ચાલ,
આપણે કંઇક અલગ કરીએ.
આજ સુધી કાગળ ઉપર
સાથસાથ બહુ ચાલ્યા.
આજ, મનનો મૂંઝારો વટાવી
આવને શબ્દોને પેલેપાર મળીયે.
તારા માંથી તું જરા બહાર નીકળ,
આજ મને હું છોડીને આવું છું.
જો તું આવેને!
તો રોષ, જોશ મુકીને આવજે.
હું મારો બધો અહં છોડીને આવું છું.
સમયનો સુરજ હવે માથે ચડ્યો છે.
જીવન તળાવ સુકાય એ પહેલા,
તું આવે તો જરા ડૂબકી લગાવીએ,
પછી તું તારી મહી પાછો વળજે,
અને હું,
જળસમાધી લઈશ.
રેખા પટેલ (વિનોદિની)