કૃષ્ણનો રાધાને પત્ર ”
તું ક્યાંય નથી છતાંય સર્વત્ર છો
ડૂબાડૂબ છો ને તોય પવિત્ર છો … રેખા
પ્રિય સખી , પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી. પણ પ્રેમમાં મબલખ આપતા રહેવું એ જરૂરી છે..સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયામાં અદભુત ઘટના છે..અને એથી તો હું તારા નામથી ઓળખાઉં છું, પહેલા તું છો અને પછી હું આવું છું…તારા નામ પાછળ મારું નામ આવે છે. …
હું તને ચાહું છું એ તો તું જાણે છે, પરંતુ મારી માટે પ્રેમની વ્યાખ્યા જુદી છે. હું માનું છુ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. માલિકીનો ભાવ સ્નેહમાં સાંકળ બને છે. હું તારી સાથે શ્વાસોના બંધનથી જોડાએલ રહીને આપણા અલગ લાગતા અસ્તિત્વને હું પ્રેમ કરતો રહુ છું .
હું યુગોથી તને ઝંખું છું, આથી તું મારા કર્મોમાં ,મારા વિચારોમાં અને શ્વાસોમાં સતત સાથે હોય; અને આજ કારણે મને તારી કદીયે ખોટ પડી નથી. મારી માટે તારી દૂરતા પથમાં કંટક બની નથી. તું ભક્તિ છે હું શક્તિ છું, તું મોરલી હું સંગીત છું, તું મારા મહી અને હું તારા મહી છું. હું પ્રેમ કરું છું આપણી એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની અપ્રદૂષિત સંવેદનાઓને.
સખી, હું તો બસ એટલુજ જાણું છું કે તને ચાહુ છું. તું પાસે નથી તો તને યાદ કરીને હું મારી હૈયામાં સજાવેલી તારી છબીને મનની આંખો થી અપલક જોયા કરૂં છુ, વહાલ કરૂં છુ. તારી સાથે વિતાવેલી દરેક ક્ષણોને ફરી ફરી જીવું છું.
તું હતી ત્યારે તારી ક્ષણ ક્ષણની હાજરીને મેં મારા મહી ઉતારી હતી. તારી એક એક કલ્પનાને ઉમંગથી કેદ કરી હતી. તારા આંસુ અને હાસ્યને આંખોની ભીનાશમાં સજાવ્યા હતા ,તારા એક એક ધબકારને મારા ઘબકારોની વચમાં પૂર્યા હતા. સખી આજે આ બધું જીવનદોરી બનીને સાથે રહ્યું છે. જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ હું મારા ફેફસામાં પુરએલા એ શ્વાસો થી શ્વસુ છું. જ્યાં સુધી હવા એનું નૃત્ય બતાવશે, જ્યાં સુધી નદી સગીત સંભળાવશે અને જ્યાં સુધી સૂર્ય ચાંદ તેમનો પ્રકાશ લહેરાવશે ત્યાં સુધી હું આ પ્રક્રિયા ચાલુ રાખીશ.
સખી,જેમ સમાજના વાડા તને આંતરે છે તેમ કર્મોના બોજ તળે મારે પણ ભીસાવું પડે છે. તને નિહાળવાનું ભાગ્યમાં નથી રહ્યું . પ્રેમ એતો આત્માનો અહેસાસ છે.” મનના આ મહેકતા ઉપવનને સ્નેહ કેરા સમજણથી સીંચવું પડે છે.
હા મન છે ! ક્યારેક યાદો બહુ ભારે બની જાય ત્યારે થોડી ઉદાસી છવાઈ જાય છે. ત્યારે તને આપેલા વચન ” રાધે હું તારા મય બનીને ખુશ રહીશ ” ને યાદ કરી ખુશ થવાનો ફરીફરી પ્રયત્ન કરી લઉં છું.
વહાલી સખી તું પણ મને આપેલા એ છેલ્લા વચનને યાદ રાખી ખુશ રહેજે …રાધે રાધે.
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર See More