RSS

એક સ્ત્રીને પોતાના જીવન વિષે લખવાની વાત

02 Jul

કાગળ ઉપર આવી રચાઈ વાત મારી અનેરી
કાવ્યો ગઝલમાં રોજ ઢળતી સાંજ મારી અનેરી
હૈયાંને સોંસરવી ઉતરી વાતો લખેલી મઝાની
ફૂલો સરીખી જો મહેકે વાત મારી અનેરી
એક સ્ત્રીને પોતાના જીવન વિષે લખવાની વાત એટલે તેની માટે ઉછળકૂદ કરતા ઝરણાંથી શરુ થઈને છેક ધીર ગંભીર મંદ મંથર ગતિએ વહેતી નદીની વાત…
હું રેખા પટેલ , આજે જ્યારે મને મારા જીવન વિષે, મારી સાહિત્યની સફર વિષે લખવાનો લહાવો મળ્યો છે ત્યારે એક વાત અચૂક લખીશ કે આવો પ્રસંગ કોઈ સ્ત્રીના જીવનમાં જ્યારે પણ આવે ત્યારે તેને પોતાની ખુદની એક પહેચાન બન્યાનો છૂપો ગર્વ અનુભવાય છે. કારણ લગ્ન પહેલા રેખા નવનીતભાઈ પટેલ તરીકે ઓળખાતી. લગ્ન બાદ રેખા વિનોદ પટેલ. આજે આ બધાની સાથે રેખા પટેલ (વિનોદિની) બન્યાનો આનંદ છે.
મારો જન્મ ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલા નાનકડાં ગામ વાલવોડમાં થયો હતો મારી જન્મ તારીખ ઓક્ટોબર ૧૩ ૧૯૬૯ છે. ત્યારે બીજી નવરાત્રી હતી. મારા જન્મની સાથે પપ્પાના બધા કામ સરળ બનતા ગયા હતા. બધા કહેતા માતાજીના આશીર્વાદ સાથે આ છોકરી જન્મી છે.
માં દરેકને વહાલી હોય પરંતુ મને પપ્પા માટે વિશેષ લાગણી હતી. હું ત્યારે પણ કહેતી અને આજે પણ કહું છું મારા પપ્પા મારો પહેલો પ્રેમ હતા. આમ પણ દીકરીને બાપ બહુ વહાલો હોય. હું સંયુક્ત કુટુંબમાં ઉછરી હતી. આથી મને બા દાદા, કાકા, કાકી બધાય નો પ્રેમ ભરપુર મળ્યો હતો.મારું બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું હતું જેના કારણે આજે પણ સ્વભાવમાં તરવરાટ સચવાએલો રહ્યો છે.
ઘરમાં હું સહુથી મોટી હતી. મારા પછી નાની બહેન જૈમીની, પછી ભાઈ જીગર. અમારા સારા ભવિષ્ય માટે મમ્મી પપ્પાએ ગામ અને ઘર છોડ્યા. અમે ત્રણેય ભાઈ બહેન અને મમ્મી પપ્પા વાલવોડ છોડી પાંચ કિલોમીટર દુર આવેલા સુંદર નાનકડા ટાઉન ભાદરણમાં રહેવા આવ્યા. જ્યાં ભણતર સાથે ગણતર સારું મળશે તેવી તેમની આશા હતી. ભાદરણને આજે પણ પેરીસની ઉપમા અપાય છે ત્યારે પણ તે એટલુજ સ્વચ્છ અને શૈક્ષણિક ક્ષેત્રે પણ આજુબાજુના ગામોમાં આગળ પડતું હતું. હું તો માનું છું કે શહેરમાં રહેવા કરતા આવા ટાઉનમાં સંસ્કાર સાથે શિક્ષણ વધુ સારા મેળવી શકાય છે.
હું મારા પિતાની લાડકી દીકરી હતી. ઘરમાં બધા મારો પડ્યો બોલ ઝીલતા કારણ મારા પપ્પા બધાને આમ કરવા કહેતા હતા, તેમને મારી સુઝબુઝ અને સમજદારી ઉપર વિશ્વાસ હતો અને હું છેવટ લાગી તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરી તેનો મને ગર્વ છે
નાનપણથી મારા આગવા ગુણોમાં હું જેટલી સંવેદનશીલ હતી તેટલીજ વાચાળ હતી. નેતૃત્વ ઘરાવતું મારું વ્યક્તિત્વ હતું ,થોડી ગરમ મીજાજની માલિકણ હતી નાનપણથી કોઈના તાબા હેઠળ કશું પણ કામ કરવું બહુ અઘરું લાગતું , છતાં પણ લાગણી વાળી હતી તેના કારણે મિત્ર વર્તુળ ઘણું હતું
એ વખતે ગામડામાં જ્યાં છોકરીઓને બહુ બહાર એકલી જવા દેવામાં લોકો સંકોચ અનુભવતા તેવા વખતમાં અમારા ઉપરના વિશ્વાસના કારણે મમ્મી પપ્પા અમને સંપૂર્ણ છૂટ આપતા હતા. અને તેના કારણે અમારો સર્વાંગી વિકાસ થઇ શક્યો.
અમે ભાદરણ રહેવા આવ્યા ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી. રહેવાનું ભણવાનું બધુજ ભાદરણમાં હતું. છતાયે દરેક દિવાળી અને ઉનાળાનું વેકેશન અમારે વાલવોડ ફરજીઆત જવું એવો પપ્પાનો આગ્રહ હતો. જે અમે છેવટ સુધી પાળ્યો હતો.
તેનું એકજ કારણ હતુકે ભલે ગમે ત્યાં રહીએ, ગમે તેવું નવું શીખીએ પણ આપણી જન્મભૂમી રીતિરિવાજ અને સંસ્કારોને કદી ભૂલવા નહિ. ગામ સાથેની માયા બંધાઈ રહે એ માટે અમે તહેવારો ખાસ કરી વાલવોડ ઉજવાતા હતા. વાલવોડ મહીસાગર નદીના કિનારે આવેલું ગામ છે. એ નદી જેમાં ઉનાળાના વેકેશનમાં મિત્રો સાથે બહુ ધુબાકા લગાવ્યા છે. આજે મોંઘી કારમાં મહાલવા મળે છે ત્યારે બળદ ગાડી ઉપર પણ બેસવાનો લ્હાવો પણ માણી લીધો હતો. આ બધું આજે પણ યાદ આવતા રોમાંચ થઇ આવે છે. મારા એ બચપણની ઘણી યાદો આજે પણ મારી વાર્તાઓ નવલકથામાં ઝલકી ઉઠે છે. અને આજ શોખના કારણે આજે હું મારું અલગ અસ્તિત્વ બનાવી શકી છું . હું નાનપણ થી માનતી હતી કે ઉત્તમ પુસ્તકો મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે. વાંચનના શોખને કારણે મેં ક્યારેય ખાસ એકલતાનો અનુભવ કર્યો નથી.
મને નાનપણથી વાંચનનો ગાંડો શોખ હતો. જે મને મમ્મી પપ્પા તરફ થી વારસામાં મળ્યો હતો. તેર ચૌદ વર્ષની ઉંમરે ઓથાર, પીળા રુમાલની ગાંઠ ,સંસારી સાધુ જેવા અનેક પુસ્તકો વાંચવાનો લ્હાવો મળ્યો હતો. સાથે સાથે દાદાના સહેવાસને કારણે નાની ઉંમરથી રામાયણ મહાભારત વાંચ્યા અને સાંભળ્યા હતા. દરરોજ રાત્રે દાદા પાસે એક વાર્તા સાંભળવાનો નિયમ હતો. મારું બચપણ બહુજ સમૃદ્ધ હતું. આજે જ્યારે મારા વિષે લખવાનો મોકો મળ્યો છે ત્યારે એક વાત અચૂક જણાવીશ. મારા મમ્મીનો જન્મ અને ઉછેર રાજસ્થાનમાં થયો હતો. નાના વર્ષો પહેલા ધંધાર્થે ત્યાં રહેવા ગયા હતા. આ કારણે મમ્મીને ગુજરાતી વાંચતા ખાસ આવડતું નહોતું. લગ્ન પછી પપ્પાએ ખાસ રસ લઈને મહેનતથી મમ્મીને ગુજરાતી વાંચતા કર્યા હતા.
મારા પપ્પા એટલે દુનિયાની એક અજાયબી. તેમના વિષે હું લખું એટલું ઓછું છે. મને ગર્વ છે કે હું તેમની વહાલી દીકરી હતી. નાની ઉંમરે ઘરની જબાદારી શિરે આવી પડતા પપ્પા મેટ્રિક સુધીજ ભણી શક્યા હતા. છતાં પણ તેમનો ટેકનોલોજી સાથેનો લગાવ કાબિલે તારીફ હતો. કોઈ પણ વધારાના નોલેજ વિના તેમણે ૧૯૭૦ ની આસપાસ જાતે ઘરે રેડિયો બનાવ્યો હતો. ગમે તેવા સાધનો જાતે ખોલી નાખી રીપેર કરી પાછા ફીટ કરી દેતા. તે વખતે અમારા ઘરે ટ્રેક્ટર હતું. તેને ભાગ્યેજ બહાર રીપેરીંગમાં આપવું પડતું. ૧૯૮૦ની સાલમાં જ્યારે ખાસ ટીવી જોવા નહોતા મળતા ત્યારે પપ્પાએ ખાસ લંડનથી ટીવી મંગાવ્યું હતું. ત્યાર પછી ટીવી પણ જાતે રીપેર કરતા શીખી ગયા હતા.
મારા પપ્પાને સંગીતનું અદભુત જ્ઞાન હતું. મને સંગીતનો શોખ પણ મારા મમ્મી પપ્પા તરફ થી મળ્યો છે. પપ્પાને પણ મારી જ માફક બજારમાં તૈયાર મળતી કેસેટો સાંભળવી પસંદ નહોતી. તે ત્યારે પણ જાતે સોન્ગસ સિલેક્ટ કરી કેસેટ બનાવડાવતા. આજે મને પણ બજારમાં મળતી સીડી પસંદ નથી. હું માનું છું કે સંગીતમાં આપણે ડૂબેલા રહીએ તોજ તેની મઝા જળવાય. બજારમાં મળતી સીડીમાં દરેક ગીત આપણી પસંદના નથી હોતા પરિણામે એકધારી લીંક જળવાતી નથી. મને વાંચન સિવાયના બીજા શોખમાં સંગીત આવે છે. જુના ગીતોનો મને ખુબજ શોખ છે અને તેટલોજ શોખ મને હિન્દી ગુજરાતી ગઝલોનો હતો. આ કારણે હિન્દી ગુજરાતી ગઝલ લખવાનો શોખ દિવસે દિવસે વધતો જાય છે.
ભાદરણમાં અભ્યાસ દરમિયાન ત્યાંના બાળ પુસ્તકાલય થી લઇ, મહિલા અને પુરુષોના પુસ્તકાલયમાં રહેલા લગભગ મોટાભાગના પુસ્તકો વાંચવાનો લ્હાવો મળ્યો હતો. આજે પણ મને વાંચ્યા વીના ચાલતું નથી. હા લખવાનું વધી ગયું હોવાથી હવે વાંચન માટે ખાસ સમય ફાળવવો પડે છે.
બાળપણથી મારામાં આગેવાનીના ગુણો વધારે પડતા સક્રિય હતા. હંમેશા દોસ્તો વચ્ચે ઘેરાએલા રહેવાનું ગમતું હતું. એમ કહું તો ચાલે કે સારા દોસ્તોની દોસ્તી મારી કમજોરી હતી. મમ્મી પપ્પા તરફથી મળેલી ફ્રીડમને કારણે છોકરીઓ ની સાથે છોકરાઓ પણ સારા પ્રમાણમાં મિત્રો તરીકે હતા. હું ત્યારે પણ માનતી કે જો મન સ્વચ્છ હોય તો છોકરા છોકરીની મૈત્રીની ઉષ્મા વિના અડચણ જળવાઈ રહે છે. એ બધા સાથેની સાચી નિર્દોષ મૈત્રી આજે પણ યથાવત રહી છે એનો આનંદ છે.
નાનપણ થી અન્યાય સામે બળવો પોકારવાની ટેવ હતી. નાં તો ખોટું કરવું ગમતું ,કે ના સહન કરવાને એટલી શક્તિ હતી. પરિણામે ૧૯૮૧ અને ૧૯૮૫માં ચાલેલા અનામત વિરોધના આંદોલનની રેલીમાં પણ આગળ પડીને સાથ આપ્યો હતો. આમ કરતાં બાળપણ યુવાનીમાં પ્રવેશી ચુક્યું હતું. છતાં એટલો સંતોષ આજે પણ રહ્યો કે મારામાં બાળપણ છેવટ સુધી સક્રિય રહ્યું છે.
૧૯૯૦ આ વર્ષ મારા માટે સુખનો દરિયો સાથે પ્રચંડ દુઃખની લહેર લઈને આવ્યું હતું. કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે ૨૦ વર્ષની ઉમંરે મારા લગ્ન વિનોદ સાથે નક્કી થયા હતા. વિનોદ પટેલનું મુળ ગામ રઢુ છે. તેઓ બીકોમ એલએલબી કરી અમેરિકા ગયા હતા ,ગ્રીનકાર્ડ લઇ પાછા આવ્યા અને મારા પપ્પાને તે પસંદ આવતા અમારા લગ્ન નક્કી થયા અને 15 દિવસમાં લગ્ન લેવાઈ ગયા. ૨૭ એપ્રિલના દિવસે મને વિનોદનો મજબુત અને પ્રેમાળ સાથ સાંપડ્યો અને લગ્ન પછીના પાંચમાં દિવસે અચાનક આવેલી સાવ ટુંકી માંદગીમાં પપ્પા અમને બધાને કાયમ માટે છોડી પરલોક સિધાવ્યા. ઘરનો મોભ તૂટી પડયાનો કારમો અનુભવ અમને બધાને થયો હતો. કહેવાય છે કે નશીબમાં લખેલું કશુજ ટાળી શકાતું નથી. એટલો સંતોષ ચોક્કસ લઈને ગયા હતા કે મારો હાથ યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપી દીધો હતો.
કોણ જાણે વિધિની વક્રતા શું હશે કે મારા લગ્નના પાંચમા દિવસે મારી એસવાયની પરીક્ષા શરુ થતી હતી અને તેજ દિવસે અચાનક ટુકી માંદગીમાં પપ્પાને હોસ્પિટલ ખસેડાયા. એજ સવારે પપ્પાએ હોસ્પિટલ જતી વેળાએ મારા માથે હાથ મુકીને કહ્યું હતું કે ” બરાબર ઘ્યાન રાખી પરીક્ષા આપજે, તારે પાસ થવાનું છે”. બસ આજ શબ્દોના આધારે તે વખતે મેં દરેક પેપર્સ મને કમને હિંમત થી આપ્યા હતા. આ બાજુ હું પહેલું પેપેર લખતી હતી ત્યાં બીજી બાજુ મારી રાહ જોવાતી હતી કે ક્યારે હું ઘરે આવું અને સાંજ પડતા પહેલા મારા વહાલા પપ્પાના દેહને અગ્નિદાહ અપાય.
બહુ અઘરી પરિસ્થિતિ વચ્ચે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે મેં પરીક્ષા આપી હતી. અને સારા માર્ક્સ સાથે ઊતીર્ણ થઇ હતી. ત્યારે પહેલી વાર સમજાયું હતુ કે એક વાર ગાંઠ વાળી લઈયે તો કશુજ અશક્ય નથી. પ્રતિકુળ સંજોગોમાં પણ તે પૂરી કરવાની ધગશ અને હિંમત હોવી જરૂરી છે. તે સ્થિતિમાં વિનોદનો બહુ સપોર્ટ હતો. હું પરીક્ષા આપતી હોઉં ત્યારે તે બધો સમય બહાર બેસીને મારી રાહ જોતા હોય. અને આજે પણ મારી દરેક પ્રગતિમાં તેમનો સાથ બહુ મહત્વનો બની રહ્યો છે.
પપ્પાના અવસાન પછી મારા પિયરના ઘરનાં એક મોટા દીકરા બનીને ઘણો બધો ભાર પોતે ઉપાડી લીધો હતો. એક પતિ તરીકે મને તેમની માટે અભિમાન છે તેના કરતા પણ વધારે એક સારા માનવી તરીકે તેમની માટે માન છે. ભાદરણ રહીને મેં મારું બીએસસી કેમેસ્ટ્રી પૂરું કર્યું.
૧૯૯૨નાં નવેમ્બર મહિનામાં અમેરિકાની ઘરતી ઉપર પગલાં માંડ્યા. હું અમેરિકા આવી ત્યારે અમે અમેરિકાના ડેલાવર સ્ટેટમાં જે એરિયામાં રહેતા હતા ત્યાં નવાનવા આવેલા ઇન્ડિયનો તો ઠીક ધોળીયા પણ આવતા ડરતા હતા એકદમ બ્લેક નેબર હુડ હતું , આખું બ્લેક નેબરહુડ હતું જ્યાં ત્રણ માઈલ સુધી કોઈ ખાસ કોઈ ધોળિયા રહેતા નહોતા,ચારે બાજુ આફ્રિકન અમેરિકન લોકો અને તે પણ કોઈ ખાસ સારી જોબો વાળા નહોતા. કેટલાક તો ડ્રગ્સના ધંધામાં હતા કોઈક માફિયા હતા. અહી ક્યારેક ગન નો પણ ખુલ્લે આમ ઉપયોગ થતો જોવા મળી જતો ,પણ દેશમાંથી થોડાજ સમય પહેલા આવેલા વિનોદ પાસે ખાસ એવી કોઈ મૂડી નહોતી કે કોઈ સારી જગ્યાએ વધુ પૈસા આપીને સ્ટોર લઇ શકાય ,આથી ઓછા પૈસે તે ખતરનાક એરિયામાં ધંધો લેવા તૈયાર થઇ ગયા ,તેમનામાં હિંમત અને બુદ્ધિ ભારોભાર હતા,તે પહેલાજ દિવસ થી આવા કોઈ તત્વો સામે ડર કે બીક અનુભવતા નહોતા આથી તે ઝડપથી તેમની સાથે હળી ગયા
અહી નીચે કન્વીનીઅન્સ સ્ટોર હતો અને ઉપર અમારું એપાર્ટમેન્ટ હતું ,આવડત અને સ્વભાવની મીઠાશ ને કારણે અહી બધા સાથે સારી એવી મિત્રતા કેળવી લીધી હતી , બરાબર વર્ષ પછી જ્યારે હું અહી આવી ત્યાં સુધીમાં તો બધા તેમને માન અને પ્રેમ થી બોલાવતા હતા અને તેનાજ કારણે દેશમાંથી સાવ નવી આવેલી હું જેણે કાળીયાઓ જોયા પણ નહોતા તે બહુ જલ્દી બધાની સાથે ટેવાઈ ગઈ,

શરૂશરૂમાં બહુ બીક લાગતી પણ વિનોદની હિંમત અને સાથના કારણે હું બહુ ટુકા સમયમાં બરાબર ગોઠવાઈ ગઈ મને અજાણ્યા દેશમાં ગમવા માંડ્યું છતાય પણ દેશની યાદ દિલમાં કંડારાઈ ગઈ હતી. અહી નાતો તે વખતે ગુજરાતી વાંચન માટે કઈ ખાસ મળતું અને ના તો ટેલીવિઝન માં કોઈ હિન્દી અને ગુજરાતી ચેનલ આવતી છતા પણ જ્યારે દેશમાં થી આવતી ત્યારે બેગમાં વધારે કરીને પુસ્તકો લઇ આવતી.
બરાબર ત્રેવીસમા વર્ષે નીલીમાનો જન્મ થયો મેં મારું બધું સુખ તેને મોટી થતા જોવામાં મેળવવા માંડ્યું તે વર્ષની થઇ અને અમે નક્કી કરી લીધું બસ હવે અહીંથી મુવ થવું પડશે કારણ અમારી દીકરી ઉપર અહીના વાતાવરણ ની કોઈ પણ અસર પડે તેમ નહોતા ઈચ્છતા. ત્યાર પછી દીકરીના શુભ પગલા અને વિનોદની આવડતથી બહુ ઝડપથી બે માંથી ચાર કરતા રહ્યા
બહારથી બધું બરાબર હતું બસ મને દેશ બહુ યાદ આવતો આ વિનોદ જાણતા હતા આથી ધંધા ઉપર ગમેતેમ ગોઠવણ કરીને પણ મને દર વર્ષે દોઢ બે મહિના મને ઇન્ડિયા લઇ જતા.
બરાબર પાંચ વરસ પછી નાની દીકરી શિખા નો જન્મ થયો, વિનોદ મને બહુ સમજતા હતા તે જાણતા હતા બધું હોવા છતાં મારો શોખ ક્યાંક દબાય છે.
બરાબર આજથી 15 વર્ષ પહેલા માર્કેટમાં નવું આવેલું કોમ્યુટર મારી માટે લઈ આવ્યા જેથી કરીને હું ઈન્ટરનેટ દ્વારા હું મારા શોખ પ્રમાણે વાંચન કરી શકું. બંને દીકરીઓને સાચવતાં, કૌટુંબિક જરૂરીઆત પૂરી કરતાં જ્યારે પણ સમય મળતો હું કોપ્યુટરમાં વિતાવતી. શરુ શરૂમાં રાઝા ડોટ કોમ અને લેન્ગું ઉપર થી હું ગુજરાતી લખતા શીખી ગઈ પછી તો બસ નાની કવિતાઓ લખતી હતી ક્યારેક ટૂંકા વાક્યો હતી.

હું સબંધોની બાબતમાં બહુ લાગણીશીલ રહી છું. જુના મિત્રોના સંપર્કમાં રહેવાના આશય થી હું છ વર્ષ પહેલા ફેસબુકમાં જોડાઈ. ત્યાં શરૂશરૂમાં બધા પોતાને આવડે તેવું લખતા અને વોલ ઉપર પોસ્ટ મુકતા હતા. તેમને આમ લખતા જોઈ મારી પણ હિંમત વધી અને મે કવિતાઓ લખવાનું શરુ કર્યું.
બંને દીકરીઓ મોટી થતી ગઈ પછી માને તેમની રોજીંદી જવાબદારીઓ માંથી મુક્તિ મળી ગઈ. હવે આખો દિવસ ઘરમાં રહેવાથી મારે ખાસ કામ રહેતું નહિ. આમ પણ જેનું મગજ સતત વિચારોથી ગતિમાન હોય તેમની માટે ખાલી બેસી રહેવું અઘરું બની જાય છે. મારે પણ આમજ બન્યું. સાવ નવરા રહેવાને કારણે મને લાગતું હતું કે હું હવે વસ્તુઓ ભૂલતી જાઉં છું. ક્યારેક તો ઓળખીતા ચહેરાઓ પણ ક્ષણવાર ભૂલી જતી. છેવટે કશુક મનગમતું કામ કરવા વિચાર્યું.

આ સમય દરમિયાન મારી મોટી દીકરી નીલિમા એક એડલ્ટ ડે કેરમાં વોલેન્ટરી જોબ કરતી હતી. તે રોજ ઘરે આવી મને ત્યાં આવતા વૃધ્ધો અને તેમની એકલતાની વાતો કરતી. મને લાગ્યું ચાલ હું પણ ત્યાં જઈ તેમની સાથે સમય વિતાવી થોડું સામાજિક કામ કરું. પરંતુ માત્ર એક દિવસમાં જ તેમની સ્થિતિ જોઈ હું બહુ બેચેન બની ગઈ. મોટાભાગના હેન્ડીકેપ અને બહુ ઘરડાં લોકો હતા. તેમાંય અલ્ઝાઈમરની બીમારીને કારણે તમની લાચારી અને મનોસ્થિતિ દયાજનક લાગતી હતી. મને આવી હાલતમાં જોઈ નીલિમાએ સલાહ આપી મોમ આ તારું કામ નથી, તેમને જોઈ તું પણ ડીપ્રેશનમાં આવી જઈશ. તેના કરતા કૈક તને ગમતું કામ કર.
મારી એવી સ્થિતિ નાં થાય તે માટે મેં સુડુકો અને આંકડાની રમતો રમવાની શરૂઆત કરી જેથી કરી મારા માઈન્ડને એક્સરસાઈઝ થાય. પણ આ મારો શોખ નહોતો એથી થોડાજ વખતમાં કંટાળી ગઈ. છેવટે ગમતું કાર્ય હાથે ધરવા મેં લખવાનું શરુ કર્યું.

શરૂવાતમાં મને ફેસબુકમાં રોજ સવારે આમ કવિતા ગઝલો લખતી જોઈ કેટલાક સગા સબંધીઓ મજાક ઉડાવતા કે “તમે આ શુ માંડ્યું છે?” કેટલાક તો વિનોદને કહેતા પણ ખરા કે આમ ફેસબુક ઉપર જાહેરમાં આવું બધું નાં લખાય. ફેસબુકમાં આવતા બધાને આપણે જાણતા નથી, કોણ કેવા હોય તેની ખબર નથી ” પરંતુ બધાની પરવા કર્યા વિના મારા પતિ મને હંમેશા કહેતા ” તને જે ગમે, જેમાથી સંતોષ મળે છે તે તું કર ,લોકોની ચિંતા નહિ કરવાની ” બસ તેમના આજ શબ્દો ના કારણે હું લખતી રહી. અને આજે હું લેખન જગતમાં મારી જગ્યા બનાવી રહી છું.
વિનોદના સાથ સહકારને કારણે મારું લેખનકાર્ય સરળતાથી ચાલતું રહ્યું. આથી મેં મારું ઉપનામ “વિનોદિની” રાખ્યું છે.
લેખન કાર્યને લગતી કોઈ જરૂરી માહિતી માટે આજે પણ મારે કોઈને ગમે ત્યારે ફોન કરવો પડે કે કોઈનો ફોન આવે પછી ભલેને તે સ્ત્રી હોય કે પુરુષ પણ વિનોદ કદી પણ મને તે બાબતે પૂછપરછ કરતા નથી સંપૂર્ણ વિશ્વાસ સાથે મને સાથ આપે છે કે હું આગળ વધી શકું. લેખન હવે આ મારો શોખ નાં રહેતા જીવનનો ભાગ બની ગયો છે.

એક વખત મારે “ફીલીન્ગ્સને “અમેરિકા લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી” બીજા દિવસે સવારે આપવાનો હતો જે શરુ પણ નહોતો થયો મને તે બાબતે ચિંતા હતી કે મારાથી નહિ મોકલાય ત્યારે વિનોદેજ મને સધિયારો આપતા કહ્યું હજુ ઘણો સમય છે તું શાંતિ થી લખ હું ડીનર બહાર થી મંગાવી લઉં છું અને તેમને પીઝા ઓડર કરી દીધા જેથી રસોઈ બનાવવાનો મારો સમય બચી જાય અને મેં તે લેખ મેં એકજ રાતમાં પૂરો કરી મોકલી આપ્યો હતો. ક્યારેક સમયના અભાવમાં હું મારી જવાબદારી ચુકી જતી પરંતુ તે પ્રેમથી બધું ચલાવી લેતા હતા, ક્યારેક એમ પણ બન્યું છે કે મારા મગજમાં અલગ અલગ લખાણ એક સાથે ચાલતા હોય ત્યારે ઘરમાં ઘણી એવી કામની વાતો ખ્યાલ બહાર રહી જાય છે. ક્યારેક તો એમ પણ બન્યું છે કે બનાવેલું લંચ ભૂલી જાઉં અને બીજું બનાવી લઉં. પછી મને હસવું પણ આવે અને ગુસ્સો પણ આવી જાય.

હું મારા લખાણની સાથે મારી બંને દીકરીઓ ને મારાથી બનતા તમામ ભારતીય સંસ્કારો આપી રહી છું અને સાથે સાથે તેમને જે જગતમાં રહેવાનું છે તે જગતમાં પણ પગભર થવા માટે ની સ્વતંત્રતા આપું છું તેના કારણે મારી દીકરીઓ જેમની ઉમર 2૩ અને 1૮ છે તે બંને મારાથી બહુ નજીક છે મને તેમની સારી ખોટી વાતોમાં સામેલ કરે છે મારી સલાહ લે છે ,મને સાંભળે છે. એક મા તરીકે મને આ વાતનું બહુ ગર્વ છે ..
હું ધીમેધીમે કવિતાઓ પછી અલગઅલગ લેખ અને ત્યાર બાદ છંદ સીખી ગઝલ અને સ્ટોરી તથા નવલકથા લખતી થઈ ..
મારું નશીબ અને આવડત બંનેના કારણે મારી લખાએલી ત્રીજી જ ટુંકી વાર્તા જે ચિત્રલેખાના તંત્રી શ્રી ભરત ઘેલાણીની નજરે ચડી ગઈ અને મને 20013 ના ચિત્રલેખા ના દિવાળી અંકમાં સ્થાન મળ્યું, મને જરૂર હતી એક ટેકાની બસ આનાથી વધુ મોટો ટેકો શું હોઈ શકે ?

ત્યાર બાદ મેં પાછું વાળીને નથી જોયું .. મારી કેટલીક વાર્તાઓ માર્ગી,ફીલિંગ્સ અને ફૂલછાબમાં આવતી રહી છે. આમાંની કેટલીક વાર્તાઓ ઉપર હ્યુસ્ટન નાં એક સહીયારા સર્જક ગ્રુપ દ્વારા નવલકથામાં રૂપાંતરિત કરાઈ એમેઝોનના ક્રિયેટ સ્પેસ ઉપર મુકાઈ.
ત્યારબાદ ભારતના ગુજરાતી મેગેઝીન ફીલિંગ્સમાં લગભગ બે વર્ષ “અમેરિકાની આજકાલ” કોલમ લખતી રહી. ત્યારબાદ ગુજરાતી નામાંકિત ” અભિયાનમાં” દોઢ વર્ષ સુધી વીકલી કોલમ માં ” અમેરિકાના ખતખબર” આપ્યા. જેમાં હું અમેરિકાનાં અહીના સમાજમાં રહેલી સત્યતાને મારી કલમ દ્વારા બહાર ભારતમાં લોકો સુધી પહોચાડવાનું કામ કરું છું. મને સમાજમાં રહેલી સંવેદનાઓ ને સચોટતાથી વ્યક્ત કરવું વધારે પસંદ છે.
મારું એકજ ઘ્યેય છે કે હું મારા લેખન કાર્ય દ્વારા સમાજને સારા સંદેશા પુરા પાડું તેથીજ મારા લેખ હોય કે કવિતા કે પછી સ્ટોરી હોય,દરેકમાં સમાજને કોઈ સારો મેસેજ મળે તેવી ભાવના વધારે રહે છે. આજ રીતે અહી અમેરિકામાં ગુજરાત દર્પણ તથા રાષ્ટ દર્પણમાં મારી કવિતાઓ અને લેખ પ્રગટ થતા રહે છે.

આકાશમાં ઉડવું હોય તો પાંખો અવશ્ય ફેલાવવી પડે, પરંતુ એ માટે બુદ્ધિ સાથે ધગશ પણ જોઈએ. મહેનત કરવાની તૈયારી જોઈએ એ સાથે સમય પણ આવશ્યક છે. બસ મને લેખન જગતમાં મારી એક જગ્યા બનાવવી હતી. મારા વિચારો મારી કલ્પનાઓને લોકો સુધી પહોંચાડવી હતી. આથી મેં ફાજલ પડતા બધા સમયને મારી મનગમતી પ્રવૃત્તિ માં વિતાવવા માંડયો. પરિણામે હું બહુ થોડા સમયમાં આટલું મેળવી શકી છું.
મેં લખ્યાં પ્રમાણે હું સાયન્સની વિઘ્યાર્થીની હતી. આજ કારણે હું ગુજરાતી વ્યાકરણમાં થોડી કાચી પડતી હતી. એ કારણે શરુઆતનાં મારા લખાણમાં ગ્રામરની બહુ ભૂલ રહેતી. અને જ્યારે પણ એ ભૂલો સમજાતી હું બહુ દુઃખી થઇ જતી, મને ક્યારેક તો થતું હું સારી લેખિકા નહિ બની શકું. કારણ લખાણમાં શબ્દો અને લાગણીઓ સાથે ગ્રામર બહુ મહત્વનું છે. છતાં મહેનત અને લગનને કારણે હું આગળ વધતી રહી.
મારી શરૂઆતના દિવસોના લખાણ દરમિયાન ફેસબુક મિત્ર નરેશ ડોડીયાનો સાથ અને ભાગ ભજવી ગયો હતો. ત્યાર બાદ અમારા ફેમીલી વડીલ મિત્ર અને મારી માટે પિતાતુલ્ય ભરતભાઈ નો સાથ બહુ મહત્વનો રહ્યો. શરૂઆતથી લઈને આજ દિવસ સુધી મારા લખાણો તેમની નજર હેઠળ ચકાસાઈ આગળ વધી રહ્યા છે.
આ પાંચ વર્ષની મહેનત પછી એટલું સમજી શકી છું કે સફળતા મેળવવા માટે ડીસીપ્લીન બહુ જરૂરી છે. હું રોજ સવારે જેમ સંગીતના ચાહકો રીયાઝ કરે છે તેમજ આઠ થી દસ બે કલાક અચૂક લખવામાં વિતાવું છે. હા મારા પતિને ફરવાનો ઘણોજ શોખ છે અને મને પણ નૈસર્ગિક સૌંદર્યની ભૂખ રહી છે પરિણામે વર્ષમાં ચાર મહિના હું ઘરની બહાર હોઉં છું. બસ આ સમયને બાદ કરતા હું નિયમિતતા જાળવાનો ટ્રાય કરું છું. કંઈક કરી બતાવવાની મારી ઇચ્છાઓ મન સતત પ્રેરણારૂપ બની રહી છે.
મારામાં મેં આગળ વધવાની એક ભૂખ જોઈ છે, હું મારી કલપના શક્તિ થી એ ભૂખને સંતોષતી રહી છું. પરિણામે કવિતાઓ અને નાના લેખ પછી મેં વાર્તાઓ અને નવલકથાઓ ઉપર હાથ અજમાવવા માંડયો. સતત ચાલતા એ વિચારોને વાર્તા વિશ્વ બહુ અનુકુળ આવી ગયું, પરિણામે આજે હું દરેક વિષયને આવરી લેવાનો પ્રયત્ન કરું છું.
છતાં પણ મારી વાર્તાઓમાં હજુ ભારતીયતાનો ઝાઝો પરિચય જોવા મળે છે. કહેવાય છે ને કે વૃક્ષ ગમે તેટલું વિશાળ થાય તોય મુળીયાનો સાથ છોડી શકતું નથી. મારા બાળપણ અને સંસ્કારોને હું વાર્તાના મૂળ માંથી દૂર રાખી શકતી નથી. આજે પણ દર વર્ષે ભારત જવાની ઈચ્છા રોકી શકતી નથી.
લેખકનું એક જમા પાસું હોવું જરૂરી છે કે તેણે આજીવન વિધ્યાર્થી રહેવું પડે છે. એજ કારણોસર વાંચનને પણ લેખન જેટલુજ મહત્વ આપવું પડે છે.
આ બધા માટે સમયનું હોવું બહુ જરૂરી છે. અમેરિકા જેવા સતત દોડતા રહેતા દેશમાં પણ હું મારી જાતને ખાસ નશીબદાર માનું છું કે મારી પાસે મારા શોખ અને મારા માટે ખુબજ સમય છે. હું આ દેશમાં આવી ત્યારથી કે આજ દિન સુધી બહાર જોબ માટે જવાની જરૂર પડી નથી. હાઉસ વાઈફ હોવાનો આ મોટો ફાયદો મને મળ્યો છે.
દેશ હોય કે પરદેશ સ્ત્રીઓને જરૂરી સ્વતંત્રતા મળતી નથી અને તે પરિણામે તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જોકે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ કહેનાર સમાજ હવે બદલાયો છે. બુદ્ધિશાળી સ્ત્રીઓ હવે પોતાના વ્યક્તિત્વનો આગવી ઓળખ માટે રસોડાં અને ઘર માંથી બહાર પગ મૂકી વિશાળ દુનિયાને મુઠ્ઠીમાં ભરી લેવા આગળ વધતી રહી છે. જોકે સ્ત્રીઓને સન્માન અને તેમની ઉધડી રહેલી ક્ષિતિજો પાછળ પુરુષોની પણ હાથ રહેલો છે તેમ હું માનું છું. આથી મારી વાર્તાઓમાં મેં સ્ત્રીઓની સાથે પુરુષ સમાજને પણ પ્રાધાન્ય આપ્યું છે.
વાર્તાઓ લખવા માટે મારી પોતાની સમજ રહેલી છે. લખતી વેળાએ હું તેમાં આવતા પાત્રો સાથે એકતા સાધી લઉં છું. મારા મત પ્રમાણે વાર્તા એવી લખવી જોઈએ જે નાના છોકરા પણ સમજી શકે, અને લખવા બેસે તો લેખક ખુદ અટવાઈ જાય . વાર્તા શરૂથી અંત સુધી લીસા શીરાની માફક ગળે ઉતરી જાય તેવી હોવી જોઈએ .
વાર્તા વાંચતી વેળાએ લાગવું જોઈએ કે તમે તેની સાથેજ ગતિ કરી રહ્યા છો ,જો જરા સરખો પણ ખટકો આવશે તો ગતિ તૂટી જશે અને મનના મણકા વિખેરાઈ જશે ત્યારે નહિ લાગે કે તમે તે સ્થિતિને જીવી ગયા છો. વાર્તા વાંચનારને તેમાં રહેલા સુખ દુઃખની અસર થવી જ જોઈએ તોજ સાચા અર્થમાં લખાઈ ગણાય .
વાર્તા લેખનની પ્રક્રિયા ભારે અઘરી હોય છે , કોઈ પ્રસંગ કે મુદ્દો વિચાર રૂપે ચિત્તમાં પ્રવેશે છે પછી એને પાત્રોના માઘ્યમમાં ઢાળવા માટેની મનમાં ભાંજગડ ચાલે , ક્યારેક તો આ બધું ઊંઘ પણ હરામ કરી નાખે છે ,કામ કરતા કરતા વિચારોમાં ખોવાઈ જવાય છે બેચેન બની જવાય છે ,

એક લેખિકા તરીકે મારું ચોક્કસ માનવું છે કે કોઇ પણ લેખક વાર્તા લખે છે ત્યારે તેને પોતાનાં લેખનનાં પાત્રમાં ઢળવું પડે છે ત્યારે એ સ્ત્રી છે કે પુરુષ ભૂલીને જે તે પાત્રને એકરૂપ બની જવું પડે છે. આ એક સંપૂર્ણ માનવિય અનૂભૂતિ છે. મારી માટે વાર્તા લખવા એક પ્લોટ સાથે જરૂરી બને છે અંદર આવતા પાત્રો સાથેની માનસિક સંગતતા . કોઈ પણ પ્લોટ ઉપર વાર્તા લખી શકાય છે પરંતુ જ્યાં સુધી તે પાત્રોને જીવંતતા નાં અપાય તે વાર્તા મૃતપાય બની રહે છે.
ક્યારેક તો જે સ્થિતિને આપણે જોઈ નથી તેવી સ્થિતિને આલેખવા સચોટ રીતે લખવા માટેની મહેનત દાદ માંગી લે તેવી હોય છે, છતાં પણ આખી વાતને બહુ સરળતાથી ગળે ઉતારી શકાય તેવો મારો પ્રયાસ રહે છે. જીવનના દરેક પાસાને બહાર લાવવા એજ સાચા લેખકની ખૂબી ગણાય અને લેખનમાં કૈક નવિનતાં લાવવાનો મારો પ્રયાસ રહ્યો છે .
જ્યારે પરદેશમાં હોઈએ ત્યારે યાદ આવે દેશમાં ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગો ,વાર્તાઓ એ બધું લખતી વેળાએ યાદમાં ઉભરાઈ આવે છે. સમાજમાં ઘણું બધું ચાલે છે , ઘણું બધું બને છે પણ લેખક પોતે એમાંથી તેને પસંદ પડે એવું અને એટલુજ સ્વીકારતો હોય છે ,
મારી વાર્તાઓમાં યુવાન માનસના મનમાં ઉઠતા પ્રશ્નો જ મોટેભાગે કેન્દ્રસ્થાને આવે છે , માનવ સબંધોમાં પડતી નાનકડી એવી તિરાડ ,થોડીક દૂરતા ,અવગણના કે તરછોડવાના પ્રસંગો બને છે, કે પછી પ્રેમ આકર્ષણ કે જરૂરીઆત ઘટે છે તે બધી સ્થિતિને પાત્રો સાથે સુસંગત જોડીને વાર્તા માળા તૈયાર કરું છું .
તેમાય દેશ છોડી પરદેશમાં રહું છું તો માર્તુભુમીની તડપ મારી વાર્તાઓમાં દેખાય છે. સાથે અમેરિકાની લાઇફસ્ટાઈલ પણ ઝલકી ઉઠે છે. પરદેશની ઘરતી ઉપર એક વાત હું જોતી સમજતી આવી છું કે આ દેશની પશ્ચિમની સ્વછંદ સંસ્કૃતિ માનવામાં આવે છે તેવી નથી. અહી પણ સબંધોનું બંધન મજબુત રહેલું છે. જેને હું વાર્તાઓ દ્વારા બહાર લાવવાનો પ્રયત્ન કરુ છું.
આજ રીતે આલેખાએલા મારા ત્રણ વાર્તા સંગ્રહો પૈકી
“ટહુકાનો આકાર” ગુર્જર પ્રકાશન ,
” લીટલ ડ્રીમ્સ” ગ્રીડના સહયોગ થી પાશ્વ પ્રકાશન દ્વારા અને ” લાગણીઓનો ચક્રવાત” નવલકથા પુસ્તક સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
સાથે બે નવલકથા ” ધુમ્મસનાં ફૂલ” અને ” ત્રિકોણની ટોચ ” નવલકથા બહાર પડવા ઉત્સુક છે.
આ સાથે એક આનંદની વાત એ પણ છે કે અમેરિકાની સમજ આપતા લખાએલા મારા આર્ટીકલ્સને લઇ ગ્રીડ ( ડાયાસ્પોરા લેખકોની શ્રેણીમાં) ઇન્ફર્મેશનને લગતું પુસ્તક તૈયાર કરી રહ્યું છે. જે લગભગ પૂરું થવાની અણી ઉપર છે.

મારા ટુંકાગાળાના લેખન ક્ષેત્રમાં આગળ વધવા ફેસબુકના અજાણ્યા છતાં પોતાના થી અદકા લાગતા મિત્રોનો સાથ પણ મહત્વનો છે. જેમના પ્રોત્સાહન અને ઉત્સાહને કારણે આગળ વધવાની હિંમત મળતી રહી છે.
મિત્રો અને વાંચકોના વધુ વાંચન માટે મારો બ્લોગ ઉપલબ્ધ છે . https://vinodini13.wordpress.com

મારું લેખન કાર્ય મારા અંતરનો ખોરાક બની ગયો છે અને આજે હું મારા શોખને કારણે આંતરિક રીતે પણ ખુબજ સમૃદ્ધ છું. આજે મારી ભાષા જ મારી ઓળખ છે….
આપણી માર્તુભાષા ગુજરાતી છે તો તેને બોલવામાં શીખવામાં સંકોચ કેવો ? અહીં મારા આમ કહેવાનો જરાય એવો અર્થ નથી કે અંગ્રેજી ભાષા મહત્ત્વની નથી , વૈશ્વિકીકરણ માટે અને દુનીયાનાં દરેક ખુણામાં ફિટ થઇ જવા માટે અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી જરુરી છે. પરંતુ સાથે સાથે માતૄભાષાની સાચવણી કરવી જોઈયે.
હુ ખાસ માનું છું કે પરદેશમાં કમસે કમ માતૃભાષામાં બાળકો સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ. જેથી કરીને બાળકો પોતાનો ભાષાકીય વારસો સાચવી શકે.
મારા ઘરમાં એક સામાન્ય નિયમ રહ્યો છે, જેમા બાળકો સાથે અમારે ગુજરાતીમાં વાતો કરવી. છ્તાય ક્યારેક બાળકો તેમની ટેવ પ્રમાણે ઇંગ્લિશમા બોલે ત્યારે વચમાં અમે ખાસ ટોકતા નથી. જેથી તેમને એમ પણ ના લાગવું જોઈયે કે તેમના ઉપર ભાષાનુ બંધન છે. ઘરમાં ગુજરાતી ભાષાનાં વપરાશને કારણે બાળકોમાં આપણી સંસ્કૃતિ, સમજ ,આદર, બધુ સમજાવવું સહેલું થઇ પડે છે. આજે યુવાન વયે પહોંચેલી મારી બંને દીકરીઓ બીલકુલ મારા જેવું ગુજરાતી બોલે છે.

આતો વાત થઇ નવી ઉગતી પેઢીની , પણ આપણું શું ? શું આપણે ભાષા સાથે જોડાઈ રહ્યા છીયે ? શું આપણું વાંચન હજુ પણ પહેલાની માફક યથાવત છે ?
જવાબ આવશે ના .

જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે.
ભાષાનો ફેલાવો થાય અને વધુ લોકો ગુજરાતી વાંચતા થાય એજ હેતુ થી અહી ડેલાવર ખાતે મે મફત વાંચન માટે પુસ્તકોની લાઈબ્રેરી શરુ કરી છે . સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.

આશા રાખું કે મારા અંતરના ઊંડાણ માંથી નીકળેલું આ બનાવટના આવરણ વિનાનું સત્ય તમને સ્પર્શી શક્યું હોય.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ ) https://vinodini13.wordpress.com
reakhvp13@gmail.com

 

 

One response to “એક સ્ત્રીને પોતાના જીવન વિષે લખવાની વાત

  1. મૌલિક રામી "વિચાર"

    July 3, 2017 at 3:42 am

    Superb..
    Yet not read full article .but will save it..just read outlines…it’s amazing..

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: