બાળ માનસ સમજવામાં જેટલું સહેલું ,એટલુ જ એ અટપટું છે
સપ્ટેમ્બરની શરૂઆત એટલે બાળકો થી લઇ તેમના પેરેન્ટ્સને બીઝી થવાની શરૂઆત . સ્કૂલો કોલેજો શરુ થઇ જાય છે. ફરી પાછી સવાર સાંજ સ્ટ્રીટમાં સ્કુલ બસોની અવર જવર દેખાય છે.
કેટલીક કાયમ શાંત રહેતી સ્ટ્રીટ ઉપર ભુલકાઓની વસ્તી જાણે અજાણે વિન્ડોમાંથી બહાર ડોકિયું કરવા મજબુર કરી મુકે છે. આ સાથે તેમના વિષે વિચારવા પણ પ્રેરે છે.
અહીની શૈક્ષણિક વ્યવસ્થા ભારતની સરખામણી માં બહુ સરળ હોય છે. નાનપણ થી આપણે ત્યાં બાળકો ઉપર જેમ ભણતરનો બોજ લાદી દેવાય છે તેમ અહી નથી હોતું. બાળકોને ભણતર સાથે તેમના આનંદનો પુરતો ખ્યાલ રખાય છે, જેથી દરેક બાળકને સ્કુલ જવું ગમે છે.
હા કેટલાક બાળકો બહુ એકલમુડી હોય, જેમને ઘરની બહાર જવું પસંદ નથી હોતું. એમની માટે અહી હોમ સ્કુલ જેવી વ્યવસ્થા પણ રખાય છે. જ્યાં બાળકો માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કુલ જતા હોય છે. આ બધા બાળકોના પેરેન્ટ્સ જુદાજુદા દેશમાંથી આવીએ અહી વસેલા હોય છે. તે લોકોને શરૂઆતમાં જેટલી તકલીફ બહાર કામ કરવામાં નથી પડતી તેનાથી વધારે અહી નાના બાળકોને સ્કુલમાં બીજા અમેરિકન બાળકો સાથે મિક્સ થતા પડતી હોય છે. તેમાય જો અમેરિકન લેગ્વેજ બરાબર ના બોલી શકે એવા બાળકોને ખાસ મુશ્કેલી પડે છે.
આપણે ક્યારેય વિચાર્યું છે આપણા બાળકો જ્યારે અહીની સ્કૂલો કોલેજોમાં અમેરિકન ગોરાઓ કાળાઓ વચ્ચે ભણવા જાય છે ત્યારે તેમની મનોદશા કેવી હોય છે?
ખાસ કરીને થોડા વર્ષોથી અહી આવેલા ઇમિગ્રન્ટ પેરેન્ટ્સની વાત કરીએ તો, પારકા દેશમાં જ્યાં જીવનની શરૂવાત એકડ એકથી શરુ કરવાની હોય તેવા માતા પિતા માટે કમાણી કરાવી અતિ આવશ્યક હોય છે. તેવા સમયમાં બાળકોને ના વિકાસ ઉપર ખાસ ઘ્યાન રખાતું નથી. તેમાય દેશી માં બાપ ઘરમાં વધારે કરી ગુજરાતી બોલતા હોય છે આવી પરિસ્થિતિમાં બાળકોનો ઝુકાવ માતૃભાષા તરફ વધુ હોય છે અને આવા વખતે જ્યારે તેમને પ્રી સ્કુલમાં મુકવામાં આવે છે ત્યારે તેમની દશા દયાનીય બની જાય છે. માં બાપ જ્યારે દીકરા દીકરીઓને અહીની પ્રી સ્કુલમાં પહેલું પગથીયું ચડે છે ત્યારે જેટલા ખુશ હોય છે એટલા જ એના માબાપ ચિંતિત પણ હોય છે. કારણ એ બાળકને પૂરું અંગ્રેજી બોલતા પણ આવડતું નથી હોતું. ત્યારે માં બાપને તેમની ચિંતા થાય તે સ્વાભાવિક છે.
આવા બાળકોને ક્યારેક તો બાળક બાથરૂમ જવું કે પાણી પીવું છે જેવા સામાન્ય શબ્દો પણ અંગ્રેજીમાં બોલી શકતા નથી.ત્યારે આવી સ્થિતિમાં જ્યાં બધા જ અમેરિકન બાળકો હોય ત્યાં આખો દિવસ તેમની વચ્ચે એક થઇને રહેવું તે બાળકો માટે ચેલેન્જ રૂપે હોય છે….
અને નાના બાળકોનાં મન સ્વચ્છ હોય છે તે વાત સાચી,પરંતુ તે બાળકો પણ સમજી શકે છે કે તેમની ભાષા બીજા કરતા અલગ છે.રંગ અને રહેણીકરણી બીજાઓ કરતા અલગ છે અને વધારામાં નાના બાળકોમાં નાની નાની વાતોને સમજવાની શક્તિ પણ ઓછી હોય છે. બીજા બાળકો કરતા અલગ પડતા આ ભારતિય બાળકોની અમેરીકન બાળકો વારેવારે મજાક ઉડાવતા હોય છે.તેમની સાથે દોસ્તી કરતા અચકાતા હોય છે.આવી પરિસ્થિતિમાં આ કાચી વયના બાળકોના માનસપટ ઉપર આ બધી વાતોની ઉલરી અસર નાં પડે એ જોવાનું અને સમજવાનું કામ બાળકના મા બાપનુ બની જતું હોય છે. બાળકો ક્યારેક નિરાશા વાડી અને એકાંત પ્રિય પણ બની જતા હોય છે. આવી સ્થિતિમાં તેમની મુશ્કેલીને સાંભળી તેનો યોગ્ય ઉપાય તેમને શીખવવાનું આપણું કામ બની જાય છે.
આ બધું ટાળવા માટે બાળકને ગુજરાતી કે પોતાની માતૃભાષા સાથે સાથે અંગ્રેજીનું જરૂરી શિક્ષણ આપવું બેહદ જરૂરી બની જાય છે.બાળકના મનમાં લધુતાગ્રંથી નાં ઉદભવે તેનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.
આ વાત આજે એટલા માટે યાદ આવી કે થોડા દિવસ પહેલા મારા શહેરમાં આવેલા મંદિરમાં હું દર્શન કરવા ગઈ હતી. ત્યાં ઇન્ડીયાથી થોડાજ સમય પહેલા આવેલા એક બહેન સાથે મુલાકાત થઇ. તેમણે વાત વાતમાં જણાવ્યું કે તેમનો દસ વર્ષનો દીકરો જે દેશમાં ભણવામાં તેજસ્વી હતો અને કદી સ્કુલ જવામાં આનાકાની કરતો નહોતો તે રોજ સ્કુલમાં નાં જવાના જુદા જુદા બહાના શોધે છે અને બહુ કહેવામાં આવે તો રડવા બેસી જાય છે. પેલા બહેન બહુ પરેશાન હતા.
છેવટે મેં મારી દીકરીને તેમના દીકરા સાથે વાતો કરવા જણાવ્યું ,તો તેના જણાવ્યા પ્રમાણે સ્કુલમાં કોઈ તેની સાથે બોલતુ નથી તેને ફાબ કહી ચીડવતા હતા ,કારણ તેનું ઈંગ્લીસ અહીના બીજા છોકરાઓ જેવું નહોતું, તેના ઉચ્ચારણ સાવ અલગ પડતા હતા. વધારામાં તેની મમ્મી લંચમાં તેને ભાખરી આપે છે તેનું પણ બધા ફન કરે છે. બીજા ત્રીજા ક્લાસમાં ભણતા બાળકો બધાજ સરખા હોય છે . કોઈ અંગત વેરઝેર હોતું નથી બસ નાદાનિયત ને કારણે આવું બધું કરતા હોય છે. પરંતુ તેની અવળી અસર બાળકો ઉપર પડી જાય છે.
એક દિવસ તો લંચમાં મળતા ચીકન નગેટસ તે ભૂલમાં ભજીયા સમજી ખાઈ ગયો હતો ,કારણ ઘરમાં બધા વેજીયેરીયન હોવાથી તેને અહી મળતા ચીકન નગેટસ વિષે કોઈ જ્ઞાન નહોતું . ઘરે આવીને તેને વાત તેની મમ્મીને જણાવી ત્યારે તેની મમ્મી તેને બહુ લડ્યા હતા. હવે તેને સ્કુલમાં જતા પણ ડર લાગતો હતો.
જ્યારે મારી દીકરીએ આ વાત મને જણાવી ત્યારે હું પણ સમજી શકી કે તેનાં મગજમાં શું દ્વંદ યુદ્ધ ચાલતું હશે. બાળકોની મુશ્કેલીઓને સમજવી માં બાપની પહેલી ફરજ છે. આપણે જ જો તેમની લાગણીઓને ઇગ્નોર કરીશું તો તેઓ કદીયે મનની વાત બહાર નહિ લાવી શકે પરી નામે ક્યારેક બંડખોર પણ બની જશે. કેટલાક બાળકો સ્કુલમાં ગયા પછી વધુ પડતા ધમાલિયાબની જાય છે. દરેક વખતે એવું નથી હોતુ કે તેઓ બહાર બીજાનું જોઈને આવે છે. ક્યારેક એમ બને છે કે ત્યાં નથી કરી શકતા એ બધું ઘરે આવીને કરવાની કોશિશ કરે છે. બાળ માનસ સમજવામાં જેટલું સહેલું છે એટલુ જ એ અટપટું છે.
અમેરીકા હોય કે ભારત હોય મોટે ભાગે પરિવારમાં બાળકો ને આપણે આપણી પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવા માગીએ છીએ તેથી તેમને નાનીમોટી દરેક વાતમાં ટોક્યા કરીએ છીએ.”જેમ કે આપણે અમેરિકન નથી”..”આપણાથી આ ના થાય તે ના થાય.”અમેરીકન જેવા બહુ ટુકા કપડા ના પહેરાય”..”વાળ ખરાબ થાય છે તેલ નાખો.” જેવી અનેક નાની મોટી ટકોર આપણા બાળકો ઉપર સતત ચાલુ રાખીએ છીએ.
જ્યારે અમેરિકન બાળકો માટે આ બધું સહજ હોય છે.તેઓ ક્યારે પણ વાળમાં તેલ નથી નાખતા.અને મોટે ભાગે તેઓ પંરંપરાવાદી ના હોવાથી બાળક રોજિંદી ટકોરમાંથી બાળક મુકત રહી શકે છે. તેથી કરીને આપણા બાળકો આવી સ્થિતિમાં જુદા પડે છે. ઘરે માં બાપ સામે કશું કરી બોલી શકતા નથી અને બહાર જમાના સાથે તાલમેલ મિલાવી શકતા નથી..આપણે આપણા બાળકોને ભારતીય બનાવી રાખવાના મોહમાં ભૂલી જઈયે છીએ કે તેમને આ જમાના પ્રમાણે પગલા ભરતા શીખવું પણ બેહદ જરૂરી છે ,નહીતર આઘુનિક દોડમાં આજ બાળકોની પાછળ રહી જવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.
વિદેશમાં રહીને આપણા દેશને દેશની સંસ્કૃતિને કે વિશિષ્ટતા કે સમૃદ્ધિ ભૂલી જાઓ તેમ હું નથી કહેતી..પરંતુ બાળ માનશ સમજી તેમના ઉપર દબાણ રાખો તો જ તેનો અર્થ સરે છે.આથી જેવો દેશ તેવો વેશ અપનાવી બાળકોને સમજવા જોઈએ.
હું માનું છું પ્રથમ આપણે જ આપણી જાતને કેળવી જોઈએ.અને આપણા બાળકોની અહીની જરૂરયાતને ધ્યાનમાં રાખીને એનો ઉછેર કરવો જોઈએ.
રેખા પટેલ વિનોદીની
ડેલાવર (યુએસએ)
vimala Gohil
May 23, 2020 at 10:41 pm
“બાળ માનસ સમજવામાં જેટલું સહેલું ,એટલુ જ એ અટપટું છે”