RSS

દુઃખમાં વિચારોનું ઉર્ધ્વીકરણ

04 Mar

16864605_1467838339917592_2678018791537119886_n-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ab%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9fજીંદગીમાં સુખ, દુઃખ, ઈચ્છા ,અનિચ્છા બધું પામવું અને આપવું ઉપર આધારિત રહેલ છે. આપણા conscience -unconscience માઈન્ડમાં ચાલતા વિચારો આપણી આજ ઉપર પણ હાવી બની જતા હોય છે. પરિણામે ગમતું નાં ગમતું એવા વર્તુળો રચાયા કરે છે અને તેજ આપણી સુખ દુઃખની વ્યાખ્યામાં ઉમેરો કરે છે.

અહી દેખાતા ચિત્રમાં આગળ પાનખર પછીની વિરાની છે. આ ઉજ્જળતા પછી પણ બાકી રહેલી એક લીલી ડાળ આ પંખી માટે આશાની એક જ્યોતિ સમી છે. આવતી કાલે પાછા આવતા સુખનું એક આશામાં પંખી પાછું વળીને આવતી કાલના લીલેરા સ્વપ્ના જોવામાં તલ્લીન બન્યું છે. તેની દુર ખેંચાતી આંખોમાં ભવિષ્યના સોનેરી સપના છે જે એકલતા ભાંગવા પુરતા છે. દુઃખમાં પણ ખુશીને આવકારવાની મહેચ્છા આપણા સુષુપ્ત મનમાં ઘરબાઈને પડેલી હોય છે તેજ ચહેરા ઉપર ખુશીઓ ભરી દેવા બસ છે. આશા છે વિખુટા પડેલા સાથીઓ પણ સ્થિતિ અનુકુળ થતા આવી મળવાના. જેમ હસતો ચહેરો સહુને ગમે તેમ ઉગતી આશાઓ નિરાશાને ધકેલી દે છે.

આપણાંથી કંઈ “સુખ દુઃખ મનમાં નાં આણીએ ” સમજી મીરાંબાઈ ની જેમ સ્થિતપ્રજ્ઞ નથી થવાતું છતાંય સહનશક્તિ સાથે બંને સ્થિતિમાં બેલેન્સ ખુબ જરૂરી બને છે. સુખ દુઃખ દરેકના જીવનમાં આવે છે. નાનો મોટો ગરીબ ધનવાન દરેકના જીવનમાં આનો અનુભવ થતો રહે છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુનો અભાવ નડતો નથી ત્યાં સુધી વસ્તુના સાચા ભાવની આપણને કિંમત સમજાતી નથી. માટેજ ડાહ્યા માણસો કહેતા હોત છે કે ” સુખને સાચા અર્થમાં પામવા દુઃખને ચાખવું જરૂરી છે”.

 

છતાં પણ આવતીકાલના દિવાસ્વપ્નો જોવામાં આજ નકામી જાય તેમ પણ ના હોવું જોઈએ. કેટલાક માણસો માટે તેમનો ભૂતકાળ સુખી અને તેમાય જો વૈભવી હોય તો તે યાદો, એજ જૂની વાતોજ તેમના આજને બરબાદ કરવા પુરતી બને છે. પહેલા તો મારા ઘરે નોકરચાકર હતા. આ બધું કામ તેઓ કરતા હતા. હવે હું જાતે મારી માટે આ બધું કેમ કરી શકું? આવું વિચારનારા ને જયારે પોતાના કામ માટે નાનમ લાગે ત્યારે સમજવું તેની હાર નિશ્ચિત છે. સ્વપ્નો જોવા પણ આશા સાથે હિંમત હોવી જોઈએ નહિ કે યાદો સાથે નિરાશા.

જેમ સુખમાં છકી ના જાવું તેમ દુઃખમાં હિંમત ના હારવી જોઈએ. આજે નહીતર કાલે આવેલા દુઃખને પાછું વાળવાનું છે ના વિચારે તેને હાંકી કાઢવા પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. નહીતર મનમાં છવાએલી નિરાશાને કારણે ઉન્નતિના માર્ગે આગળ નહિ વધી શકાય એ નક્કી છે.

નિહાર ખુબ તેજસ્વી યુવાન હતો. ઉચ્ચ ભણતર પછી પણ તેને યોગ્ય જગ્યાએ નોકરી મળતી નહોતી. શરૂઆતમાં તેને થતું હું મારા એજયુકેશનને અનુરૂપ કામ કરીશ. નાનીમોટી નોકરી મારા માટે નથી, હું મારા ભણતરને વ્યર્થ નહિ જવા દઉ. આમ વિચારી ઈન્ટરવ્યું આપતો રહ્યો. પરંતુ લાંબી બેકારી થી છેવટે એ નિરાશ થઈ ગયો. ડીપ્રેશનની હાલતમાં એકલતાને સાથી બનાવી ઘરમાં પુરાઈ રહેતો. જોનારા તેની ઉપર દયા ખાતા અથવા તો હાંસી ઉડાવતા. છેવટે તેના પપ્પાની સમજાવટને કારણે અને પોતાનાઓની હુંફને કારણે હારીને ધરે બેસી રહેવાનું છોડી તેણે જે કામ મળ્યું તે શરુ કરી દીધું. સામાન્ય પોસ્ટ ઉપર પણ તેની મહેનત અને તેનું કામ બોલવા લાગ્યું અને ટૂંક સમયમાં ત્યાજ તેની પ્રગતિ થઈ અને મનગમતું કામ મળી ગયું.

સુખ મોટાભાગે ઢોલ નગારા સાથે આવે છે જેની જાણ આસપાસના બધાને થઇ આવે છે. લોકો તેમાં ભાગીદાર થવા દોડતા આવે છે. પણ દુઃખ સામાન્ય રીતે કોઈ પણ પદચાપ વિના ચુપચાપ અચાનક આવી ચડે છે. અને આમ પણ એ વાજતે ગાજતે આવે તો પણ જાણનારા અજાણ્યા બની જઈ આપણા દુઃખમાં ભાગ પડાવવા નથી આવવાના. આ સમજીને તેને પચાવવાની કળા જાતે શીખવી પડે છે. “સુખકે સબ સાથી દુઃખ મેં નાં કોઈ” બરાબર આજ ઉક્તિ અહી લાગુ પડે છે. સારા દિવસોમાં જે દોસ્તો મહેફિલોની શાન બનીને આવતા હોય છે તેજ આપત્તિ વેળાએ બોલાવવા છતાં પણ દેખાતા નથી. સાચા મિત્રોની પરખ આવાજ કપરા સંજોગોમાં થતી હોય છે.

દીવાલ ઉપર ટીંગાડેલા કોઈ પણ ચિત્રને જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એ દરેક ચિત્રને બે બાજુઓ જોવા મળશે, આપણે તેને કેવી રીતે મૂલવીએ છીએ તે આપણા દ્રષ્ટીબિંદુ ઉપર આધારિત રહેલું છે. જિંદગીમાં સફળતા નિષ્ફળતા બંને સ્થિતિ કંઇક નવું શીખવી જાય છે. દુઃખમાં સહુ પહેલા કસોટીએ ચડે છે માણસની ધીરજ. “ધીરજના ફળ મીઠાં”. સામાન્ય લાગતા કાંટાની વચમાં ખીલેલાં ગુલાબના ચિત્રને જો ઘ્યાનપૂર્વક જોવામાં આવે તો તેમાં એક નહિ પણ ત્રણ બાજુઓ સમજાશે. આ જોનાર ઉપર આધારિત છે કે તેને કેવી રીતે જોવામાં સમજવામાં આવે છે.

એક તો આટલું નાજુક ફૂલ અને તેને ચારેબાજુ થી વિષમ પરીસ્થિતિનું ઘેરાણ,..બિચારું

બીજું આ સુંદર ફૂલને કાંટાઓ થકી મળી રહેલી સુરક્ષા…નશીબદાર

અને છેલ્લે કપરી પરિસ્થિતિમાં પણ કેવું મઝાનું હસતું આ ગુલાબનું ફૂલ …હિંમત અને ખુશી

હવે આપણેજ વિચારવું રહ્યું કે ચિત્ર તો એકજ હતું પણ આ સાવ વિપરીત ત્રણ બાજુઓ કેવી રીતે આવી? આજ આપણી મનોસ્થિતિ દર્શાવે છે.જેવું વિચારીએ, કલ્પીએ તેવીજ સ્થિતિનો અનુભવ કરી શકાય છે. માટે હંમેશા વિચારોનું ધોરણ ઊંચું રાખવું જરૂરી છે.

જ્યારે પણ કઠીન પરીસ્થિત આવે ત્યારે સહુ પ્રથમ જાત ઉપરનો વિશ્વાસ ઘટતો જાય છે, યાદ રાખવું જરૂરી છે કે એ દિવસથી નિષ્ફળતા આંગળી પકડી સાથે ચાલતી થઇ જશે. પરિણામે સફળ થવાના સઘળાં રસ્તા બંધ થતા જણાય છે. અને જીવનભરની ખુશીઓ મેળવવાની મહેચ્છા અધુરી રહી જાય છે. અમ થતું અટકાવવા પોતાની જાત ઉપરનો વિશ્વાસ અટલ રાખવો આવશ્યક છે. જીવનની આ આખી મુસાફરી દરમિયાન દરેકના રસ્તામાં  દુઃખનાં અવરોધો આવતા રહેવાના. બસ સ્થિતિને જાણવા સમજવાની અને તેને પચાવી જાણવાની કળા શીખવાની ખાસ જરૂર પડે છે. દુઃખ આપત્તિ કાયમી નથી રહેવાની એમ સમજીને આપત્તિ માંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડે છે. ક્યારેક તો સુખના પડીકામાં સજાવાઈને મુશ્કેલીઓ પણ આવી જતી હોય છે. આવા સમયે લોભ ત્યજી સચ્ચાઈનો માર્ગ લેવો આવશ્યક બની જાય છે. જરૂર પડે છે પોતાના પ્રોબ્લેમ્સને જાતે દૂર કરવા કમર કસવાની. જો જાતે કશું કરવાની ઈચ્છા બળવત્તર હશે તો તમને બીજાઓનો સાથ પણ મળી આવશે.

આફતમાં પણ આનંદના જો દર્શન થશે તો આનંદ જરૂર આંગણે આવીને ઉભું રહેશે. પાનખર પછી વસંતનું આવવું નક્કી છે.જે પંખીઓ ઠંડીથી બચવા ઘર છોડીને જાય છે તે સમય થતા ચહેકવા ફરી ઘર વસાવવા આવી રહેવાના નક્કી છે. કુદરતે જેમ પાનખર પછી વસંત આપી છે તેમ દુઃખ પછી સુખની લહેર આપી છે.બસ ધીરજ અને વિશ્વાસની જરૂર છે. જે બોધપાઠ થી નથી કેળવાતી તેને પામવા વિચારોનું ઉર્ધ્વીકરણ જરૂરી છે.

રેખા પટેલ(વિનોદિની)

ડેલાવર (યુએસએ )

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: