RSS

કોરોના યુગના પ્રારંભે

23 May

કોરોના યુગના પ્રારંભે – રેખા પટેલ (ડેલાવર)
અમેરિકામાં આશરે ૧૦૦ દિવસમાં એક લાખની સમીપ પહોચવા આવેલો આંકડો…
આ આંક ડોલર્સ કે ગોલ્ડનો નથી. આટલા બધા લોકોના મોત ત્રણ મહિનામાં કોરોના વાઇરસના કારણે નોંધાયા છે. આ ઓફિસિયલી આંકડો છે. સોળ લાખ લોકો સંક્રમિત થયેલ છે. આ સિવાય વધુ સંખ્યા હોય તો નકારી શકાય તેમ નથી.
આ એજ અમેરીકા મહાસત્તા છે જ્યાં બે ચારના આકસ્મિક મૃત્યુ થાય તો પણ કેટલાય દિવસ સુધી ચર્ચાઓ રહેતી હતી. આજે એજ જગ્યા છે જ્યાં મૃતકોને દફનાવવા કે બાળવાની જ્ગ્યા નથી મળતી. આજે દરેકના મનમાં ડર છે છતાં પ્રજા હવે ધીમેધીમે ટેવાતી જાય છે.
શરૂવાતમાં લોકો આની ગંભીરતા સમજતા નહોતા એમાં આખું અમેરિકા કોવીડના ભરડામાં આવી ગયું. ત્યારબાદ ઉપરાઉપરી થતા મોતના સમાચારોને કારણે દરેકના મનમાં ડર બેસી ગયો. રસ્તે જતા માણસને હાથ ઉંચો કરી અભિવાદન કરવામાં પણ લોકો ડરવા લાગ્યા. જાણે કે માણસને માણસની બીક લાગી ગઈ હતી. ચારેબાજુ સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ હતી. ચહેરા ઉપરના માસ્ક આંખો ઉપર ચશ્માં અને હાથમાં ગ્લવ્ઝ પહેરેલા બધા અજાણ્યા લાગતા. અંતરનાં ભાવ ના તો વંચાતા ના સ્પર્શતા હતા. એક રીતે દરેક જણ બહારથી રોબર્ટ લાગતો અને અંદરથી ભયભીત.
કેટલાક ઘરમાં તો એકજ છત નીચે રહેતા ઘરના સભ્યો એકબીજાની સાથે જમવા પણ બેસતા નહોતા. ગળે મળવાની તો વાતજ ક્યા! મા બાળકને ગળે વળગાળતા ડરતી, વયસ્ક બાળકો માતા પિતાને વાઈરસ લાગી જશે એવી ભીતિ થી દુર રહેતા. જોકે આજે પણ મોટાભાગના ઘરોમાં આજ સ્થિતિ છે. છતાં હવે ધીમેધીમે ડર ઓછો થઈ રહ્યો છે કે પછી સ્થિતિને હવે અપનાવી રહ્યા છે. અંતર રાખીને એકબીજાને કેમ છો હાઈ હલ્લો કરતા બન્યા છે. બાકી મહિના પહેલા તો સામસામી કોઈ મળી જાય તો નજર પણ મેળવતા નહોતા. આ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

દરેકના મનમાં એકજ ભય હતો કે પોતાને કે ફેમિલીમાં કોઈને આ વાઈરસ લાગી તો નહિ જાયને! સહેજ ઉદરસ આવે કે દરેકની નજર એ તરફ ખેંચાઈ જાય. વ્યક્તિ પોતે પણ ચિંતિત થઇ જાય. કેન્સરથી પણ ના ડરે એ કોવીડ-૧૯ થી ડરવા લાગ્યો છે.

આ સ્થિતિમાં સહુથી દુઃખની ઘડી એ કહેવાય કે સાવ અંગતનાં ફ્યુનરલમાં કે મરનારના સગાને સાંત્વના આપવા પણ જઈ શકાતું નથી. અમેરિકામાં સહુ પોતપોતાના નાના ફેમિલીમાં રહેતા હોય છે. બહોળો પરિવાર હોતો નથી. આવામાં કોઈ એકને કશું થાય તો તેમનું દુઃખ વહેચવા કોઈ પાસે હોતું નથી. હોસ્પીટલમાં દાખલ થનારને આટલા બધા દર્દીઓના ધસારાને કારણે કોઈજ ખાસ સર્વિસ મળતી નથી. હોસ્પિટલોમાં અપૂરતી વ્યવસ્થાને કારણે કોવિડના પેશન્ટ્સ સાજા થવાને બદલે મૃત્યુ પામ્યાના દાખલા સાંભળવા મળ્યા છે.

લગ્ન જેવા સામુહિક મેળાવડા બધાજ બંધ થઇ ગયા છે. આ વર્ષે નક્કી કરાએલા બધાજ લગ્નો આવતા વર્ષે નક્કી થઇ રહ્યા છે. છતાં કોઈ ખાતરી નથી કે આવતા વર્ષે બધું રાબેતા મુજબ થઇ શકે. કેટલાક વર્ચ્યુઅલ વેડિંગ કરી વિધિસર લગ્ન કર્યાનો સંતોષ માની જીવન શરુ કરી રહ્યા છે. જેમાં માત્ર દસ પરિવારના વ્યક્તિઓ હાજર હોય છે બાકીના ઓનલાઈન ઝૂમ જેવી એપ દ્વારા એ વિધિને નજરે નિહાળવાનો કાગળના ફૂલ જેવો આનંદ માને છે.

ધીમેધીમે બધાને હવે રૂટીનમાં આવવા ઉતાવળા બન્યા છે. ત્યારે કેટલાક મેન્યુફેકચરીંગ અને લોકલ બીઝનેસ તથા લોકલ ધંધાઓ ખુલ્યા પછી ફરી સંક્ર્મણના ઝપાટામાં આવીને પાછા બંધ થઇ રહ્યા છે.સ્કુલ કોલેજ બધુજ ઓનલાઈન થઇ રહ્યું છે ત્યારે એક વિચાર વારંવાર સતાવી રહ્યો છે કે આવતી કાલ કેવી હશે?

લાખો ધંધાઓ બંધ પછીની અત્યારની હાલતમાં ખુલ્યા પછી કેટલા ટકી શકશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. તેનું કેવું ભવિષ્ય હશે તે સમય નક્કી કરશે. છતાં અહી સંપૂર્ણ લોકડાઉન નથી માટે લોકોની ઘર બહારની આવનજાવન ચાલુ છે. આમ કરતા લોકોની ઇમ્યુનિટી બંધાતી રહે છે.
આમ કરતા જ કદાચ આ સ્થિતિને સહન કરવાની તાકાત વધે તો નવાઈ નથી. બસ હવે સામે કોઈ મળ્યું અને ગળે વળગી પડ્યા તેવું નજીકના ભવિષ્યમાં બનવાનું નથી. અંતરના આવેગને કાબુમાં રાખવો પડશે. પ્લાસ્ટિકિયા સ્મિતાને અલવિદા કહી, માસ્ક નીચેની સ્માઈલ ભલે ના દેખાય પણ આંખોમાં હેત ભરતા શીખવું પડશે.

અમેરિકામાં લોકો બે ભાગમાં વહેચાઈ ગયેલા છે. કેટલાંકને ક્ષણિક વૈરાગ્ય જેવું આવી ગયું હતું. તેઓ માનતા કે હવે આવુજ જીવન રહેવાનું, આમજ જીવવાનું, વિચારી ડીપ્રેશનમાં આવી ગયા હતા. ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું સદંતર બંધ કરી દીધું હતું. આજે પણ ઘરમાં પુરાઈ રહી નકારાત્મકતા ભરી વાતો કરે છે.

બીજા ભાગમાં એવા પણ લોકો છે જેઓ આ સમયને ભરપુર માણે છે. ખાવાપીવાનું ડબલ થઇ ગયું છે. અને આલ્કોહોલ તો પાણીની માફક પીવાઈ રહ્યું છે. ભલે બહાર નથી જવાતું, પાર્ટીઓ નથી કરતી પરંતુ ઘરમાં રહીને મજા માણી ખુશ છે. તેઓને કાલની ચિંતા નથી. હાલમાં ત્રણ મહિના ચાલે તેટલા ગવર્મેન્ટ તરફથી આવેલા ડોલર્સ ઉડાવે છે. અનમ્પ્લોયમેન્ટ ના હજુ બીજા આવશે તેની તેમને ખાતરી પણ છે. ટૂંકમાં સોનેરી અવસર છે જિંદગીને પોતાની મરજી મુજબ જીવી લેવાનો એમ માની ખુશ છે.

આ ચોથા વાઈરસી વિશ્વયુદ્ધ પછી બધું પહેલાના જેવું થશે કે નહિ? અને થશે તો કેટલા સમય પછી કેટલા ભોગ પછી? આ કોરોના યુગ શરુ થયો છે, આપણી બેદરકારી અને બદનશીબી કે જેમાં આવા વાઈરસી હુમલા વારંવાર આવતા રહેવાના.
ગમેતે માનો કે વિચારો પરંતુ કાલ કોઈની પણ સો ટકા પહેલાના જેવી રહેવાની નથી. આ માત્ર ચાર છ મહિનાની સ્થિતિ નથી. વર્ષ, બે વર્ષ કે એનાથી પણ વધારે આની આર્થિક સામાજિક અને શારીરિક અસર રહેવાની નક્કી છે. એ માટે દરેકે પોતાને યોગ્ય અને પરવડે તેવા પગલા ભરવાની તૈયારીઓ રાખવી જોઈએ.

 
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: