RSS

વિજાતીય દોસ્તી

02 Jul

વિજાતીય દોસ્તીની મહેક ..રેખા પટેલ (વિનોદિની)
દોસ્તી, એ એક એવો સબંધ જે દિલથી દિલ સાથેનું સંધાન બને છે. દોસ્તીમાં વણમાંગ્યો હક હોય છે અને ફરજના નામે માત્ર દોસ્તનું હિત જોવાનું હોય છે, આવી સમજનું ખાતર પાણી છે દોસ્તીને સદાય જીવંત રાખે છે.
જમાનો બદલાઈ ગયો છે સાથે વિચારો પણ બદલાઈ રહ્યા છે.પહેલાના વખતમાં છોકરા છોકરી વચ્ચેની દોસ્તીને સમાજ અલગ રીતે મુલવતો હતો અને આજના વખતમાં આ દોસ્તીની પરિભાષા બદલાઈ રહી છે. આજે છોકરો અને છોકરી વચ્ચે પાકી મિત્રતા જોવા મળે છે. એકબીજાના સાચા હમદર્દ બની રહે છે.
જન્મથી મળેલા સબંધોમાં પસંદગીને કોઈ ખાસ અવકાશ હોતો નથી. એવા બધા સબંધો જન્મથી અને કર્મથી જોડાએલા હોય છે જેને ખુશી સાથે કે પછી પરાણે નિભાવવાના હોય છે. જ્યારે દોસ્તી મિત્રતા એ એક એવો સબંધ છે જેને બાંધતી વેળાએ પસંદગી કરવાની બહોળી છૂટ હોય છે. મળતા સ્વભાવ, શોખ ,જરૂરીઆત અને કાયમી સંગતાતાના કારણો માધ્યમ બની ગમતાં દોસ્તને ગળે લગાવી લેતા હોય છે. આવી મિત્રતા બંધાઈ ગયા પછી તેને નિભાવવા માટે કોઈજ જબરજસ્તી કે મજબુરીના કોઈ કારણો વચમાં આવતા નથી. દરેકના જીવનમાં કોઈ એક મિત્ર ના હોય એતો શક્ય નથી. સાવ ગરીબ કે અમીર, રૂપાળો કે કદરૂપો પછી ઉદ્ધત કે સૌમ્ય દરેક પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા માણસ પાસે એકાદી મિત્ર જરૂર મળી આવશે. કારણ “મિત્રતા વિનાનું જીવન એટલે દરિયા વચમાં એકલો અટૂલો નિર્જન ટાપુ”. પરંતુ મિત્ર એવો હોવો જોઈએ કે સુદામા થઈને પણ કૃષ્ણની લગોલગ બેસી શકાય.
દોસ્તી સ્ત્રી ની સ્ત્રી સાથે કે પુરુષની પુરુષ સાથેની હોવી એ જમાનાની નજરે સામાન્ય બાબત ગણાય છે. પરંતુ વિજાતીય મિત્રતા સદિયોથી બીજાઓ માટે કુતુહલનો વિષય બનતી આવી છે. જેમ સજાતીય મિત્રતામાં મધુરી મીઠાશ હોય છે તેમજ વિજાતીય દોસ્તીની આગવી સમજ હોય છે. જેના પરિણામે એ મહેકી ઉઠે છે.
વિજાતીય દોસ્તીમાં ક્યાંક તો શારીરિક આકર્ષણ રહેવાનું આથી તેમની વચ્ચે સબંધોને વિકસતા બહુ વાર લાગતી નથી. આથી અહી સબંધીના ફંટાઈ જવાનો ડર પણ રહેતો હોય છે. આ દોસ્તીના કેટલાક નિયમો હોય છે જેને ભંગ કરવા એટલે મઘમઘતી મહેકને ગળે ટુંપો ભરવાની વાત. આથી આવી દોસ્તીમાં ચોખવટ અને પારદર્શકતા હોવી ખાસ જરૂરી છે. મર્યાદા આ દોસ્તીનો મુખ્ય સુત્રધાર છે. સ્ત્રી પુરુષના સબંધો જેટલી ઝડપથી બંધાય છે તેટલી ઝડપથી સીમારેખાને લાંધી લેતા હોય છે. જો આ દોસ્તી બચપણની હોય તો વાત અલગ છે. કારણ બચપણ થી લઇ મુગ્ધાવસ્થા સુધીના સફરમાં આવેલા ચઢાણ ઉતારમાં આ દોસ્તી કેટલીય વાર કસોટીએ ચડીને પરિપક્વ થઇ ચુકી હોય છે. માટે પુખ્તાવસ્થા સુધી આવીને તેને સીમા-રેખાના ઉલંઘનનો ભય ખાસ કરીને રહેતો નથી. મુગ્ધાવસ્થાની દોસ્તી સામે દુનિયાભરના બધાજ રંગો ફીકા પડી જાય છે. સ્વાર્થ વગરની આવી દોસ્તી જેના ફાળે આવી હશે તે સબંધોની દુનિયામાં જરૂર ધનવાન ગણાય છે. આવા બાળપણના સજાતીય દોસ્તો ઘણાને મળતા હોય છે. પરંતુ જીવનમાં મળતી સાચી વિજાતીય દોસ્તીને કારણે જીવન ઉત્સાહી ચંચલ અને વેગવંતુ લાગે છે.
દોસ્તીની દુનિયાના બે પાત્રો રાજ અને રચના બાળપણથી મિત્રતાના બંધનમાં બંધાએલા હતા. સમજ આવી ત્યારથી બધા સુખ એકબીજા સાથે વહેચ્યા હતા, અને દરેક તકલીફોમાં એકબીજાના ખભા ઉપર માથું મૂકી રડ્યા હતા. આવા દોસ્તો સમય આવતા લગ્ન કરી અલગ થઇ ગયા. રચના પરણીને વિદેશ ચાલી આવી. સમય સરતો ગયો. બે માંથી ચાર થયા પછી તે તેના ફેમીલી સાથે વ્યસ્ત રહેતી ગઈ અને રાજ સાથેની દોસ્તીનો દોર લગભગ અદ્રશ્ય થતો ગયો. હવે સમય એવો આવ્યો કે બાળકો પોતાની લાઈફમાં બીઝી થયા. તેનો પતિ સત્ય તેના કામકાજમાં રચ્યોપચ્યો રહેતો હતો. તે જોતો હતોકે રચના એકલતા અનુભવે છે પણ તે ઘરે બેસી શકે તેવી સ્થિતિમાં નહોતો. ચાલીસી પાર કરી ચુકેલી રચના ભર્યા સંસારમાં એકલતા અનુભવતી હતી. આવા સમયે રાજને અમેરિકા આવવાનો અવસર મળ્યો.
“હલ્લો કોણ રચના! હું રાજ બોલું છું.તારા શહેરમાં આવ્યો છું તો થયું લાવ તને મળું” રાજનો ફોન આવ્યો.
” ઓહ રાજ, યા સ્યોર આવ સાથે ડીનર કરીશું.આવ આવ ” રચના ઉછળી પડી.
અને તે સાંજે વર્ષો પછી રચના એટલું બધું બોલી હતી કે સત્યને અને બાળકોને ખુબ નવાઈ લાગી. સત્ય જોતો હતોકે રચના જાણે છલાંગ લગાવી પચ્ચીસ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ હતી. આ જોઈ બધા ખુશ હતા. રાજને મળીને રચના જાણે જીવંત થઈ ચુકી હતી. આ ખુશી જીવંતતામાં કોઈ આકર્ષણ કે પ્રેમ નહોતો. આતો તેમની સદાબહાર દોસ્તીનું પરિણામ હતું. તેની મુરઝાઈ જતી જિંદગી માટેનું આ ખાતર પાણી હતું.
વિજાતીય દોસ્તીમાં દ્વેષભાવ નથી હોતો. અહી સ્વાર્થને કોઈ જગ્યા નથી મળતી. હા સાફ મન હોવું બહુ જરૂરી રહે છે. નહીતર આવી ઉચ્ચ દોસ્તીની ઇમારતને કકડભૂસ થઈ જમીનદોસ્ત થતા પળવાર પણ નથી લાગતી. આ વિજાતીય દોસ્તીની વચમાં ભરોષો અને વિશ્વાસનો બહુ નાજુક પડદો રહેલો છે. સામાન્ય રીતે દોસ્તીમાં ક્યારેક એકબીજાની વાત બહાર કહી દેશો તો ચાલશે. પરંતુ અહી આવી ભૂલને કોઈ અવકાશ નથી હોતો.
સ્ત્રી પુરુષની દોસ્તીમાં દરિયાના પેટાળ જેવું મન અને સમજ જોઈએ, પરસ્પર નિષ્ઠા અને વફાદારી જોઈએ. આ સબંધ સમાજની સામે ખુબ નાજુક હોય છે. જરા સરખી ભૂલ કે જરૂર કરતા વધારે પડતું આકર્ષણ કે દેખાડો આ પવિત્ર સબંધ ઉપર કાળી ટીલી લગાવી જાય છે. બહુ નશીબદારને આવો કોઈ મિત્ર મળે છે કે જે જીવનના દરેક ચડાવ ઉતાર ઉપર હિંમતભેર સાથ આપે છે. આગળ વધવા હંમેશા પ્રોત્સાહિત કરે , જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય. વક્ત બેવક્ત તેના બારણે ટકોરા મારી શકાય. મનમાં ઉભરતા બધા સવાલોની પોટલીને વિના સંકોચ ખુલ્લી કરી શકાય.
સાચા દોસ્તો સાથે બિન્દાસ થઇ ઝગડો કરી શકાય છે કે ગુસ્સામાં આવીને બે ચાર અપશબ્દો પણ કહી શકાય છે. જેમ કારણ વિના લડાઈ ઝગડો પણ કરી શકાય તેમ અહી વિના માફી પણ માગવામાં કોઈ નાનમ નથી હોતી. અને આમ બને તોજ આ દોસ્તીને સાચી ગણી શકાય. “રિસાઈ ગયેલા દોસ્તને મનાવી લેવા જેવું સુખ બીજું એકપણ નથી” એવું માનનાર દોસ્તીની દુનિયામાં કાયમ અમીર રહેવાનો.
વિજાતીય દોસ્તીની અલગ પહેચાન હોય છે. અહી એકબીજાને પાછળ પાડી આગળ વધવાની કે બીજા કરતા પોતે સારા દેખાવાની હોડ નથી હોતી. પોતાનો દોસ્ત બીજાઓ કરતા વધુ સારો દેખાય તેવી આંતરિક ઈચ્છા અહી વધારે જોવા મળે છે જેના પરિણામે અહી સદાયે પ્રેમની સુગંધ મહેકતી રહે છે.
પહેલાના વખતમાં વિજાતીય દોસ્તી માત્ર પાસેપાસેના રહેઠાણ કે સાથે અભ્યાસ કરવાને કારણે થતી હતી. જે હવે ઈન્ટરનેટના માઘ્યમને કારણે બહુ આગળ વિસ્તરી ગઈ છે. આજુબાજુ રહેતા મિત્રો થી લઈને સાથે કામ કરતા સહ કાર્યકર અને અજાણી નેટ સફરમાં મળેલા કે કદી નાં મળેલા કેટલાય મિત્રો બની જતા હોય છે. પરિપક્વ દોસ્તીને ઉંમરની સીમા નથી નડતી તેમજ સ્ત્રી પુરુષ એવા લીંગના બંધન નથી નડતા.અહી બે સરખી કે વિરુદ્ધ વિચારસરણી ધરાવતા લોકો પણ એકબીજાના ગાઢ મિત્રો બની જતા હોય છે. અને દોસ્તીને જીવનભર નિભાવી પણ લેતા હોય છે. બસ પરસ્પર વિશ્વાસ અતુટ હોવો જરૂરી છે. વિરુધ્ધ વિચારસરણી ધરાવતા મિત્રો વચ્ચે થતી ચર્ચાઓ અને દલીલોને કારણે આંતરિક વિકાસ બહુ ઝડપથી થાય છે. અને સરખા વિચારોને કારણે મનોબળ મજબુત થાય છે.
અત્યારે આ ઈન્ટરનેટના જમાનામાં ફેસબુક, વોટ્સ-એપ વિડીયો કોલ અને ફ્રી એસએમએસનાં કારણે દૂર પરદેશમાં રહેતી બે વ્યક્તિ પણ ગાઢ સંપર્કમાં આવી શકે છે. કેમ છો થી લઇ એકબીજા સાથે સુખ દુઃખની, જમાનાની કે પોતાની અંગત વાતો જણાવતા અચકાતા નથી. બરાબર બે અંગત મિત્રો જેવો તેમનો ભાવ હોય છે. જોકે જીવંત પર્યંતની દોસ્તી અહી બહુ ઓછા લોકો નિભાવી શકે છે. બાકી થોડા સમયમાં નાની અમથી ખટાશથી કે કોઈ મન મોટાવથી તેમની અતુટ લાગતી દોસ્તી તૂટી જતી હોય છે.
એનું કારણ છે ઈન્ટરનેટની દોસ્તી સરખા શોખ કે આકર્ષણને કારણે થયેલી હોય છે. જેમાં એકબીજા કરતા આગળ વધવાની હોડ રહેલી હોય છે. જે આગળ જતા ઈર્ષાનું સ્થાન ગ્રહણ કરી લેતી હોય છે. છતાં અહી બંધાએલી વિજાતીય દોસ્તીમાં ઈર્ષા બહુ ઓછી જોવા મળે છે જેના પરિણામે આવા સંજોગોમાં પણ સાચો બંધાએલો સબંધ ટકી જાય છે.
મિત્ર એવો હોવો જોઈએ જે મિત્રની ખુશીમાં તેની પ્રગતિમાં ખુશ થાય તેને બિરદાવે. અને દુઃખમાં કોઈ પણ અહેસાન જતાવ્યા વિના પોતાનો ખભો આગળ ઘરે.

વિજાતીય દોસ્તીમાં એક વાત ખાસ ઘ્યાનમાં રાખવી જોઈએ . અહી અદેખાઈ કે ઈર્ષાને કોઈજ સ્થાન નથી. કારણ આ આ સફરમાં દોસ્તની જીંદગીમાં ક્યાંક કોઈ મોડ ઉપર તેને તેનો પ્રેમ મળી જવાનો અને તેવા સમયે દોસ્ત તેની દોસ્તીથી આગળ વધી તેના પ્રેમને ગળે લગાવવા ઉતાવળો થશે. આવા સમયે તેની ખુશીમાં ખુશ થઇ પ્રેમથી તેના સાથીને પણ અપનાવવો પડે છે. તેના હમસફર માટે પોતાના સમયનો ભોગ આપી વધારાની જગ્યા પણ કરી આપવી પડે છે. અહી જરા સરખી જો ઈર્ષા વચમાં આવશે તો દોસ્તીમાં તિરાડ પડી જશે. તેમાય જો સામેનું પાત્ર સ્ત્રી હોય તો તેનું માન સમ્માન તેના લગ્ન પછી વધુ જાળવવું જરૂરી બને છે.
જેના ભાગ્યમાં આવી દોસ્તી આવી હોય તે નશીબદાર મિત્રોને એક સલાહ જરૂર આપવા માગું છું. આ સબંધને ટકાવી રાખવા લાગણીઓની લેવડદેવડમાં કંજુસાઈ ના કરવી જોઈએ, અને સામા પક્ષે નાણાંની લેવડદેવડથી બને તેટલું દુર રહેવું જોઈએ. “દોસ્તીમાં ઉપકાર શબ્દ અને વધારે પડતી નિકટતા વિજાતીય મિત્રતા માટે સ્લો પોઈઝનનું કામ કરે છે”. આથી જ તો કહેવાય છે ” દોસ્તીમાં નો સોરી નો થેક્યું” ફૂલથી પણ નાજુક આ સબંધને ટકાવી રાખવા હથેળીના છાંયડા કરવો પડે છે.
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર, (યુએસએ)

Advertisements
 

2 responses to “વિજાતીય દોસ્તી

 1. K B Patel

  July 22, 2017 at 4:52 pm

  I likes yr poems nd novels contests particularly attached to womens. I appreciate your great work. My email kbmolia0482@gmail.com my request to send me all relevant information of yr books issue. Thanks.

   
  • rekha patel (Vinodini)

   August 31, 2017 at 1:33 pm

   thank you so much. please follow me on facebook or you can read all post here.

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: