🍁 My Article published in “ Rashtra Darpan “
“પોતાની ઓળખ”- રેખા પટેલ(વિનોદિની)
મને મારી એ સાચી ઓળખ કોણ આપશે?
હું મને પ્રથમ જાણું પછીજ બીજા જાણશે …
“સ્વ-શક્તિ” આપણી અંદર રહેલી શક્તિઓની ઓળખ સહુ પ્રથમ આપણેજ કરવી રહી. અને તોજ તેની બહાર જગતમાં કદર થશે. દરેક માણસમાં અલગ ખાસિયત અને શક્તિઓ છુપાએલી રહે છે. જેની ઓળખ તેણે જાતેજ કરવાની હોય છે. કેટલાકની અંદર બુદ્ધિ શક્તિ પહેલેથી જ ભરી પડી હોય છે. તો કેટલાંકને એ મહેનત દ્વારા વિકસાવવી પડે છે. પરંતુ આ બધાની વચમાં જરૂરત છે પોતાને મનગમતી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવાની. આપણે જો આપણીજ શક્તિઓ વિષે શંકાશીલ રહીશું તો લઘુતાગ્રંથી ક્યારેય આપણો પીછો નહિ છોડે. અને સ્વશક્તિનો અહેસાસ કદીયે નહિ થાય.
લઘુતાગ્રંથીથી પીડાતી વ્યક્તિ અને ઘડીયારના લોલક વચમાં ખાસ કોઈ ફર્ક નથી. સમય આગળ વધતો જાય છે પરંતુ વારંવાર પોતાની લક્ષ બદલતું, સતત ચાલતું લોલક ક્યારેય ક્યાંય પહોચતું નથી. આમજ હારી થાકીને વારંવાર પોતાનું લક્ષ બદલનાર વ્યક્તિ પોતાની શક્તિ, અને સમયનો બગાડ કરે છે..
કોઈ કહે કે મને કોઈ શોખ નથી તો એ વાત નવાઈ પમાડે તેવી લાગશે. કોઈ પણ શોખ કે સર્જનાત્મક વિચારો વિના માણસનું જીવન નીરસતાથી ભરેલું લાગે છે. જેના જીવનમાં જિંદગી પ્રત્યેનો પ્રેમ ઓછો છે એવું પાસે જનારને જણાઈ આવશે. જીવનને જીવનરસથી છલોછલ ભરેલું રાખવા ઈચ્છા શક્તિનું હોવું ખાસ જરૂરી છે.
શોખ નાં હોય તો તેને વિકસાવવો એ કઈ મોટી વાત નથી. જરાક પણ મનગમતું કાર્ય હોય તેને ખુશીથી હાથમાં લો અને સમય આપો તો એનો વિકાસ થતા વાર નહિ લાગે. સહુથી સહેલા અને બિનખર્ચાળ શોખમાં કુદરતનું સાનિધ્ય, બાગકામ, વાંચન સંગીત અને તેનાથી આગળ વધીને જરૂરિયાત હોય તેને મદદ કરવાના છે. આમાં બુદ્ધિ શક્તિના ઉપયોગની જરૂર નથી પડતી અને નાં કોઈ ખર્ચ કરવાનો હોય છે.
શોખની જરૂરીઆત ત્યારે સમજાશે જ્યારે આપણી પાસે કરવા જેવું કશુજ નહિ હોય. એકલતામાં સર્જનાત્મક શક્તિ વહારે આવશે. તેમાય ખાસ જ્યારે આપણી સંસારિક જવાબદારીઓ ઓછી થશે અને શરીર પણ દોડધામમાં થાકી જશે ત્યારે પગ વાળીને બેસવાનો સમય મળે છે ત્યારે મગજ પોતાની ગતિ થી ચાલતું રહે છે. હવે જો તેને તરત રોકી દેવામાં આવે તો કાં વિચારોનો ધોધ છલકાઈ જશે અને આજુબાજુ રહેનારને ચીડિયાપણાના સ્વભાવનો અનુભવ કરાવશે અથવા તો વિચારો રૂંધાઇ જશે અને ડીપ્રેશન જેવી બીમારીમાં ઘેરાઈ જશે.
આવા સંકટોને ટાળવા માટે એકજ સહેલો રસ્તો છે. સર્જનાત્મક શક્તિનો જે આપણી અંદર છુપાઈને રહેલી હોય છે. કોઈ પણ જુના શોખને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી પોતાની સાથે બીજાઓને પણ ખુશી મળવી જોઈએ. આમ કરવાથી જીવનશૈલી સાથે વિચારો પણ બદલાઈ જશે.
સરોજ અને કનકને બે દીકરા હતા. તેમનો સંસાર સુખરૂપ ચાલતો હતો. ગવર્મેન્ટમાં નોકરી કરતો કનક ઉચ્ચ પોસ્ટ ઉપર હતો. બંને બાળકોની જવાબદારી સરોજ બાખૂબી નિભાવતી હતી. બાળકો અને ઘર તેનું સર્વસ્વ હતું. આ દરમિયાન તેણે બહારનાં સબંધો બહુ માપસરના રાખ્યા હતા.
સમય જતા બાળકો મોટા થઇ અલગ અલગ શહેરોમાં પોતપોતાના સંસારમાં ગુંથાઈ ગયા. કનક રીટાયર્ડ થઇ તેના જવા મિત્રો સાથે પાર્ક અને ક્લબમાં વધારાનો સમય વ્યતીત કરવા લાગ્યો. ઢળતી જતી ઉમરે શરીર વૃદ્ધ થાય પણ મનના ભાવ અન વિચારો વૃદ્ધ બની અટકતાં નથી. આ દરમિયાન સરોજ ભારે એકલતા અનુભવવા લાગી. સમય એવો આવ્યો કે જીવવાની ઈચ્છા લગભગ ઘટવા લાગી હતી. તેણે પોતાની આજુબાજુ એકલતાનું કોચલું બનાવી દીધું જેમાં પુરાઈને તે રહેવા લાગી.
આ આવા સમયે સરોજની ઓળખાણ સુમિત્રાબેન સાથે થઇ. તેના કરતા ઉંમરમાં આઠ દસ વર્ષ મોટા અને વિધવા સુમિત્રાબેન શરીર સાથે મનથી તંદુરસ્ત જણાતા હતા. હકારાત્મક વિચારોનો જાણે ધોધ હતા. તેમને સરોજને શીખવ્યું કે તારી અંદર રહેલા કોઈ પણ જુના શોખને બહાર લાવ અને તેને અનુરૂપ જીવવાનો રસ કેળવ. જેમ કનક અત્યારે મરજી મુજબ ગોલ્ફ રમે છે યોગ કરે છે અને મિત્રો સાથે રમી રમે છે અને ખુશીથી સમય પસાર કરે છે. બસ એમજ તું દિવસનો થોડો સમય તારી માટે જીવતા શીખ.
સરોજે મનને ટટોલી જોયું. અને તેને યાદ આવ્યું કે નાનપણમાં તેને અવનવી ફેશન સાથેનાં ડીઝાઈન કરેલા કપડાં પહેરવાનો ગજબનો શોખ હતો. બાને તે જાતે ડીઝાઈન કરીને આપતી અને બા તેના કહ્યા પ્રમાણે બધા કરતા અલગ કપડાં સીવી આપતા. સરોજે સહુ પહેલા બે મશીન વસાવ્યા સાથે સોસાયટીમાં રહેતી આવાજ શોખ ધરાવતી બે યુવતીઓને ટ્રેનીંગ આપવા માંડી. આમ જોતજોતામાં ઘરે રહી ફેશન ડીઝાઈનીગના ક્લાસ શરુ કરી દીધા. તેની આત્મશક્તિમાં વધારો થયો સાથે તેનું નામ પણ જાણીતું બન્યું. એક માત્ર સ્વ-શક્તિની ઓળખ તેને બીજાઓ કરતા અલગ ઓળખ અપાવી ગઈ.
એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે “કોઈ પણ ઉચ્ચતમ સ્થાન ઉપર પહોચવાને આપણે કાબિલ નથી એ વાત જ્યારે પણ સમજાઈ જાય ત્યારે ખોટા દિવાસ્વપ્નો છોડી આપણી સ્થિતિ અને શક્તિ પ્રમાણેનું લક્ષ નક્કી કરી ત્યાં સુધી પણ ખુશીથી પહોચવા પ્રયત્ન કરવો જોઈએ.” જો આપણે ખુશ હોઈશું તોજ બીજાને ખુશી વહેચી શકીશું. લઘુતાગ્રંથી થી પીડાતો માણસ કોઈ બીજાને સુખ આપવા શક્તિમાન નાં હોઈ શકે. ” જીવનનો સાચો આનંદ તોજ માણી શકાય કે આપણી હાજરીથી બીજાઓ પણ ખુશી મેળવે.”
ડેલાવર (યુએસએ)
29
Dec