લોકડાઉન”કહી ખુશી કહી ગમ” – રેખા પટેલ (ડેલાવર)
લોકડાઉન જ્યાં છો ત્યાજ રહો, આઇસોલેટેડ, કોરોન્ટાઈનમાં રહો. દરેકથી છ ફૂટનું અંતર રાખો, ચહેરા ઉપર માસ્ક રાખો. કોઈની સાથે હાથ ના મિલાવો, કોઈ સામે આવે તો રસ્તો બદલી નાખો….બાપરે.
આવું લખાણ, આ વાતો કેવી ભયંકર લાગે છે. આપણે કોઈ બીજા ગ્રહ ઉપર આવી ગયા હોઈએ એવું લાગે છે. અને અહીના કાયદા કાનુન જાણે પૃથ્વી કરતા સાવ અલગ હોય. ક્યારેય કોઈએ વિચાર કર્યો હતો કે જીવવા માટે જીવનનિર્વાહ અને સંપતિની હોડ છોડી બધાએ જાતેજ ઘરમાં સ્વેચ્છાએ પુરાઈને રહેવું પડશે.
આજે પોતાની માટે પોતાનાઓની માટે સહુ ઘરમાં પુરાઈ રહેવા ખુશીથી તૈયાર છે. આ બહાને પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે એ દ્રષ્ટીએ આ લોકડાઉન કે બંધ કઈ ખોટું નથી. યુવાન થયેલા બાળકો ઘરથી બહાર રહેતા પોતાની દુનિયામાં મસ્ત હતા, ઘરમાં રહેતા છતાં મિત્રો સાથે ચેટીંગમાં અને વાતોમાં વ્યસ્ત રહેતા હતા. એ સહુ આજે પોતપોતના પરિવાર સાથે સમય વ્યતીત કરતા થયા તેમના સુખ દુઃખમાં રસ લેતા થયા છે.
અમેરિકા જેવા દેશમાં પરિવારને સાથે બેસી ને બે ટાઈમ જમવાનો મોકો બહુ ઓછો મળે છે, ત્યારે એક સાથે બપોરમાં લંચ, સાંજે સાથે બેસી અલકમલક ચર્ચાઓ,કે બોર્ડ ગેઈમ જેવી રમતો, રાત્રે સાથે લેવાતું ડીનર. આ બધું અમેરિકામાં એક સ્વપ્ન સરીખું હતું, જે અત્યારે પૂરું થઇ રહ્યું છે. ઘણું ખોયાના બદલામાં કૈક મળી પણ રહ્યું છે જેની જરૂરીયાત લગભગ દરેક મા બાપને હતી.
પરંતુ આ સમયમાં પરદેશમાં એકલા પડી ગયેલા પતિ કે પત્નીની હાલતનો જ્યારે વિચાર આવે ત્યારે તેમની એકલતા નજર સમક્ષ આવી જાય છે. આ જિંદગીથી તેઓ પહેલેથી ટેવાએલા હોય છે છતાં અત્યારે ના કોઈને ઘરે આવનજાવન થઇ શકે, ના તો શોપિંગ કે બહાર જઈ શકાય છે. આવા સમયમાં એકલતામાં સમય વ્યતીત કરવો બહુ અઘરો થઇ પડે છે. વાંચન કરવું ટીવી જોવું,કે આડીઅવળી પ્રવૃત્તિઓમાં એકાદ અઠવાડિયું નીકળી શકે છે પરંતુ મહિના બે મહિના માટે આવી સ્થતિ દયનીય બની જાય છે.
બંધમાં જરૂરી ચીજ વસ્તુઓનો અભાવ દરેકને ઓછોવત્તો પડવાનો, જેમને ત્યાં ઘરમાં બહાર જઈ સામાન લઇ આવી શકે તેવા સભ્યો ઘરમાં હોય તેમની માટે આ કઈ અધરું નથી. પરંતુ એકલા રહેતા મોટી ઉંમરના વડીલોને જીવન જોખમે પણ બહાર જવું પડે છે. કારણ કોરોનાની સહુથી વધારે ભય તેમની માથે તોળાઈ રહ્યો છે. આ સમયમાં બને તો બહાર જતી વેળાએ તેમને ફોન કરી કઈ પણ જોઈએ તો અચૂક પૂછવું જોઈએ. એક પાડોશી અને માનવતાની દ્રષ્ટીએ આ જરૂરી છે.
આ સમયની સહુથી દયનીય સ્થિતિ છે કોરોનામાં થયેલી મોત. જે પણ ઘરમાં કોઈ આ વાઈસરનો શિકાર બન્યા, મૃત્યુ પામ્યા હોય તેમના ઘરે જઈને અંગત સગાઓ પણ દિલાસો આપી શકતા નથી. તેમના દુઃખમાં ભાગીદાર થઈ શકતા નથી. આવા સમયે કોઈ એક અંગત ખભો જોઈએ જેના ઉપર માથું ઢાળીને દુઃખને રડી લેવાય. પરંતુ આ સ્થિતિમાં પોતાનું કે પારકું ના કોઈ આવી શકે ના કોઈનાથી ત્યાં જઈ શકાય.
ઉપર ઉપરી થતી મોતમાં ફ્યુનરલહોમમાં ક્રીમેશન અને કાસ્કેટની અછત પડી ગઈ છે આથી ઘણી જગ્યાએ ફયુનરલહોમ વાળા મૃતકને લેવા પણ તૈયાર નથી હોતા. હોસ્પીટલમાં પહેલેથી જગ્યા નથી આવી સ્થિતિમાં ઘરનાં સભ્યોની હાલત બહુ ખરાબ થઇ જાય છે. વધારામાં બીજાઓને પણ આ સ્થિતિમાં કોરોનાની અસર હોવાની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે. કોરોન્ટાઈન રહેવાનું બને તો ઓળખીતા નજીક હોય કે પાડોશી બહાર બારણે જમવાનું મૂકી જાય.
ક્યારેય કલ્પના ના કરી હોય તેવી સ્થિતિ આજે આપણી સામે આવીને ઉભી રહી છે. ત્યારે બને તેટલી આજુ બાજુ રહેતાઓની મદદ કરવી, ફોન કરીને કે ફેસ ટાઈમ દ્વારા પણ કાળજી લેવી જરૂરી છે. અગ્નિસંસ્કાર અને બેસણું બધુજ ઓનલાઈન થઇ ગયું છે.
પહેલા માત્ર ઇન્વીટેશન કાર્ડ ઈમેલ અને મેસેજમાં મોકલતા હતા ત્યાં આજે લોકડાઉન અને સોશ્યલડિસ્ટન્સને કારણે લગ્ન જેવા પ્રસંગો વરકન્યા, માતાપિતા અને બ્રાહ્મણ સિવાય બીજા બધા વિડીયોકોલ દ્વારા હાજરી આપી ઉજવી રહ્યાના ઘણા દાખલા જોવા મળી રહ્યા છે.
મોટા ભાગના પ્રસંગો આવતા વર્ષે ફેરવાઈ રહ્યા છે. તહેવારો અને ઉજવણી માત્ર સોશ્યલ મીડિયા ઉપર ચિત્રો બની ટીંગાઈ ગયા છે. આ કારણે ૨૦૨૧ ના લગભગ બધાજ વિકેન્ડ આ વર્ષે કેન્સલ થયેલા સોશ્યલ પ્રસંગોથી બુક થઇ રહ્યા છે. આ સ્થિતિમાં કાલની કોઈને ખબર નથી છતાં આશા રાખીએ કે કોરોનાનો કહેર ઝડપથી સંકેલાઈ જાય.
અમેરિકામાં સંપૂર્ણ લોકડાઉન નથી. અહી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું છે, દસથી વધારે લોકોને ભેગા થવાની છૂટ નથી. કેટલીક જગ્યાએ ઘરમાં કંટાળેલા લોકો શાંત એરિયામાં પોતપોતાની કારમાં બેસી ડોર ખુલ્લા રાખી સામસામી વાતો કરીને બીયરના ઘુંટડા ભરી ચીયર્સ કરી મળ્યાનો આનંદ લેતા હોય છે. અત્યારે ઝૂમ જેવી સોશ્યલ સાઈટો દ્વારા દુરદુર બેઠેલા બધા એક સાથે નેટ ચેટીંગ કરી ગ્રુપમાં વાતો કરે છે કે ઓન લાઈન રમતો રમીને નજદીક હોવાનો આનંદ લઇ સંતોષ માને છે. આ બધાનું એકજ તારણ નીકળી શકે છે કે વ્યસ્તતામાં આપણે ભૂલી ગયા હતા કે સગાઓ અને મિત્રોની જરૂરીયાત આપણે કેટલી બધી છે.
આ લોક ડાઉનની સ્થિતિમાં મોટાભાગનાને જુના કેટલાય મિત્રો સાથેના સબંધો તાજા થયા હશે. ઘણી નજદીકી વધી હશે. આ બધું એક રીતે સબંધોને રિફ્રેસ કરી રહ્યું છે. તાજગી ભરી રહ્યું છે.
ચાંદ ઉપર પહોચી જતું આજનું વિજ્ઞાન પણ આ પરિસ્થિતિને સુધારવા માટે કાચું પડી રહ્યું છે. પરંતુ આપણે હાર માનીએ તેમ નથી. આજે નહીતર કાલે જરૂર આમાંથી બહાર આવી જઈશું. બસ ત્યાં સુધી આપણે બધાએ એકબીજાને સાચવી લેવાના છે.
હવે માસ્ક પહેરવાનું ફરજીયાત થઈ ગયું છે. અમેરિકામાં માસ્ક ના પહેરનારને ૫૦૦ ડોલર ફાઈન ભરવાનો કાયદો લગભગ દસેક સ્ટેટમાં નક્કી કરાયો છે. આ કાયદો અને માસ્ક કદાચ લાંબા સમય સુધી પહેરવું ફરજીયાત રહેશે. આ હાલતમાં ડિઝાઈનર કંપનીઓએ બ્રાન્ડેડ માકસ અને બોડી કવર બનાવવાની શરૂઆત કરી દીધી છે. બજારમાં પણ જુદાજુદા માસ્ક મળવા લાગ્યા છે. લોકો મેચિંગના માસ્ક પણ પહેરવા લાગ્યા છે. આ દિવસો થોડા દિવસના મહેમાન છે. બસ આપણે આ વણનોતર્યા, અણગમતા મહેમાને વિદાઈ કરવાની ફરી ના આવે એ માટેની તજવીજ કરવાની છે. છતાં કેટલાક લોકો માસ્ક પહેરવાની વિરુદ્ધ છે તેઓનું કહેવું છે કે માસ્ક પહેરવાથી તેમને પસંદ નથી પરાણે પહેરવામાં તેમની ફ્રીડમ રૂંધાઇ જાય છે.
કેટલાક કહે છે જો ખાસ જરૂર હશે તો પહેરીશું, પરંતુ કાયમી અને ફરજીયાત નહિ. લોકોને માસ્ક પહેરવાથી એન્ઝાઈટી થાય છે અસ્થમા જેવી બીમારી ધરાવતા લોકો માટે આ સ્થિતિ વધુ તકલીફ વાળી છે એમ કહી માસ્ક નાં પહેરવાની તરફેણમાં છે. આમ અહી પણ અલગઅલગ મત પ્રવર્તી રહ્યા છે.
શિયાળામાં ઘરમાં ભરાઈને કંટાળી ગયેલી અહીની પ્રજા ઉનાળો આવતા બહાર નીકળવા તલપાપડ બની રહી છે ત્યાં આ સોશ્યલ ડિસ્ટન્સને કારણે દરિયાકિનારા અને વેકેશન બધું બંધ રહ્યું છે. એ કારણે કાયદાનો ભંગ કરી તહેવારો ઉપર ભેગા થવાની ભૂલ કરી નાખે છે. પરિણામે પરિસ્થિતિ વધુ વણસી જાય છે. આજે દુનિયાભરમાં બે લાખ પાંસઠ હજાર જેટલા મોત થઈ ચુક્યા છે ત્યારે આપણે દરેકે કાયદા અને નિયમોનું પાલન કરવું રહ્યું. ટૂંકમાં પરિસ્થિતિ અનુકુળ નાં થાય ત્યાં સુધી દરેકે આ વાઇરસના ફેલાવાને રોકવા માટેના દરેક પ્રયાસમાં ફાળો આપવો જોઈએ.
બંધ, લોકડાઉનમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે. વેપાર ધંધાઓ ઉપર ખાસ્સી અસર પડી છે. અમેરિકામાં હાલ ૩૦ મિલિયન કરતા વધારે લોકોએ બેરોજગારી જાહેર કરી છે. મોટી મોટી કંપનીઓ ફડચામાં ગઈ છે. જે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં પહેલી વખતનો આવો અનુભવ છે. આવા કપરા સમયમાં અઠવાડિયાના પગારથી ઘર ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. જોકે દરેક દેશની સરકાર અત્યારે પોતપોતાની મૂડી ખુલ્લી કરીને મદદ કરી રહી છે. જરૂર છે સાચી જરૂરીયાત વાળા સુધી તેને પહોચે એવી જોગવાઈ કરવાની જેમાં આપણે સમજપૂર્વક સાથ આપવો જરૂરી છે.
સમય જતા વિપત્તિ ઘટતા બધુજ ફરી રૂટીનમાં થઇ જવાનું છે. દરેકને વસ્તુઓ મળી શકે એ માટે નકામી સંગ્રહવૃત્તિ ત્યજવી જોઈએ. ઘણીનાની મોટી કંપનીઓ વાળા ધંધા વાળાઓ, મંદિર કે ચર્ચના ફંડ માંથી લોકોને રાહત મળે એ માટે છુટ્ટે હાથે દાન કરી રહ્યા છે. દરેકે આ કપરી ઘડીમાં એક થઇને બનતું કરવું જોઈએ.
હાલની પરિસ્થિતિ કપરી છે તેમાં જરા પણ શંકા નથી. પરંતુ એ પછી આવનારું વર્ષ દરેકની માટે આનાથી વસમું હશે એ માટે અત્યારથીજ માનસિક સજ્જ થવાની જરૂર છે. આપત્તિ સામે આડું જીવાથી એ તાલી જવાઈ નથી. આપણે સજ્જ થવાનું છે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો વિચારવો રહ્યો. ઘેટા બકરાની માફક જીવતા લોકોમાં શિસ્તબદ્ધતા આવી જશે એમાં નવાઈ નથી.
પરાણે ટકી રહેલા કેટલાય ધંધાઓ અત્યારથીજ પડી ભાગ્યા છે. તેમાય આ બે ત્રણ મહિનાના બંધમાં સાવ તળિયે બેસી ગયા છે. તેમની ફરી ઉભા થવાની કોઈ આશા દેખાતી નથી. કેટલીક મોટી કંપનીઓએ અત્યારથીજ નાદારી જાહેર કરી દીધી છે. આવી સ્થિતિમાં બધું સરખું થયા પછી પણ બેરોજગારીનો ડર મ્હો ફાડી સામે ઉભો રહેવાનો નક્કી છે. લાખો નોકરીઓ ખતરામાં છે. નાના ધંધાઓ દુકાનોને પગભર થવામાં તકલીફ પડવાની.
પરંતુ આ બધા માંથી આપણે જાતેજ રસ્તો કાઢવાનો છે. એ માટે અત્યારથીજ માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે. આપણે ગુજરાતીઓ ખેતીપ્રધાન દેશમાં જન્મેલા છીએ આથી દર વર્ષે ક્યાંક તો કુદરતી હોનારતો જોઈ છે, ભોગવી છે. ખેતી ઉપર નભતા દરેકની જીંદગીમાં એક વર્ષ તો એવું આવ્યું જ હશે કે એક વરસની ખેતી સાવ નકામી ગઈ હોય. ખેંચતાણ કરી વર્ષ ચલાવવાની મજબુરીમાં પણ ખેડૂત હાર્યો નથી. આખા વરસની આવક અને મહેનત પાણીમાં ગઈ હોવા છતાં દરેક ખેડૂત ફરી બીજા વર્ષ માટે એટલાજ જોશથી મહેનત કરવા તૈયાર બેઠો હોય છે.
બસ આજ રીતે આપણે પણ ફરી બેઠા થવાનું છે માટે હિંમત હારે નહિ ચાલે, “જાન હૈ તો જહાન હૈ” આ ઉક્તિ મુજબ આપણે બધાએ કેમ સલામત રહેવું એ વિચારીને પગલા ભરવાના છે. આપણી સાથે બીજાઓને પણ આ ચેપી વાઈરસથી દુર રાખવાના છે એ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ હાલ કાયમી રાખવો પડશે. આ નજીકના સમય માટે આપણી લાઈફસ્ટાઈલનો ભાગ પણ બની શકે તેમ છે.
સહુથી વધારે ફાયદો પ્રાણીઓને અને કુદરતી સૌદર્યને થયો છે. વાતાવરણ આખું જાણે વરસાદમાં માથાબોળ નાહીને સ્વચ્છ બન્યું છે. નાસાના જણાવ્યા પ્રમાણે ઓઝોનનું સ્તર વધુ ગાઢું બન્યું છે. જે આપણી જરૂરિયાતનો ભાગ હતો. પ્રાણીઓ માટે આ ઉત્સવ જેવું છે. કોઈની રોકટોક વિના જંગલમાં અને ક્યાંક માનવવસ્તીમાં પણ મુક્ત મને ફરતા જોવા મળે છે. ટૂંકમાં દરેકે પોતાની મર્યાદામાં રહીને જીવન જીવવું જોઈએ તેમાજ સહુની ભલાઈ છે.
કુદરતી આફતી ગણો કે કુદરતની ટકોર પણ આ વાઇરસની હોનારત વિશ્વના દરેક માનવીને ઘણું શીખવી ગઈ છે.