RSS

રેડ વુડ ટ્રી

23 May

વૃક્ષોની વિવીધતા- રેખા વિનોદ પટેલ (ડેલાવર)

દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને વાહનોની વધતી જતો સંખ્યાને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેમાય હવામાં ઊંચે ઓઝોનનું સ્તર પણ ચોંકાવનારી માત્રામાં ઘટતું જાય છે. આ માત્ર એક દેશની સમસ્યા નથી. ગ્લોબલ વોર્મિંગની ચારે તરફ સંભળાતી બુમો એ આજ કારણે છે તેમ માનવું જરાય અતિશયોક્તિ નથી. આવા સમયે વૃક્ષોની સાચવણી દ્વારા પર્યાવરણને બચાવી શકવાનો સહેલો ઉપાય છે.

લોકોમાં પર્યાવરણ તરફની જાગૃતિ વધે એ માટે જુન ૫ વિશ્વ પર્યાવરણ દિવસ (વલ્ડ એન્વાયરમેન્ટ) નક્કી કરાયો છે. વાતાવરણમાં હવાની શુધ્ધતા અને ઓક્સિજનનાં વધારા માટે વૃક્ષોની વાવણી અને જાળવણી ખુબ જરૂરી બની જાય છે. આ વાતને લોકોના ઘ્યાનમાં લાવવા માટે જુદાજુદા અભિયાન શરુ કરાયા છે.

આવા સમયે એક અલગ પ્રકારના વૃક્ષોના વડવા જેવા ” રેડ વુડ ટ્રી” વિષે જાણવું જોઈએ. અમેરિકામાં કુદરતે ઉદારતાથી સૌદર્ય બક્ષ્યું છે. તેના અલગ અલગ રાજ્યમાં કૈક નવીનતા જોવા મળે છે. તેમાંય ઇસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ એકબીજાથી સાવ ભિન્ન છે. આપણે ત્યાં સાઉથ અને નોર્થના રાજ્યોમાં મળતી ભાષાકીય અને પહેરવેશમાં અલગતા જોવા મળે તેવી ભિન્નતા નથી. પરંતુ ભૈગોલીક રીતે અને હવામાનની રીતે આ બંને કોસ્ટ એકબીજાથી વિપરીત કહી શકાય.

અહી ઉગતાં આ રેડ વુડનાં ઝાડને જરા ઠંડી અને ભેજવાળી હવા વધારે માફક આવે છે. અને એ આધારે તેની માટે નોર્થ કેલીફોર્નીયાનું વાતાવરણ અનુકુળ હોવાથી આ વૃક્ષો એ તરફ વધારે કરીને જોવા મળે છે. આ સ્ટેટની ભૈગોલીક સ્થિતિ ખુબજ જાણવા જેવી છે. કેલિફોર્નિયા અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. જે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે. આ રાજ્યની કુલ વસ્તી આશરે ૩.૯ કરોડ લોકોની છે. જ્યારે વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. જે ૪૨૩,૯૭૦ કિલોમીટરનો ઘેરાવો ઘરાવે છે.

આ આધારે ખુબજ વિશાળ એવા આ રાજ્યમાં વસ્તી ઘણી ઓછી કહેવાય. કુદરતી સૌદર્યથી ભરપુર આ રાજ્યને નોર્થ કેલીફોર્નીયા અને સાઉથ કેલીફોર્નીયા એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેની એક તરફ પેસેફીક સમુદ્ર કિનારો છે. લોસ એન્જેલસને સાઉથમાં અને સાંનફ્રાસીસકો શહેર, ઓકલેન્ડ, સેક્રામેંટો, સિયેરા નવાડા, યોસેમીતે વેલી, લેક તાહો, માઉન્ટ શાસ્તા મેમથ લેક્સ વગેરેને નોર્ધન કેલીફોર્નીયામાં મુકાયા છે. દરિયો, પહાડો, જંગલ અને રણ બધુજ એકજ સ્ટેટમાં આવેલું છે.
આ રેડ વુડના વૃક્ષો યોસેમીતેનાં નેશનલ પાર્કમાં અને ત્યાંથી નોર્થમાં સંતાકૃઝથી આગળ આવેલા રેડ વુડ નેશનલ પાર્ક, બીગ બેઝીન પાર્ક અને હેન્રી પાર્ક ભરેલો છે. તેના ઈતિહાસ ખુબ રસપ્રદ છે. આ વૃક્ષો ૧,૬૦ મિલિયન વર્ષો જુના એટલેકે ડાયનાસોરનાં જમાનાનાં છે. ડાયનાસોર તો ચાલ્યા ગયા પરંતુ તેમની હાજરી અપાવતા વૃક્ષો હજુ પણ ટકી રહ્યા છે.

અહી કુદરતી સૌદર્ય પૂરબહારમાં ફેલાએલું છે. આ રેડવુડ ના જંગલો લગભગ ૪૦૦ માઈલના દરિયા કિનારાને સુરક્ષિત રીતે સૌદર્ય બક્ષે છે. આજકાલની જનરેશને આધુનિક જીવન જીવવાના કોડ હોય છે જ્યારે અહી રહેતા લોકોને આધુનિકતા માફક નથી આવતી. પરિણામે તેઓ આ જીવનને યથાવત રાખવાની ગવર્મેન્ટને અપીલ કરે છે.

અમે જે દિવસે આ પાર્કની મુકાલાત લીધી એ દિવસે વાદળછાયું આભ હતું થોડો વરસાદ વરસીને હવામાં ભેજ છોડતો ગયો હતો. રેડવુડ નેશનલ પાર્કની ખુબસુરતી ખરેખર માણવા જેવી છે. ઊંચા પહોળા વૃક્ષો ઉપર ઝઝુમતાં વાદળો જાણે તેમના કાનમાં કઈ કહી રહ્યા હોય તેવો ભાસ કરાવતા હતા. હાઈકિંગ કરનારા માટે અહી ખાસ વ્યવસ્થા પણ કરાએલી છે. આ ઉપરાંત નજીકના વિસ્તારોમાં ફિશિંગ, બોટિંગ વગેરેની મનોરંજક પ્રવૃત્તિઓ ને કારણે આ તરફ આવતા દરેક મુલાકાતીઓ આ નેશનલ પાર્કમાં ગયા વિના પાછા ફરેજ નહિ.
આ જાયન્ટ્સ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બહાર નીકળતાં પહેલાં એક હાઇકિંગ ટૂર અથવા લેઝર બાઇક રાઇડ માટે ખાસ રૂટ બનાવાએલો છે.
આ રેડવુડ નેશનલ પાર્કમાં આજે પણ ઊંચામાં ઊંચું વૃક્ષ ૩૭૫ ફૂટ ઊંચું છે જેને મધર ઓફ ધ ફોરેસ્ટ કહેવાય છે. આ ૩૫ માળના ઊંચા બિલ્ડીંગ જેટલું લાગે. એવીજ રીતે એક વૃક્ષ ૧૬ ફૂટ પહોળું અને ૨૭૭ ફૂટ ઊંચું છે. આવા હજારો વૃક્ષો આ પાર્કમાં સચવાએલા છે. અહી ફરતાં એવુજ લાગે કે માયાવી મહાકાય જંગલોમાં ફરી રહ્યા છીએ. આ વૃક્ષોને કાળા ટામેટાં જેવા બીયા થાય છે. તેના મુળિયા ૧૦ થી ૧૫ ફૂટ ઊંડા અને ૬૦ થી ૮૦ ફૂટ વિસ્તરેલા હોય છે. જે ઊંચા વૃક્ષને જકડી રાખે છે.

આ વૃક્ષોની ઉંમર ૨૦૦૦ વર્ષ સુધીની નોંધાઈ છે. સામાન્ય રીતે હાલમાં તેમની આસરે ઉંમર ૬૦૦ થી ૭૦૦ વર્ષ ગણાય છે. આટલી બધી ઉંમર હોવાના કારણોમાં એક કારણ એ પણ છે કે આ વૃક્ષોનાં થડ બહુ જાડા હોવાથી રોગ આવતા નથી સાથે ઊંચાઈ પણ વધારે છે માટે કીડાઓ તેને કોતરી શકતા નથી. વાઈલ્ડ ફાયર (જંગલની આગમાં સળગીને જમીનદોસ્ત થતા નથી.

આ વૃક્ષો કેલીફોર્નીયાના જંગલોમાં હજુ પણ સચવાઈ રહ્યા છે તેનું કારણ તેની ઊંચાઈ છે. કારણ કેલીફોર્નીયા વાઈલ્ડ ફાયર માટે આખીય દુનિયામાં પ્રખ્યાત છે.

કેલીફોર્નીયામાં જંગલો પુષ્કળ પ્રમાણમાં છે. ઉપરાંત અહી ડ્રાય એર વહેતી હોય છે પરિણામે સ્પ્રિંગથી લઇ ઓટમ એટલે કે પાનખર સુધીના સમયમાં અહી વાઈલ્ડફાયર થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. આ સમયમાં લાગતી આગમાં સુકી અને સ્ટ્રોંગ હવાને કારણે ફેલાવો ઝડપી થતો હોય છે. વધારે પડતી આગ થંદર સ્ટ્રોમમાં વીજળી પડવાને કારણે કે સુકા પાંદડાનાં ઢગલાંઓને લીધે અને વધારે પડતી માનવસર્જિત ભૂલને કારણે લાગતી હોય છે.

અમેરિકામાં વર્ષે ૩ બિલિયન કરતા પણ વધારે ખર્ચ આ ફાયરને કંટ્રોલ કરવામાં થઇ જાય છે. જોકે અહી જાન હાની પ્રમાણમાં ઓછી થાય છે. છતાય લાખો એકર્સમાં લાગતી આ આગના કારણે સેંકડો વૃક્ષોનો નાશ થાય છે. એકલા અમેરિકામાં આશરે એક લાખ વાઇલ્ડ ફાયર થયા છે જેમાં પાંચ મિલિયન એકર્સ જેટલી જમીન ડેમેજ થઈ છે. આ આગ ફેલાય ત્યારે માઈલો સુધી કાર્બંમોનોકસાઈડ અને હીટને કારણે અહી રહેતા લોકો અને ખેતીને નુકશાન થાય છે. આવા વખતે લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડે છે.

અમેરિકાની વાઈલ્ડ ફાયર હિસ્ટ્રી પણ વાઈલ્ડ છે. ૧૮૨૫માં લાગેલી આગમાં ૩ મિલિયન (૩૦ લાખ)એકર જમીન સળગતું રણ બની ગઈ હતી. ૧૮૭૧મ મીશીગનમાં ૨.૫ મિલિયન અને ૧૯૧૦ કેલીફોર્નીયામાં ૩ મિલિયન એકર્સ જમીન ઘમધમી ઉઠી હતી. વધારે પડતા ફાયર આગ મોન્ટાના,આઈડાહો ,વોશીન્ગટન ,વાયોમીંગ કોલોરાડો ,ઓરેગોન ,ઉટાહ,ન્યુ મેક્સિકો અને ખાસ તો કેલીફોર્નીયાના જંગલોમાં લાગે છે. અહી કાયમ વાઈલ્ડફાયર સળગતું હોય છે. આવા વિસ્તારોમાં તો માનવ તો શું પશુ પંખી પણ જોવા મળતા નથી.

પાનખરમાં સધર્ન કેલીફોર્નીયા અને નોધર્ન કેલીફોર્નીયામાં જંગલો ઉપરાંત અહી પર્વતો અને રણ પણ આવેલા છે પરિણામે ગરમ અને ડ્રાય એરના દબાણનો ઘેરાવો વધી જાય છે અને પરિણામે ફાયર ટોર્નેડો રચાય છે અને આગ ઝડપથી આખાય જંગલમાં ફેલાઈ જાય છે, અહી દરેક વાઈલ્ડ ફાયરને અલગ અલગ નામ આપવામાં આવે છે જેનાથી તેના રેકોર્ડ નોંધી શકાય. અહી સહુથી જોખમી કામ ફાયર ફાઇટર્સનું રહે છે.

આજ સુધીના વાઈલ્ડ ફાયરનો કરુણ ઈતિહાસ છે ૩૦ જુન ૨૦૧૩માં એરિઝોનામાં લાગેલી આગ. જેમાં લોકોને બચાવતા અને આગ હોલાવતા ૧૯ ફાયર ફાઈટર જીવતા સળગી ગયા હતા. તે વખતે પવન બહુ ઝડપી હતો અને ભારે માત્રામાં લાગેલી આગને કંટ્રોલમાં લાવવા પ્રયત્નશીલ ૧૯ ફાયર ફાઈટર ચારે બાજુથી આગમાં ઘેરાઈ ગયા હતા. પુરતા પ્રયત્નો છતાં પણ તેઓ જાતને આગમાં હોમાતી બચાવી શક્યા નહોતા અને આખી આ ટુકડી જીવતી હોમાઈ ગઈ હતી .

છેલ્લા કેટલાક વર્ષોમાં વાઈલ્ડફાયર ચાર ગણું વધી ગયું છે. દર વર્ષે સરેરાશ ૮૦ હજાર વાઈલ્ડફાયર નોંધાય છે, જેનાં પરિણામે લાખો હેકટર જમીન સળગતું રણ બની જાય છે. આઠ વર્ષમાં ૧૦ મીલીયન એકર લેન્ડ ડેમેજ થઈ છે અને લાખો વૃક્ષો રાખમાં ફેરવાઈ ગયા છે આ બધા ક્લાઈમેટને અસર કરતા પરિબળો છે. જેને આપણે ગ્લોબલ વોર્મિંગનો એક ભાગ કહી શકીએ છીએ.

આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ આ વૃક્ષો ટકી રહ્યા છે, તે વાત પણ અચંબિત કરી મુકે છે. જોકે આ વૃક્ષોની સાચવણી માટે અહીની ગવર્મેન્ટ ચોક્કસ ફંડની ફાળવણી કરે છે. જેના કારણે તેમની ઉંમર વધી શકે. અહી રહેતા લોકો માટે પણ આવા વૃક્ષો ગર્વનો વિષય બન્યો હોવાથી તેઓ પણ પોતાનું કર્તવ્ય સમજીને આ કાર્યમાં મદદ રૂપ થાય છે. આ વાત પણ ભૂલવા જેવી નથી કે એક માત્ર ગવર્મેન્ટ કે આયોજિત કામદારોથી કોઈ પણ દેશની મહામુલી સંપતિ સચવાતી નથી. એ માટે જનજાગૃતિ પણ જરૂરી છે. ” વૃક્ષો રોપાવો, પર્યાવરણ બચાવો ” સાર્થક કરવા સહુએ સાથે મળીને ઝુંબેશમાં જોડાવું રહ્યું.
રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

One response to “રેડ વુડ ટ્રી

  1. vimala Gohil

    May 23, 2020 at 11:04 pm

    “આ વાત પણ ભૂલવા જેવી નથી કે એક માત્ર ગવર્મેન્ટ કે આયોજિત કામદારોથી કોઈ પણ દેશની મહામુલી સંપતિ સચવાતી નથી. એ માટે જનજાગૃતિ પણ જરૂરી છે. ”

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: