વળતો પ્રહાર- રેખા પટેલ(વિનોદિની)
આ શબ્દ અલિપ્ત જેમ બોલવામાં સરળ નથી તેમ તેને અનુસરવું પણ ક્યાં સરળ છે?” કહેવા માત્રથી જો સંપુર્ણપણે અલિપ્ત થઇ શકાયું હોય તો હું ક્યારની આ બધાથી દુર જઈને બેઠી હોત. છતાં પણ બદલાવની શરૂઆત હવે ક્યાંયથી તો કરવીજ પડશે. કારણ અતિશય આસક્તિ માત્ર અને માત્ર દુઃખ આપે છે.” વિચારોમાં ખોવાએલી ધ્વની પડખું ફરી ગઈ.
કારણ બાજુમાં નસકોરા બોલાવતા મંથનથી બને તેટલું દુર જવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી. એકાદ આંચકો કે અણગમતો અનુભવ વિચારોને ફેરવી જવા પુરતો છે. લગ્ન થયા ત્યારથી મંથનની બીજી સ્ત્રીઓ સાથેના સબંધોની વાતો તેના કાને અથડાતી રહેતી. શરૂઆતમાં આ બાબતે પતિ સાથે થોડી ચકમક ઝરતી હતી. પરંતુ તેની વિરોધમાં મંથન સાવ નફફટ બની જવાબ આપતો
” જો ધ્વની હું તો બિન્દાસ જીંદગી જીવવામાં માનું છું. તને તારી રીતે જીવવાનો હક છે. તું તારે મસ્તીથી જીવ. તને અહી કોઈ તકલીફ નહિ પડે. બસ મારી લાઈફમાં દાખલ અંદાજી કરી આપણા સહજીવનમાં આગ ના લગાવીશ.”
છેવટે થાકી હારીને ધ્વનીએ આંખ આડા કાન કરવાનું શરુ કરી દીધું. ઊંડે એક આશા પણ હતી કે સમય જતા સમજણ પરિપક્વ થશે, તેમાય બાળકો થતા પરિસ્થિતિ થાળે પડી જશે. પરંતુ એવું કઈ થયું નહિ. આર્થિક રીતે વધારે સધ્ધર થતા તેની બહાર રખડવાની વૃત્તિઓ પણ વકરવા માંડી.
ધ્વની વધારે કરી બાળકોની પાછળ સમય વ્યતીત કરતી અને બાકીના સમયમાં નજીકની ફ્લાવર શોપમાં ફ્લાવર એરેન્જમેન્ટ માટે જતી. આ તેનો ગમતો વિષય હતો. સમય સરતો જતો હતો. બાકી બીજી કોઈ રીતે ધ્વનીને દુઃખ નહોતું,
બે દિવસ પહેલા મંથન સાથે એક મિત્રની મેરેજ એનીવર્સરીની પાર્ટીમાં જવાનું થયું. અને ત્યાં બનેલી એક ઘટનાથી ધ્વનિની વિચાર શક્તિ બદલાઈ ગઈ. ચારેબાજુ ઉલ્લાસનો માહોલ હતો. તે પોતે પણ ખુબ ખુશ હતી. તેમાય આજે તે વધારે સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. આથી દરેકની નજરમાં અહોભાવ વાંચી તે પણ મનોમન પોરસાતી હતી.
ધ્વનિની જોડે ઉભો રહીને વાતો કરતો મંથન અચાનક બારણામાં પ્રવેશતી એક મોર્ડન ડ્રેસમાં તૈયાર થયેલી યુવતીને જોઈ તે તરફ ધસી ગયો. તેને ગળે લગાવી હાય મિન્ટી કહી હાથ પકડી પાર્ટીના યજમાન તરફ દોરી ગયો. ત્યારબાદ તે યુવતીની ઘણા બધા સાથે ઓળખાણ કરાવતો રહ્યો. આ તરફ ધ્વની વિચારમાં પડી ગઈ, કે કોણ હશે આ યુવતી જેને તેનો પતિ આટલું બધું મહત્વ આપી રહ્યો છે. છેવટે તે સામે ચાલીને તેમની તરફ ગઈ. સામેથી ત્યાં આવેલી જોતા મંથન માત્ર એટલું બોલ્યો
” મિન્ટી આ ધ્વની છે.” બસ ધ્વની! તેના હૈયે ચીરો પડી ગયો. તે વધુ ઓળખ આપવા જાય ત્યાતો તે તેને બીજા મિત્રો સાથે મૂકી આવ્યો. આજે બહુ વખત પછી ધ્વનીને ફરી લાગી આવ્યું હતું. ઘરે પાછા ફરતા તેણે આ વાતને ફરી ઉખેળી.
“જો ધ્વની તારે સંતોષ માનવો જોઈએ કે રાત્રે ઘરે તો હું તારી સાથેજ આવું છું. બાકી બહાર જે કોઈ મળે તે મારી અંગત વાત છે. બાકી મે તારો પરિચય કરાવ્યો જ હતો. મારે ઘરની અંદર કોઈ આવે તેની સાથે તારી ઓળખાણ કરાવવાની હોય! બાકી તને સાથે પણ પત્ની તરીકે જ લઇને ગયો હતો ને!” આમ તેણે વાતને ત્યાજ ચુપ કરાવી દીધી.
તે રાત ધ્વ્નીએ પડખાં ફેરવતા કાઢી નાખી. બીજા દિવસની સવારે બધું પરવારી ફ્લાવર શોપ ઉપર પહોચી ગઈ. બાળકો વેકેશન હોવાથી મમ્મી પપ્પાને ઘરે ગયા હતા. છેક સાંજ પડી ત્યારે શોપના માલિકના નાનાભાઈને ઘરે મુકવા આવવા તેણે રીક્વેસ્ટ કરી. સામાન્ય રીતે અડધો માઈલ દુર તે ઘરે ચાલતાં આવી જતી. આટલી મોડી સાંજે તેને કોઈ હેન્ડસમ યુવાન તેની બાઈક ઉપર મુકવા માટે આવ્યો હતો. સાથે તેણે જોયું કે બાઈકની ઘરઘરાટીનો અવાજ થતાં મંથન બારી પાસે આવીને ઉભો રહ્યો છે.. કારણ આજે તે આમેય ખાસ્સી મોડી હતી. વધારામાં સેલફોન જાણીને ઘરે મુકીને ગઈ હતી. બાય કહેવા માટે ધ્વ્નીએ જરા વધુ વાર પેલા યુવક સાથે વાત કરી, છેવટે બહુ હસતા ચહેરે ખુશખુશાલ ઘરમાં પ્રવેશી.
” ઓહ આવી ગયા, આજે ઘરે આવતા થોડું મોડું થયું છે તો હું બહારથી ફૂડ લઈને આવી છું. આવો જમી લઈએ.” જાણે કશુજ બન્યું ના હોય તેમ તે અંદર ચાલી ગઈ.
” તને મુકવા આવેલો યુવાન કોણ હતો” મંથને વ્યગ્રતા છુપાવી પૂછ્યું
” ઓહ મારો મિત્ર હતો.તમે જાણીને શું કરશો? એ ક્યા ઘરની અંદર આવ્યો હતો? તમેજ કહો છો ઘરની અંદર આવે તેની ઓળખાણ જરૂરી છે.” ઘ્વનીએ બે-ફીકરાઈથી જવાબ વાળ્યો.
” છતાં પણ એ કોણ હતો જાણવાનો મારો હક છે. તું મારી પત્ની છે.”
“સાવ સાચું , બરાબર એમજ ને કે હું ઘરમાં તમારી પત્ની છું.” ધ્વની પહેલી વાર વ્યંગમાં હસી. અને મંથનનું વર્ષોથી બંધ પડેલું સ્વકેન્દ્રી દ્વાર ખુલી ગયું.
” સોરી ધ્વની , હવે આવી ભૂલ ફરી નહિ થાય.” બધું ભૂલી ધ્વની મંથનને વળગી પડી.