મારા પોલીસ સર્વિસમાં જોડાયાને લગભગ દસ વર્ષ પૂરા થયા હતા. સબ ઇન્સ્પેકટર થી શરુ કરીને ઇન્સ્પેકટર સુધીની સફરમાં મેં મારી છાપ એક કડક અને ઈમાનદાર ઓફિસરની બનાવી હતી.
મારી સર્વિસ દરમિયાન નાં આ સમયમાં કોઈ પણ મોટા માથાની શેહશરમ રાખ્યા વિના મેં ભલભલા ગુનેગારોના ગાત્રો ધ્રુજાવ્યા હતા. અંડર વર્લ્ડમાં લેન્ડ માફીયા અને નાના ટપોરીઓ મારા પકડમાં આવ્યા પછી સજા વિના છૂટી શકતા નહોતા. એક વખત એક બહું મોટા કહેવાતા નેતાને પોતાની દીકરાની વહુ ઉપર દહેજ બાબતે ત્રાસ આપવાના બદલામાં પુરતા સબુત સાથે ડર્યા વિના સજા અપાવી હતી.
પરંતું આજે તો હું ખુદ અચંબામાં પડી ગયો કે કોણ સાચું છે? હું,કે આ છોકરી,આ કાનુન કે આ સમાજનો દાયરો?
આજે એક બાતમીના આધારે હું એક નાઈટ બારમાં છાપો મારવા પહોચી ગયો.મારી સાથે ચાર લેડીસ કોન્ટેબલ પણ હતી.અણધારી પોલીસ રેડના કારણે સાત યુવતીઓ અને નાઈટ કલબનો માલિક પકડાઈ ગયો. કારણ મને જાણવા મળ્યું હતું કે એ નાઈટ બારમાં ડાન્સ સાથે બીજી પણ ગેરનીતી વાળા ધંધા ચાલી રહ્યા હતા.
હું ખુશ થતો હતો કે ચાલો આજે કઈક સારું કામ કર્યું.અને આ યુવતીઓને નરક માંથી છોડાવી.બધાને પુરતી પૂછપરછ પછી એક સ્ત્રી ઉધ્ધારક સંસ્થામાં મોકલવાની વ્યવસ્થા કરી. એ બધી યુવતીઓ નનમસ્તક બની મારી આજ્ઞાનું પાલન કરી રહી હતી કેટલીકની આંખોમાં આભાર હતો કેટલીકને શરમ હતી .
પણ મારા આશ્ચર્ય વચ્ચે એક વધુ રૂપાળી લાગતી યુવતી મારા પગ પાસે બેસીને કરગરવા લાગી “સાહેબ મને જવા દો મારે કોઈ સંસ્થામાં નથી જવું”
“સંસ્થામાં નથી જવું તો તું ક્યા જઈશ? જો તારા સગાવહાલા અહીયા હોય તો એમને બોલાવી શકે છે અને તને એ લોકો આ હાલતમાં સ્વીકારવા તૈયાર હોય તો એની સાથે જવા દઈશ.”હું બોલ્યો.
“સાહેબ……,અસ્થિર મગજની મા,અપંગ બાપુ , બે નાના ભાઈ અને એક બહેન છે. એ લોકોને અહ્યા બોલાવીને શું કરશો? એ લોકોને તો ખબર પણ નથી કે હું આ ધંધામાં છું. મારી કમાણી ઉપર આખું ઘર નભે છે. મને જાવા દો”. કહીને એ છોકરી રીતસરની હિબકે ચડી.
“કોણ જાણે મેં સહાનુભુતિ થી પૂછ્યું,”તો તું ક્યા જઈશ?”.
“સાહેબ જ્યાંથી પકડી લાવ્યા એ જ ધંધામાં પાછી જઈશ. જે ધંધાથી પાચ જણાનાં પેટ ભરાય છે.અને મારા માટે આ જ ધંધો રોટલોને ઓટલો આપે એવું ઉજળું કામ છે.”વિના સંકોચ એ બોલી ઉઠી.
મેં થોડા લહેજાને શાંત રાખીને પુછ્યુ,”બહેન….તારી આખી વાત સાંભળી તને જવા દઉં છું, સારા ધરની છોકરી લાગે છે તો આ ધંધો છોડી કોઇ જગ્યાએ નોકરી શોધી લેજે.”
મારી વાત સાંભળીને એ છોકરી મારી સામે પોપટ જેમ બોલવા લાગી,” સાહેબ હું ખાસ ભણેલી નથી. ચાર વર્ષ પહેલા બાપુના બે હાથ જે ફેકટરીમાં કામ કરતા હતા ત્યા એક અકસ્માતમાં કચડાઈ ગયા.ઘરમાં કમાનાર કોઇ ના હોવાથી હું ઘર ચલાવવામાં ગામના ખેતરોમાં મજૂરીએ જતી હતી. ત્યાં પણ જમીનદારની ખરાબ નજર હંમેશા મારી ઉપર રહેતી હતી.માટે બચાવવા બાપુએ મારા લગન લેવાનું નક્કી કરી નાખ્યું . મારી મા તો મગજના તાવમાં અરધી ગાડી થઈ ગઈ હતી. મારા લગ્ન પછી આ બધાનું શું થશે? હવે આ ઘરમાં રોટલો કેવી રીતે આવશે તેની ચિંતા અમને બધાને કોરી ખાતી હતી? પણ બાપુને મારી ઈજ્જત રોટલા કરતા વધારે વહાલી હતી.”
આટલી બોલીને એ છોકરી પાણી માંગ્યુ એટલે પાણી આપ્યુ અને પછી એને પોતાની વાતને આગળ વધારી,”સાહેબ…છેવટે એક મોટી ઉંમરવાળા પુરુષ સાથે લગ્ન કરી આ શહેરમાં વળાવી દીધી છે.બદલામાં એ કહેવાતા જમાઈયે તેમના ભરણપોષણની જવાબદારી લીધી હતી.લગ્નના બે મહિનામાં જ એ નપાવટ મને વેચીને ચાલતો થયો.પણ હું તો દીકરી છું કેમ ભૂલી જાઉં કે મારા મા બાપ દર મહિનાની પહેલી તારીખે ટપાલીની રાહ જોતા ભુખ્યા બેઠા હશે.સાહેબ…., પહેલી તારીખને બસ ચાર દિવસની વાર છે. ” આટલું કહીને એ છોકરીની આંખોમાં આસું દડી આવ્યા.રડતા રડતા પોતાની વાત આગળ વધારી.
”સાહેબ……, ઈજ્જતના રોટલા સામે એ ભૂખ્યા પેટનો ખાડો કઈ કેટલો વધતો જાય છે. શરીર વેચીને હું રોજ એક મોત મારું છું પણ જોડે સંતોષ થાય છે કે મારા આ કામથી મારા નાના ભાઈ બહેનનું પેટ ભરાય છે બાપુની લાચારી ઓછી થાય છે. સાહેબ આજે મને જાવા દો. મારો ભાઈ મોટો થશે ત્યારે હું સામે ચાલી તમારી પાસે આવી જઈશ”.
આ નાજુક બાવીસ વર્ષની છોકરી જાણે મને ગીતાનો બોધ આપી રહી હોય એવું લાગતાં હું અબોલ અને સ્તબ્ધ થઇને લાચારી અનૂભવવા લાગ્યો.
અને થોડો વિચાર કરીને આ એક યુવતીને કેસમાંથી નામ રદબાતલ કરીને મે આઝાદ કરી..મને ખબર નથી કે મે એને આઝાદ કરીને હવસખોરોનાં પીંજરામાં બંધક બનાવી. કાશ હું તેને રોકી શક્યો હોત. કે ક્યાંક ચાર જણાનું પેટ ભરાય તેટલી કમાણી કરાવી શક્યો હોત.
આજે પહેલી વાત એ ચાર જણાના પેટને ખાતર હું બેઈમાની કરવા તૈયાર થયો હતો. હું નથી જાણતો હું સારું કરું છું કે ખોટું, હું પણ આ સિસ્ટમનું એક પ્યાદું માત્ર છું.
રેખા પટેલ (વીનોદીની)
chandralekha
September 26, 2016 at 3:04 pm
આંખ ભીંજવી ગયું તારું લેખન.. બહુ જ સુંદર સંવેદનાના તાણાવાણા ગૂંથ્યા છે.
rekha patel (Vinodini)
September 30, 2016 at 2:21 am
thank you sakhi