RSS

ટુંકી વાર્તા: ” કુસુમ બા “

04 Oct

fullsizerender

કુશુમબા ..રેખા પટેલ (વિનોદિની)
અમેરિકાનું ન્યુજર્સી સ્ટેટ એટલે ત્યાં ભારતીયો માટે દેશનું એક શહેર. અહી એવા ઘણા વિસ્તારો છે કે જ્યા તમે ફરતા હો તો લાગે કે ભારતના કોઈ શહેરની ગલીમાં ફરો છો.. એડીસન નામનો વિસ્તાર તો જાણે બસ બીજુ અમદાવાદ જોઈ લ્યો … નીલ અને નીશીના લગ્ન થયા પછી નીલની મોટી બહેનને કરેલી ઇમિગ્રન્ટ ફાઈલ ઉપર પંદર વર્ષ પહેલા અમેરિકા આવ્યા હતા.જ્યારે બંને આવ્યા ત્યારે બે બેગ અને થોડી ઘરવખરી અને જરૂરી મસાલા ભરેલા બે થેલા લઇને આવ્યા હતા.ત્યારે બે મહિના બહેનના ઘરે રહ્યા પછી આ નાની ઘરવખરીથી તેમને એક રૂમ રસોડામાં વાળા નાના ફલેટમાં ઘરસંસાર શરુ કર્યો.. નીલને ઘરથી દુર એક ઓળખીતાના કન્વીનીયન ગ્રેસરી સ્ટોરમાં કામ મળી ગયું. પણ ત્યાં પહોચવા તેને સવારે વહેલા સાડા છ વાગે ઘરેથી નીકળી જવું પડતું. જોબના સ્થળ પર પહોચવાં બે બસ બદલીને જવું પડતું. સાંજે આઠ વાગે ઘરે પહોંચતો ત્યારે થાકીને ચુર થઇ જતો હતો. નીશી પણ બે બે ડોલર બચાવવા એક માંઈલ દુર ગ્રોસરી લેવા ચાલતાં જતી હતી. નીશીને નજીકમાં એક ભારતિય ગ્રોસરી સ્ટોરમાં કલાકના ચાર ડોલરના હિસાબે રોજ પાંચ કલાક કામ વાળી જોબ મળી ગઇ….. એ દિવસોમાં કરેલા સંધર્ષના વર્ષો નિશી અને નીલને આજે પણ બરાબર યાદ છે. બસ ત્યાર પછી બંનેએ પાછું વાળીને જોયું નહોતું. તેમાય જ્યારે માણસનું નશીબ જોર કરતું હોય ત્યારે ચારે દિશામાં સહયોગ સાંપડતો જાય છે. આવું જ કંઇક નીલ સાથે બન્યું. નીલ જ્યાં નોકરી કરતો હતો એ સ્ટોરના માલિક મહેશભાઈનો એક બીજો સ્ટોર જે નીલનાં ઘરેથી પાંચ માઇલ દૂર હતો.એ સ્ટોર્સ કોઇ કારણોસર વેચવાનો હતો અને નીલના મહેનતુ અને મિલનસાર સ્વભાવના કારણે મહેશભાઈએ તેને સારી કિંમતમાં વેચવા જણાવ્યું. બસ નીલ અને નીશી આવી જ કોઈ તકની રાહ જોતા હતા. પોતાની થોડી ઘણી બચત અને થોડા બહેન બનેવી પાસેથી ઉછીના લઇ નીલએ આ નાનકડા સ્ટોર ખરીદી અને માલિક બની ગયો. એ દિવસ નીલ અને નીશીની જિંદગીનો ખુશીનો દિવસ હતો.. થોડૉ સમય સ્ટોર સારો ચાલતા એક સેકંડ હેન્ડ કાર ખરીદી લીધી. હવે બંને સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી સ્ટોર ઉપર કામ કરતા હતાં. ઠંડીમાં ગરમ ઓવર કોટમાં લપેટાઈ અને ગરમીમાં હાફ પેન્ટ પહેરીને નિશા નીલને પુરેપુરો સાથ આપતી. આમને આમ બંનેને અમેરિકા આવ્યાને ત્રણ વર્ષ પુરા થઇ ગયા હતા. બંનેની સહિયારી લગન અને ખંતના કારણે હવે થોડી બચત થવાની શરુ થઈ ગઈ હતી. અહીં એપ્રિલ મહિનાના ત્રીજા રવિવારે ઇસ્ટરનો તહેવાર મનાવે છે. એ દિવસે જાહેર રજા હોવાથી સ્ટોર બંધ હતો.ઉનાળાના શરૂવાત હતી.બહાર નાનકડી જગ્યામાં નીશીએ રોપેલા લવંડર અને વ્હાઈટ લીલીનાં ફ્લાવર તન અને મનને તાજગીથી ભરી દેતા અને એક માદકતા ઉભી કરતા હતાં.એપાર્ટમેન્ટ ની બારીમાંથી બહાર દેખાતા પાર્કમાં નાનાં ભૂલકા સુંદર તૈયાર થઇ આમ તેમ દોડતા હતા. નીલ બેડરૂમની બારીમાંથી આ મજાનું દ્રશ્ય જોઈ રહ્યો હતો. અને આજે અચાનક સરળતાથી ચાલતી જીંદગીમાં એક ખોટ લાગી.. તે કઈક વિચારી મનોમન મીઠું હસીપડ્યો એ માદક મહેકતી સવારે નિશા મોડે સુધી બેડમાં પડી રહી હતી. નીલ તેને આમ શાંતિથી સુતી જોઈ રહ્યો હતો. બંને વચ્ચે અપાર સ્નેહ હતો.પછી હળવેકથી નીલે નીશીના કપાળ ઉપર ફેલાએલાં વાળને સરખા કરતા પૂછ્યું,”શું વાત છે નીશું!આજે ઉઠવાની ઈચ્છા નથી કે શુ.આજે બહું ઊંઘ લીધી. આજે હું તારા માટે મસ્ત ચા બનાવી લાવું છુ.”કહી તેને વહાલ કરતા કપાળ પર હળવું ચુંબન કર્યું. ત્યાજ નીશી અચાનક પથારીમાંથી ઉઠીને બાથરૂમ તરફ દોડી અને ત્યા ઉલટી કરવા લાગી અને ચક્કર આવતા તે ત્યાં જ નીચે ફસડાઈ પડી. નીશીની આવી હાલત જોઇને નીલ ગભરાઈ ગયો તેને લઇ તરત નજીકની હોસ્પીટલમાં લઇ ગયો. ડોક્ટર અને દવાખાનું સામાન્ય રીતે ચિંતા કરાવે છે પરતું આજે આજ ડોક્ટર નીલ માટે એક મઝાના સમાચાર લઈને આવ્યા..ડૉકટએ નીલને જાણ કરી કે,”નીશી પ્રેગનેન્ટ છે.” બંને પતિ પત્ની માટે આ ખુશીના સમાચાર હતા નીલ તો બહુ જ ખુશ હતો કે આજે જે ઈચ્છા વ્યક્ત કરી એજ તેની સામે સાકાર થઇને ઉભી રહી. હવે નીલ પણ નીશીનું વઘારે પડતું ઘ્યાન રાખતો હતો. ક્યારેક એની બહેન કઈક સારું બનાવ્યું હોય તો નિશી માટે આપી જતા હતા. આમને આમ નીશીને સાતમો મહિનો શરૂ થયો. હવે નીશીને વધારે આરામની જરૂર રહેતી હોવાથી સ્ટોર ઉપર એક પાર્ટ ટાઈમ માણસ રાખી લીધો હતો.એવું વિચારીને કે ઓછી બચત થશે પણ નીશીને આ સમય દરમિયાન આરામ મળવો જરૂરી છે.પરંતુ નાના સ્ટોરમાં બહારના માણસ કાયમ નાં પોષાય,આ વાત બંને જાણતા હતા. છતાં હાલ પુરતું આમ કરવું જરૂરી હતું.

છતાં સંતાનના જન્મ સમયે કોઈ પોતાનું પાસે હોય તો સારું રહે એવા આશય થી નીશીના મમ્મી કુશુમબા ને અહી બોલાવવા સ્પોન્સર અને વિઝાના કાગળો તૈયાર કરવાનું નક્કી કર્યું .કારણકે નીલની માતા ભાઇ બહેનને નાની ઉમરમાં એકલા મૂકી સ્વર્ગવાસ થઇ ગયા હતા અને અહી આવવાના થોડા સમય પહેલા પિતાજી પણ તેમની પાછળ ચાલ્યા હતા. કુશુમબા આમ પણ દેશમા એકલા જ રહેતા હતા. કુશુમ બાનો બે દીકરાઓ એમના પરિવાર સાથે વ્યસ્ત હતા. તેમને કુસુમ બાની ખાસ જરૂર નહોતી. આ હર્યા ભર્યા પરિવાર વચ્ચે સાઈઠ વર્ષના કુશુમબા એકલા જ હતા. છતાય તેમની તબિયત સારી હતી આ એક મોટું સુખ હતું. છેવટે કુશુમબા દીકરી પાસે અમેરિકા આવવા તૈયાર થયા. કુશુમબાને અમેરીકા આવ્યાને એક મહિના જેટલો સમય વિતિ ગયો. કુશુમબા બહુ ખુશ હતા કે દીકરીને મદદ કરી શકશે. આમ પણ નીલ અને નીશી માટે તેમને પહેલેથી જ બહુ લાગણી હતી. નીલ પહેલેથી હસમુખો અને પ્રેમાળ હતો અને કુશુમબા સાથે કદી જમાઈ જેવો વ્યવહાર કરતો નહી. કારણકે નાનપણથી એ માના પ્રેમનો ભૂખ્યો હતો. આથી કુશુમબાને પોતાની મા સમજીને એ પ્રેમ કરતો. “દિલની સાચી લાગણી હંમેશા વાણી વર્તનમાં ઝળકે છે ” પોતાનું ઘર હોવાનો એક અહેશાસ આ બંને કુશુમબાને કરાવતા રહેતા હતાં. અલગ દેશ,અલગ માણસો અને અલગ સંસ્કૃતિ છતાય કુશુમબાં અહીના માહોલમા ભળી ગયા હતા આ તરફ નીશીને મમ્મીના આવવાથી બહુ રાહત રહેતી હતી. “હોય હૈયામાં પ્રેમ અને શાંતિ હોય તો વગડો પણ ઉપવન લાગે”. તેમાય આ તો એડીસન. જે બિલ્ડીંગમા તેઓ રહેતા હતા એ બિલ્ડીંગના અન્ય ફ્લેટમાં ઘણા ગુજરાતીઓનાં કુટુંબ રહેતા હતા. કુસુમબાના મીઠા સ્વભાવને કારણે ઘણા પરિવાર સાથે ઘરોબો કેળવાઈ ગયો હતો. પૂરા મહિનાઓ જતાં નિશાને પેઈન ઉપડ્યુ અને તેને નજીકની મોટી હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરી. નીશીએ સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો. નીલ બહુજ ખુશ હતો જાણે દુનિયાનું આખું સ્વર્ગ એક બાળક સ્વરૂપે તેના હાથમાં આવી ગયું હોય તેમ લાગતું હતું. થોડી વારમાં બાળકના ફોઈએ નામ પણ સુચવી દીધું. નિશી અને નીલ ઉપરથી” શીલ ” હવે ઘરની રોનક સાવ બદલાઈ ગઈ હતી. નીલ સાંજ પડે તેનીજ રાહ જોતો. કુશુમબા પણ આખો દિવસ નિશી અને શીલની આજુ બાજુ ફરતા રહેતા હતા. આમ કરતા શીલ બે મહિનાનો થઇ ગયો. હવે નીશીને આમ ઘરે રહેવું પોસાય તેમ ના હતું. તે નાના બાળક ને નાની પાસે મૂકી હવે રોજ સવારે નીલ સાથે સ્ટોર ઉપર જતી અને સાંજે પાછી આવતી. હવે કુશુમ બાને એક મહત્વનું કામ મળી ગયું હતું શીલ તેમનો કાનકુંવર હતો સવારે ભજનો ગાતા ગાતા કાનુડાની સેવા કરતા અને સાથે સાથે આ બાળ કુંવરને પણ લાડ લડાવતા હતાં.હવે તો શીલ પણ બાનો હેવાયો થઇ ગયો હતો બાની પાછળ પાછળ ફર્યા કરતો બા તેને સુંદર ગીતો શીખવતા અને મજાની વાર્તાઓ કહેતા. “જો મુળીયા મજબૂત હોય તો છોડ તંદુરસ્ત રીતે ઉછરતો જાય છે”. આમને આમ શીલ ત્રણ વર્ષનો થઈ ગયો.આ બાજુ નીશી ફરી એક વાર માતા બની સુંદર દીકરી નિવાનો જન્મ થયો.

આ બાજુ મહેનત અને લગનથી કામ કરતો નીલ હવે બે સ્ટોરનો માલિક બની ગયો હવે નીલ એક સ્ટોર અને નિશી બીજા સ્ટોરને સંભાળતી હતી. શીલ હવે પ્રાઇમરી સ્કુલ જતો હતો અને નાનકડી નિવા કુશુમબાની હુંફાળી માવજતમા ઉછરતી હતી. કુશુમાંબા માટે આ કામ જવાબદારી નહોતા. બાળકોને હોશે હોશે સાચવતા અને સાંજ પડ્યે છોકરાઓ થાકીને આવ્યા હશે વિચારીને નીલ અને નીશી માટે જુદું જુદું જમવાનું બનાવતા. એક દિવસ નીલ સમય થયો છતાં પણ ઉઠ્યો નહી.તેથી નિશી તેને જગાડવા ગઈ તો એને જોયુ કે નીલનું શરીર તાવ થી ઘગઘગતું હતું .. હવે શું?નીશીને તો કામ ઉપર જવાનું હતું..!!!! નીશીએ ઘરમા પડેલી તાવની દવા આપી અને આદુ અને ગરમ મસાલા વાળી ચા બનાવી આપી પણ હવે શું ? જવાબદારીઓ માથે હોય તો બધું ભૂલવું પડે છે આગળ વધવું પડે છે.એક નીશી જે સ્ટોર ચલાવતી તે સ્ટોર ખોલવાનો હતો અને જતા જતાં નીલના સ્ટૉરના એમ્પ્લોયને બોલાવી નીલના સ્ટોરને ખોલાવવાનો હતો. ઓહ! આ દેશની આ એક મોટી મજબુરી છે કે ઘરમાં કોઈનું મોત થયું હોય તો પણ કામ કાર્ય વગર ચાલતું નથી,દેશમાં તો મદદ કરવા સગાવહાલાના હાથ લંબાય જાય છે પણ અહી તો બધાજ પોતાના કામમાં બીઝી અને મશગુલ હોય છે. જોકે આમ કહી કોઈના ઉપર દોષારોપણ નાં કરી શકાય પરંતુ અહીની જીવનવ્યવસ્થા જ આવી હોય તો થાય પણ શુ? નિશી મનમાં બોલતી હતી. નીશીને આજે બહુ લાગી આવ્યું કે તેને આટલો પ્રેમ કરતો પતિ જ્યારે પહેલી વાર તેની સામે આમ બીમાર પડ્યો હોય અને તેને છોડી આખો દિવસ બહાર રહેવું પડશે.તેની આ વ્યથા બા જાણી ગયા તેમને નીશીને હિંમત આપતા કહ્યું.” નીશીબેટા જરા ઓછું નાં લાવીશ,હું ઘરેજ છુ અને નીલ મારો દીકરો જ છે ને! હું તેને બરાબર સાચવીશ તું શાંતિથી તારું કામ પતાવીને આવીજા. અને જોજે તારું લંચબોક્સ લઇ જવાનું નાં ભૂલીશ મેં બનાવી તૈયાર રાખ્યું છે.”અને જો હવે તો નિવા પણ મારી હેવાઈ બની ગઈ છે તો જરાય હેરાન નથી કરતી. તું જા બેટા ચિંતા ના કરીશ. “કુશુમબા વ્હાલથી નીશીના માથે હાથ ફેરવતા બોલ્યા. “બા…,તમે નાં હોત તો મારું શું થાત.અમે બે અને અમારા બે બાળકો તમારા વિના અધૂરા છીએ.”હવે નીલા અને નિશી પણ કુશુમ બાને મમ્મી ના બદલે બા કહેતા હતા. કુશુમબા આખો દિવસ નીલને માથે પોતા મુકતા રહ્યા અને દેશી ઉપચારથી કાઢો બનાવી પીવડાવ્યો આમ બાના અથાગ પરિશ્રમ પછી નીલને તાવ ઓછો થયો.અને બીજા દિવસે અશક્તિના કારણે ઘરે જ રહ્યો અને કુશુમબા ભૂલી ગયા હતા કે આ જમાઈ છે.દીકરો નથી અને બસ પુત્રવત સ્નેહથી નીલનું માથું દબાવતા સિરો બનાવી ખવડાવતા રહ્યા.ત્રીજે દિવસે નીલને સારું થઇ ગયું.

આમ વર્ષો વિતતા ગયા હવે કુશુમબા બે ત્રણ વર્ષે એકાદ બે મહિના માટે આંટો મારી આવતા પણ તેમને આજ અમેરિકાનું ઘર પોતાનું લાગતું હતું. આ બાજુ કુશુમબાં લાંબો સમય અમેરીકા રહેતા હોવાથી દેશમાં દીકરા-વહુઓને પણ હવે એ મહેમાન તરીકે જ સારા લાગતા હતા. અને આ વાત કુશુમ બા અને નીલ નિશી જાણતા હતા. અમેરીકાના લાંબા રોકાણ બાદ કુશુમબા કાયમી નાગરીક બની ગયા હતાં.આ દેશનું એક બીજુ સુખ કે સીટીઝન વૃધ્ધોને અમેરિકી ગવર્મેન્ટ તરફથી માસિક બંધાએલી રકમ જીવનભર મળે છે,ઉપરાંત તેમની દવા તથા ડોકટરનો બધો ખર્ચ પણ અહીની અમેરીકન સરકાર ઉઠાવે છે…. સમય જતા શીલ પંદર વર્ષ તરૂણ બની ગયો હતો અને નિવા પણ બાર વર્ષની થઇ ગઈ હતી.હવે નીલ અને નિશી સાંજે વહેલા ઘરે આવી જતા હતાં. બંને સ્ટોરમાં મેનેજરની નિમણુક કરી હોવાથી સમય પણ પૂરતો માણી શકતા હતા.સરવાળે જિંદગી બરાબર ગોઠવાઈ ગઈ હતી.પરંતુ સમયની અસર દરેકની ઉપર સરખી જ થાય છે હવે કુશુમબાની ઉમર થઇ હતી.પંચોતેર વર્ષની આસપાસ થઇ હતી છતાય તે ઘીમે ઘીમે કામ કરતા અને નિશી ના કહે તો કહેતા કે,”જો કામ નહિ કરું તો જીવનમાં બીજું શું કામ રહી જશે અને કામ મને આનંદ આપે છે અને તારી મદદ પણ થઇ જાય છે.”કહી અને કુશુમબા હસતા રહેતા. નીલ અને નીશીના બંને બાળકો હવે તેમના અભ્યાસ અને એમની મસ્તીમાં વ્યસ્ત રહેતા હોવાથી મોટે ભાગે દિવસ દરમિયાન ધરની બહાર રહેતા હોવાથી. તબિયત સારી નાં રહેતી હોવાથી કુશુમબા વધારે સમય ઘરે એકલા વિતાવતાં હતા એક દિવસ સવારે બધુ જ રાબેતા મુજબ ચાલતું હતું.

બધા પોતપોતાને કામમાં વ્યસ્ત રહેતા હતા અને શીલને એ દિવસે મોડા જવાનું હતું તેથી તે એના રૂમમાં સુતો હતો.સવારના કામમાંથી પરવારી કુશુમબા બાથરૂમમાં જતા હતા ત્યારે બાથરૂમમાં ભીની ફર્શ પર પગ લપસ્યો અને નીચે પટકાયા અને માથામાં ભીત અથડાવાથી બેભાન થઇ ગયા.કુશુમબાના નશીબ સારા હશે,કે થોડી વાર પછી શીલ નીચે આવ્યો તો તેને બાને આમ પડેલા જોયા અને શીલ ગભરાઈ ગયો. તુંરત નીલ અને નીશીને ફોન કર્યો અને બધા આવે તે પહેલા તેને ૯૯૯ નંબર ઉપર ફોન જોડ્યો. અહીની પોલીસ અને હોસ્પીટલની સેવા બહુ ઝડપી હોય છે. અહી માણસના જીવનું બહુ કીંમત હોય છે પછી ભલેને તે યુવાન હોય કે બુઝવાની અણીએ આવેલું વૃદ્ધ જીવન હોય … નીલ અને નિશી પળવારનો પણ વિલંબ કર્યા વગર પોતપોતાની દુકાનો બંધ કરી ઘરે આવી ગયા પણ ત્યાં સુધીમાં તો એમ્બુલન્સ આવી પહોચી હતી.કુશુમબાને તરત નજીકની મોટી હોસ્પિટલમાં લઇ જવાયા અને ઝડપી ઇલાજ શરૂ કરી દેવામાં આવ્યો.બરાબર ચોવીસ કલાક પછી કુશુમબાને ભાન આવ્યું અને ડોક્ટર સહીત બધાના ચહેરા ઉપર હાશકારો દેખાયો. !!! પંણ માથાને ભાગે ઇજા થવાના કારણે કુશુમબા બધાને બરાબર ઓળખાતા નહોતા ક્યારેક ડાહી વાતો કરતા બધાને ઓળખાતા ક્યારેક બધું ભૂલી જઈ સાવ બાળક બની જતા. અને માં માં કહી રડવા લાગતા હતા.

લગભગ એક અઠવાડિયું અહી હોસ્પિટલમાં રહ્યા પણ તેમના વર્તનમાં કોઈજ ફેર નાં પડ્યો..છેવટે ડોક્ટરોની સલાહથી તેમને ઘરે લઇ જવામાં આવ્યા.ડૉકટરનું એમ માનવુ હતુ કે જાણીતા માહોલમાં રહેતો કદાચ તેમની યાદશક્તિ ઝડપ પાછી આવી શકે. હવે નીલ અને નીશીની સરળ જિંદગી છેલ્લા સોળ વર્ષથી બાની છત્રછાયામાં વીતતી હતી તે જાણે એક જ વાવાઝોડાથી ઉજ્જળ બની ગઈ હતી. આવતી કાલના ગર્ભ શું ભંડારાલું છે તે કોણ કહી શકે ? હવે નીલ અને નીશી ઉપર કુશુમબાની જવાબદારી વધી ગઈ હતી.આથી નિશી પાર્ટ ટાઈમ સ્ટોર ઉપર જતી હતી બાકીનો સમય મેનેજરને હવાલે સ્ટોર્સ ચલાવતી હતી. બચત ઓછી થાય તેની ચિંતા આ પરિવારને નહોતી પણ કુશુમબા જલદી સારા થઈ જાય એ મહત્વનું હતું. આ બાજુ કુશુમબાને દિવસે દિવસે સારું થવાને બદલે એની માનસિક હાલત વધુને વધુ બગડતી જતી હતી.ક્યારેક અડધી રાત્રે બારણા ખોલીને બહાર નીકળી જતા.એક વાર આ રીતે બહાર ચાલ્યા ગયા હતા પણ પાડૉસી શિશિરભાઈ કાપડિયા એની નાઈટ સિફ્ટના કારણે રાતે બે વાગે ઘરે પાછા ફર્યા હતા.અને કાર પાર્ક કરતા હતા અને એની નજર કુશુમબા પર પડતા અને સમજાવી ફોસલાવી ઘરે મૂકી ગયા. આ બનાવ બન્યા પછી ઘરે એલાર્મ સીસ્ટમ મુકાવી દીધી.જેથી તે ઘર ખોલે તો બધાને ખબર પડી જાય.એક વાતની શાંતિ થઇ ત્યાં બીજો પ્રેબ્લેમ શરુ થયો હવે કુશુમબા સમયસર જમતા નહી અને એક બાળક જેમ સમજાવી એને જમાડવા પડતા હતાં.ક્યારેક બાળક જેવી હરકત કરવા લાગતા. કુશુમબાની આવી હાલત જોતા નીલ અને નિશી બહુ દુઃખી થતા હતા .

એક દિવસ નીલ અને નીશીને કૌટુંબિક પ્રસંગે બનેને બહાર જવાનું થયું તે શીલ અને નીવાને બાનું ઘ્યાન રાખવાનું કહીને ત્રણ ચાર કલાક માટે બહાર ગયા.અનાયાસે એ જ દિવસે કુશુમબાને ફરીથી બચપણનું ભૂત સવાર થઈ ગયું બને બાળકોની સામે બહુ ગરમી લાગે છે કહી સાડી ઉતારી નાખી અને બીજા કપડા પણ ઉતારવા લાગ્યા. કુશુમબાની આ હરકત જોઇને શીલ અને નિવા ગભરાઈ ગયા.બંને બાને બહુ સમજાવવાની ખૂબ કોશિશ કરી.એવામાં અચાનક બાએ નીવાને થપ્પડ લગાવી દીધી.પરિણામે નિવા રડવા લાગી.અને શીલે નીશીને ફોન કર્યો અને બંને તેટલી ઝડપથી ઘરે આવી ગયા.ત્યાર બાદ બાને સમજાવી અને ઉંધની દવા આપી સુવડાવી દીધા. યુવાનીમાં ડગ ભરતાં બાળકો સામે આમ વારેવારે કુશુમબાની આવી હરકત બાળકો સામે યોગ્ય નાં લાગે..આ વાતને હવે નીશી સમજી ગઈ હતી.નીશી પણ આખરે પણ માં હતી. આથી લઈને તેણે હૈયા ઉપર પથરો મૂકી કુશુમબાને નજીકના “રીહેબીટેશન સેન્ટરમાં” સારવાર માટે દાખલ કરવાનું નક્કી કર્યુ.

અહીના રીહેબીટેશન સેન્ટરમાં મગજથી અસ્થિર યુવાન વૃદ્ધોને કે શરીરે અપંગ હોય તેવા દર્દીઓને રાખવામાં આવતા હતા.અહી તેમની પુરેપુરી સુવિધા સચવાતી હતી બહુ કાળજી અને પ્રેમથી સેવા થતી હતી અને મોટા ભાગે આવા દર્દીઓની સારવારનો તમામ ખર્ચ ગવર્મેન્ટ આપતી હોય માટે દર્દીના ઘરવાળા ઉપર પણ ખાસ કોઈ બોજ રહેતો નહિ બધું નક્કી કર્યા પછી પહેલી વખત જ્યારે બાને રીહેબમાં મુકવાનો સમય થયો ત્યારે નીલ નાના બાળકની જેમ છુટા મોંએ રડી પડ્યો.જાણેકે તેની સગી માને મુકવા જઈ રહ્યો હોય નીલ અને નીશી રીહેબ સેન્ટરની બધી વ્યવસ્થા જાતે જોઇને આવ્યા હતા તેમણે કુશુમબા ને પ્રેમથી સમજાવ્યા કે અહી તમને જલદી સારું થઇ જશે અને પછી તમને જલ્દીથી ઘરે પાછા લઇ જઈશું અને બા જાતે બહુ સમજુ હતા દુખી થયા પણ કોઈને જણાવવા નાં દીધું અને હકારમાં માથું હલાવી માની ગયા. નિશી સવારે કલાક અહી આવીને બા પાસે બેસીને જતી સાજે રોજ ઘરનું જમવાનું લઇ નીલ આવતો બાને પોતાના હાથે જમાડયા પછી જ ઘરે જઈ જમતો હતો. હવે આ રોજનો ક્રમ બની ગયો હતો.એક તો બાની વધતી ઉમર અને આ અસાઘ્ય મગજની બીમારીના કારણે દિવસે દિવસે એની યાદદાસ્ત ગુમાવવા લાગ્યા હતા. બસ ક્યારેક યાદ આવે તો નીલ અને નીશીના પરિવારને યાદ કરે. ક્યારેક શીલ અને નિવા પણ સમય મળતા બા પાસે જઈને બેસતા તેમની સાથે વાતો કરતા.આખો પરિવાર બા વિના જાણે અઘૂરો હતો.પરંતુ સમય ગમે તેવા દુઃખને ગમે તેવી ખોટને ભરવા સક્ષમ હોય છે ..

ક્યારેક ઠંડી હોય સ્નો પડે તોયે નીલ કુશુમબા માટે રાતનું ખાવા ખવડાવવા જવાનું ક્યારેય ભૂલતો નહિ. આમને આમ રીહેબ સેન્ટરમા એક વર્ષ નીકળી ગયું. આ દરમિયાન કુશુમબાની હાલત બગડતી જતી હતી. થોડા વખતથી કુશુમબાની રૂમમાં બીજા એક સ્ત્રી દર્દીને રાખવામાં આવી હતી.એક અમેરિકન સ્ત્રી જેની ઉમર પંચાસી નેવુની આસપાસ હતી. તેને અલ્ઝાઈમરની બીમારી હતી.એનુ નામ ‘જેન ડિસોઝા’ હતું.એ પણ યાદદાસ્ત ગુમાવી દીધી હતી.એ પણ બધું ભૂલી ગઈ હતી.એને બસ યાદ હતું તો તેની જવાનીના દિવસો.જ્યારે તે એક ફેમસ બેલે ડાન્સર હતી.એ એના સુંદર પગની વાતો કરતી.આજે લગભગ સંવેદના વિહીન થઇ ગયા હતા.વ્હીલચેરમાં બેસીને રૂમની બહાર જતી આવતી હતી.જે એક વખત હવામાં ઉડતી હતી.તેના સગામાં એક દીકરી હતી.જે દુર રહેતી હતી ક્યારેક આંટો મારી જતી. દરરોજ સાંજે આવતા નીલને આ જેન ડીસોઝા સાથે પણ એક લાગણીનો નાતો બંધાઈ ગયો હતો. તે ક્યારેરેક થોડું ઓછું તીખું એવું ખાવાનું બનાવી લાવી જેનને પણ ખવડાવતો તેની સાથે વાતો કરતો…ક્યારેક જેન મુડમા હોય તો એને હસાવતો પણ ખરો. જેન પણ ક્યારેક માય સન નીલ કહી બોલાવતી. એક દિવસે સવારથી બાની તબિયત ખરાબ હતી નિશી અને નીલ સવારથી સ્ટોર બંધ રાખી હોસ્પીટલમાં હતા.ડોક્ટર જવાબ આપી ચુક્યા હતા.છેવટે બાનો દેહ એના પવિત્ર આત્મા અનંતમાં વિલીન થઇ ગયો.

આખું કુટુંબ ઘેરા શોકમાં ગરકાવ હતું.નિવા અને શીલ પણ આઘાતમાં હતા અહીના ઇલેક્ટ્રિક સ્મસાનમા તેમના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો. અંતિમકાર્ય વિધિ અનુસાર પુરુ કર્યાને દસ દિવસ વીતી ગયા.હવે નીલને સાંજ ખાલી લાગતી હતી.એક દિવસ અચાનક હોસ્પીટલમાં થી ફોન આવ્યો ” મિસ્ટર નીલ પ્લીઝ કેન યુ કમ ટુ ઘ હોસ્પિટલ એસ સુન એસ અર્લી” નીલ ફટાફટ હોસ્પિટલ પહોચ્યો અને જોયું તો જેન ડિસોઝા “નીલ નીલ” બોલી રડતી હતી નીલા પહોચ્યો તો તેને જોતા તે શાંત થઇ ગઈ અને તેની હાથ પકડી થોડીજ વારમાં શાંતિથી સુઈ ગઈ. ડોક્ટરોના જણાવ્યા મુજબ કુશુમબાનાં મૃત્યુ પછી જેન બહુ ઉદાસ રહેતી હતી.ક્યારેક નીલને યાદ કરતી રહે છે.અંતે નીલ સમજી ગયો કે ભલે કુસુમબા નથી પણ જેનને હજુ એની જરૂર છે અને તેનું રોજ સાંજે હોસ્પિટલ આવવાનું રૂટીન હજુ પણ જળવાઈ રહ્યું.અમેરીકામાં આવ્યાને બે દાયકા વિત્યા છતાં ભારતીય સંસ્કારના મુલ્યોની જાળવણી કરતા નીલ જેવા એવા ઘણા માણસો અમેરીકામાં વસતા હશે જેઓને માબાપનાં હિતની પૂરેપૂરી જવાબદારી નિભાવતા જોવા મળે છે.

રેખા વિનોદ પટેલ ( વિનોદિની )

ડેલાવર (યુએસએ)

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: