RSS

ક્વોલિટી લાઈફ

23 May

ક્વોલિટી લાઈફ – રેખા પટેલ(યુએસએ)

સાચી ક્વોલિટી લાઈફ એટલે મનગમતી વ્યકતી સાથે ગમતું જીવન. અંતરમાં પ્રેમ અને સંતોષ બંને ભારોભાર હોય તોજ આવું જીવન જીવી શકાય છે. બાકી બહાર મળતાં અઢળક સુખ વચ્ચે પણ અધુરપ અનુભવાય છે….

જીવનની ગુણવત્તા ખૂબ જ જરૂરી વિષયવસ્તુ છે, એના ઉપરથી નક્કી કરી શકાય છે કે વ્યક્તિ માનસિક રીતે કેટલો સફળ છે. કારણ આર્થિક રીતે સફળ વ્યક્તિની ક્વોલીટી ઓફ લાઈફ એટલે કે ઉચ્ચતમ જીવનશૈલીથી જીવતી હોય તેમ માનવું ભૂલ ભરેલું છે.

આવી જીંદગી માટે સહુ પહેલા વ્યક્તિની શારીરિક તંદુરસ્તી, સંતોષી અને પ્રેમાળ સ્વભાવ, અંતમાં સમૃદ્ધિ આવે છે. છતાં કેટલાક માટે મનગમતી જીંદગી જીવવા માટે સહુ પ્રથમ ધનદોલત આવે છે. તેઓનું માનવું હોય છે કે સમૃદ્ધિ વિના સુખ મળતું નથી. જોકે આનંદદાયક જીવન જીવવા તંદુરસ્તી પહેલી જરુરિયાત છે. કારણ શારીરિક તંદુરસ્તી વિના આર્થીક સુખનો પુરતો આંનદ માણી શકાતો નથી.

સાવ સામાન્ય પરિવારમાંથી આવતા આશુતોષે ભણતા રહીને નોકરી કરી મહામહેનતે ડોક્ટર બન્યા બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા આવવાનું વિચાર્યું. વર્ષો પહેલા આગળ ભણવા માટે અમેરિકામાં સહેલાઈથી વિઝા મળી જતા. આમ અહી આવ્યા બાદ તેમણે ખુબ મહેનત કરી, એક ટંક ખાઈને ડોલર્સ ભેગા કરી ફી ભરતા. છેવટે અમેરિકામાં રેસીડન્સી માટેની પરીક્ષા પાસ કરી. એક ગરીબ વિદ્યાર્થીનું સ્વપ્નું સાકાર થયું. તેને લાગ્યું જીવનનું બધુજ સુખ મળી ગયું.

ત્યાર બાદ મેરીલેન્ડ સ્ટેટમાં સારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ. ત્યાજ કામ કરતી ડો. સુપ્રિયા સાથે પ્રેમ થઇ જતા પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા. બધુજ બરાબર ચાલતું હતું. આ દરમિયાન ડોક્ટર તરીકે નામના મેળવવા અને ડોલર્સ એકઠાં કરવામાં રાત દિવસ કામ કરતા. લગ્ન જીવનના ફળ સ્વરૂપે દીકરી પ્રિયા અને દીકરા અંશ નો પણ જન્મ થઇ ગયો. છેવટે પતિપત્નીએ પાર્ટનરશીપમાં નાનકડી આગવી પ્રેકટીશ પણ શરુ કરી. હવે ઓવર ટાઈમ પણ કરી શકતા.

આ બધામાં જીંદગી કેમ જીવવી સાવ ભૂલી ગયા હતા. ક્યારે યુવાન થતા બાળકો, પત્ની કે ઓળખીતા કહેતા પણ ખરા ” તમારી પાસે જરૂરીયાત કરતા બધુજ વધારે છે, દર વર્ષે વધારે નહીતો એકાદ વિક પત્ની બાળકો કે ગમતા મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો.
બદલામાં તે કહેતા બસ “બીજા દસ વર્ષ કામ કરી લઉં. સાઈઠ પછી નિવૃત્ત થઈ જઈશ. પછી મરજી પ્રમાણેની ક્વોલીટી લાઈફ એન્જોય કરીશ” જોકે આવું કહેનારા કદીયે નિવૃત્ત થતા નથી. એ માટે જાતેજ મક્કમ થઈને બધું નક્કી કરવું પડે છે. એવામાં પંચાવનની આસપાસ આવેલા જાણીતા ડોક્ટર આશુતોષને અચાનક બ્રેઈન સ્ટોક આવ્યો.. હોસ્પિટલ લઇ જતા સુધીમાં તેમનું શરીર લકવા ગ્રસ્ત થઈ ગયું. સદાય ચાલતા બંને હાથ અને પગ સાવ નિર્જીવ થઇ ગયા. ડોક્ટરોની મહામહેનતે બ્રેઈન રી કવર થયું, પરંતુ હાથપગમાં જીવંતતા આવી નહિ.
આજે આલીશાન મકાનમાં રીક્લાઈન બેડમાં આડા પડીને ટીવીમાં આવતી દુનિયાભરની વિવિધતાને માત્ર આંખોથી જોતા રહી સમયને ઠેલ્યા કરે છે. શું આને ક્વોલીટી ટાઈમ કહી શકાય? આ જે બધું નજરે નિહાળી શકવાની ક્ષમતા હતી. બધું ખરીદવાની તાકાત હતી, માણવાની શક્તિ હતી ત્યારે એ સમયનો સદુપયોય કર્યા સિવાય માત્ર સંપતિ એકઠી કરવામાં એ વ્યસ્ત રહ્યા.
આજે જ્યારે નર્યો સમય પાસે છે પણ સાથ આપે એવું શરીર ક્યા છે? પોતે અથાગ પરિશ્રમથી ભેગા કરેલા ડોલર્સને તેમની નજર સામે યુવાન બાળકો પોતપોતાના શોખ પ્રમાણે બે હાથે ખર્ચી રહ્યા છે. તે જોઇને ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકતા નથી.

એક અપંગ વ્યક્તિ કેટલી હદ સુધી જીવનની ઉચ્ચ ગુણવત્તાની જાણ કરી શકે છે? જ્યારે તંદુરસ્ત વ્યક્તિ જેની પાસે ધનદોલત કે નોકરી નથી તેનો જીવન તરફનો અભિગમ કેવો હશે?
બંનેના દુઃખ અને પરિસ્થિતિ અલગ છે છતાં સમસ્યાઓ યથાવત છે. ક્વોલીટી લાઈફ માટે આરોગ્ય, ભૌતિક સામાજિક સુખ, સાથે સંવેદનાઓનું જીવંત હોવું જરૂરી છે. આધુનિક જગતમાં શોખ પ્રમાણેનું મનોરંજન, શિક્ષણ અને આરામનો પણ સમાવેશ થઇ શકે છે. સ્વતંત્રતા, પણ જીવનને સુખ આપી શકે છે.
આ શબ્દ ક્વૉલિટી ટાઈમનો સાચો અર્થ કયો? એ માટે દરેકની વ્યાખ્યા અલગ છે. જયારે એક વ્યક્તિ જીવનની સંપત્તિ અથવા જીવનના સંતોષ અનુસાર જીવનની ગુણવત્તા દર્શાવી શકે છે ત્યારે અન્ય વ્યક્તિ લાગણી, સબંધો તથા શારીરિક સુખને ઉચ્ચ જીવન જીવવાની ક્ષમતા કહે છે.

આજકાલ ફેશનમાં પણ આ શબ્દ ઘણો સંભળાય છે. બે જણ કે કોઈ આખું ગ્રુપ સાથે સરસ મજાનો સમય પસાર કરે તેને ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એમ કહેતા હોય છે. અહી તેમણે મનગમતો સમય પસાર કયો એવો અર્થ લેતા હોય છે. ક્વૉલિટી ટાઈમ એટલે એ સમય જેનો સંતોષકારક રીતે ઉપયોગ કરે છે.

આજના ભણેલા વર્ગને જીવન કેમ જીવવું એ બહુ સરસ રીતે આવડે છે. સમયના ટુકડાઓ એકઠાં કરીને અવિસ્મરણીય યાદો એકઠી કરી લેતા હોય છે. એક વખત હતો બાળકના જન્મ પછી છ મહિના સુધી પત્ની પિયરમાં રહેતી ત્યાં તેની અને બાળકની દેખભાળ ખૂબ જતનથી થતી. જન્મેલા બાળકને જરૂર વિના આગણાં માંથી બહાર પણ લઇ જવાતું નહોતું. ત્યાર બાદ પણ એ ખાસ્સું મોટું થાય ત્યાં સુધી ઘરના વડીલો તેને સાચવ્યા કરતા.

તેના બદલે આજે અમેરિકામાં તો બાળક મહીનાભરનું હોય અને માં બાપ સાથે વિમાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વેકેશનોમાં જતું થઇ ગયું છે. શોખીન અને ખર્ચાને પહોંચી વળે તેવા માતા પિતા પોતાના બાળકને વર્ષમાં ચાર પાંચ વેકેશન કરાવી લેતા હોય છે. કારણ તેમનું માનવું છે કે આજ ટાઈમ છે બાળકો સાથે પસાર કરવાનો. તેઓ એક પણ પળ એવી છોડવા માંગતા નથી જે મીઠી યાદોમાં વધારો કરે. આજ તેમની માટે ક્વોલીટી ટાઈમ છે.

દરેક વ્યક્તિના અંતરમાં કોઈ એક અતૃપ્ત ઈચ્છા જે જરૂરીયાત રહેલી હોય છે જે પૂરી કરવા માટે છેવટ સુધી મહેનત કરવી પડે છે. ખખડધજ પુલ ઉપર ચાલતી રેલગાડીની માફક ધુજતી ખડખડ થતી જીંદગીમાં બાળપણ પછીનાં સમયને બાદ કરતા એ રૂટીનમાં ચાલતી રહે છે અને ક્યારે પૂરી થઈ જાય તેની પણ ખબર પડતી નથી. આ બધામાં પેલો ક્વોલિટી ટાઈમ જેવો શબ્દ ક્યાય ભુલાઈ જતો હોય છે.

દરેક સારા સમય માટે રૂપિયા જોઈએ તેમ નથી. પોતાનાઓ માટે માત્ર પ્રેમભર્યો સમય કાઢો તેમની જરૂરીયાત પ્રમાણે અનુરૂપ થઈને વર્તો તો સામે તમને પણ એવોજ પ્રેમભર્યો આવકાર મળશે. અને ત્યાંથીજ ખોવાઈ ગયેલા ક્વોલીટી ટાઈમનો આરંભ થશે.

પરદેશમાં રહીને એક વાત બહુ નજીક થી જોઈ શકી છું. માતૃભુમી, સગાવહાલાઓ થી દુર વ્યક્તિ પરદેશમાં કમાણી અર્થે જાય ત્યારે તેમને શરૂવાતમાં બહુ કઠીન દિવસો જોવા મળે છે. આ મોટાભાગનાઓ સાથે બનતું આવ્યું છે. બે છેડા ભેગા કરવા ઘણું જતું કરવું પડે છે તેવામાં અનુકુળ અને અનુરૂપ સમય કોને કહેવાય તે ભૂલી જાય છે.
છતાંય તેઓ વીકેન્ડમાં કે જ્યારે પણ સમય મળે ત્યારે ઘણા ઘરમાં ફેમીલી મેમ્બર્સ સાથે મળીને ઘરકામ કરી, ગ્રોસરી સોપિંગ કરીને કે ખાસ કશું કરવા જેવું નાં હોય તો મોલ કે મંદિરમાં સાથે જઈને સમયનો સદુપયોગ કરતા હોય છે. મોંઘી હોટલો નાં પોસાય તો તાકોબેલ, મેકડોનાલ્ડ, જેવી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ માં ડીનર કરી મનગમતો દિવસ પસાર કરી લેતા હોય છે. આ બધો એક રીતે ક્વોલીટી ટાઈમ છે.

હંમેશની વ્યસ્તતામાં લાઈફની ક્વૉલિટી બગડતી જાય છે. આવામાં ઉંમર હોય તેના કરતા વધારે અનુભવાય છે. વ્યક્તિ તન મનથી ભાંગી જાય છે. પરિણામે બિન જરૂરી રોગોના શિકાર થઇ જાય છે. કેટલું જીવીએ તેના કરતા મહત્વનું છે કે કેવી રીતે જીવીએ છીએ. એ આધારેજ લાઈફની સાચી ગુણવત્તા નક્કી કરી શકાય. કેટલાક પચાસ વર્ષના ઘરડાં જોવા મળે છે તો કેટલાક એંસી વર્ષના યુવાન પણ મળી આવે છે.

ન્યુ જર્સી સ્ટેટમાં રહેતા લીલાબા એંશી પસાર કરી ચુકેલા છે. છતાય રોજ મેકડોનાલ્ડમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. તેમનું કામ અને તેમની ધગશ જોતા તેના માલિકે તેમને હજુ પણ ઈચ્છા પ્રમાણે કામ કરવાની છૂટ આપી રાખેલી છે. તેઓ જાતે કામ કરવાની જગ્યા ઉપર કાર ડ્રાઈવ કરીને જાય છે.
તેઓનું કહેવું છે કે મારે ખુબ પ્રેમાળ પરિવાર છે છતાં વર્ષોથી આ જગ્યાએ કામ કરતા માયા બંધાઈ ગઈ છે. હવે જો તે કામ બંધ કરે તો પછી જીવવાને કોઈ આનંદ રહે નહિ. આ કામ તેને એક્ટીવ અને ખુશ રાખે છે. આજ કારણે તે મનપસંદ સમય પસાર કરે છે.
ક્વોલિટી ઓફ લાઈફ આપણા રોજીંદા જીવન અને જરૂરીયાત પ્રમાણે અલગ હોય છે જે વ્યક્તિના આરોગ્ય, રહેણીકરણી, વાતાવરણ અને સમાજ ઉપર આધારિત છે. શરીરની તંદુરસ્તી અને મનની ખુશમિજાજી ઉપર જિંદગી જીવવાની ક્વૉલિટી નક્કી કરી શકાય.

જેમજેમ ઉંમર વધતી જાય તેમ તેમ આવી જીંદગી જીવવાની મહેચ્છાઓ વધતી રહે છે. ઘણું જીવીને પણ કશું હાથ નાં લાગ્યું એવી નિરાશા જ્યારે વિચારોમાં આવે ત્યારે બાકી રહેલો સમય પણ નકામો થઇ જાય છે. આવા સમયમાં બસ મનગમતું કરવામાં અને જે મળે તેમાં ખુશ રહેવામાં ડહાપણ છે. જીવવાનું એટલું જ છે જે ભાગ્યમાં લખાએલું છે. પળના હિસાબે કલાક, દિવસ, મહિનો અને વર્ષ નજર સામેથી ઓછા થતા રહે છે. આથી ભલે કશું નવું નાં મેળવી શકાય પરંતુ જે પાસે છે તેનો ઉપયોય કરીને પણ સાચી ખુશી મેળવી શકાય છે.

જીવનની ગુણવત્તાની વ્યાખ્યા અંગે કોઈ એક સર્વસંમતિ નથી. આ વિશેની ધારણાઓ વ્યક્તિઓ વચ્ચે સમયાંતરે બદલાય છે. લોકો તેમની અપેક્ષા સાથે સરખામણી કરીને તેમના જીવનની ગુણવત્તાઓ નું મૂલ્યાંકન કરે છે.

 
2 Comments

Posted by on May 23, 2020 in corona artical

 

2 responses to “ક્વોલિટી લાઈફ

  1. vimala Gohil

    May 23, 2020 at 10:33 pm

    ” આવા સમયમાં બસ મનગમતું કરવામાં અને જે મળે તેમાં ખુશ રહેવામાં ડહાપણ છે. જીવવાનું એટલું જ છે જે ભાગ્યમાં લખાએલું છે. પળના હિસાબે કલાક, દિવસ, મહિનો અને વર્ષ નજર સામેથી ઓછા થતા રહે છે. આથી ભલે કશું નવું નાં મેળવી શકાય પરંતુ જે પાસે છે તેનો ઉપયોય કરીને પણ સાચી ખુશી મેળવી શકાય છે.”

     
  2. Zala Ajaysinh

    July 3, 2020 at 3:12 am

    કોઈ કહી ના શકે કે એક ફોરેનર ના આ વિચાર હોઇ શકે અદભુત બહુજ ઉંડાણ થી લખો છો આપના વિચાર ને સમજવા એ સામાન્ય માણસ નું કામ નથી….

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: