પત્ર- અપ્રિય કોરોના,
હવે તારે ઘરતી છોડીને જવાનો સમય થઇ ગયો છે.
તું મહેમાન તેમાય ભારે અપ્રિય, આ રીતે મફતમાં કેટલા દિવસ રહીશ?
બને તેટલી જલદી તું તારા પોટલા બાંધી ભાગવાની તૈયારી શરુ કરી દે.
ના ના કરતા તું લાખો લોકોને ભરખી ગયો છે, તેનાથી કેટલાય વધારેને તું હેરાન કરી રહ્યો છે. નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકોને તું તારો શિકાર બનાવે છે. શું આટલાથી તું ધરાયો નથી કે માંડ એક ટાઈમ સળગતા ગરીબોના ચૂલા ઉપર પણ તું ભૂખમરો થઈને બેસી ગયો છે.
તારામાં તાકાત હોય તેટલી અજમાવી લે, થાય એટલી બરબાદી ફેલાવી દે પરંતુ અમે બધા એક થઈને તારો સામનો કરવા તૈયાર છીએ. ઘરમાં પાંચ મિનીટ પણ રોકાવવા તૈયાર નથી એવા બાળકો, યુવાનો પણ ઘરમાં પલાંઠી વાળીને બેસી ગયા છે. જેઓ આખો દિવસ કામાર્થે બહાર રહેતા હતા એ બધા કામધંધા છોડી ઘરે રહેવા તૈયાર થઇ ગયા છે. ભરચક રસ્તાઓ પણ સુમસાન થઈ ગયા છે. તને કોઈ ચહલપહલ કે મનોરંજન મળવાનું નથી.
હોસ્પીટલમાં ડોકર્ટસ, નર્સ અને સ્વયંસેવકો દિવસરાત દર્દીઓની સેવા કરવા ખડે પગે રહે છે. સંસ્થાઓ સમાજસેવકો ઘરેઘરે ભૂખ્યાને અન્ન પહોંચાડે છે. મંદિરમાં ભાગવાન પણ ભક્તો વિના ચલાવે છે. તેમની પ્રસાદીની લક્ષ્મી પણ આજે સેવામાં વપરાઈ રહી છે.
એકતાની તાકાત, સમજ અને સહયોગને કારણે તારી હાર નક્કી છે. ભાગ હવે….રેખા પટેલ