“જિંદગીની કીમતી મૂડી…સમય” રેખા પટેલ (વિનોદિની)
હા આધુનિક જમાનાની દોડમાં સમય ક્યારેક ઓછો પડે છે તે વાત સાવ સાચી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે જરૂરી કામ અને પોતાના માટે કે પછી જરૂરીઆત માટે સમયને ના ફાળવી શકાય. સમય આપણી માલિકીની વસ્તુ છે. બસ તેનો કેવી રીતે કેટલો સચોટ ઉપયોગ કરવો એ આપણા હાથમાં રહેલું છે. આપણા સમય ઉપર બીજાની ઈજારાશાહી ના હોવી જોઈએ. નહીતો કાર્યદક્ષતા અને આઝાદી ગૂંગળાઈ જાય છે. ક્યારેક બહુ કુશળ એવા કારીગર કે વર્કરને સમયના પિંજરામાં કેદ કરવામાં આવે, તેમની કળા ને ટાઈમના ચક્રમાં બાંધવામાં આવે તો તેઓ પોતાની સો ટકા આવડત દેખાડી શકતા નથી. આમ થવાનું કારણ છે કે સમય તેમના ઉપર હાવી થઈ જતો હોય છે.
હવે સમય આપો સબંધોની જાળવણી માટે, દરેક સબંધ સમય માગે છે એ પછી નજીક નો હોય કે દુરનો. દરેકની સાથે તેમની જરુરીઆત પ્રમાણે એક ક્વોલીટી ટાઈમ પસાર કરવો મહત્વનો છે. આ કારણે સંબંધોમાં તાજગી અને મીઠાશ જળવાઈ રહે છે. અને ગેરસમજની દીવાલ સર્જાતી નથી. સંબંધોમાં મેચ્યોરીટી વધશે અને તેના કારણે આંતરિક ખુશી પણ આપોઆપ છલકાવા માંડે છે.
સમયની સાચી જરુરીઆત આપણા સંતાનોને હોય છે. આપણી પહેલી જવાબદારી આવતી કાલના ભવિસ્યને માટેની છે. માત્ર સમયની હાજરી થી ઘણા ખરા અંશે પુરી થઈ શકે છે. જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કૈક અચીવ કરવું હોય આગળ વધવું હોય તો સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી છે. સમયની કિંમત નહિ આંકીએ તો ફેંકાઈ જાશું.
આજકાલ સમાજમાં ફેલાએલી એક મોટી કુટેવ છે. સોશ્યલ મીડિયા સાથેનો વધારે પડતો લગાવ. કેટલાકને વારેવારે સ્માર્ટફોન દ્વારા કે કોમ્યુટર દ્વારા વોટ્સઅપ અને ફેસબુક કે ટ્વીટરને ચેક કરી લેવાની અને સતત સંપર્કમાં રહેવાની ટેવ હોય છે. અહી આવતી પોસ્ટમાં અને ગોસીપમાં વધારે રસ રાખવાના કારણે પોતાના કાર્યને બદલે બીજા પાટે ચડી જાય છે અને તેમના કિંમતી સમયનો વ્યર્થ બગાડ કરે છે.
આજના ડોટકોમ યુગમાં ઈન્ટરનેટ જગત સાથે જોડાઈ રહેવું જરૂરી છે પરતું તેને કમજોરી બનાવવાને બદલે સફળતાની સીડી તરીકે વાપરવું જોઈએ. જરૂરીઆત પ્રમાણે તેનો ઉપયોગ આગળ વધવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ આપણે સમજીને બાળકોને શીખવવું બહુ જરૂરી છે.
કારણ આજ કુટેવને કારણે બાળકો પણ પોતાનો મહત્વનો સમય બરબાર કરી રહ્યા છે. સ્માર્ટફોન ઉપર કલાકો વ્યતીત કરે છે. આ શું છે? તેઓ અહી થી શું મેળવે છે? બાળકો આપણને જોઇને શીખે છે માટે વધારાનો સમય હોય ત્યારે તેમની સાથે વ્યતીત કરવો જોઈએ નહિ કે બીજી નકામી પ્રવૃત્તિ પાછળ.
હવે મહાવતની બાબત છે. જવાબદારી પૂરી થતા કામ પૂરું થતા આપણે આપણી માટે સમયની અલગ ફાળવણી કરીએ. ખાસ કરી સ્ત્રીઓએ આગવા શોખ અને પોતાની જાત માટે સમય ફાળવવો અત્યંત જરૂરી છે. લગ્ન પછી ઘરસંસાર પાછળ આપણો બધોજ સમય સંપૂર્ણ રીતે ન્યોછાવર થઇ જતો હોય છે. આ એક આનંદની અનુભૂતિ છે છતાંય આમ કરવામાં સ્ત્રીઓનું આગવું અસ્તિત્વ ખોવાઈ જાય છે. શોખ બધા મૃતપાય બની જાય છે. આમ નાં કરતા સમય મળે ત્યારે પોતાની માટે જીવી લેવું જોઈએ. કારણ આ જીવંત શોખ જયારે સંસારની ગાડી પોતાની જાતે સડેડાટ દોડતી થાય અને એકલતા આવે ત્યારે હાથ લાકડી બની સહારો આપે છે.
આજના સમયને સાચી રીતે માણવા માટે ભૂતકાળને છોડી દેવું અત્યંત જરૂરી છે. કેટલાક પોતાના ગઈ કાલનાં સોનેરી ભૂતકાળને યાદ કરીને તેની ભવ્યતાને યાદ કરીને આજને વખોડે છે., દુઃખી રહે છે, આ બહુ મોટી ભૂલ છે. આવીજ રીતે ગઈ કાળના દુઃખ કે અંધકારને યાદ કર્યા કરી આજને નજરઅંદાજ કરે છે. આજને મુક્તતાથી આવકારતા નથી આ ખોટું છે. આમ કરવાથી આજના બહુમુલ્ય સમયનો બગાડ થયા છે. આવું કઈક તમારી આજ ઉપર હાવી થવા આવે ત્યારે જુના શોખ કે સ્વજનોના સાથમાં સમયને વ્યતીત કરવો જરૂરી છે.આમ કરવાથી આનંદ સાથે કઈક મેળવ્યાની અનુભૂતિ હતાશા અને દુઃખને દૂર કરવામાં મદદરૂપ બને છે..
ગમતી પ્રવૃત્તિ કરવાથી આપણે આપની જાતને પ્રોત્સાહિત કરી શકીશું અને તેના કારણે આત્મવિશ્વાસ વધે છે. જીવન તરફ ની અભિગમ હકારાત્મક બને છે. ક્યારેક આપણી ખુશી માટે સમયની ચોરી કરતા પણ શીખવું જરૂરી છે. આપણે ખુશ રહીશું તો બીજાને એ ખુશી બમણી કરી આપી શકીશું. માટે આપણે આપણી જરૂરીઆત પહેલી સમજવી જોઈએ.
“જે વ્યક્તિએ ખરેખર જીવનમાં કઈક અચીવ કરવું હશે , આગળ વધવું હશે તો તેણે સમયની સાથે ચાલવું અત્યંત જરૂરી બની જાય છે. સમય કોઈની માટે કદી પણ રોકાયો નથી અને ગમે તેટલી મોટી કિંમત ચૂકવશો તો પણ એ રોકાશે નહિ”. ” હાથમાં રહેલો સમય માત્ર જિંદગીની કીમતી મૂડી છે”
રેખા પટેલ (વિનોદિની)