“એક શબ્દ માત્રથી બમણી ખુશી”
રેખા પટેલ(વિનોદિની)
દરેક વ્યક્તિ તેના સ્વભાવની ગુલામ હોય છે. મનમાં રહેલી ઓછા વત્તા અંશની ઈર્ષા વૃત્તિ આપણા સુખની આડે આવે છે. બદલાની આશા વિના અપાતી કે લેવાતી ભાવના કાયમી સુખમાં વધારો કરે છે.
બધાને એક સાથે ખુશ રાખવા શક્ય નથી. પરંતુ કોઈને દુઃખ નાં પહોંચે એનું જો ઘ્યાન રાખવામાં આવે તો પણ ઘણું છે. બસ આટલુજ કરવામાં મોટાભાગના પ્રશ્નોનું સહેલાથી નિરાકરણ શક્ય બને છે. દરેક સવાર ગઈકાલની ભૂલોને સુધારવાની એક તક આપે છે, એ તકને કેટલા અંશે ઝડપી લેવી એ માત્ર આપણા હાથમાં રહેલું છે.
એક નાની અમથી વાતમાં સ્મિતાને, તેના બહુ જુના મિત્ર સાથે મન દુઃખ થયું હતું. અને દોસ્તીના એ રેશમી દોરામાં ગાંઠ પડી ગઈ. એક આવીજ સવારે તેને એ દોસ્તની અચ્છાઈ યાદ આવી. સહુ પહેલા સ્વસ્થ ચિત્તે તેણે બંને વચ્ચેની ગેરસમજ વિચારી લીધી. અને તે સમજી ગઈ અહી માત્ર સમજફેર અને આડાઈ હતી. પછી બધો અહં એક બાજુ મુકીને તેણે મિત્રને “કેમ છે” નો પત્ર લખી દીધો. અને તુટતો સબંધ બચાવી લીધો. આના કારણે સ્મિતાને બમણી ખુશી મળી ગઈ..
સાચી મિત્રતા હશે તો માત્ર “કેમ છે” થી જરૂર સંધાઈ જશે. એક શબ્દથી જો આટલી ખુશી મળતી હોય તો આનાથી વધારે નફો બીજો કયો હોઈ શકે?