
એકબીજાના મનના દ્વારે મિત્ર બનીને જાજો
એકમેકના સુખમાં હસજો દુઃખમાં વહારે દ્યાજો
મિત્ર તમારો આગળ વધતા તાળી પાડી ગાજો …
પાછા પડતાં એની માટે નિસરણી સમ થાજો…
આ સબંધ મિત્રતા પણ કેવો હોય છે! હલકો એ સાવ વાદળ જેવો,જેની સંગમાં ઉડવું ગમે છે. અને લાગણીઓના ભાર સાથે એ પર્વત જેવો ભારેખમ. જેના ભાર નીચે આખી જિંદગી કચડાઈ રહેવું ગમે છે. મને હંમેશા હુંફાળા સબંધોનું વળગણ રહેલું છે. હું સબંઘોની જાહોજલાલીમાં જીવનાર જીવ છું. એટલે જ મિત્રતાનો માંડવો હંમેશા મારા હૃદય આંગણે બાંધેલો રાખું છું.
મારા માટે પ્રેમ કરતા મિત્રનું મહત્વ વધારે છે. કારણ કે પ્રેમ કોઈને કોઈ આકર્ષણ ને કારણે થતો હોય છે. જ્યારે સાચી મિત્રતા માત્ર મન મળતા અકારણ થઇ જાય છે. જ્યાં દેખાવ કે ઘન કે પદને મહત્વ અપાતું નથી. દોસ્તીને સદાય જીવંત રાખવા માટે આ બધાથી પરે રાખવી ખાસ જરૂરી છે.
“દોસ્તીમાં જ્યારે મારું તારું કે આગળ વધવાની હોડ આવી જાય છે ત્યાં દોસ્તીના તાર તુટવા લાગે છે. પછી મીઠાશના ગમે તેટલા સાંધા કરો એ સુરીલા સુર રેલાવતા નથી”.
જો મિત્રને ખરેખર પ્રેમ કરતા હોય અને મિત્રતાને અખંડ રાખવી હોય તો તેના સુખે સુખી અને દુઃખે દુઃખી થજો. ખરેખર ફરીફાઈ જરૂરી હોય તો તમેં આવડત થકી આગળ વધી મિત્રને હરાવજો. તેને પાછળ પાડીને આગળ વધવાનું કદી પણ નાં વિચારશો.
” જ્યાં જેલસી આવી ત્યાં મિત્રતા તૂટી સમજો” હેલ્ધી કોમ્પીટીશન મિત્રને પણ પસંદ આવશેજ.
કોઈ એવી નબળી ક્ષણોમાં મિત્રે કરેલી એના મનની વાત, એક વાર સાંભળ્યા પછી કાયમને માટે ભૂલી જજો. ભૂલ થી એની સામે પણ એ વાતનું ફરી ઉચ્ચારણ કરી તેને શરમમાં મુકવાની કોશિશ ના કરવી.
” મિત્રતામાં વિશ્વાસ બહુજ મોટી વસ્તુ છે” મિત્ર ઉપર કરેલા ઉપકાર કદીયે ગણી બતાવવા નહિ. એ બીજા બધાના ઉપકારને માથે લઇ શકશે. પણ મિત્ર જો કહેશે તો તેનું સાહસ તૂટી જશે. એ શરમથી ઝુકી જશે.
બસ આ સાવ સાદી લાગતી વાતો જો ઘ્યાનમાં રાખવામાં આવે તો મિત્રતાને કદીયે ડાઘ નહિ લાગે. અને ઉપરોક્ત નિયમોને પાલન ના કરતા હોય તેવા લોકોને કદીયે સાચા મિત્ર ગણવાની ભૂલ ના કરવી. નહિતર દુઃખી થવાનો અને પસ્તાવાનો સમય આવશે.
રેખા પટેલ (વિનોદિની)