રેખા પટેલ , તેઓ છેલ્લા ૨૪ વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહે છે. નાની ઉંમરથી અમેરિકામાં જઈને વસ્યાં હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે તેમને અપૂર્વ લાગણી છે. જેનો પુરાવો આપતા તેમના હાલ પબ્લીશ થયેલા બે પુસ્તકો છે.
છેલ્લા કેટલાક સમય થી મારા દ્વારા લેવાતી યુરોપ કેનેડા અને અમેરિકાની મુલાકાતો દરમિયાન મારું એક મહત્વનું કાર્ય રહેતું કે ઉગતા નવા ડાયાસ્પોરા લેખકોની ખોજ. જેમાં કેટલાક જડી આવેલા, નામોમાં ડાયાસ્પોરા લેખકોમાં રેખા પટેલનું નામ મોખરે છે. ગયા વર્ષે ડાયાસ્પોરા લેખકોને સન્માનિત કરવાના પ્રસંગે રાજકોટમાં જુના અને અનુભવી લેખકોમાં તેમને સામેલ કરાયા હતા. ત્યાં તેમનું ગુર્જર પ્રકાશન માંથી પ્રકાશિત ટૂંકી વાર્તાઓનું પુસ્તક ” ટહુકાનો આકાર“ નું લોકાર્પણ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના હસ્તે કરાયું હતું.
બરાબર વર્ષ પછી અમેરિકામાં તેમના બે પુસ્તકોનું લોકાર્પણ થયું ત્યારે હું ઉપસ્થિત રહી શક્યો તે માટે મને આનંદ સાથે ગૌરવ છે. રેખાબેન તથા તેમના પતિ વિનોદ પટેલ ખુબજ સારી મહેમાન નવાજી કરી જાણે છે. તેમના ઘરે ડેલાવર ખાતે આ બંને પુસ્તકોનું લોકાર્પણ ગોઠવાયું હતું. જેમાં તેમની ટુકી વાર્તાઓ” લીટલ ડ્રીમ્સ “ ને ખ્યાતનામ કવિયત્રી પન્નાબેન નાયકના હસ્તે અને ” લાગણીઓનો ચક્રવાત “ નવલકથા નું નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ રામભાઈ ગઢવીના હસ્તે લોકાર્પણ થયા હતા.
આ પ્રસંગને વિજયભાઈ ઠક્કરે સંચાલિત કર્યો હતો . આ પ્રસંગે સુચીબેન વ્યાસ, ગીરીશભાઈ વ્યાસ, અમેરિકામાં ગુર્જરી ચલાવતા કિશોરભાઈ દેસાઈ, રાજેશભાઈ હાજર રહ્યા હતા. ત્યારબાદ આજ પુસ્તકનું ફરીથી લોકાર્પણ ન્યુજર્સી એડીશન ખાતે આવેલી ગુજરાત દર્પણની સભામાં પણ કરવામાં આવ્યું હતું.
રેખા પટેલ આમતો એક સારા વાર્તા કાર હોવાની સાથે કવિતાઓ પણ સુંદર લખી જાણે છે. એક કવિયત્રી હોવાની વિશેષતાને કારણે તેમની વાર્તાઓમાં અલગ પ્રકારની સંવેદનાં જોવા મળે છે. આ બંને પુસ્તકો નું ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ડાયાસ્પોરાની દેખરેખ હેઠળ તૈયાર થયેલા છે. જેનું પબ્લીકેશન અમદાવાદ પાર્શ્વ પ્રકાશન માંથી થયેલ છે.
રેખા પટેલની મોટાભાગની વાર્તાઓ વાસ્તવિકતાને આધારે લખાએલી હોય છે આથી વસ્તુ સ્થિતિ ક્યાંક ઘટી ચુકેલી વધારે લાગે છે. વાર્તાના દરેક પાત્રો સાથે માનસિક એકતા સાધવી એ તેમની ખૂબી છે. જેના કારણે તે ઓછા સંવાદોમાં સચોટતા આપી શકે છે. કોઈનું અનુકરણ નહિ કરી પોતાને પ્રતીતિકર લાગે તે વિચારો સાથે લખવાની તેમની પ્રકૃતિ એક સફળ વાર્તાકાર તરીકે તેમની અલગ છાપ ઉપસાવી રહી છે. તેમણે દેશથી દૂર રહીને પણ સંસ્કૃતિને જાળવી રાખી છે. જેનું પ્રતિબિંબ તેમનાં લેખન દ્વારા સમજાઈ શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે વાર્તા લખતા તેઓ સામે આવતા દરેક પાત્રોમાં ઓતપ્રોત થઈ જતા હોય છે. પરિણામે વાચકને તે વાત પોતાની લાગે તેવી સચોટતા પેદા કરી શકે છે.
ગયા વર્ષે ગુર્જર માંથી બહાર પડેલી ટુંકી વાર્તાઓની બુક ” ટહુકાનો આકાર“ જેમાં ભારતના ગામડાઓમાં ઘટતી ઘટના કે જૂનાપુરાણા ખ્યાલોને આવરી લેતી વાર્તાઓ વધુ હતી, જેમાં સમાજની રૂઢિચુસ્તતા દેખાઈ આવતી હતી. જ્યારે આ વધારે કરીને મોર્ડન જમાનાને અનુલક્ષીને લખાએલી , યુવાનોની મનોવૃત્તિને આલેખતી જોવા મળશે. જીવનમાં ના દરેક પાસાઓ ઉપસાવવું તેમની ખાસિયત કહી શકાય.
એક ડાયસ્પોરા વાર્તાકાર અને કવિયત્રી તરીકે તેમનું ભાવી ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે. યુવાસંવેદન વિશ્વને અર્થપૂર્ણ આલેખનાર ઉગતા નહિ બલકે ટૂંકા સમય ગાળામાં ઉગી ચુકેલા સફળ વાર્તાકાર રેખા વિનોદ પટેલને સત્કારતા હર્ષ અનુભવું છું.
ડો. બલવંત જાની
Vimala Gohil
November 20, 2016 at 2:41 am
હા, રેખાબેન, આ ઉલ્લેખ શ્રી બળવંતભાઈ એ અહીં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં કરેલ.
બેઠક પુરી થયા પછીની વાતચીતમાં તમારા બ્લોગ્ને હું ફોલો કરું છું એમ કહ્યું ત્યારે ખુશ થયા ને કહે તમે રેખા બેનને કહેજો કે બળવંતભાઈએ તમને યાદ કરેલ.
આ વાતચીત થી મને ખૂબ ખુશી થઈ,જે આપને આભારી છે .
rekha patel (Vinodini)
November 20, 2016 at 1:54 pm
Thank you so much