ગુલાબી છાંટા – રેખા પટેલ(વિનોદિની)
લગ્ન પછી સુચિત્રાની જીંદગી સાવ પલટાઈ ગઈ હતી, માતાપિતાના ઘરે હતી ત્યારે, સવારે તેના પપ્પા નોકરી ઉપર જવા નીકળતા અને તે સાથેજ સુચિત્રા આઠથી નવ વાગ્યા સુધી અગાસીમાં બેસી રાગ આલાપતી રિયાઝ કરતી રહેતી.
અને હવે આજ સમયમાં સુચિત્રા બે હાથ વડે બને તેટલા કામ કરી લેવાની ગણતરીમાં ભાગતી રહેતી હતી. કારણ હવે તે પણ આલાપ સાથે ખભેખભા મિલાવી કામ કરતી વર્કિંગ વુમન હતી. તેને એક ગવર્મેન્ટના સંસ્થામાં નોકરી મળી ગઈ હતી. વધારામાં લગભગ કાયમ બીમાર રહેતા સસરાની જવાબદારી પણ તેનાજ માથે આવી પડી હતી. નોકરી ઉપર જતા પહેલા તેમની માટે બધું તૈયાર રાખીને જવું પડતું. આ બધામાં તે અટવાઈ ગઈ હતી.
આખાય દિવસની આ દોડાદોડીમાં સુચીત્રાના રાગ ક્યાંય ખોવાઈ ગયા હતા. જ્યારે કોલેજમાં દરેક મ્યુઝીક કોમ્પીટીશનમાં અવ્વલ આવતી ત્યારે મિત્રો સાથે શિક્ષકોના માથાં ગર્વથી ટટ્ટાર થઇ હતા. પરંતુ આનાથી વિરુધ્ધ તે ઘરે આવે ત્યારે પપ્પાની એકજ રોકટોક રહેતી ” આ બધામાં ઘ્યાન આપ્યા કરતા ભણવામાં ઘ્યાન આપવાનું રાખ. પરણીને સાસરે જઈશ ત્યારે આ બધુ કામમાં નથી આવવાનું.” જોકે અંદરથી એ પોરસાતા હતા તે વાત ખુબ પાછળથી મમ્મીએ જણાવી હતી. એક રીતે પપ્પાની વાત પણ ક્યાં ખોટી હતી આજે તેના ઘરસંસારની ગાડીને દોડતી રાખવા માટે તેનું ભણતર કામમાં આવ્યું હતું.
તે દિવસોમાં મમ્મી બધાથી છુપાવીને સુચિત્રાના શોખમાં સાથ આપતી તે વાત તેની માટે મોટો સહારો હતી. સ્કુલ પૂરી થયા પછી ત્યાંના સંગીત શિક્ષક પાસે વધારાનું જ્ઞાન લેવા મમ્મીએ છૂટ આપી હતી જે પપ્પાની જાણ બહાર હતી.
હંમેશા સુચિત્રા એક સ્વપ્નાને સજાવ્યા કરતી કે બાકીનો શોખ પતિના સાનિધ્યમાં પૂરો કરીશ. પરંતુ અહીની પરિસ્થિતિ જોતા તેને સમજાઈ ગયું કે રાખ નીચે તેનું સ્વપ્નું ઢબુરાઈ ગયું છે. કારણ આલાપને સંગીતમાં કોઈજ રસ નહોતો. “કોણ જાણે તેની ફોઈએ તેનું નામ આલાપ ક્યા કારણોસર રાખ્યું હશે!” તે વિચારતી સુચિત્રા એકલતામાં ગીત ગુનગુનાવી સંતોષ માની લેતી.
આવા દિવસોમાં અચાનક એવી કંઇક બની ગયું કે સુચિત્રાની જીંદગી બદલાઈ ગઈ. સુચિત્રા જે ગવર્મેન્ટ સંસ્થામાં કામ કરતી હતી ત્યાંની ઓફિસમાં કોઈ નેતાના સન્માનમાં નાનકડી પાર્ટી આયોજિત કરવાણી યોજના હતી. અહી સુચિત્રાને સ્વાગત ગીત ગાવાનો અવસર સાંપડયો. તેના અવાજની મીઠાશ અને સ્વરના આરોહ અવરોહને કારણે સ્વાગત ગીતે આખીય ઓફીસના સ્ટાફ સાથ નેતાજીને સંમોહિત કરી દીઘા.
” સુચીત્રાજી શહેરમાં આવનાર ગીતમાલા કોમ્પીટીશનમાં તમે ભાગ લો તો કેમ? આના કારણે આપણી સંસ્થાનું પણ નામ આગળ આવશે” પ્રમુખશ્રી એ નિવેદન કર્યું.
” જરૂર પરંતુ મારે આ બાબતે મારા પતિની રજામંદી લેવી જરૂરી છે.” કહી સુચિત્રાએ વાતને ત્યાં અધુરી છોડી. છતાં તેના સ્વપ્નાઓ ઉપર જાણે શીતલ જળનો છંટકાવ થયો હોય તેવું લાગ્યું.
પરંતુ તેની આ વાતમાં સમર્થન આપવાને બદલે આલાપે શરુઆતથીજ આ કામ માટે સાવ ઘસીને ના પાડી દીધી. સુચીત્રાને લાગ્યું આ એક સોનેરી અવસર છે પોતાના શોખને આગળ વધારવાનો. તેણે આલાપને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. તેને લાગ્યું કે તેના સ્વપ્નાઓ સદાયને માટે ઝુંટવાઈ રહ્યા છે. સુચિત્રા આંસુ સારીને ચુપ રહી. નાનકડાં ઘરમાં એક વાત બહુ સારી બનતી હોય છે કે કશુજ છુપાવી શકાતું નથી. તેના સસરા પથારીમાં પડ્યા રહી આખી વાત સાંભળતાં સમજતા હતા. તેઓ જાણતા હતા કે સુચિત્રાના અવાજમાં મીઠાશ છે તેનો શ્વર કેળવાએલો છે.
” આલાપ દીકરા સુચિત્રા આપણા ઘરની જ્યોતિ છે, તેમાં જો ખુશીનું તેલ ભરવામાં અહીં આવે તો તે ઝંખવાઈ જશે. દીકરા તેનું સંગીત મેં સાભળ્યું છે તું તેને મરજી પ્રમાણે જીવાવવાની થોડીક છૂટ આપ,અને આપણા ઘરના ઉજાસને કાયમી બનાવી લે. તેની જીત થશે તો તે આપણી પણ જીત હશે. અને જો હાર થશે તો તેને ભાગ નાં લીધાનો અફસોસ જીવનભર નહિ સતાવે.” પિતાના સમજાવટને કારણે આલાપે સુચીત્રાને ગીતમાલામાં જવાની છૂટ આપી. વધારામાં સંગીતના ક્લાસ જોઈન્ટ કરાવી આપ્યા.
આખો દિવસની નોકરીમાં સંગીત ક્લાસમાં જવાનો સમય ગોઠવાતો નહોતો. આ માટે તેની સંસ્થાએ તેને કામમાં થોડી છૂટ કરી આપી. આવે રિયાઝનો સમય અને સવારના ઘરકામ સાથે આવી પડતા જેમાં આલાપે ખુબ મદદ કરી. આલાપ વહેલા ઉઠી સુચીત્રના ઘણા કામ પતાવી આપતો. આમ ઓફીસના સ્ટાફનો સાથે અને પતિના સહકારને કારણે સુચિત્રા ગીતમાલા જીતી ગઈ. તેના કારણે મળેલી પ્રસિદ્ધિના ગુલાબી છાંટા તે સહુના જીવનને રંગોથી ભરી ગયા….ડેલાવર(યુએસએ)