પણ છે.
“મારી ધારણાથી તદ્દન વિરુદ્ધ મેં અહી દરેકના ચહેરા ઉપર માયુસીને બદલે ખુશમિજાજી અને જિંદગીના આ વર્ષોને મનભરી જીવી લેવાની ઝંખના અને ખુશી જોઈ છે.”