પિતાની વિદાઈ – રેખા પટેલ (વિનોદિની) ડેલાવર
ઓ પિતા તુજ ઈશ્વર, છે બાળક માટે પરમેશ્વર.
તુજ થકી રોનક ચહેરે, મા સંગીત,તો તું સ્વર.
મારા આજ સુધી લખાએલા સેંકડો લખાણોમાં મેં પિતા ઉપર ખુબ જ ઓછું લખ્યું છે. કારણ હું મારા પપ્પાને અને તેમની લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકવા સક્ષમ નથી. છતાં આજે જ્યારે જીવનનો કોઈ એક અવિસ્મરણીય પ્રસંગને વર્ણવાનો મોકો મળ્યો છે ત્યારે અધધધ સુખના પ્રસંગોને એક બાજુ ઉપર મૂકી હું જીવનનાં એક માત્ર દુઃખના પ્રસંગને આલેખીને મારા દર્દને ઓછું કરવાનો પ્રયત્ન અચૂક કરી લઈશ.
સામાન્ય રીતે એક હજાર પુસ્તકોમાં “મા” ઉપર ૯૦૦ પુસ્તકો કે નિબંધ મળી આવશે. જયારે પિતા ઉપર બહુ ઓછું લખાણ જોવા મળશે. બાળક મા ના અસ્તિત્વનો ભાગ છે, તો એ પિતાનો અંશ છે. મા ગુરુ છે તો પિતા હાથ ઝાલી રસ્તો સૂચવનાર જીવનરથનો સારથી છે. આપણા રથને યોગ્ય દિશામાં લઇ જવા માટે આ સારથી ક્યારેક ઢીલ આપે છે તો ક્યારેક લગામ કસીને ખેંચે છે. આપણે તેની આ ખેંચાએલી લગામને પિતાની કડપ માની લઈએ છીએ. પરંતુ હકીકતમાં એ તેમની આપણા ભવિષ્ય પ્રત્યેની ચિંતા માત્ર હોય છે.
યુવાનીમાં જે પુરુષ પોતાના મોજશોખ અને રંગીનીયાને દુનિયા માનતો હોય છે તે જ પિતા બનતા સાવ બદલાઈ જાય છે. તેની સહુથી પહેલી પ્રાથમિકતા તેનું બાળક બની જાય છે. પિતાના પ્રેમ અને ત્યાગને જરાય ઓછો નાં આંકવો. જેમ “મા વિના ઘરને દીવાલો નથી તેમ બાપ વિના માથે છાપરું નથી.”
મારા પપ્પા,નવનીતભાઈ પટેલ એ મારો પહેલો પ્રેમ. પાતળું લાબું ટટ્ટાર વ્યક્તિત્વ. એ સરળ તેટલા જ મિજાજી હતા. જેટલા ગુસ્સાવાળા તેટલાજ આનંદી પણ હતા. તેમણે નાનપણથી દુઃખોને સાવ નજીકથી અનુભવ્યા હતા કદાચ આજ કારણે તેમના સ્વભાવમાં કદાચ કડપ હશે. બાકી હ્રદયના ખુબજ ભોળા અને ખુશમિજાજી હતા.
ત્રણ ભાઈ બહેનોમાં હું સહુથી મોટી દીકરી અને પપ્પાની લાડકી હતી. આખાય ઘરમાં જો તેમને કોઈ કંઈ પણ કહી શકે કે લડી શકે તો માત્ર હું. આજે પણ તેમના વિષે લખતા જડબા અને મગજની નશો ખેંચાઈ જાય છે. શબ્દો છૂટી જાય છે. પરંતુ પરાણે લગામ ખેંચી આજે આખી વાત અહી પૂરી કરવા કોશિશ કરીશ.
માત્ર મેટ્રિક પાસ થયેલા મારા પપ્પાની બુદ્ધિની તોલે ભલભલા એન્જીનીયર પણ પાછા પડી જતા એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. કોઈ પણ પ્રકારની મશીનરી ખોલીને પાછી ફીટ કરવામાં પાવરધા હતા. ૧૯૮૦ ની સાલમાં જ્યારે લોકોને ટીવી વસાવવાના ફાંફા હતા ત્યારે પપ્પા ઘરમાં આવેલું ટીવી આખું ખોલી નાખતાં. રાતભર જાગી તેની ટેકનોલોજી વિષે વિચારતા, રંગોનું સેટિંગ પણ અંદરની પિક્ચર ટ્યુબ ખોલીને જાતે કરતા હતા. અમે સાવ નાના છતાં તેમની આ આવડતને કારણે બહુ ગર્વ અનુભવતા. કોઈના પણ ઘરે કંઈક મશીનરી બગડી ગઈ હોય અને જો કોઈ બોલાવે તો તરત સાવ ફ્રીમાં રીપેર કરવા પહોંચી જતા. કોઈ પણ કામમાં તેમને નાનપ નહોતી.
ખેત મજુરો સાથે પણ મિત્રતા રાખતા જેના કારણે એ લોકો પણ અડધી રાત્રે મારા પપ્પા માટે ખડે પગે હાજર રહેતા.
જીવન પ્રત્યેનો એમનો અભિગમ સાવ અનોખો હતો. જે પણ મળે તેમાં ખુશ રહેતા. તેમનું એક વાક્ય મારા જીવનમાં સદાયને માટે વણાઈ ગયું છે. ” બાંધી મુઠ્ઠી લાખની “.
મારા પપ્પાને મ્યુઝીકમાં પણ ખુબ રસ હતો, તેમની પાસે એ સમયના ફિલ્મી ગીતોનું ભારે કલેક્શન હતું. જે આજે પણ હીટ છે. એક એક ગીત જાતે નક્કી કરી રેકોર્ડ કરાવતા. વાંચનનો મારો શોખ મારા પપ્પાને કારણે કેળવાયો હતો. મારા ઘરમાં કાયમ પુસ્તકો રહેતા. મમ્મી હિન્દી મિડિયમમાં રાજસ્થાન ભણ્યા હતા તો પપ્પાએ આગ્રહ પૂર્વક ગુજરાતી વાંચતા કરી દીધા હતા.
પપ્પા સાથેની મારી બહુ ગમતી ક્ષણો એટલે તેમના ગળે હાથ વિટાળીને મારું ટીવી જોવું. તેમાં પણ જ્યારે તે બહુ ખુશ હોય ત્યારે તેમની હસવાની અદા ઉપર હું કુરબાન થઈ જતી, તે હસતા ત્યારે નીચેનો હોઠ જરા વધારે અંદર ધકેલાઈ જતો. તેમને આમ હસતા જોવાનું મને બહુ ગમતું.
ખૂબ જ શોખીન મારા પપ્પાને તેમનો શોખ પૂરો કરવાનો ખાસ કોઈ મોકો નહોતો મળ્યો. કારણ તેમના નાના ભાઈ બહેન સાથે આખા કુટુંબની જવાબદારી તેમણે માત્ર તેર વર્ષની ઉંમરેથી ઉપાડી લીધી હતી.
ત્યાર બાદ અમારા સપના પુરા કરવામાં તેમણે પોતાના સ્વપ્નાઓને હૃદયમાં ભંડારી દીધા હતા. તેમને દુનિયા ફરવાનો, દરેક વસ્તુઓ જોવાનો, જાણવાનો શોખ હતો, તે આ વાત કદી પણ કોઈને કહેતા નહોતા પરંતુ મોટી થયા પછી હું આ બધું જોતી સમજતી હતી, અને ત્યારે વિચારતી કે મોટી થઈને પપ્પાના બધા જ સપના પુરા કરીશ તેમને ગમતું બધું જ સુખ આપીશ. પરંતુ ઉપરવાળો મારી ઈચ્છા અધુરી રાખવાનું પહેલેથી જ નક્કી કરીને બેઠો હતો.
મારા પપ્પાનો વિદેશનો શોખ અધુરો રહ્યો હતો આથી કાયમ મને કહેતા “તને તો હું અમેરીકા જ પરણાવીશ.” છેવટે તેમની જીદને અનુસરી કોલેજના બીજા વર્ષમાં હું અમેરિકાથી લગ્ન કરવા માટે આવેલા વિનોદને મળી. જોકે પહેલા તે વિનોદને મારી માટે જોઈ,પારખી આવ્યા હતા. મને કહે “બરાબર તને સાચવે તેવો છોકરો છે. તું સુખી થઈશ” જે અક્ષરેક્ષર સાચું પડ્યું.
મારા લગ્ન નક્કી થતા તે ખુબ ઉત્સાહમાં આવી ગયા હતા કે દીકરીને ખુબ સારું સાસરું મળ્યું. લગ્ન માત્ર ત્રણ અઠવાડિયામાં લેવાના હોવાથી તે ઝડપથી તૈયારીમાં લાગી ગયા. આ દરમિયાન કોણ જાણે કઈ બીમારી તેમને ઘેરી વળી કે દિનપ્રતિદિન તેમની તબિયત બગડવા માંડી.
તે સમયે તેમની ઉંમર પચાસ વર્ષ હતી. લગ્નના આગલા અઠવાડિયે બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ. કદાચ જલદી સારું થઈ જાય એ માટે લીધેલી ભારે દવાઓનું રીએક્શન આવી ગયું હતું. જેના કારણે લાંબો સમય બેસવાનું પણ અઘરું થઇ ગયું હતું. છેલ્લા દિવસોમાં હું અને મારા મમ્મી લગ્નનું શોપિંગ કરીને ઘરે આવતા ત્યારે પપ્પા બહાર ઓસરીમાં ઢાળેલી ખુરશીમાં અત્યંત દર્દ સહન કરતાં જોવા મળતા. છતાં અમને જોઈ ” લાવ બતાવ શું લાવી તું? તે બધું ગમતું લીધું છે ને? એવા પ્રશ્નો પૂછી દુઃખ છુપાવી ખુશ થવાનો પ્રયત્ન કરતા. ત્યારે હું એ વાત નહોતી સમજી શકી કે કેટલા દર્દમાંથી તે પસાર થતા હશે. અમને ખુશ જોવા એ અંદરથી કેટલું સહન કરતા રહ્યા હશે.
બધું જ દર્દ પચાવી જઈ,પરાણે હસતો ચહેરો રાખીને કન્યાદાન કર્યું. વિદાઈ વેળાએ માથે હાથ મુકીને ખુબ રડ્યા હતા. ત્યારે તેમની આંખો અને બીમારીને કારણે સુજી ગયેલો ચહેરો મારી માટે આખરી નિશાની સમો બની ગયો. જે આજે પણ આંખ બંધ કરતા સામે આવી જાય છે. આ ઊંડી વેદનાની કસક કદીયે ભૂલાય તેમ નથી. એ ચહેરો આંખ સામે આવતા મારા માથામાં પીડાની કસક ખેંચાઈ જાય છે.
લગ્ન પછી ના ચોથાજ દિવસે મારે કોલેજના બીજા વર્ષની એન્યુઅલ એક્ઝામ હતી. વર્ષ બગાડવાનું પોસાય તેમ નહોતું. આથી લગ્ન પછીના બીજા દિવસે હું ઘરે આવી, મને જોઈ તરત એ પલંગમાં બેઠા થઇ ગયા અને મારા માથા ઉપર હાથ ફેરવી સહુથી પહેલા પૂછ્યું કે ” તું ખુશ છે ને? બધા તારી માટે પ્રેમ રાખે છે ને? તારું ઘ્યાન રાખતા હતા ને? કોઈએ તને કશુંજ મનદુઃખ થાય તેવું કહ્યું નથી ને?” આટલા બધા પ્રશ્નો એમણે એક સાથે પહેલી જ વાર પૂછ્યા હતા. કદાચ તેમને જાણ થઇ ગઈ હશે કે હવે પછી બહુ સમય નથી કે દીકરીના સુખદુઃખ જાણી શકું…..આજે પણ એ સ્પર્શ એ અવાજ એ આંખોની ચમક બરાબર યાદ છે.
બીજાજ દિવસે મારે પરીક્ષા આપવા બાજુનાં ગામ બોરસદ જવાનું હતું. કારણ એક્ઝામ સેન્ટર ત્યાં હતું. આ તરફ પપ્પાની તબિયત વધુ લથડતા હોસ્પિટલ લઇ જવાતા હતા ત્યારે મેં તેમનો હાથ પકડી લીધો હું રડી પડી અને સાથે જવાની જીદ પકડી.
” તું મારી બહાદુર દીકરી છે ને! બરાબર પરીક્ષા આપજે , તારે પાસ થવાનું છે.” જતી વેળાના એમના મારી માટેના આ છેલ્લા શબ્દો…
કદાચ એ પછી એ ભાગ્યે જ કોઈને કશું બોલી કે કહી શક્યા હશે. આજે પણ એ દિવસો યાદ કરતા કંપી જાઉં છું.
સારા કે ખરાબ પ્રસંગોમાં જેમના માથા ઉપર પિતાનો હાથ રહે છે તેઓ ખરા અર્થમાં નશીબદાર છે. એથીજ તો પિતા ને ઘરનો મોભ કહેવાય છે.
અમારા ઘરનો મોભ તૂટી પડ્યો. હોસ્પિટલમાં પહોચતા પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં દરવાજે તેમના શ્વાસ કાયમને માટે બંધ થઇ ગયા.
“વ્હાલી દીકરીને વિદાઈ આપી એ ખુદ કાયમી વિદાઈ લઇ ગયા. મને, નાના ભાઈ બહેન અને મારી મમ્મીને ભરેલા સંસારમાં એકલા કરી ગયા.
બે પેપર્સ પુરા કરતા સાંજ પડી ગઈ હતી. ત્યાં સુધી પપ્પાના મિત્ર બહાર બેસી રહ્યા. ગામડામાં મૃત શરીરને લાંબો સમય ઘરે ના રાખી શકાય તે માટે બધા મારી રાહ જોઈ રહ્યા હતા. જેથી સમયસર અગ્નિસંસ્કાર કરી શકાય.
મારી સમજ બહાર મને જલ્દીથી વાલવોડ અમારા ગામના ઘરે લઇ જવામાં આવી. હું આખા રસ્તે પૂછતી રહી કે કેમ ભાદરણ નથી જતા? મારે હજુ કાલના પેપર્સની તૈયારી કરવાની છે. વાલવોડ નથી જવું. પણ તે કાકા ખાસ કઈ બોલ્યા વિના કહે એક કામ પતાવી તને ભાદરણ મૂકી જઈશ.
અમારી ખડકીમાં પ્રવેશતાં જોયેલું દ્રશ્ય આજે ૨૯ વર્ષ પછી પણ કંપાવી જાય છે. આખી ખડકી સફેદ કપડાથી ઉભરાઈ ગઈ હતી. જાણે મારા હ્રદયને કોતરતાં કીડાની માફક એ બધા ઉભરાતા હતા. મારું હ્રદય બેસવા લાગ્યું હતું. કશુક અમંગલ બની ગયું છે તે સમજતા વાર નાં લાગી. મારા દાદીમાની તબિયત તે દિવસોમાં જરા નબળી હતી આથી ધારી લીધું તેમ જ બન્યું હશે.
પરંતુ ઘરમાં પ્રવેશતાં હાથમાંથી બધું જ નીચે પડી ગયું અને હું પપ્પાના માથા પાસે ઢગલો થઇ ફસડાઈ પડી. ” પપ્પા તમારા વગર મને કોણ વહાલ કરશે, તમારા વગર મને એક પણ દિવસ નથી ચાલતું હવે હું શું કરીશ.”
સમય ક્યા કોઈનો રોક્યો રોકાય છે. જન્મ મરણ બધું પહેલેથી નક્કી હોય છે. બસ મારા કન્યાદાનનું સુખ તેમના નશીબમાં હતું. અને તેમના દ્વારા વિનોદનું સુખ મારા નશીબમાં હતું તે આજ પર્યંત અકબંધ રહ્યું. સાવ ભાંગી પડેલી હાલતમાં પરીક્ષા આપી અને પાસ પણ થઇ. એક ડાહી દીકરી તરીકે મેં પણ પપ્પાને આપેલું વચન પૂરું કર્યું હતું.
મારા વહાલા પપ્પાના દુઃખને ના સમજી શકવાનું દુઃખ આજે પણ તીવ્રતાથી અનુભવું છું.’મારા લગ્નની ખુશી ડહોળાઈ ના જાય એ માટે બધું દુઃખ બહુ સિફતથી પચાવી ગયા હતા.’ મારી માટે પિતાનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે… આજે હો હયાત હોત તો વિશ્વાસથી કહી શકું તેમ છું કે તેમની દરેક ઈચ્છા મેં જરુર પૂરી કરી હોત. “મારી સોનાની થાળીમાં પિતાની વહેલી વિદાઈ બની લોઢાની મેખ”