ખુશી ખોવાઈ – રેખા પટેલ(વિનોદિની)
ધનના ઢગલા આજે મનનને સાચા સુખથી દુર કરી દેતા લાગતા હતા. આજુબાજુ પોતાના હાથોમાં નાની ખુશીઓની ફૂલઝડીઓ ઝરમરતા લોકોને જોતો ત્યારે દુર હવામાં ફૂટતા રોકેટ તેને દેખાડો લાગતા. લગ્નની શરૂઆતના કેટલાક વર્ષોને બાદ કરતા મનન, બીજાઓની હરોળમાં પોતાનું સ્થાન જમાવી રાખવા માટે મનન જોર લગાવી કામ કરતો હતો. થી બચત ભેગી થતા પોતાનો ધંધો શરુ કર્યો. હવે સમાજમાં માન મેળવવા અને ધનના ઢગલાં એકઠાં કરવામાં મોટાભાગનો સમય ઘર બહાર કામકાજમાં વ્યતીત કરતો રહ્યો. શરૂઆતમાં તેની પત્ની રૂપાને વાર તહેવારે તેની ગેરહાજરી કઠતી હતી. ઘણી વાર તે મનનની રાહ જોતા ટેબલ ઉપર માથું નાખીને બેસી રહેતી અને આમજ સુઈ પણ જતી. ત્યારે તેને મનન ઉપર બહુ ગુસ્સો આવતો અને બંને વચ્ચે ચકમક પણ ઝરી જતી. છેવટે ઘરમાં થતી ઘન વર્ષામાં મહાલતી વેળાએ બધુજ ભૂલી જતી. છેવટે તેને પણ મોજશોખની આદત પડી ગઈ હતી. અને મનન વિનાની જીંદગી હવે ખાસ કઢતી નહોતી.
તેમાય બાળકો આવ્યા પછી રૂપા અને બાળકો એકબીજામાં વ્યસ્ત રહેતા હતા. મનન પણ ખુશ હતો કે હવે તેને બહાર કામ કરવા માટે પુરતી છૂટ રહેતી હતી. બદલામાં પત્ની અને બાળકોને મનગમતી વસ્તુઓ ભેટમાં અપાવી પોતાનો પ્રેમ જતાવતો રહેતો.
હવે પચાસે પહોચવા આવેલા મનનને કામકાજ થી થાક લાગ્યો હતો. વાપરવા કરતા વધારે ભેગું કરી લીધું હતું. સમાજમાં ચાર જણની વચ્ચે હવે પુછવા લાગ્યો હતો. હવે તેની નજર પાછી ઘર તરફ વળી. હાશ હવે બાકીનો સમય હું શાંતિથી રૂપાના ખભા ઉપર માથું મુકીને બાળકોની આંખોમાં ઉગતા સ્વપ્નાઓ જોવામાં વીતાવીશ.
વર્ષોની મહેનત પછી છેવટે મનનને સ્વર્ગ હાથવેંતમાં લાગવા માંડ્યું હતું. તેને લાગતું હવે સુખની નીંદ આવશે. પરંતુ એની એ આશા ઠગારી નીવડી. કેટલાક સમયથી મનનનું મન ઉદાસ રહેતું, તેને લાગતું જીવનમાં કશુંક ખૂટે છે. સમાજમાં માન મળ્યું પરંતુ મનની શાંતિ દુર વધુ દુર જવા લાગી હતી.
કારણ હતું, આધુનિક જીવનશૈલીમાં જીવવા ટેવાઈ ગયેલી રૂપા પોતાની મસ્તીમાં, ફેશન અને કિટીપાર્ટી વચમાં બીઝી રહેતી હતી. તેના પગલે ચાલતાં તેમના બે ટીનેજર્સ બાળકો પણ આધુનિક જીવનશૈલી અપનાવી આઈફોન અને કોમ્પ્યુટરમાં વ્યસ્ત રહેતા અને બાકીનો સમય તેમના મિત્રો સાથેની મૌજ મસ્તીમાં વીતી જતો.
ઘનની ઈચ્છા પૂરી થઇ જતા હવે મનનને પ્રેમની ભૂખ જાગૃત થઇ આવી હતી. પરંતુ આધુનિકતા વચ્ચે જીવતા બાળકો અને રૂપાને મનનની આવી માંગણી બેવકૂફી ભરી લાગતી. તેમને લાગતું કે પપ્પા નકામી તેમની લાઈફમાં ડખલ અંદાજી કરે છે.
ક્યારેક થાકીને મનન તેમને કહેતો પણ ખરો” રૂપા તું અને બાળકો ઘરથી અને મારાથી દુર થતા જાઓ છો, મને કેમ એવું લાગે છે કે એક છત નીચે રહેવા છતાં આપણે બધા દૂર છીએ!”
રૂપા કહેતી ” આ બધી તમારા મનની બીમારી છે હવે તમે કામમાં ઓછું ઘ્યાન આપો છો માટે આ બધાનો ખોટો વિચાર આવે છે.”બદલમાં મનનને લાગતું આ ઘરમાં માત્ર પૈસાની પૂજા થાય છે. તેની લાગણીઓને તેની ઈચ્છાઓને કોઈ સમજતું નથી.
દોમદોમ સાહ્યબી અને ભરેલા ઘર વચમાં આમ જોતા તો લાગે કે અહી ભલા શું ખૂટતું હશે!
આજે સવારે મહારાજે મનનને પૂછી તેનો ભાવતો ગરમ બ્રેકફાસ્ટ ખવરાવ્યો તોય સંતોષ નહોતો લાગ્યો. સામે ગોરી ચિટ્ટી રૂપાને કોફીના શીપ ભરતી જોઈને પણ ઉમંગનો ઉત્સાહ નહોતો જન્મ્યો. શું કારણ હશે? વિચારતો મનન ચુપચાપ તૈયાર થઇ બાય કહી ડ્રાઈવર સાથે તેની ઈમ્પોર્ટેડ કારમાં ઓફીસ જવા નીકળી પડ્યો.
ટ્રાફિક લાઈટની લાલ બત્તી સામે તેની કાર અટકી ગઈ. મનનની નજર સામેની ફૂટપાથ ઉપર નાની તાડપત્રીથી બનાવાએલી ઝુંપડીની બહાર ફેલાએલાં વાળ વાળી અને મેલો ઘેલો સાડલો પહેરેલી એક સ્ત્રી ઉપર પડી. જે સામે બેઠેલા પુરુષને ટીનના કાળા પડી ગયેલા ડબલામાં ઉકળતી ચા અને ચૂલા ઉપર શેકાતો બાજરાનો રોટલો ભાવ કરી ખવડાવી રહી હતી. બરાબર એજ વખતે મનનને એ પુરુષના ચહેરા ઉપર તેની ખોવાઈ ગયેલી ખુશી ઝળહળતી દેખાઈ ગઈ. ત્યાંજ ગ્રીન લાઈટ થતા થતા ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી.
મનનના મનમાં એકજ પ્રશ્ન વારંવાર ઉદ્ભવતો હતો ” હવે આ ખુશીને પાછી કેવી રીતે લાવવી જે આ ઐશ્વર્યને પામતા ખોવાઈ ગઈ છે, રૂપાને પાછી કેમ વાળવી જે આધુનિકતાની રેસમાં આગળ વધી ગઈ છે. આજ સુધી તે પોતાઈ મરજી મુજબ ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા પરિવારથી અલગ બીજા રસ્તે આગળ વધી ગયો હતો. હવે તે ઈચ્છે છે કે અલગ રાહ ઉપર આગળ વધતા પરિવાર જનો પોતાના માર્ગને મૂકી તેની પાસે આગળ આવે.
31
Aug