પરદેશમાં વ્હાલો દેશ- રેખા પટેલ(વિનોદિની)
આ વાત ખરા અર્થમાં દેશની બહાર પરદેશમાં વસતાં થઈએ ત્યારે સાચી લાગે છે. આમતો આપણા દેશના કેટલાક ગામોમાં એકતાનો પ્રભાવ બીજા ગામો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાય ગામ શિક્ષણ, કલ્ચર સાથે સમૃદ્ધિ ભરેલું હોય તો આવી એકતા વધુ રહેલી હોય છે.
આવા ગામોમાં મોખરાનું નામ ઘરાવતું ચરોતરનું ” ભાદરણ” ગામ છે. નાનકડાં ગામ ભાદરણની સ્વચ્છતા અને ત્યાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રગતિનો ગ્રાફ છેલ્લા સો વર્ષથી એકધારો ઉંચો જતો જાય છે. ગામમાં રહેતા લોકોનો ગામ તરફનો પ્રેમ સાથે બીજું જવાબદાર એક કારણ છે પરદેશમાં વસતા વતન પ્રેમીઓનો ગામ માટેનો લગાવ. “જો આપણું ઘર વહાલું હોય તો આગણું વહાલું હોવુજ જોઈએ” આ માન્યતા ત્યાં બાળપણથી શીખવવામાં આવે છે. અને સ્વચ્છતા હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ દોડતી આવે છે. જેના પરિણામે આજે પણ ભાદરણ જાણીતું ગામ બની રહ્યું છે.
હવે વાત પરદેશમાં વસતા વતન પ્રેમીઓની કરું તો , અમેરિકાના ન્યુજર્શી સ્ટેટમાં ૧૯૮૦માં ભાદરણ સમાજની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી. જેમાં શૈલેષભાઈ, પ્રફુલભાઈ ,તારકભાઈ વગેરેએ સાથે મળીને સમાજને આગળ લાવવા પ્રયત્નશીલ રહેતા હતા.જેમાં તેમની પત્નીઓનો સંપૂર્ણ સહકાર રહેતો, શરુઆતમાં મીકીબહેન, મયુરીબહેન વગેરે ડ્રામા તૈયાર કરતા, જાતે જમવાનું બનાવતા, આ રીતે દિવાળી પાર્ટી અને સમર પીકનીકનું આયોજન કરતા. જે આગળ વધીને આજે કોઈનું પણ ઘ્યાન ખેચે તેવી પાર્ક પીકનીકમાં ફેરવાઈ રહ્યું છે.
આ વખતે સમર પીકનીક જુન અઢારના રોજ રડ્ગર્સ યુનીવર્સીટી પાસે આવેલા હાઈલેન્ડ પાર્કમાં આયોજિત કરાઈ હતી. સવારે દસ વાગ્યાથી શરુ કરાએલી આ પીકનીકમાં સહુ પહેલા આરોગ્ય શિબિરનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં મૂળ ભાદરણના ન્યુજર્શીમાં રહેતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર અક્ષય પટેલે અહી આવનાર દર્દીઓનું મફત કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર વગેરેની તપાસ કરી હતી. આ સાથે મઝાની વાત એ હતી કે પાર્કમાં ભારત પાકિસ્તાનની મેચને નિહાળવા માટે ટીવી અને સેટેલાઈટની ખાસ વ્યવસ્થા કરાઈ હતી.સાથે વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો પણ રમાઈ હતી.
આવી પીકનીકની ખાસ મઝા પાર્કમાં ખવાતા ફૂડની હોય છે. સવારે ફાફડા જલેબી, મેથીના ગોટા સાથે ચાય કોફીથી થયેલી શરૂઆત છેક સાંજ પડતા સુધીમાં કેટકેટલી વાનગીઓ સુધી લંબાઈ ગઈ. બપોરમાં દહીવડા, પાપડીનો લોટ, સેન્ડવીચ સાથે કેરીનો બાફલો, મકાઈ, આઈસ્ક્રીમ અને બીજું કેટલુંય રાખવામાં આવ્યું હતું. સાંજે આપણી દેશી ખીચડી છાસ અને શાક. બધુજ ત્યાં ગરમ ગરમ બનાવાયું હતું. આ વખતે આશરે ૪૦૦ જેટલા વતનપ્રેમીઓ હાજર રહ્યા હતા. મોટાભાગના આસપાસના વિસ્તારોમાં રહેતા આવ્યા હતા. તો કેટલાક આજુબાજુ ફિલાડેલ્ફીઆ, ડેલાવર, મેરીલેન્ડ અને કેટલાક એથી પણ દુરથી ખાસ પીકનીક માટે આવ્યા હતા. કલ્પેશભાઈ પટેલ છેક ફ્લોરિડાથી દર વર્ષે બે દિવસ માટે સમર પીકનીકમાં હાજર રહે છે.
પાર્ક હોય અને બાળકોને કેમ ભૂલાય? બાળકો માટે વોટરબલુનની રમતમાં મિકી બહેને બાળકોને ખુબ મઝા કરાવી હતી. તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ સ્પસ્ટ દેખાઈ આવતો હતો. આ સાથે ફેઈસ પેન્ટિંગ અને મેજિશીયનને પણ બોલાવાયો હતો. આ ઉપરાંત ફાધર્સ ડે હોવાથી બાળકો પાડે કેક પણ કપાવાઈ હતી.
મને ગમતી વાત અહીની એ છે કે અહી સમાજમાં કોઈ પ્રેસિડેન્ટ કે બીજા હોદ્દાઓ નથી બધા સભ્યો એક થઇ કામ કરે છે. નોંધ લેવા જેવી બાબત છે કે પહેલા વડીલો જે કામ કરતા હતા તે કામ હવે અહી વસતા યુવાનોએ હોંશભેર આગળ વધારવા આગળ આવી રહ્યા છે.
અમેરિકામાં પૈસા કરતા સમયનો દરેકને અભાવ હોય છે તેવા વખતમાં ભાદરણના મયંક પટેલ (ડઘુ) અને તેમની પત્ની ધ્વનીએ બહુ મહેનત અને હોંસથી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. આ ઉપરાંત પાર્કમાં લાવેલી બધીજ સેન્ડવીચ તેમણે તેમની સેન્ડવીચ સોપમાં બનાવીને ફ્રી સ્પોન્સર કરી હતી. આજ રીતે કેટલાક ભાઈઓ લીકર બીયર તથા જરૂરી વસ્તુઓ આપમેળે લઇ આવ્યા હતા. વધારામાં રોકડ રકમ નોંધાવી હવે પછી થનારી દિવાળી પાર્ટી અને આવતા વર્ષની પીકનીક માટે પોતાનો ફાળો નોંધાવ્યો હતો. આવી એકતા જોતા લાગે છે કે પરદેશમાં પણ દેશ સદાય જીવંત રહેશે….ડેલાવર(યુએસએ)