સ્ત્રીઓની આગવી પ્રતિભા અને ઓળખ – રેખા પટેલ (ડેલાવર, યુએસએ)
વર્ષોથી સમાજ પુરૂષો દ્વારા કરવામાં આવતા કાર્યો અને સેવાઓ ને પ્રકાશિત કરતો રહ્યો છે. જયારે સ્ત્રીઓની ભૂમિકા સામે કાયમ આંખ આડા કાન કરવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે દરેક કાર્યો પાછળ સ્ત્રીઓ ની મહાનતા, ત્યાગ અને બલિદાન રહેલા છે. દરેક કાર્ય કરવામાં સક્ષમ સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં વધારે ભોગ આપી રહી છે.
મહિલાઓ હંમેશાં સૌંદર્ય, આંતરિક તાકાત અને બુદ્ધિનો સંગમ ધરાવે છે. જેનાં કારણે તે અઘરાં કામ ઝડપથી ઉકેલી શકે છે. આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સફળતા ઉડીને આંખે વળગે છે. એ સાબિત કરે છે કે તેઓએ આ પ્રતિષ્ઠાને ખૂબ જ યોગ્ય છે. ઝીણવટથી જોતા ખ્યાલ આવશે કે દેશ હોય કે વિદેશ સ્ત્રીઓનાં યોગદાન મહત્વના રહ્યા છે. જે તેમના આંકડા ઓની સૂચિ જોતા સમજી શકાય છે.
સમાજ સુધારા માટે સમર્પિત મહિલા કાર્યકરોએ ઘણા સામાજિક કૃત્યો અને દુષણો વિરુદ્ધ કામગીરી હાથમાં લીધી છે. સમાજમાં આવી રહેલા સારા બદલાવનું કારણ બની છે.
પ્રભાવશાળી સામાજિક કાર્યકરો જે સામાજિક દુષણો જેવા કે, ગરીબી, બીમારી, અપંગતા અથવા સ્ત્રીઓ પ્રત્યે આચરાતા દુષ્કૃત્યો સામે લડત આદરતી રહી છે. તેમને ન્યાય અપાવવા મેદાને પડે છે, જાગરૂકતા ફેલાવે છે.
પરદેશ કરતા ભારતમાં કાર્યરત આવી મહિલાઓને સમાજ અને ધાર્મિક સંસ્થાઓ તરફ થી પડતી મુશ્કેલીઓ વધારે રહી છે. હ્તા પણ તેઓએ પાછી પાણી કરી નથી. જોકે સ્ત્રીઓની શક્તિ, એકતા અને તેના પડકારો ને કારણે હવે સમાજ તરફથી પણ તેમને ટેકો મળી રહ્યો છે. સામાજિક સુધારણાઓ માટે કેટલીક સ્ત્રીઓ ઉદાહરણ રૂપે બની ગઈ છે.
વર્ષો પાછળ નજર કરવામાં આવે તો ૧૮૮૫નાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતા માટેના વિપ્લવમાં ઝાંસીની રાણીએ દેશને માટે આપેલું બલિદાન એ દુશ્મનો સામે માથું નહિ ઝુકાવી આઝાદી માટેની લડત એ એક પ્રકારની સમાજ સુધારણાની સફર કહી શકાય.
નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસા જે પરદેશની ભૂમિમાં જન્મીને પણ ભારતને કર્મભૂમિ બનાવી રોગી અને રક્તપીડિત તેમજ તરછોડાયેલા પીડિત સમાજ માટે આજીવન ભેખ લીધી હતી. ૧૯૪૭માં ગરીબ અને દુઃખી સમાજની સેવા માટે તેમણે ભારતનું કાયમી નાગરિકત્વ અપનાવ્યું હતું. તેમણે ખાદીનાં કપડાં પહેરી આજીવન શાંતિ અને સેવાનો ભેખ લીધો હતો. એક સ્ત્રી જે અબલા નથી પરંતુ સબળા છે. કેટલાય દુઃખી જીવોને સાંત્વના સાથે શાંતિ અર્પણ કરવા જીવનનાં અંત સુધી ઝઝુમતા રહ્યા હતા.
કિરણ બેદી જેઓ પોલીસ અધિકારી હોવા સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. ૧૯૪૯ માં અમૃતસરમાં જન્મેલા કિરણ બેદીએ દિલ્હીમાં પોતાનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ શરૂઆતમાં મસુરી ત્યાર બાદ દિલ્હી પોલીસમાં જોડાઈ ગયા.૧૯૭૨મા મસુરીમાં ૮૦ માણસો વચ્ચે પોતે એક માત્ર મહિલા અધિકારી હતા. દિલ્હીમાં આવ્યા બાદ એક નીડર અધિકારી તરીકે નામના મેળવી દિલ્હીને ગુનારહિત કરવા માટે ઘણું યોગદાન આપ્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઘટાડી દીધી હતી.
આ સિવાય તેમની સામાજિક પ્રવૃતિઓ પણ નોંધપાત્ર રહી છે. ડ્રગ્સ જેવી જીવલેણ આદતોની મુક્તિ માટે ડીટોક્સ કેન્દ્ર સ્થાપ્યું હતું જ્યાં ડ્રગ અને આલ્કોહોલના બંધાણીઓ ની આદતને સુધારવાના પ્રયત્ન થતા હતા. જ્યાં રિહેબિલિટેશન કેન્દ્ર યોજાયું. અહી કેટલાય દર્દીઓને નવ જીવનપ્રાપ્ત થતું રહ્યું છે.
સમાજમાં થતી ગેરનીતિ વિરુધ્ધ ઝઝુમતા, લડતા કિરણ બેદીને રાજકીય નારાજગીનો ભોગ પણ બનવું પડ્યું હતું, ધમકીઓ નો સામનો કરવો પડતો હતો.
પોતે કર્મનિષ્ઠ અધિકારી સાથે માનવતામાં ખુબ માનતા હતા. જેલના કેદીઓ માટે ની સારસંભાળ માટે કેટલાક સુધારા કરાયા હતા. આવી હસ્તીઓને સાચા અર્થમાં સમાજ સેવીકાઓ કહી શકાય છે.
આજ રીતે અરુણા રોય જેઓ શરૂઆતમાં વ્યવસાયે શિક્ષિકા હતા, આ નોકરી દરમિયાન જ્યારે દરેકને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો ત્યારે આ મહિલાએ ભ્રષ્ટાચાર સામે લડવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીમાં પોંડિચેરી અને ઓરબિંદો આશ્રમમાં અભ્યાસ કર્યા બાદ અરુણા રોયે શિક્ષિકા તરીકે કારકીર્દીની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે અનુભવ્યું હતું કે આ રીતે સામજિક સેવા થઇ શકે તેમ નથી. તે માટે ઉચ્ચ હોદ્દો પણ જરૂરી છે. જેના વિરુદ્ધ લડતા તેઓ સામાજિક કાર્યકર બની ગયા. આ માટે આઇએએસ ની પરીક્ષા આપી મજૂર કિશન શક્તિ સંગઠન (એમકેએસએસ) ના અગ્રણી નેતા બની ખેડૂતો અને મજુરી કરતી જીવન નિર્વાહ ચલાવતા સામાન્ય કામદારો માટે બનતી સેવા કરતા રહ્યા. સમાજને અને દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે અરુણા રોયને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.
આવાજ એક બહુમુખી પ્રતિભા ઘરાવતા અરુંધતી રોય છે. જેઓ લેખક, અભિનેત્રી અને રાજકીય કાર્યકર છે. તેઓ ની નવલકથા ” ધ ગોડ ઑફ સ્મોલ થિંગ્સ ” પુરસ્કાર વિજેતા બની છે.
તેઓ એક આર્કિટેક્ટ બન્યા હોવા અરુંધતીને ડિઝાઇનમાં રસ નહોતો તેમણે લેખન કારકીર્દિની ને અપનાવી. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં કાર્યકર મેધા પાટકર સાથે અભિયાન ચલાવ્યું છે, માનવ અધિકારો માટે લડત કરતા અરુંધતિને ૨૦૦૨ માં લૅનન કલ્ચરલ ફ્રીડમ એવોર્ડ, ૨૦૦૪ માં સિડની શાંતિ પુરસ્કાર અને ૨૦૦૬ માં ભારતીય એકેડેમી ઓફ લેટર્સ તરફથી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આજ રીતે બીજા શોશ્યલ વર્કર તરીકે મેધા પાટકરનું નામ આગળ છે. સામાજિક સુધારાવાદી રાજકારણી છે. મુંબઈમાં જન્મેલા, મેધાને ખૂબ નાની ઉંમરે જાહેર સેવામાં રસ હતો. યુનિયનના નેતાની પુત્રી હોવાને કારણે, નાનપણથી લોકોની તકલીફોને જોઈ હતી તેમની જરૂરિયાતો અનુભવી હતી. મેધા પાટકરના પિતાએ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો, જ્યારે તેની માતા જે આર્થિક રીતે નબળી મહિલાઓને સહાય અને ટેકો આપવા માટેની સંસ્થા સાથે જોડાએલ હતા. વિકાસના નામે અસમાનતા અન્યાય સામે વિવિધ ક્ષેત્રે સંઘર્ષોમાં ભાગ લઈને ટેકો આપ્યો છે. ઝુપડપટ્ટી વિસ્તાર અને જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે તેમણે ઘણા કાર્યો કરેલા છે. મેઘા પાટકર ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સમાંથી સામાજિક કાર્યમાં એમ.એ. થયા બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આદિજાતિ અને ખેડૂતો માટે નાં ઉધ્ધારક કાર્યોમાં જોડાઈ ગયા. નર્મદા બચાવોના આંદોલનમાં પણ તેમનું નામ ઘણું ગાજ્યું હતું.
એ વાત થઇ ભારતમાં રહેતી સમાજસેવિકાઓ વિષે, પરદેશમાં પણ આવી અગણિત મહિલા કાર્યકરો મળી આવે છે. જેઓ સામાજિક કાર્યો દ્વારા પોતાની ઓળખ સાથે બદલાવ લાવી રહ્યા છે.
સેનેટર બાર્બરા મિકુલસ્કી, જેઓ ૧૯૪૦નાં સમયમાં અમેરિકાના યુ.એસ. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુ.એસ. સેનેટ, મેરીલેન્ડમાં રાજ્યવ્યાપી ચૂંટણી જીતનાર પ્રથમ મહિલા બન્યા હતા. અને કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપતી પ્રથમ ડેમોક્રેટિક મહિલા હતી. સ્નાતક થયા પછી સામાજિક કાર્યકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે મેરિલેન્ડ સ્ટેટના બાલ્ટીમોરમાં જરૂરીયાત મંદ બાળકો સાથે કામ કર્યું હતું અને આર્થિક વિકાસમાં અડચ રૂપ બને તેવા હાઈવેના નિર્માણ થતા અટકાવવા માટે લડત આદરી હતી. આમ કરતા તે વખતના જુનવાણી પુરુષ સમાજમાં મહિલાઓના ડીન તરીકે તેમને આગવી ઓળખાણ મળી હતી.
આવીજ રીતે બીજા એક મહિલા અમેરિકામાં સોશ્યલ વર્કમાં ખુબ આગળ પડતા રહ્યા છે. જે છે ફ્રાન્સિસ લોમાસ ફેલ્ડમેન, જેમનો જન્મ ૧૯૧૨ ના રોજ યુક્રેનના યહુદી ઇમિગ્રન્ટ્સને ત્યાં ફિલાડેલ્ફિયામાં થયો હતો.
ત્યાર બાદ તેઓ સધર્ન કેલિફોર્નિયા રહેવા ચાલી ગયા, ત્યાં યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો, ૧૯૩૫ માં બેચલર ડિગ્રી સાથે સ્નાતક થયા અને લગ્ન પછી ૧૯૪૦ માં સોશિયલ વર્કમાં માસ્ટર્સ ડિગ્રી લીધી. સામાજિક કાર્યમાં તેઓ ખુબ ખુશી અનુભવતા હતા આથી પોતાની પ્રયોગશાળાને છોડી દઈ અને એક સામાજિક કાર્યકર બન્યા, તેમને ૧૫ વર્ષ સુધી જાહેર અને ખાનગી સામાજિક એજન્સીઓમાં કાર્યકર અને સંચાલક તરીકે કામ કર્યું હતું. ત્યાં રહી સ્થાનિક સામાજિક ઉધ્ધારક તરીકે અને બાળ કલ્યાણ માટે ઘણું કામ કર્યું.
ફ્રાન્સિસ ફેલ્ડમેને ભણતા બાળકો માટે શિષ્યવૃત્તિ માટેનું યોગદાન અસાધારણ હતું. ગરીબી રેખાથી નીચે એવા બાળકોને આગળ શિક્ષા લેવા માટે ગવર્મેન્ટનની સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. આ રીતે બાળકોને પ્રભાવિત કરતા રસના ક્ષેત્રમાં જ્ઞાનને આગળ વધારવાનો રસ્તો ખુલ્લો થયો. જીવનના સામાજિક અને માનસિક કાર્યો ઉપર અસંખ્ય લેખ અને ૧૦ પુસ્તકો લખ્યા હતા.
ફ્રાન્સિસ ફેલ્ડમેને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં પ્રોફેસર અને સોશિયલ વર્ક પાયોનિયર તરીકે ૧૯૭૦ માં કારકીર્દીની શરૂઆત કરી હતી. એ સમયે કેન્સરના દર્દીઓને થયેલા ભેદભાવને કારણે સમાજ માટે આવા પીડિત લોકો માટે ઝુંબેશ હાથ ધરી હતી. કેન્સર જેવા રોગને તે સમયે મહારોગ ગણાતો હતો. કેન્સરથી બચેલા લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર થતો હતો, તેમની સારવાર માટે ખુબ જહેમત ઉઠાવતા હતા. તેમણે ઉભા કરેલા કેન્દ્રો માના આજે ૩૫૦ હેલ્પ સેન્ટર અમેરિકામાં કાર્યરત છે.
તેઓ ૧૯૭૪ માં પુનર્ગઠિત ફેકલ્ટી સેનેટના અધ્યક્ષ બન્યા, ત્યારબાદ રાષ્ટ્રપતિની સલાહકાર પરિષદના અધ્યક્ષ અને વિદ્યાર્થી સહાય, યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીયકરણ અને કર્મચારી લાભો જેવા વિષયો પર સંખ્યાબંધ યુનિવર્સિટીઓ માં સમિતિઓની આગેવાની લીધી.
ફ્રાન્સિસ ફેલ્ડમેનાં કાર્યો ફક્ત અમેરિકા પુરતા સંક્ષિપ્ત ન હતા. હકીકતમાં, તેમણે 200 થી વધુ દેશોમાં મુસાફરી કરી હતી. તેઓ સાહસિક મહિલા હતા. તેમની સાહસિકતાની વાતો તેમના પુસ્તકોમાં પણ જણાઈ આવે છે.
આમ પોતાની આગવી પ્રતિભા હેઠળ આવી અગણિત સ્ત્રીઓએ સમાજમાં જાગરૂકતા લાવવા પ્રયત્નો કાર્ય છે.
કોઈપણ પ્રકારની જવાબદારીઓને સ્ત્રી બખુબીથી નિભાવવા માટે હંમેશા સક્ષમ હોય છે. ભલે શારીરિક રીતે પુરુષો કરતા નિર્બળ લાગતી સ્ત્રી વખત આવે કાર્યદક્ષતામાં તેમની આગળ નીકળી જાય છે. માતા અને ગુરુ બનીને આવનારી પેઢીની સાચી માર્ગદર્શિકા બની રાહ ચિંધવાનુ મહત્વનું કાર્ય સ્ત્રી કરે છે. સ્ત્રીને સમજવા પુરુષ કાયમ કાચો પડે છે તેની શક્તિઓને યોગ્ય રીતે બિરદાવવી રહી.