વરસાદી સાંજ”- રેખા પટેલ(વિનોદિની)
ગોરંભાએલુ એ આભ બધી વેદનાઓ ઠાલવતું વરસી રહ્યું હતું. નોકરી ઉપરથી ઘર તરફ પાછો ફરતા આકાશે ફોરાથી બચવા સીટી સ્ટેન્ડના છાપરાં હેઠળ સ્કુટર ઉભું રાખ્યું. ચહેરા ઉપરથી રેલાતાં પાણીને લુછતા તેની નજર બાજુમાં ઉભેલી યુવતી તરફ ગઈ. “ઓહ આરસી”! એતો બેધ્યાન રહી નીતરતાં કપડામાં થરથર ધ્રુજતી હતી. કઈ પણ બોલ્યા વિના આકાશે ડેકી માંથી પાતળી શાલ બહાર કાઢી તેને ઓઢાડી દીધી. આરસીએ ચમકીને તેની તરફ જોયું. બંનેની નજર એક થઈ ત્યાંજ વીજળીનાં ભયંકર ચમકારા સાથે વાદળ ગરજી ઉઠ્યા. આરસી ભયને કારણે આકાશને વળગી પડી.
વિખુટા પડ્યાનાં દસ વર્ષની તરસ બે પળના આલિંગનમાં ભડકી ઉઠી.. જે અધુરી આગ આજ સુધી ધુમાળા ગોટા વેરતી હતી ત્યાં એક ચમકારો પ્રજ્જ્વળી ગયો. જે ઈચ્છા કદીયે પૂરી થાય તેમ નહોતી તે આ વરસાદી સાંજે વીજળીના એક કડાકાએ પૂરી.કરી. આભની વેદના તો શાંત થઈ ગઈ હતી પરંતુ એ હવે આ બંનેની આંખોમાં ઉતરી આવી હતી. સીટી બસ આવતાં આરસી આંખોમાં આવેલા પાણીને જેમતેમ સાચવી રાખી ચડી ગઈ.
આકાશ તેની પત્નીની સાલ ઓઢીને જતી આરસીને પાછળથી જોઈ રહ્યો. તે જાણતો હતો કે આ સાંજ કદાચ ફરી ક્યારેય નહિ આવે.
” લગજા ગલેસે કે ફિર એ હસી શામ હો નાં હો, સાયદ ફિર ઈસ જનમમે મુલાકાત હો નાં હો.” ✍🏼