RSS

“કાળીની રાણી”

25 Oct

“કાળીની રાણી ”
સામાન્ય છોકરીથી રૂપથી ઉતરતી અને શ્યામવર્ણી એવી વીસ વર્ષની ઉમરની શાલીનીના લગ્ન મિત જેવા દેખાવડા અને સારી નોકરી કરતાં ત્રીસ વર્ષનાં યુવાન સાથે નક્કી થયા ત્યારે શાલીનીનાં કુંટુબીજનોથી લઇને એનાં આડોસી પાડૉસી સહીત બધા મ્હોમાં આગળાં નાખી ગયા હતા.બધા વિચારવાં લાગ્યા કે દેખાવડી રૂપાળી છોકરી સાથે શ્યામવર્ણા છોકરનાં લગ્ન નક્કી થાય ત્યારે એમ કહેવાય કે,”કાગડૉ દહીંથરૂં લઇ ગયો.”જ્યારે અહીંયા સાવ ઉલટું બન્યું છે,એક હંસલો જાણે કાગડીનો લઇ ગયો.”

મિત સુંદર,દેખાવડો અને છ ફૂટ લંબાઇ ધરાવતો એકદમ ગોરો સાથે એમબીએ થયેલો હતો.જ્યારે આ શાલીની તેની આગળ રંગે ખાસ્સી કાળી.શાલીની રંગે કાળી જરૂર હતી પણ એના દેખાવમાં તનવીશ્યામાં જેવી વ્યાખ્યામાં એવી નમણી ભીનાશ તરવરતી હતી .સગાવહાલાં બધા વિચારમાં પડી ગયા કે આમ કેમ કરીને બન્યું ? ચોક્કસ આ મિતકુમારમાં કોઈ ખામી હોવી જોઇએ અથવા એ ચોક્કસ છેતરાયા હશે?

ગમે તે કારણ હોય પણ શાલીનીને સાસરું સારું મળ્યું.પ્રેમાળ સાસુ સસરા હતા સુંદર મઝાનું અમદાવાદની પોળમાં બાપીકું ઘર હતું.આ હરીફાઇના જમાનામાં પોતાની નોકરીમાં સારી પોસ્ટ મેળવવાની લાલચમાં મિતની ઉંમર ત્રીસી વટાવી ગઈ હતી.પાછલા વર્ષોમાં મિતનાં માતા પિતા એને લગ્ન માટે સમજાવતાં ત્યારે એક ચોક્કસ બહાનું આગળ ધરીને કહેતો,”હવે તમારો જમાનો નથી રહ્યો,નોકરી કરતા અને સારા પગાર મેળવતાં યુવાનો મોટે ભાગે સારી પોસ્ટ મેળવ્યા પછી અઠાવીશ કે ત્રીસ વર્ષે લગ્ન કરે છે.”મિતની દર વખતે આ વાત સાંભળી એનાં માતા પિતાને મનને મનાવી લેતાં હતાં.

મોટે ભાગે આપણા સમાજમાં કોઇ છોકરી વધુ છોકરાઓ જુએ છે ત્યારે એને સમજાવવામાં આવે છે કે,”વરનાં ખિસ્સાનો વજન જોવાઇ,એ કેટલા કમાય છે એ જોવાય છે એની ઉંમર કદી ના જોવાઇ.શાલીનીને પણ આ જ રીતે સમજાવીને તેના માં બાપુએ મિતથી દસ વર્ષ નાની શાલિનીને ખુશી ખુશી મિત સાથે વળાવી દીઘી અને હાશકારો અનુભવ્યો.

લગ્નની પહેલી જ રાત્રીએ શાલીનીએ અનુભવ્યું કે મિત તેનાથી દુર ભાગી રહ્યા છે.કશું બોલ્યા ચાલ્યા વિનાં કે સુહાગરાતની પુરુષ સહજ જે પ્રતિક્રિયા હોય મિતે ફકત એટલું કહ્યુ કે,”હું આજે બહુ થાકી ગયો છું.લગ્નની પહેલી રાત્રે પડખું ફેરવી સુઈ ગયો.ફૂલોથી સજાવેલા પલંગ ઉપર અવાચક બનેલી શાલીની આખી રાત પડખા ફેરવતી રહી અને વિચારતી રહી કે,” મિતે કોઈ દબાણ હેઠળ આ લગ્નની હા કહી હશે ? કે પછી સાચેજ થાકી ગયા હશે.આવા અનેક વિચારોમાં ખોવાયેલી શાલીનીની આંખ મીચાઈ ગઈ.

સવારે શાલીનીનાં સાસુસરલાબેને બારણું ખખડાવ્યુ અને ઘડીયાળમાં સમય જોયો ત્યારે મજાયુ કે આજે પહેલા દિવસથી જ પોતે મોડી પડી છે.જલ્દી જલ્દી પરવારી શરમને માથે ચડાવી સાસુ સસરાને પગે લાગી.કહેવાય છે કે,”પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે” પરખાઈ જાય છે.

લગ્ન થયાં પછીના થોડા મહીનાઓમાં શાલીની સમજી ગઈ કે ભગવાન તુલ્ય અને માતા પિતા જેવા પોતાને વહુને બદલે દીકરી સમજે એવા સાસુ સસરાની શીતલ છાંય માથા ઉપર છે,પણ વરનો સ્નેહ જીતવામાં હજુ સમય લાગશે .

શાલીનીને યાદ આવ્યું લગ્ન પછી સામે ચાલીને એના સાસુ સસરાએ બંનેને થોડા દિવસ હનીમુન માટે બહાર ફરવાનું દબાણ કર્યું તો ત્યારે પણ મિતે બેફીકરાઇથી જવાબા આપ્યો કે,”હમણા નોકરીમાં બહુ કામ છે.”આમ કહીને હનીમુન ઉપર જવાની પણ નાં પાડી દીધી.

લગ્ન થયાં પછી મિત સવારે વહેલો ઘરેથી નીકળી જતો અને રાત્રે પણ મોડો ઘરે આવતો અને મોટાભાગે બહાર જમીને આવતો હતો અને બહુ થાકી ગયો છું કરી તરત સુઈ જતો.

શરુઆતનાં એક બે મહિના શાલીની બહુ પૂછપરછ કરતી નહોતી.કોઇ પણ યુવાન કન્યા લગ્ન કરીને આવે ત્યારે એનાં મનમાં ધણા કોડ,ઉમંગો અને આશાઓ પણ એનાં દહેજ સાથે લાવી હોય છે.સારી સારી સાડીઓ અને અવનવા ડ્રેસને શાલીનીએ લગ્ન પછી ભાગ્યે જ પહેર્યા હતા.એ મનોમન વિચારતી કોનાં માટે પહેરૂં જેને પહેરીને દેખાડવાની ખૂશી હોય એ મિતને જાણે મારી કોઇ પરવા જ નથી.

સતત મિત દ્રારા થતી એની સતત અવગણના અને એના ઠંડા પ્રતિસાદ વગેરે સહન ના થતા એક દિવસ શાલીની મૌન તોડતા બોલી,
“મિત તમે મારાથી નારાજ છો કે શું ?”
“નાં એવું કઈ નથી,જેવું તુ સમજે છે,મારી ઓફિસમાં થોડા મહિનાઓથી બહું કામ બહુ રહે છે.”વાતને ટુંકમાં પતાવવા તે બોલ્યો
“હું જાણું છુ કે તમારું કામ પહેલા,પરંતુ ક્યારેક તો ઘર માટે કે મારા માટે તમારે સમય ફાળવવો જોઈએ એવું તમને નથી લાગતું?”
થોડી પળ તો શીવાની વાતની કોઇ અસર ના થઇ હોય પોતાનાં લેપટૉપમાં ઓફિસનું કામ કરતો રહ્યો.મિતની આવી બેપરવાઇ શીવાનીથી સહન ના થતા,એ મિતની લગોલગ આવીને એનાં હાથને પકડીને બોલી,”હું તમને પુછું છું મિત,મારી વાતનો જવાબ તો આપો?”

” જો શીવાની…..,મારી પાસે આવી કોઇ પ્રકારની આશા નાં રાખીશ.આ ઘર તારું છે.ઘરમાં મમ્મી પપ્પા છે.બસ તું તારી રીતે શાંતિથી રહે મને મારું કામ કરવા દે.”કહીને અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીંદગીમાં વમળો ઉત્પન્ન કરવા બદલ આજે તે શાલિનીને “દોષિણી” સમજતો મિત પડખું ફરી સુઈ ગયો.

મિતની આ રીત અવહેલનાં જોઇને શાલીની થોડી સમસમી ગઇ પણ પોતાની જાત પર કાબું રાખતા મિતને ઢંઢૉળતા બોલી,”મિત….., હું પરણીને તમને આવી છું માત્ર ઘરને નહી.હા મમ્મી પપ્પા છે અને મને તેમનો અઢળક પ્રેમ મળે છે પણ સાથે સાથે તમારો સ્નેહભર્યો સાથે અને પ્રેમ બધું જોઈએ છે.” શાલીની એકદમ શાલિનતાથી અને થોડા દબાયેલા અવાજે બોલી.

બંને સંવાદો પૂરા થયા પછી લાંબી ચુપકીદી છવાએલી રહી.છેવટે શાલીની થાકીને આડી પડી.છાનાં છાના ડુસકા ભરતી મોડી રાત સુધી ઓશિકું ભીજવતી રહી.મોડી રાત સુધી રડીને સવારે ઉઠી ત્યારેતેની સૂજેલી આંખો બરાબર ખાતી હતી.

જેવી શાલીની પરવારીને પોતાનાં ઓરડાની બહાર આવી ત્યારે સરલાબેન એની આંખ જોઇને કૈક બન્યું છે એ કળી ગયા અને શાલીની પ્રેમથી માથે હાથ ફેરવતાં પુછયુ,”શાલીની બેટા…..,કશું થયું તને? તારી આંખો આમ લાલ કેમ છે?”

સાસુના સ્નેહને જોતા શાલીનીને માં યાદ આવી ગઈ અને અચાનક બધા બંધન છૂટી ગયા અને તે બે હાથોમાં મ્હો છુપાવી રડી પડી.

આમ તો સરલાબેન આ બધી અંદરખાને બનતી ઘટનાઓથી સાવ અજાણ તો નહોતા.ઘણી વખત એનાં સગાઓ મારફત શાલીનીની સમજના બહુ વખાણ સાભળ્યા હતા.એ જ આશાએ શાલીની પર પોતાની પુત્રવધું તરીકે પસંદગતી ઉતારી હતી કે તેમના પુત્રને સાચા માર્ગે લાવવા માટે આવીજ સુશીલ અને ગુણિયલ કન્યા મદદરૂપ થશે અને આ જ કારણે તેમણે કંકુ અને કન્યા માગી હતી.

શાલીનીની ભીની થયેલી આંખોને પોતાના સાડીને છેડાથી લુછતાં સરલાબેન બોલ્યા,”જો બેટા……, હું પણ જાણું છું કે કામના ભારણને લીધે મિત તને પુરતો સમય આપી શકતો નથી.તે પહલેથી પોતાને કામને જ પ્રથમ પ્રાધાન્ય આપે છે.માટે તારે થોડી ધીરજ રાખવી પડશે અને તારા સદ્વ્યવહાર અને પ્રેમને હથિયાર બનાવીને તારે આ લડાઈમાં ફતેહ મેળવવી પડશે.આ કામ માટે હું અને તારા પપ્પા હંમેશા તારો સાથ આપીશું.બસ તું થોડી ધીરજ રાખતા શીખી લે.”સરલાબેન સ્નેહથી વહુની પીઠ પસવારતા બોલતા હતા,ત્યારે જોનારને લાગતું કે એક માં દીકરીને સમજાવી રહી છે.

“બે પારકા ઘરમાંથી આવતી સાસુ અને વહું જ્યારે એકમેકનો સહારો બને ત્યારે ગમે તેવી તુટતી દીવારને પણ સહારો મળે છે.જ્યારે આ જ પારકા ધરમાથી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બને ત્યારે ગમે તેવું મજબુત ઘર પણ તૂટી પડે છે”

મિત જે પોળમાં રહેતો હતો એ પોળનાં છેવાડે આવેલા શાહ સાહેબના બંધ ઘરમાં ભાડે રહેવા આવેલી મોના મિતની જ ઓફિસમાં સીનીયર પોસ્ટ ઉપર કામ કરતી મોર્ડન અને બહુ મહત્વકાક્ષી યુવતી હતી.તેના માતા પિતા દુર ગામડે રહેતા હતા અને તે છેલ્લા દસ વર્ષથી અહી શહેરમાં આવીને રહેતી હતી.એક સામાન્ય પોસ્ટથી શરુ કરેલી તેની નોકરીમાં તેણે આ દસ વર્ષમાં સીનીયર મેનેજર સુધી કુદકો બહુ ઝડપથી લગાવ્યો હતો.આમા તેણે તેની જીંદગીના મહત્વના દસ વર્ષો સાથે બીજું ઘણું કુરબાન કર્યું હતું,તેના સંસ્કારોને પણ નેવે મુક્યા હતા. આમ કરતા તે લગ્નની ઉંમર પસાર કરી ચૂઈ હતી.છેવટે તેનામાં રહેલી સ્ત્રીએ તેની જરૂરીયાત માટે બાજુમાં રહેતા કુંવારા મિતને શોધી નાખ્યો હતો.બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા તેથી શરૂઆતી દોસ્તીનાં સબંધમાં પ્રેમમાં બદલાતા બહુ વાર નહોતી લાગી. મોના મિત કરતા ચાર વર્ષ મોટી હતી છતાં પણ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા અને સમય જતા એકબીજાની જરૂરીયાત બની ગયા હતા.

મિત અને મોનાના આ છુપા સબંધની ચર્ચા ચાર વર્ષમાં ગાળામાં પહેલા ઓફીસ અને પછી પોળ સુધી ફેલાઇ ગઇ હતી.છેવટે આ બધાથી કંટાળી સરલાબેને દીકરાને મોનાના મોહપાશમાંથી છોડાવવા કોઈ સુશીલ કન્યાની શોધ આરંભી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે શાલીની મિતની પત્ની તરીકે અહી હતી.

અત્યાર સુધી લગ્નની ના પાડતા મિતને લોકોના મ્હો બંધ કરવા માટે મોના એજ મિતને આ લગ્ન માટે સમજાવ્યો હતો.જેથી આ પતિપત્નીના સબંધની આડમાં તેમનો આ ગેરકાયદેસર સબંધ પાંગરી શકે.કારણ સ્વતંત્ર વિચારશરણી ધરાવતી અને બાળકો અને ઘરને લપ સમજનારી મોના હવે લગ્ન કરી ઘર સંસારની પળોજણ વહોરવા ઈચ્છતી નહોતી.ગામાડાગામનાં બંધિયાર વાતાવરણમાંથી આવેલી મોનાને સ્વછંદી અનેઆઝાદ જીંદગી ફાવી ગઈ હતી.મિતે શાલીની સાથે લગ્ન તો કરી લીધા છતાં તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો.તેને હજુ પણ મોર્ડન મોનામાં જ રસ હતો.તે દિવસનો મોટો ભાગ મોના સાથે જ વિતાવતો બંને સાંજે પણ સાથે રહેતા.અઠવાડીયાનાં એકાદ દીવસ બાદ કરતાં મોટે ભાગે રાતનાં મોડેથી ધરે આવતો હતો.

આ બાજુ મિતને પોતાના તરફ ખેંચવા શાલીની પુરતો પ્રયત્ન કરતી રહેતી હતી.શાલીનીએ નક્કી કર્યુ કે મિત આવે પછી એની સાથે જ રાતે જમશે. ઘણી વખત બનતું કે મિત જમીને આવ્યો હોય છતાં પણ રોજ જમવાના સમયે તેની રાહ જોતી બેસી રહેતી.શાલીનીના આવ્યા પછી મમ્મી પપ્પાની કે ઘરની કોઈ જવાબદારી મિતને માથે નહોતી રહી. ઘરની સંપૂર્ણ જવાબદારી તે હસતા મ્હોએ પૂરી કરતી હતી.મિત આ બધું જોતો સમજતો હતો.અંદરખાને ક્યારેક તેને શાલીની પ્રત્યે દયાભાવ આવી જતો ત્યારે મોના સાથે મને કમને શાલીની સાલિનતા અને સંસ્કારની વાતો થતી ત્યારે મોના એની અદાઓના જાદુ ફેલાવી મીતને તેના તરફ વધુને વધુ ખેચી લેતી અને કહેતી કે,”લુક મિત ડાર્લિંગ….,ગરીબ માં-બાપના ઘરેથી આવેલી શાલિનીને અહી ક્યા કોઈ ખોટ છે? ઘરમાં બધું સુખ છે તારા મમ્મી પપ્પાં આટલો પ્રેમ કરે છે તું તેને જોઈતા રૂપિયા આપે છે પછી તેને જોઈએ શું? તું નાહક તેની ચિંતા ના કરે છે અને તું આ બધા માટે તારી જાતને “દોષિત” ના સમજે એ જ તારા માટે સારું છે.” આ રીતે મોના સ્ત્રીચારિત્રનો સચોટ ઉપયોગ કરીને મિતના મનમાં ઉભો થયેલો ગીલ્ટ ભાવ ભગાડી દેતી હતી.

એક દિવસ શાલીનીને મિતની ઓફિસની કર્મચારી ચારું શાલીનીને રસ્તામાં મળી ગઇ અને એને મિત અને મોનાના વ્યભિચારી સબંધોની વાતો શાલીનીને માર્મિક કહી દીધી.એક સ્ત્રી દ્રારા કહેવાલે મર્મ શાલીની બરોબર સમજી ગઇ.આમે પણ શાલીની આજની ભણેલી સમજદાર યુવતી હતી.હવે તેની ધીરજ ખૂટતી જતી હતી,પણ એ સાસુમાના સાથ અને હિંમત ના કારણે ટકી રહી હતી પણ હવે તેણે નક્કી કરી લીધું હતું કે બસ જો આમ જ ચાલતું રહેશે તો,આ દિવાળી પછી તે માં બાપુના ઘરે પાછી ચાલી જશે અને તેમનો સહારો બની જીવન વિતાવશે.

હવે દિવાળી નજીકમાં હતી.શાલીની સવારથી ઘરની સફાઈમાં વ્યસ્ત હતી.તેને મદદ કરવા ઉત્સુક સરલાબેન દોડાદોડી કરતા હતા.સાંજ પાડવા આવી હતી તેવામાં ભીની ફરસ ઉપર સરલાબેનનો પગ લપસી ગયો
“ઓય માડી રે!” કહેતા સરલાબેન ભોંય પર ફસકી પડયા.
સરલાબેન દર્દ ભરી ચીસ સાંભળીને શાલીની પોતાનું કામ પડતું મુકીને,”શું થયુ મમ્મી?” કહેતા દોડી આવી.પાછલા થાપામાં મુંઢમાર લાગવાને કારણે સરલાબેન દર્દથી કણસતાં હતા.
શાલીનીના સસરા બે દિવસ માટે કોઇ કામસર નવસારી ગયા હતાં.

શાલીનીએ માંડ માંડ સરલાબેનને ઉભા કર્યાં બાજુમાં ખૂરસી પર બેસાડી અને તુરત મિતને ફોન જોડયો.રીંગ વાગતી રહી.સામા છેડે ફોન કટ થઈ ગયો. કારણકે મિત આ સમયે મોનાના ઘરે હતો ,અને મોબાઈલના સ્ક્રીન ઉપર શાલીનીનું નામ જોઈ મોનાએ ફોન બંધ કરી બાજુમાં મૂકી દીધો અને મિત જોડે ઝગડો કરી બેઠી અને શાલીની વિશે જેમ ફાવે એમ બોલવાં લાગી,”મિત…..,તારી કાળીની રાણીને આ સમયે જ ફોન કરવાનું યાદ આવે છે…સાવ મેનરલેસ છે તારી કાળીની રાણી..”

સાચી વાત એ છે કે મિત,હવે તને મારામાં રસ નથી રહ્યો.તને તો તારી કાળી કલુટી બૈરી વ્હાલી લાગવા માંડી છે.જો આમ જ ચાલતું રહેશે તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ કરી દઈશ.”કારણકે મોનાં જાણતી હતી કે આ વાક્ય મિતની કમજોરી હતું.મોનાંને ખબર હતી કે મિતની એ કમજોરી બની ગઇ છે.

ગુમસુમ થયેલો મિતે મોનાનાં બે ગાલ પર પોતાની હથેળી રાખીને પટાવતા બોલ્યો,”જાન…આવું ના બોલ પ્લિઝ,મને તારા કરતા કોઈ પ્રિય નથી.પ્લિઝ મોના ડાર્લિંગ આ વખતે માફ કરી દે.”

રાત ઠળતા થોડૉ મોડેથી મિત ઘરે ગયો ત્યારે ઘરમાં કોઈ નહોતું.તેને શાલિનીના મોબાઇલ ફોન ઉપર ફોન કર્યો તો જાણવા મળ્યું કે માના પગમાં ફ્રેકચર થયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.મિત દોડતો હોસ્પિટલ પહોચી ગયો.શાલીનીને એકલે હાથે ડોકટરો અને દવાઓ વચ્ચે ઝઝુમતી જોઈ તેનું માથું શરમથી ઝુકી ગયું। તેને સમજાઈ ગયું કે શાલીનીએ તેને ક્યા કારણથી ફોન કર્યો હતો.જે કામ દીકરાએ કરવાનું હોય તે કામ વહુ કરતી હતી……

એવામાં સરલાબેનનો અવાજ સંભળાયો.

“બેટા અહી આવતો,જરા મારી પાસે, થોડુ કામ છે! ” આ સાંભળતાં મિત અને શાલીની બંને અંદર દોડ્યા

પણ જાણે માએ મિતને ના જોયો હોય તેમ શાલીનીનો હાથ પકડીને બોલ્યા,”બેટા,તારા પપ્પાને ફોન કરીને આ બધું નહી જણાવતી નહીતર એ દોડતા અહીંયા આવી જશે.

“દીકરા તારી સાસુમાને કહે આ આપણું ઘર છે અને આપણો પરિવાર છે.એકબીજાના દુઃખમાં આપણે આપણુ સુખ ભૂલી જઈયે છીએ” આમ કહેતા શાલીનીનાં સસરા મનુભાઈ પણ અંદર આવી ગયા અને બોલ્યા,”શાલીની જેવી દીકરી રૂપે વહું મળી હોય ત્યાં સુખ જ હોય.દુખ સો ગાઉ છેટું રહે.”

આ બધામાં મિત પોતાને પરાયા પણાનો અનુભવ કરતો ખુણામાં શરમ અનુભવતો ઉભો હતો વિચારતો હતો કે આજ ની સ્થિતિ માટે જવાબદાર કોણ ?

મિતની સામે આજે સચ્ચાઇ આવતા આજે દોષિણી મોના લાગતી હતી અને શાલીની ઘરની રાણી લાગતી હતી.

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: