એકલતા
રાત પડે ને બહાર ઘેરો સન્નાટો છવાઈ જાય છે,
તે સાથે મારા ઓરડામાં ભીતે લગાવેલી ટ્યુબ લાઈટ,
ઝળકી ઉઠે છે.
અજવાળું ફેલાય એતો ગમે છે ,પણ જ્યારે ત્યાં
બે સરકતી ગરોળીઓ ને જોઉં છું ત્યારે એક અણગમો ફેલાઈ જાય છે.
એ રોજ સાંજે આમંત્રણ વિના આવી જતી, મારા મનનો બોજ વધારી જતી .
જોઇને ચીતરી ચડે તેવી એ બે,
ટ્યુબ લાઈટની આજુ બાજુ મોડે સુધી મંડરાતી રહેતી ,
નજીક આવતી નાની મોટી જીવાતને એકજ લપકારે સ્વાહા કરી જતી,
કેટલી બધી ભૂખ હતી એમની તરાપ માં!!
વળી મારી સામે નજર માંડતી, કે જાણે કોઈ ઉપકાર કરે છે.
બરાબર આવીજ ભુખ હું આજુબાજુ ની નજરોમાં ભપકતી રોજ જોઉ છું
છતાં પણ આ બંનેને સાથે જોઈ મનમાં વિચિત્ર જુગુપ્શા જન્મી જતી.
માથા ઉપર પડતા જગના ભારથી હું ખાસ નહોતી ડરતી ,
આ છત ઉપરથી ગરોળીના ઉપર પડવાની બીક મને સતત રહેતી.
કોણ જાણે હમણા થી મનમાં કંઈક રાહત લાગતી,
કારણ રોજ આવતી બે ગરોળીઓને બદલે હમણા થી એકજ દેખાતી હતી.
એજ અચાનક થતો હુમલો અને એજ લપકારા મારતી જીભ,
છતાં પણ આ રાહત કેમ હશે ?
બની શકે તેને મારી જેમ એકલી રેગાતી જોઈ મને કદાચ સારું લાગ્યું હોય !!!!
રેખા પટેલ (વિનોદિની)