“પશ્ચિમી સંસ્કૃતિ સાથેની તાલમેલ”- રેખા પટેલ(વિનોદિની)
જમાનો ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે તેને કોઈ નકારી શકે તેમ નથી. આ સાથે નવી જનરેશન તેના વિચારો અને વર્તનથી ખુબ આઝાદ થતી જણાય છે. જે તેમની રોજીંદી હરકતોમાં સ્પસ્ટ જઈ આવે છે, કારણ તેઓ ખોટા દેખાડામાં અને મન મારીને જીવવામાં માનતી નથી. જે એક રીતે સારુજ છે. તેઓ જે વિચારે છે તે બતાવવામાં સંકોચ નથી રખાતા. પરિણામે તેમની પ્રગતિ ઝડપી થઇ રહી છે. આ સાથે સ્વચ્છંદતા પણ બહાર આવી રહી છે તે પણ એટલુજ સાચું છે.આવા વખતે જુનવાણી વિચારો રાખતો સમાજ કે સંસ્કૃતિના ધુરંધરો બચાવ માટે કહેતા સંભળાય છે કે આ બધાનું મૂળ કારણ પશ્ચિમની સંસ્કૃતિ છે. તેઓ માને છે કે આપણે તેમના રવાડે ચડી આપણી સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છીએ.
કોઈ પણ સંસ્કૃતિ ખરાબ નથી હોતી. નહીંતર તેને સંસ્કૃતિ કેમ કહી શકાય. તેને કેવી રીતે જોવી એ આપણા ઉપર નિર્ભર છે. એક દિશાથી આપણને જે સારું લાગે તે બીજી તરફથી કદરૂપું પણ લાગી શકે છે. જેને આપણે સ્વચ્છંદતા માનીએ છીએ તેને પશ્ચિમી સમાજ સ્વતંત્રતા માને છે. મન વગરના સબંધોમાં તેમને વિશ્વાસ નથી. પરાણે કઈ પણ કરવું એ તેમના સ્વભાવની વિરુદ્ધમાં છે આથીજ ઇચ્છા મુજબનું જીવન અહીની જરૂરીયાત બની જાય છે.
દરેક સિક્કાની બે બાજુઓ રહેલી છે. જેમ પાશ્ચાત મુક્ત વિચારો આપણને માફક નથી આવતા તેમજ આપણા પોતાના બધાજ રૂઢિચુસ્ત વિચારો પણ સહન કરવાલાયક નથી.
આનાથી વિરુદ્ધ ભારતમાં બીજાઓ માટે પોતાની ઈચ્છા અને સ્વતંત્રતાને રૂંધી દેવામાં મહાનતા ગણાઈ છે. બલિદાન અને ત્યાગની ભાવના મહાન ગણાઈ છે. જે વાંચવા, સાંભળવામાં ઘણી સારી લાગે છે પરંતુ તેનું અમલીકરણ કરતી વેળાએ ઘણું બધું જતું કરું પડે છે. જે આજનાં શિક્ષિત સમાજને પરવડે તેમ નથી. તેને બીજાઓને સુખ આપવાની સાથે પોતાને પણ ખુશી અને આઝાદી જોઈએ છે. જેમાં જરાય ખોટું નથી. દરેકને પોતાના સુખની ઝંખના હોવીજ જોઈએ. અને તોજ ખુશી મન બીજાને ખુશ રાખી શકશે.
સ્વતંત્રતા હોવી જોઈએ પરંતુ તેના કારણે આવતી પેઢીને નુકસાન ના થાય તે જોવાની જવાબદારી પણ એટલીજ મોટી છે. આજકાલ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ, અને વાઈફાઈ કનેક્શનને કારણે સોસાયટીમાં ભારે બદલાવ આવી રહ્યો છે. આ બદલાવના જેટલા પ્લસ પોઈન્ટ્સ છે તેટલાજ માઈનસ પોઈન્ટ્સ પણ છે. ઈન્ટરનેટના હાઇસ્પીડ કનેક્શનમાંથી અને કોમ્પ્યુટરના ડેટા પ્લાનમાં સચવાઈ ગયાનાં સ્વભાવમાંથી આપણે બહાર નીકળીને થોડીવાર માટે હવે પછીની જનરેશન વિષે વિચારવું જરૂરી બની જાય છે.
અમેરિકા,યુરોપ, ઓસ્ટેલિયા કે પછી ભારત હોય દરેક દેશમાં વિચારો અને કાર્યદક્ષતામાં આજની જનરેશન આગળ વધી રહી છે તે વાત પણ નરી આંખે દેખાય તેમ છે. આપણા દેશમાં જ આજે કોલેજમાં ભણતી યુવતીઓની આઝાદી જોઈએ ત્યારે ચોક્કસ પ્રશ્ન થાય છે કે શું વીસ વર્ષમાં આટલી બધી સ્વત્રંતા આવો ફેરફાર અચાનક આવ્યો હશે ? કે પછી એની માટે ઈન્ટરનેટ કનેક્શન પણ મોટો ભાગ ભજવી ગયો હશે?
ગમે તે કારણ હશે પણ તેના કારણે સર્વાંગી વિકાસ ઝડપી બની રહ્યો છે. સાથે તેમનો ગેરમાર્ગે દોરાવાનો ડર પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં બાળકો સાથેની નિકટતા ખુબ આવશ્યક બની જાય છે.
” કુમળાં છોડને વાળો તેમ વળે” આ કહેવત સાર્થક કરવા માટે, આપણી પાસે ખુબ ઓછા વર્ષો રહ્યા છે. કારણ આજની જનરેશન જે ઝડપથી ગતિ કરી રહી છે તેને જોતા તેમને વાળવાનો કે દિશા સૂચવવાનો બહુ ઓછો સમય બચ્યો છે. એક સમય હતો કે દસ વર્ષના બાળકને પુરતી સમજ નહોતી, તેના બદલે હવે છ વર્ષનો બાળક ફેશન, સ્ટાઈલ, જાતિભેદ બધુજ જાણતો સમજતો થઇ ગયો છે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાતો આજના બાળકો જાહેરમાં માતાપિતા સામે કહેતા થઇ ગયા છે. એ સમય બહુ દુરનો નથી જ્યારે વિજાતીય મિત્રતાને શંકાની નજરે જોવાતી હતી. ગમેતેવા સારા સબંધો પણ છુપાવીને રખાતા હતા. આજે વિજાતીય મિત્ર નાં હોવો એ શંકાની વાત બની જાય છે.
દેશ હોય કે પરદેશ બાળકો તેમના વિજાતીય મિત્રોની વાત માતાપિતાને બિન્દાસ બની કરે છે. સામા છેડે માતાપિતા પણ પોરસાઈને તેમની આવી વાતોને પ્રોત્સાહન આપવામાંથી બાકાત નથી રહેતા. નિર્દોષતા માટે આ કશુ ખોટું નથી. પરંતુ આવા કુમળા છોડને આ બધાની સાચી સમજ નથી. આ એનું માત્ર ટેલીવીઝન અને ઈંટરનેટના માઘ્યમ દ્વારા મેળવેલું અધકચરું સમય પહેલાનું જ્ઞાન છે, જેને આપણે સમજી અને યોગ્ય દિશામાં વાળવું જરૂરી છે.
નાની ઉંમરથી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણેજ તેમને એકલા સુતા શીખવીએ છીએ. પ્રાઈવેસી મેળવવા પ્રાઈવેસી આપવાનું પણ માતાપિતા દ્વારાજ શીખવાડવામાં આવે છે. આ રૂમ તેમનો છે અહી તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. તેનું આમ કરવું એ બાળક થોડો મોટો થાય ત્યારે અઘરૂ લાગે છે. તેમનાં કામમાં કોઈ ડખલ નાં કરે એ માટે રૂમ અંદરથી બંધ કરતા થઇ જાય છે. આ તેમની માટે ફ્રીડમ ગણાય અને પેરેન્ટ્સ માટે આ હેડેક બને છે.
આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમીલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાની રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે કારણ તેમના હાથમાં નાનપણથી ફોન ટીવી, આઈ પેડ અને કોમ્યુટર જેવા ગેજેટ પકડાવી દેવાયા હોય છે. જે આજે જરૂરિયાત કરતા દેખાડો અને દંભ વધારે છે. બાળકોને ઇલેક્ટ્રિક ગેઝેટોનો પરિચય બને તેટલો ઓછો અથવા મોડો કરાવવામાં કશુજ ખોટું નથી.
નાનપણમાં આવા ગેઝેટ્સ હાથમાં આવતા ઓનલાઈન ચેટીંગ, ગેમ્સ અને નેટ સર્ફિંગ તેમની આદતો બની ગઈ હોય છે. તેમની આ આગવી દુનિયામાં પ્રાઈવેસી મેળવવાના ઈરાદે તેઓ રૂમ લોક કરીને બેસે છે. પોતાનો દીકરો કે દીકરી બંધ બારણા પાછળ શું કરે છે તે જાણવાની દરેક પેરેન્ટસની આતુરતા હોય છે. કારણ માત્ર એટલુજ કે તેને ખોટું કરતો હોય તો રોકવા માટેની આજ હાથવગી તક છે.
માત્ર સુવા માટે રૂમ અલગ રાખવામાં આવે તો વાંધો નથી. બાકી બાળકોને રમવા કે મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું આપણી નજર સમક્ષ રાખવું જોઈએ, જેથી તેમની દરેક હિલચાલ ઉપર આડકતરી રીતે નજર રાખી શકાય. તેમને એમ પણ ના લાગવું જોઈએ કે તેમની ઉપર પહેરો થઇ રહ્યો છે. કારણ આવું થતા તેમની વિચાર શક્તિ કુંઠિત થઇ શકે છે.
આઈ ફોન કંપનીનો પ્રણેતા સ્ટીવ જોબ પોતે પોતાના નાના બાળકોને ફોન કે આઈપેડ આપવાની તરફેણમાં નહોતા. શું તેમને બાળકોની પ્રગતિમાં રસ નહોતો? શું તેઓ નહોતા ઈચ્છતા કે બાળકો ગુગલ અને ફોનનાં ઉપયોગ થી વધુ સ્માર્ટ બને?
દરેક મા બાપની માફક એ બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટેજ ચિંતિત છે તેમને આ ટેકનોલોજીથી થતા નુકશાનની બરાબર ખબર છે, આથી તે બાળકોને તેનાથી દુર રાખવા માંગતા. જો તેઓ આવું વિચારે છે તો આપણે કેમ નહિ?
અમેરિકામાં એવરેજ દરેકે ટીનેજર દિવસના ૫ થી ૬ કલાક ફોનમાં વ્યતીત કરે છે. આમ કરવામાં તેમની શારીરિક એક્ટીવીટી બિલકુલ બંધ થઇ જાય છે સાથે પોશ્ચર પણ ખરાબ થાય છે. બહાર મિત્રો બનાવવાની તેની આદત ધીમેધીમે ઘટતી જાય છે પરિણામે એકલતા અને સ્વભાવમાં ડીપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. બીજાઓ સાથે વાત કરવાની કળા અને આંખમાં આંખ મિલાવી પોતાની વાત રજુ કરવાની ખુમારી, આત્મવિશ્વાસ જતાવવાની તક ઘટતી જાય છે. આ માત્ર અમેરિકાની સમસ્યા નથી દેશ દેશમાં આજ હાલ છે. આજ કારણે સમાજ વિખેરાઈ રહ્યો છે. એકજ ઘરમાં ચાર વ્યક્તિઓ જો એકબીજા સાથે સંપર્કમાં નાં રહી શકતા હોય. તો બીજાઓ સાથે કેવી રીતે રહી શકશે?
બાળકોને કોઈના ઘરે કે સોશ્યલ પ્રસંગે લઇ જવા હોય તો પહેલો પ્રશ્ન તેઓ પૂછશે ” તેમના ઘરે મારી ઉંમરનું કોઈ છે ? હું ત્યાં શું કરીશ? ” વગેરે બહાનાઓ હેઠળ સાથે આવવાનું પસંદ કરતા નથી . અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા બેઠા તેમનો સંપર્ક ફોન દ્વારા બીજાઓ સાથેજ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો સિમીત બની રહે છે.
અત્યારે બાળકોને વધારે ટોકવામાં પણ ખાસ મઝા નથી રહી. તેમ કરવામાં તેમના અહંને ઠેસ લાગે છે અને ના કરવાનું વધારે છુપાઈને કરવા લાગે છે.
આ સમસ્યા માત્ર પરદેશની નથી. હવે તો ભારતમાં પણ શહેરો સ્માર્ટ સિટી બની રહ્યા છે, ત્યાંના બદલાતા શોખ અને દેખાડામાં ભાષા સાથે પહેરવેશ અને વિચારો સાથે વર્તન ઝડપથી બદલાઈ રહ્યા છે. જેટલી છૂટ બાળકો માંગી રહ્યા છે તે આપ્યા સિવાય છૂટકો નથી. તો સાથે પેરેન્ટ્સ તરીકે તેમને સમજાય એ રીતે તેમની ભૂલ દર્શાવવાની કળા પણ આપણે વિકસાવવી રહી. જો તેમની જરૂરીયાતો સાથે સારી કે ખરાબ આદતો વિષે પુરતું જ્ઞાન હશે તોજ આ શક્ય બને છે. આથી કોઈ પણ બહાના હેઠળ બાળકો સાથે નજદીકી રાખવી, વાતચીત દ્વારા તેમનું મન વાંચતા શીખવું જોઈએ.
આ માટે આપણે હાઈફાઈ લાઇફ સ્ટાઈલ નહિ પણ હાઈફાઈ થીંકીંગ અપનાવવું પડશે. “બાળકોના પહેલા મિત્ર ઈંટરનેટને ના બનવા દેતા આપણે બનવું પડશે.” જો આપણે આપણી વસ્તુ ના બચાવી શકીયે તેનો દોષબીજાને આપવો કેટલી હદે યોગ્ય ગણાય? “આજે આ નથી સારું કાલે પેલું યોગ્ય નથી એ બધું માનવા, કહેવા કરતા તેની સારી બાજુઓ અપનાવી આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ.”
vimala Gohil
May 23, 2020 at 10:35 pm
“કોઈ પણ સંસ્કૃતિ ખરાબ નથી હોતી. નહીંતર તેને સંસ્કૃતિ કેમ કહી શકાય. તેને કેવી રીતે જોવી એ આપણા ઉપર નિર્ભર છે.”