વાઇરસના ભરડામાં અમેરિકા-.- રેખા પટેલ (ડેલાવર, અમેરિકા)
આતંકવાદ સામે ઝુક્યા કે ડર્યા વિના લડનાર અમેરિકા આજે અજાણ્યા વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે. આજે જ્યારે આખું વિશ્વ કોરોનાવાઈરસના ભરડામાં જકડાઈ રહ્યું છે ત્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી. મહાસત્તા તરીકે નામના મેળવનાર અમેરિકા આજે વાઇરસના ડેન્ઝર ઝોન માંથી પસાર થઇ રહ્યું છે. આશરે ૧૬૦,૦૦૦ અમેરિકાનો કોવીડ-૧૯ ના ઝપેટમાં આવી ગયા છે. અને ૨૯૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે. અમેરિકાનું હાર્ટ ગણાતું ન્યુયોર્ક નાઈન ઇલેવનના હુમલાનો માર ખમી શક્યું હતું, પરંતુ આજે અજ્ઞાત મહા વિનાશી વાઈરસી રાક્ષસ સામે લડત આપતા હાંફી ગયું છે એ વાતને નકારી શકાતી નથી. ચોવીસ કલાક દોડતું શહેર સન્નાટામાં ઘેરાઈ ગયું છે. જોકે આ સ્થિતિ આજે દુનિયાભરનાં દેશોની છે. છતાં નજરે નિહાળેલી પરિસ્થતિ હ્રદયદ્રાવક લાગે છે.
વિશ્વના ૧૯૬ દેશોઆની ઝપટમાં આવી ગયા છે. બીજા દેશોની માફક અમેરિકા પણ આ વાઇરસના હુમલા માટે તૈયાર નહોતું. ચીન અને ઇટાલીના સમયે અમેરિકા સાવચેત થઇ ગયું હોત તો કદાચ આજની સ્થિતિ આટલી ભયજનક ના હોત. ઓછામાં ઓછું જરૂરી પ્રાથમિક વસ્તુઓ ભેગી કરી શક્યું હોય. દરેકને માસ્ક, હેન્ડગ્લવ્સ અન સેનેટાઇઝર મળી ગયા હોત તો આ વાઈરસ કદાચ આટલી હદે કદાચ આ ના વકર્યો હોત. પાણી આવ્યા પહેલા પાળ બંધાઈ હોત તો કદાચ આજ હાલત થોડી સારી હોત એવું માની શકાય છે.
આ સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. તેને રોકવા આપણે દરેકે ભાગ ભજવવો પડશે.
અમેરિકા સંપૂર્ણપણે લોક ડાઉન નથી પરંતુ અહી રહેતા બધાની ફરજ બને કે જાતે લોક ડાઉન થઈએ. આપણી ફરજ જાતે સમજીને કામ વગર બહાર જવાનું કે ભેગા થવાનું ટાળીએ.
દેશની આ પરિસ્થિતિ જોતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે રવિવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સામાજિક અંતર રાખવા માટેનો કાયદો પહેલા ૨૨ માર્ચ હતો તે આગળ વધારી ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો છે. જેમાં નાનામોટા બધાજ મેળાવડા બંધ રાખવામાં આવ્યા છે. લોકલ બિઝનેશ જેની પ્રાથમિક જરૂરિયાતો નથી, સાથે રેસ્ટોરન્ટ વગેરે પણ બંધ કરાયા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ Al ના એલર્જી અને ચેપી રોગોના નિષ્ણાત ડો. એન્થોની એસ. ફૌસીએ વ્હાઇટ હાઉસમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે આટલી તીવ્રતાથી જો આ રોગ ફેલાતો રહેશે તો ૧૦૦,૦૦૦ થી ૨૦૦,૦૦૦ અમેરિકનોની મૃત્યુ પામવાનો ડર રહેલો છે. તેમણે પ્રેસીડેન્ટ ટ્રમ્પને સલાહ આપતા જણાવ્યું હતુકે સ્ટે એટ હોમના ઓર્ડરને વધુ સખત બનાવવો જોઈએ. મૃત્યુનો દર જો આટલી મોટી સંખ્યાનો થાય તેના ઇતિહાસમાં આ પહેલો આવો દુઃખદ પ્રસંગ ગણાશે. આખા અમેરિકાને આ અસહ્ય દુઃખનો સામનો કરવો પડશે.
અંદાજ લગાવવામાં આવે છે કે દેશને સંપૂર્ણપણે વાઈરસ મુક્ત થતા એક વર્ષ નીકળી જશે. ત્યાં સુધીમા યુનાઇટેડ સ્ટેટ્સને 3.5 અબજ માસ્કની જરૂર પડશે.
ન્યુયોર્કનાં વધતા જતા વાઈરસ ગ્રસ્તોની સંખ્યા સામે બચાવના સાઘનો ખુબ ઓછા પડે છે. આજ રીતે રહેશે તો માત્ર એક વિક ચાલી શકે એટલો પુરવઠો બાકી રહ્યાની ચિંતા ત્યાના ગવર્નરે વ્યક્ત કરી હતી. છતાં બહારથી મંગાવી રહેલા આવવાની તૈયારીમાં છે એવી હૈયા ધારણા તેમને મળતી રહી છે. એ સાધનોમાં મોટાભાગનો પુરવઠો ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટને પૂરો પડાશે, બાકીનો વિસ્તાર અને દેશભરના અન્ય ઉચ્ચ જોખમવાળા વિસ્તારોના નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં જશે.
અપૂરતા સાધનો હોવાના લીધે સાચા માસ્ક કે સ્નોર્ક્લીન્ગ માટેના માસ્કનો ઉપયોગ કરી વાઈરસ યુદ્ધ સામે લડત આપી રહેલા ડોકટરો અને મેડીકલ આસીસ્ટન્ટ તથા સ્વયંસેવકોને સલામ. જીવનાં જોખમે અત્યારે મેડીકલ ક્ષેત્રમાં રહેલા ડોક્ટર્સ થી લઈને હોસ્પીટલમાં રહેલા સામાન્ય કાર્યકરો સતત દર્દીઓ વચ્ચે તેમની દેખરેખ કરતા રહે છે, આ દરમિયાન વાઈરસ ગ્રસ્ત થવાનો ડર તેમને સહુ પહેલા રહેલો છે. છતાં પણ એ દરેક મેડીકલ કાર્યકર અત્યારે ઘરે રહેવાને બદલે જવાબદારીથી નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે. આ હજારો કર્મચારીઓ પોતાના જીવન જોખમે કામ કરી રહ્યા છે. તેઓ ડોલર્સ માટે કરે છે તેવું માનવાની જરાય ભૂલ ના કરવી. જીવ કરતા વધારે કોઈને કશુજ વહાલું નથી. પરંતુ પોતાની આ ફરજ છે અને સમાજની અત્યારે તેમને જરૂર છે સમજી તેઓ કામ કરી રહ્યા છે. તેમનું અમેરિકા જરૂર ઋણી રહેશે.
આ લોકોની અંગત સમસ્યાઓ અત્યારે બાજુ ઉપર મુકીએ તો, રક્ષણાત્મક ઉપકરણો સાથે હોસ્પીટલના કપડા લાંબો સમય પહેરવાથી બાથરૂમ જવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિમાં સતત કામ કરવાથી શારીરિક રૂપે થાકી જાય છે. અપૂરતી ઊંધ અને થાક બેવડાઈ ગયો છે. છતાં અત્યારે તેમની જરૂરીયાત છે સમજીને દરેક દેશના મેડીકલ કર્મચારીઓ ખડા પગે સેવા આપી રહ્યા છે તેમને સો સલામી પણ ઓછી પડે છે.
ન્યુયોર્કની એક મોટી હોસ્પીટલમાં આ વાઈરસથી ૨૦૦ મેડીકલ કાર્યકરો ઇન્ફેકટેડ પામ્યા હતા. બીજાઓની સેવા કરતા તેમને જીવતદાન આપતી વેળાએ આ લોકોને પોતાના ઉપર જોખમ દેખાય છે છતાં કટોકટીના સમયમાં તેઓ પોતાના ઘર્મને ચુકતા નથી. આજ તેમની મહાનતા છે.
કંટકીની નોર્થવેલ હેલ્થની હોસ્પીટલમાં ૪૦ ડોકટરો કામ કરી રહ્યા હતા તેમાંથી ૧૯ ડોકટરો ઇન્ફેકશન લાગુ પડ્યું છે. ઠેરઠેર આવા સમાચારો મળતા રહે છે. જેમ જેમ હોસ્પિટલો ભરાય છે તેમ વધુને વધુ લોકોને તેનો ચેપ લાગવાનો ડર રહે છે. રોજ અહી ખડેપગે કામ કરતા તબીબી કર્મચારીઓને ઘણાં લાંબા સમય સુધી માનસિક શારીરિક ત્રાસ સહન કરવો પડે છે, તેઓને ચેપ લાગવાનો ડર રહે છે. નર્સો અને ડોકટરોની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળે છે.
સહુ થી વધારે તકલીફ અત્યારે નાર્શિંગહોમ માં છે જ્યાં વૃદ્ધો અને બીમાર લોકો રહે છે. ઠેરઠેર આવેલા નાર્શિંગહોમ માંથી મૃત્યુ પામતા વૃદ્ધોના સમાચાર ચોંકાવે છે. જોડાજોડ રહતા આ લોકોને એકબીજાનો ચેપ ઝડપથી લાગે છે, અને મૃત્યુ પામવાના ચાન્સીસ વધારે રહે છે.
કોરોનાવાયરસ દર્દીઓને ઝડપી સેવા મળી રહે એ માટે નેવીનું ૧,૦૦૦ બેડની તરતી હોસ્પિટલ મર્સી, જે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ ક્રુઝ છે. આ શિપમાં દર્દીઓ તેમજ હેલિકોપ્ટરના હેલીપેડ , આવનજાવન માટે ડેક માટે સાઇડ બંદરો છે. વહાણ એટલુ વિશાળ છે કે યુનાઇટેડ સ્ટેટ્સની ચોથી સૌથી મોટી હોસ્પિટલ સમાન છે. એ શિપ લોસ એન્જલસમાં પહોંચ્યું જેથી ત્યાના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે અહી જરૂરી બધીજ સુવિધાઓ મળી શકે.
પરંતુ ન્યુયોર્ક અત્યારે કટોકટીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યાં જરૂરીયાત વાળા માટે સુવિધાઓ વાળી જગ્યા તો ઠીક પુરતા માસ્ક અને વેન્ટીલેટર પણ નથી. આથી પ્રેસીડેન્ટ ટ્રમ્પના પ્રસાશનમાં નેવી હોસ્પિટલ જહાજને ન્યુ યોર્ક મોકલવામાં આવ્યું. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અત્યારે આ પરિસ્થિતિમાં ખુબ હિંમતભેર કામ કરી રહ્યા છે.
અત્યારે આવીજ દયાજનક સ્થિતિ અમેરિકાની જેલમાં જોવા મળી રહી છે. દેશભરની સ્થાનિક જેલમાં રહેલા કેદીઓ અને કર્મચારીઓમાં કોરોનાવાઈરસ ગ્રસ્ત પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. જેલમાં કેદીઓની સંખ્યા પ્રમાણે નજીક નજીક રહેતા હોવાને કારણે રોગચાળો બહુ ઝડપથી વધારે સંખ્યામાં ફેલાઈ જાય છે.. એક એજન્સી અનુસાર દેશમાં ૧૭૫,૦૦૦ થી વધુ કેદીઓ જેલની સજા ભોગવી રહ્યા છે, કર્મચારીઓની તંગી હોવાથી અહી ફેલાતા રોગને કાબુમાં લાવવો અઘરો થઇ પડે છે. વધારામાં સુવિધામાં કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, જેમ કે માસ્ક અને ગ્લોવ્સની અછત છે. આજ કારણને ઘણી જેલમાં કેદીઓને છુટા કરવામાં આવ્યા છે. ચેપનો ફેલાવો ઓછો કરવાનો પ્રયાસ કરવા સુવિધાઓ વચ્ચેની આંતરિક કેદીઓને સ્થાનાંતરણ સ્થગિત કરી દીધું છે.
એક વાઇરસને કારણે ફેલાયેલી મહામારીને કારણે આવેલા રીશેસનથી અમેરિકાની ઇકોનોમીની કમર સાવ ભાંગી જવાની દરેક એક જણા ઉપર આની અસર પાડવાનીજ. આતો વચમાં ઘર અને આજુબાજુ જંગલમાં લાગેલી આગ જે ઘર સુધી આવીજ જવાની. એકલા અમેરિકાની આ વાત નથી. દરેક એક દેશમાં આની આડઅસર પડવાની નક્કી છે.
વાઇરસની કટોકટી ભરી પરિસ્થિતિમાં અત્યારથીજ અમેરિકા અન-એમ્પોઇમેન્ટ, બેકારી માંથી પણ પસાર થઇ રહ્યુ છે. કોવીડ-૧૯ ને કારણે ૩,૩૦ મિલિયન કરતા વધારે અમેરિકનોએ બેરોજગારી માટે ફાઇલ કરી છે જે ઓક્ટોબર ૧૯૮૨માં આવેલા રીસેશનના રેકોર્ડને ૬૯૫,૦૦૦ તોડી નાખ્યો છે
જો આમજ રહેશે તો આ આંકડો ૪૭ મિલિયનને પાર કરી જવાનો ડર છે જેમાં ત્રણ માંથી એક વ્યક્તિ બેકાર હશે. અહીની ઈકોનોમી તૂટી જશે તેની અસર આખા વિશ્વ ઉપર પડવાની એ નક્કી છે. આ સમયે ડરવા કરતા કેરફુલ રહેવાની જરૂર છે.
કોઈ પણ દેશની સરકાર ઉપર દોષારોપણ કરવાની આ સ્થિતિ નથી. ખબર નથી કાલે આપણા ઘરની સ્થિતિ શું હોય, આપણે સો ટકા સેફ છીએ કે નહિ તેની જાણ નથી. તો ગવર્મેન્ટ ઉપર આખા દેશની જવાબદારીઓ છે એ કેમ ભૂલી જવાય.
ખાસ જરૂર ના હોય તેવી ઓફીસ કે દુકાનો બંધ કરી દેવી જોઈએ કારણ ત્યાં હાજર કર્મચારીઓને જોખમ રહેલું હોય છે. એકાંતવાસ, આઈસોલેટેડ રહેવાની જ્યારે સરકાર માંગ કરી રહી હોય ત્યારે આપણા દરેકની ફરજ બને છે કે તેમાં સાથ આપીએ. પરસ્પર હળવા મળવાનું બિલકુલ બંધ રાખવું જરૂરી છે. ખાસ જરૂરી ના હોય તો બહાર જવાનું ટાળવું એ આપણી દરેકની નૈતિક ફરજ સમજવી જોઈએ.
આવી કટોકટીની સ્થિતિમાં સહુ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ડેલ્ટા એરલાઈન્સ, યુએસએમાં કેટલાક શહેરોમાં ડોક્ટર્સ, અને મેડીકલ ક્ષેત્રે જોડાએલા સ્વયંસેવકોને વિના મુલ્યે રાઉન્ડ ટ્રીપની સેવા આપવાનું જાહેર કર્યું છે. વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં સરળતાથી આવનજાવન થઇ શકે એ માટે આ સેવા નક્કી કરાઈ છે.
હજારો લોકો દેશની આ સંકટની ઘડીમાં સાથ આપવા જોડાઈ ગયા છે. એકલા ન્યુ યોર્કમાં ૭૬,૦૦૦૦ સ્વયંસેવકો આ અજ્ઞાત વાઈરસ સામેની લડતમાં મદદ માટે આગળ આવ્યા છે. મારા માટે આ બધા આર્મીના જવાનો કરતા ઓછા ઉતરતા નથી.
આજે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ પોતાનાથી બનતી મદદ દેશને કરી રહી છે. કેટલીય કંપનીઓએ બીજા કામ બાજુમાં મૂકી માસ્ક બનાવવાનું કામ હાથે ધર્યું છે. યુથામાં એક મેન્યુફેક્ચરિંગ કંપની લાખો એન- ૯૫ માસ્ક બનાવી દેશમાં મફત જરૂરીયાત વાળા લોકો કંપનીઓ સુધી પહોચાડે છે. અહી કેટલાય લોકો ઓવરટાઈમ કરી રહ્યા છે.
પેન્સીલવેનિયા સ્ટેટમાં એક દંપતીએ ઘરમાં મોટા પ્રમાણમાં હેન્ડ સેનેટાઇઝર બનાવી લોકોમાં ફ્રી આપવાનું કાર્ય કરે છે.
આપણા ભારતીયો પણ આકાર્યમાં પોતપોતાનો ફાળો આપી રહ્યા છે. ટૂંકમાં કોમ્યુનીટી બનતી મદદ કરે છે. એ જોતા લાગે છે આ સમય પણ જલ્દી નીકળી જશે.
છતાં જ્યારે એક થઈને અદ્રશ્ય દુશ્મન સાથે લડવાના સમયે પોલિટિશિયનો ના પરસ્પર આક્ષેપો સાંભળી ગુસ્સો પણ આવી જાય છે. “ઘરમાં લાગેલી આગ થી કઈ હાથ ના શેકાય” આનેજ રાજકારણ કહ્યું છે. દરેકે સમજવું રહ્યું કે જે તકલીફ આવી છે તે આપણી સુઝબુઝ થીજ ઓછી થશે,
દરેકની માટે આ વિષમ પરિસ્થિતિ છે, માતૃભૂમિ સાથે જીવનનો મોટાભાગનો સમય જે દેશમાં વિતાવ્યો એ કર્મભૂમિ ઉપર આવેલી આપત્તિની વેળાએ ઘરમાં બેસી રહેવાનું યોગ્ય નથી. છતાં આજ સમયની માંગ છે સમજી આપણે સહુએ ઘરે રહીને એક રીતે ફૂલ નહિ તો ફૂલની પાંખડી માની ” એકાંતવાસમાં સહુની સાથમાં” સમજી સાથ આપવો રહ્યો. god blss America