माँ में तेरा अंश 💞
જિંદગી પામનાર દરેક સહુ પહેલો જે શબ્દ જાણે છે તે “મા”
માને યાદ કરવા માટે આપણે કોઈ ખાસ દિવસની જરૂર નથી પડતી. પોતાના અસ્તિત્વને યાદ કરીશું તો પણ મા અચૂક યાદ આવી જવાની. આજના દોડઘામ ભર્યા જીવનમાં આવો એકાદ વધારાનો દિવસ માનું મહત્વ યાદ કરાવવાનો મોકો આપે છે જેને હસીને અપનાવી લેવો જોઈએ. માની ખુશી વધે તેવી રીતે તેની ઉજવણી કરાવી જોઈએ.
મા બનવા માટે પુષ્કળ બલિદાન જોઈએ. નાનપણમાં બાળક માટે મા એટલે તેની બધી જરૂરીઆત પળવારમાં પૂરી કરતી સહુથી વહાલી અને નજીકની વ્યક્તિ. બાળક નાનીમોટી દરેક જરૂરીઆત માટે માને શોધે છે. જરા સરખો ઘા લાગે અને માને પોકારે. આવા સમયે તેને જાણ નથી હોતી કે પોતાની દરેક જરૂરીઆત વેળાએ શું મા નવરી બેઠેલી હશે? તેને તો બસ મા એક પોકારે હાજર જોઈએ.
બાળપણમાં બાળક બીમાર થાય જરા સરખો પણ તાવ આવે તો તેને બસ ચોવીસ કલાક મા પાસે જોઇયે. કારણની કોઈ જાણ નથી બસ તેને સંતોષ થતો હશે કે કોઈક મારું મારી પાસે છે. બધાજ બાળપણમાં આવીજ કોઈક ટેવ ધરાવતા હશે. પરતું આજે જ્યારે આપણે બાળકોના માતાપિતા બની ચુક્યા છીએ ત્યારે સમજાય છે કે એક બાળકને સુંદર વિચારો અને સ્વાસ્થ પૂર્વક મોટા કરવામાં તન મન અને ધનથી કેટલું બધું બલિદાન નિસ્વાર્થભાવે આપવું પડે છે. આટલું કરતી વેળાએ શું કોઈ માં કે બાપ વિચારે છે કે આ બધું જે હું કરૂ છું તે મને મારું બાળક મોટા થઈ બદલામાં કશું પાછું આપશે? જવાબ મળશે નાં.
“આજ સુધી મા વિષે ઘણાય લેખ લખાયા છે ,જેમાં મા અને માના પ્રેમની વાતો આલેખાઈ છે. કારણ મા વિષે લખવું એ નાના બાળક માટેનો પણ સાવ સહેલો વિષય છે , આજ કારણે નાનપણમાં સહુથી પહેલો નિબંધ હંમેશા “મા ” ઉપર લખવાનો હોય છે. નાનપણથી એક બાળક જેટલું તેની માને સમજતો હોય છે તેટલું તે બીજા કોઈ વિષે જાણતો નથી.એ માટે આજ સુધી સેંકડો આર્ટીકલ મા માટે આલેખાયા છે .
જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે મા પણ યુવાનીથી થનગનતી હોય છે. તેના પોતાના અઢળક સપનાઓ હોય છે શોખ હોય છે. આવા સમયમાં નાના બાળક માટે તે બધુજ ભુલાવી બાળકની આળપંપાળ કરવામાં ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં તે ખુદને ભૂલી સંપૂર્ણપણે બાળકમાં ખોવાઈ જાય છે. જે સ્ત્રીને સળંગ દસ કલાકની ઊંધ વિના ચાલતું ના હોય કે તેને કોઈ વધારાનું કામ કરવાની આદત નાં હોય તેવી સ્ત્રી પણ રાત રાતભર જાગીને બાળકની સંભાળ કરે છે. તેને સાચવે છે, પોતાનું દૂધ પાઈને ઉછેરે છે. આ બધું કરવાની સાથે તે પોતાના રોજીંદા કામ પણ પહેલાની જેમજ કરતી રહે છે.
કેરિયર લક્ષી મા પોતાનું સમગ્ર કેરિયર પણ દાવ ઉપર લગાવી દેતી હોય છે. આ વખતે તેના મનમાં કોઈ સ્વાર્થ રહેલો નથી હોતો. માત્ર બાળક માટેનો પ્રેમ છલકાતો હોય છે. દેશમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતી સ્ત્રીને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકને સાચવવાની મોટો કરવાની જવાબદારી વહેંચાઇ જાય છે. પરંતુ પરદેશમાં કે શહેરોમાં એકલા રહેતા પતિપત્ની માટે આવી કૌટુંબિક એકતા હોતી નથી. આવી પરિસ્થિતિમાં બહાર નોકરી અને બાળકની બેવડી જવાબદારી ઉઠાવતી માની તકલીફ વધારે હોય છે.
જરાક વિચારવા માટે ઉભા રહેવું જરૂરી છે કે તેનામાં આ શક્તિ, વધારાનો આવો સમય ક્યાંથી આવ્યો? એક સ્ત્રી પાસે આવો કોઈ સમય મળતો નથી. અને મળે તો તે પોતાની અંગત ખુશી માટે ,અધૂરા સ્વપ્નાઓ પુરા કરવામાં વાપરશે. પણ એક મા પાસે આ શક્તિ તેના બાળકના જન્મ સાથે આવી જતી હોય છે. સાથે સાથે તે બધુજ ભૂલી બાળકની ખુશીમાં પોતાની ખુશી શોધી લેતી હોય છે. તે સમયની સામે પડકાર ફેકે છે. શું કદીયે સાભળ્યું છે કે કોઈ મા વ્યસ્ત રહેવાને કારણે બાળકને એક દિવસ ભૂખ્યું રાખ્યું. મા પાસે આ હૈયું જ નથી.
મા કઈ દેવી નથી છતાંય તે પૂજનીય છે, બાળકની જન્મદાત્રી છે. બસ આપણે આપણી ફરજ પૂરી કરીને આ જીવન આપનારી ને સુખ સંતોષ આપી થોડું ઋણ ચૂકવવાનું છે. જો મા બાળકને જન્મ આપી જો તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતી તો મોટા થયા બાદ એ માને સાચવીને સુખ આપીને એ તેના ઉપર શું ઉપકાર કરી શકવાનો હતો.
“એક માત્ર જનનીના બંધનને આપણે કદી તોડી શકીશું નહિ, સાથે તેનું ઋણ પણ ઉતારી શકવાના નથી, તો બસ માન અને પ્રેમ આપી અહી સદાય નમન કરતા રહેવું જોઈએ.”
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ)