ઝાટકો – રેખા પટેલ (વિનોદિની)
ઈચ્છાઓ માલવને ક્યાંથી ક્યાં પહોચાડી આવી હતી. આજે તેને આ વાત બરાબર સમજાઈ રહી હતી. સાવ સામાન્ય પરિવારના સુરેશ અને સરોજના દીકરા તરીકે માલવને નાનપણથી પોકેટમનીની તંગી રહેતી. અમેરિકા આવ્યાના બીજાજ વર્ષે માલવનો અને તે પછી સંઘ્યાનો જન્મ થયો. સામાન્ય જોબ કરી બંને બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં સુરેશ અને સરોજની યુવાની વીતી જવા આવી હતી. ત્રણ વખત ઇન્ડીયા જવા સિવાય ખાસ ક્યાય ફરવા જવાનું શક્ય નહોતું બન્યું. માલવ અને સંઘ્યાને લઈને ફ્લોરીડા ડીઝની વલ્ડ જઈ મન મનાવી લીધું હતું. છતાં તેઓ બાળકોને ખુશ રાખવાની કોશિશમાં બધુજ ભૂલી ખુશ હતા.
ઉંમર વધતા માલવની ઈચ્છાઓ અને શોખ વધતા ચાલ્યા હતા. તેની હમઉમ્ર બીજા બાળકોને બ્રાન્ડેડ કપડાં અને આઈફોન લઈને ફરતા જોતો ત્યારે માલવને ડોલરની તંગી વધુ ખુંચતી હતી. એ માટે તેણે પાર્ટ ટાઈમ જોબ પણ શરુ કરી દીધી. છતાં સ્ટડી સાથે તેના શોખ પુરા કરી શકે તેટલું તે કમાઈ શકતો નહોતો. કોલજના પહેલા વર્ષમાં તેની મુલાકાત અમેરિકન સ્ટુડન્ટ જોહન સાથે થઇ. જોહન ડ્રગ ડીલીંગ કરતો હતો. કોલેજમાં પ્રથમ વર્ષમાં આવનારા સ્ટુડન્ટ ઘર છોડી ડોમમાં રહેવા આવે છે ત્યારે તેઓ ઘરના રોકટોક ભર્યા વાતાવરણને છોડી મુક્તાતાનો અનુભવ કરે છે.
નવા મિત્રો બિન્દાસ જીંદગી જીવવાના કોડમાં ખરાબ સંગત અને ડ્રગ્સ જેવી નશા ખોરીમાં ઝડપથી ફસાઈ જતા હોય છે. માલવ સાથે આમજ બન્યું. ડ્રગ્સ જેમ તન મનથી માણસને ખોખલો કરે છે તેવીજ રીતે ધનથી પણ પાયમાલ કરી નાખે છે. માલવને પહેલેથી ડોલરની અછત પડતી હતી, તેમાં હવે આ મોંઘો નશો. ખર્ચને પહોચી વળવા તેણે કોલેજમાં બીજા વિઘ્યાર્થીઓને ડ્રગ સપ્લાય કરવાનું કામ શરુ કરી દીધું. જેના પરિણામે તેની આવકમાં વધારો થયો. સાથે નાશાખોરીમાં સપડાએલા યુવક યુવતીઓ ડ્રગ્સના કારણે અને હાથમાં ડોલરની થ્પ્પીઓને કારણે તેની આજુબાજુ ફરવા લાગ્યા હતા. આ બધાથી માલવની અંદરનો અહં પોષાવા લાગ્યો. સામાન્ય ગુજરાતી પરિવારનો દીકરો અમેરિકામાં જલ્દી ડોલર ભેગા કરવાની દોડમાં અંધારી ગલીઓમાં પ્રવેશી ચુક્યો હતો.
આ ચમકદમક બહુ થોડા દિવસ ચાલી . ત્યાતો એક દિવસ અચાનક કોલેજની બહાર પોલીસની રેડ પડી જેમાં એ ઝડપાઈ ગયો. નશીબ સારું હતું કે તેની પાસેથી એકજ ડ્રગ્સની પડીકી મળી આવી. બીજા ડ્રગ ડીલરો સાથે તેને પણ પોલીસસ્ટેશન માં લઇ જવાયો.
આ સમાચાર જાણતાં સરોજ અને સુરેશને માથે આભ તૂટી પડયું. જે બાળકોને સંસ્કારો સીંચી મોટા કર્યાનો ગર્વ હતો તે એકજ ઝાટકે તૂટી પડ્યો. સુરેશ હંમેશા કહેતો કે ભલે આપણે ડોલર્સ ભેગા આનાથી કર્યા પણ આપણી પાસે બે અણમોલ હીરા જેવા બાળકો છે. આજે એ બધું કકડભૂસ થઈ તૂટી પડ્યું હતું. દીકરા પ્રત્યેના પ્રેમને કારણે તે ખચકાતા ડરતા પોલીસ સ્ટેશન પહોચી ગયા. દીકરાને આવી સ્થિતિમાં જોતા તેમનું કાળજું કપાઈ ગયું. તેને બહાર કાઢવા માટે બોન્ડના પચાસ હજાર ડોલર ભરવાના હતા. જે રકમ આ સામાન્ય દંપતી માટે ઘણી હતી. છતાં પણ દીકરાને “બને તેટલી જલ્દી છોડાવી જશે” એવું આશ્વાસન આપી દુઃખી થઈ પાછા ફર્યા.
આ દરમિયાન માલવ જોતો હતો કે તેની સાથે પકડેલા બે અમેરિકનો તેમના દીકરાઓને બોન્ડ ઉપર છોડાવીને લઇ ગયા. બે કાળિયા ડ્રગ ડીલરોને માટે આવી છ આઠ મહિનાની સજા જાણે કોઈજ મોટી વસ્તુ નહોતી. બસ ઇન્ડિયન તરીક માલવની હાલત દયાજન થઇ ગઈ હતી. ગમેતેમ તોય નાનપણથી જે બધું શીખવવામાં આવ્યું હતું તે આજે આગળ આવીને તેને ડરાવી રહ્યું હતું. અહી કસ્ટડીમાં ભેદભાવ પૂર્વકનો વહેવાર થતો હતો. છેવટે કેટલીય માનશીક યાતનાઓ પછી માલવ એ પુરવાર કરી શક્યો કે તે પડીકી પોતાની ડ્રગ્સ લેવાની આદત માટે ખરીદીને લાવ્યો હતો. અને એ પણ વિશ્વાસ અપાવ્યો કે હવે આ ખરાબ સંગતમાંથી બહાર આવવા માટેના ઉપાયો કરશે.
આ દસ દિવસની સજાનો ઝાટકો આડા પાટે ચડેલી તેની જિંદગીની ગાડીને સીધા માર્ગે લાવવા પુરતી રહી. જે તેને સમજાવી ગઈ કે ગળથુથીમાં મળેલા સંસ્કારો અને શરમને નેવે મૂકી શકાતાં નથી.. સરોજ અને સુરેશે પોતાની બચત હવે માલવની ડ્રગ્સ છોડાવવાની આદત પાછળ લગાવી દીધી. દીકરાને સાચી સમજ આવી ગઈ હતી તેની ખુશી વધારે હતી, સામે બચત વપરાઈ જવાની કોઈ ચિંતા નહોતી.