RSS

એક પત્ર કૃષ્ણનો… રાધાને

23 May

એક પત્ર કૃષ્ણનો રાધાને” – રેખા પટેલ (ડેલાવર )

રાધે તું ક્યાંય નથી છતાંય સર્વત્ર છો
પ્રેમથી ડૂબાડૂબ છો, તોય પવિત્ર છો.

પ્રિય સખી, પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી, પરંતુ પ્રેમમાં મબલખ આપતા રહેવું ખાસ જરૂરી છે. સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયામાં અદભુત ઘટના છે. અને એથી તો હું તારા નામથી ઓળખાઉં છું, પહેલા તું અને પછી હું આવું છું. “રાધા કૃષ્ણ”માં તારા નામ પાછળ મારું નામ આવે છે.
એક માત્ર પ્રેમ જે માગ્યા વિના સર્વસ્વ આપતો હોય છે. પામ્યા વિના બધુજ પામતો હોય છે.

હું તને ચાહું છું એ તો જગ આખું જાણે છે. પ્રેમમાં બંધાઈને હું તારી પાસે નથી રહ્યો, પ્રિયે તેનું કારણ છે, મારી માટે પ્રેમની વ્યાખ્યા જગત કરતા અલગ છે. હું માનું છુ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. માલિકીનો ભાવ સ્નેહમાં સાંકળ બને છે. તારો અને મારો સ્નેહ તો હવા અને સુગંધ જેવો છે. તારા વિના મારી ઓળખ નથી. હું તારી સાથે શ્વાસોના બંધનથી જોડાએલ છું, સતત ચાલતી આ પ્રક્રિયા એ આપણો જીવંત પ્રેમ છે, એના લયમાં આપણો મેળાપ છે. હું દુર રહીને પણ આપણા અલગ લાગતા અસ્તિત્વને હું પ્રેમ કરતો રહુ છું.

હું યુગોથી તને ઝંખું છું, આથી તું મારા કર્મોમાં, વિચારોમાં અને શ્વાસોનાં સાતત્યમાં સતત સાથે હોય છે. આજ કારણે મને તારી કદીયે ખોટ પડી નથી. તારી દૂરતા મારા પથમાં કંટક બની નથી.
તું ભક્તિ છે હું શક્તિ છું, તું મોરલી હું સંગીત છું, તું મારા મહી અને હું તારા મહી છું. આપણી એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની અપ્રદૂષિત સંવેદનાઓને હું પ્રેમ કરું છું.

સખી, હું તો બસ એટલુજ જાણું છું કે તને ચાહુ છું. તું પાસે નથી તો તને યાદ કરીને હું મારી હૈયામાં સજાવેલી તારી છબીને મનની આંખો થી અપલક જોયા કરૂં છુ. મારામાં રહેલો બાળક કાન તારી સાથે વિતાવેલી દરેક ક્ષણોને ફરી ફરી જીવે છે. અને એજ કારણે હું ઉદાસ નથી. તારા વિરહમાં આ આંખોમાં ભીનાશ નથી.

તું હતી ત્યારે તારી ક્ષણ ક્ષણની હાજરીને મેં મારા અંતર મહી ઉતારી હતી. તારી એક એક કલ્પનાને ઉમંગથી પકડી મારા મોરપિચ્છમાં સજાવી હતી. તારા આંસુ અને હાસ્યને આંખોની ભીનાશમાં ભર્યા હતા, તારા એક એક ધબકારને મારા ઘબકારોની વચમાં પૂર્યા હતા. સખી આજે આ બધું જીવનદોરી સમું બનીને મારી સાથે રહ્યું છે.
જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ હું મારા ફેફસામાં પુરાએલા શ્વાસો થી શ્વસુ છું. જ્યાં સુધી હવા એનું નૃત્ય બતાવશે, જ્યાં સુધી નદી સગીત સંભળાવશે અને જ્યાં સુધી સૂર્ય ચાંદ તેમનો પ્રકાશ લહેરાવશે ત્યાં સુધી હું આ પ્રક્રિયા ચાલુ રાખીશ. એ શ્વાસોની ખોટ પડતા હું તારા મહી લીન થઇ જઈશ. આપણું એકત્વ એજ આપણું કાયમી મિલન થઇ રહેશે.

તારી ઉછળતી ઉર્મીઓને મેં મોરલીમાં કેદ કરી હતી. એ ઉર્મીઓને સાચવી રાખવા, ક્યાંય રેલાઈના જાય એ ભીતિને કારણે મોરલીના સુર હું હવે રેલાવતો નથી. કમરબંધ માં મારા દરેક કર્મની સાક્ષી બની વળગેલી રહે છે.
રાધા દુલારી સમાજના વાડા તને આંતરે છે તેમ કર્મોના બોજ તળે મારે પણ ભીસાવું પડે છે. આપણે ભાગ્યના હાથે ચાલતા રમકડા થઈને તેના ઇશારે કેમ જીવવું એ જગતને બતાવવું છે. હવે તને નજરોથી નિહાળવાનું ભાગ્યમાં નથી રહ્યું, પરંતુ પ્રેમ એતો આત્માનો અહેસાસ છે.” મનના આ મહેકતા ઉપવનને સ્નેહ કેરા સમજણથી સીંચવું પડે છે. તને પ્રત્યક્ષ નિહાળ્યા પછી પણ સદેહે તું અને હું સાથે નથી થઇ શકવાના તો શું કામ અંતરના આનંદમાં અડચણ નાખવો. જે અંતરમાં સાથે હોય તેને ચર્મચક્ષુ થી નિહાળવાની મહેનત કરવાની ક્યા જરૂર છે.
હું પ્રેમ બધાને કરીશ પરંતુ ચાહીશ માત્ર તને. મારી માટે પ્રેમ કરવો અને ચાહવામાં માત્ર એટલુજ અંતર છે જેટલું અંતર માખણ અને પકવાનમાં, મોરલી અને સુદર્શન ચક્રમાં , મોરપીંછ અને મુગટમાં છે. મારા વિયોગમાં પણ તું મારી છે. વિરહ વિનાના પ્રેમમાં ક્યા મીઠાશ છે પ્રિયે. ભલે હું જગતનો સ્વામી છું એકસો આઠ પટરાણીઓનો ભરથાર છું પરંતુ પ્રેમી માત્ર રાધાનો છું. આ જગતમાં ખરી સાધના, આરાધના અને પ્રેમની સાચી મીઠાશ રાધા કૃષ્ણના પ્રેમમાં છે.
હિંડોળા ખાટે હું ભલે મહેલોમાં હીંચુ પણ યમુના તટે પૂર્ણીમાની રાત્રે રાસ માત્ર તારા સંગે જ આચરું છું. આગળીનાં ઇશારે સુદર્શન ચક્ર ઉપર દુનિયા ધુમાવું છું પરંતુ કાન માત્ર રાધા તારી કામણગારી આંખોને ઈશારે જ નાચ્યો છે.

તને યાદ કરીને કદી ના દુખી થવાનું વચન મેં મારી જાતને આપેલું છે. કારણ તારો અને મારો આત્મા એક છે. જો હું દુઃખી થઈશ તો અવશ્યપણે તેની અસર તારા સુધી પહોચશે. હું તને વધુ દુઃખી કેમ કરીને કરી શકું. મારા વિયોગનું દુઃખ જાણે અજાણ્યે સંજોગોને આધીન થઈને તારી મલમલી ઝોળીમાં આપીજ દીધું છે. બસ હવે નહિ, તારી ખુશીમાં મારી ખુશી માની હું સદાય તારી બંધ આંખો સમક્ષ હાજરા હજૂર જીવંત રહીશ. એ તને મારું વચન છે. એ માટે સહુ પ્રથમ રાધા પછી શ્યામ આવશે.

હા મન છે ! ક્યારેક યાદો બહુ ભારે બની જાય ત્યારે થોડી ઉદાસી જરૂર છવાઈ જાય છે. ત્યારે તને આપેલા વચન ” રાધે હું તારા મય બનીને ખુશ રહીશ ” ને યાદ કરી ખુશ થવાનો ફરીફરી પ્રયત્ન કરી લઉં છું.
મારા પ્રાણથી પણ વહાલી સખી તું પણ મને આપેલા એ છેલ્લા વચનને યાદ રાખી ખુશ રહેજે . તારા દુઃખે હું દુઃખી થઈશ એ વાતને વારંવાર યાદ રાખજે….રાધે રાધે.

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: