સ્ટેટસ સિમ્બોલની વાતો ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ક્યારેક આ ખોટો દેખાડો બહુ ભારે પડે છે. આપણી પાસે હોય તેના કરતા વધુ ઘનવાન દેખાવાના હોડમાં જે સંઘરેલું સાચવેલું હોય છે એ પણ છીનવાઈ જતા વાર નથી લાગતી. ઘરડાઓ કઈ એમજ નહોતા કહેતા કે જેટલી ચાદર હોય તેટલી સોડ તાણવી જોઈએ.
હમણાં એટલાન્ટા શહેરમાં રહેતા એક ઓળખીતા સાથે ફોનમાં વાત થઇ. તેમના અવાજમાં વ્યથા ભારોભાર ટપકતી હતી. આડી અવળી વાત પછી તેમણે જે જણાવ્યું તે જાણી અચંબા સાથે દુઃખ થઇ આવ્યું. આ પહેલા જ્યારે પણ તેમની સાથે વાત કરવાની થતી તેઓ હંમેશા પોતાની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ , બિઝનેશ તથા મોટા બનાવેલા હાઉસની વાતો કરતા રહેતા. ક્યારેક સામે વાળા દ્વારા થતા જાત વખાણ બહુ કંટાળો આપતા હોય છે. છતાં તેમની એ કુટેવ સમજી બધા ચલાવી લેતા.
પણ આ વખતે તેમણે જણાવ્યું તેઓ ૬,૦૦૦ સ્ક્વેર ફૂટનો બંગલો છોડી બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા છે. ગયા વર્ષે નવી લીધેલી લક્ઝુરીયસ કાર પણ વેચાઈ ગઈ છે. બધુ બેંકદ્વારા જપ્ત થયું છે. ત્યારે ખરેખર નવાઈ લાગી હતી. પછી જાણવા મળ્યું કે આ બધું રાતોરાત નહોતું થયું. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં ચાલતા રીશેસનને કારણે તેમની ધમધોકાર ચાલતી મોટેલ સાવ બંધ થવાની અણી ઉપર ચાલતી હતી. તેમાય મોટા દેખાડા કરવાની તેમની આદતને તેઓ છોડી શકતા નહોતા, પરિણામે ખર્ચ ઉપર કાપ મુકાતો નહોતો. આવી સ્થિતિમાં તેઓ લાંબો સમય સુધી બેન્કની લોન ભરી શક્યા નહોતા. પરિણામે બધું જપ્ત થઈ ગયું , બેન્કરપ્સી જાહેર થઇ અને તેઓ સાવ કંગાળ હાલતમાં આવી ગયા.
આવા તો અહી આવા અનેક દાખલાઓ જોવા મળે છે . ચાર જણની વચમાં પોતાનો માન મોભો સચવાઈ રહે તે દરેકને ગમે છે. પરંતુ ઘર વેચીને કંઈ જાત્રા ના કરાય. અમેરિકામાં લાંબા સમય થી ચાલતાં રિશેસનની સહુ થી મોટી અસર મોટેલ બિઝનેસ ઉપર પડી છે. આ કારણે કેટલીય મોટેલ બંધ થઈ ગઈ છે. માત્ર ઓનર જ નહિ પણ તેમાં કામ કરનારા કેટલાયની જોબ ગઈ છે. પરિણામે મોટા હાઉસ લઈને બેઠા હોય તેની બેંક લોન નાં ભરાઈ શકે તેવી સ્થિતિમાં બધું છોડવાનો વારો આવી જાય છે. કારણ અહી મોટા ભાગે દરેક વ્યક્તિ બેન્કની લોન લઈને કાર, ઘર કે બીઝનેસ ખરીદતા હોય છે.
જે હાઉસની કિંમત પહેલા હતી તેનાથી લગભગ ૨૫ ટકા કરતા પણ ઓછી થઈ ગઈ છે. અમેરિકામાં ૪૦ ટકા નેબરહુડને ગરીબાઈ સ્પર્શી ચુકી છે. લોકોને મોટા ઘર હવે પોસાતા નથી. પ્રોપર્ટીટેક્ષ થી લઇ ઈલેક્ટ્રીસીટીનો વધારાનો ખર્ચ ભારે લાગે છે. આથી તેઓ મોટા હાઉસ સસ્તી કિંમતે વેચી નાના ઘરમાં રહેવા ચાલ્યા જાય છે. કેલીફોર્નીયા જેવા હાઈ લીવીંગ સ્ટાન્ડર્ડ ઘરાવતા સ્ટેટમાં પણ જ્યાં ગરીબાઈનો રેશીઓ ૨૫ ટકા હતો તે વધીને ૪૦ થી ૪૫ ટકા થઇ ગયો છે.
દુનિયાનો કોઈ પણ દેશ હોય પછી ભલેને શિક્ષિત હોય કે અશિક્ષિત હોય ગરીબાઈ વધતા ક્રાઈમ વધે છે. પેરેન્ટ્સ જોબ લેસ થાય તેની સીધી ઈફેક્ટ બાળકો ઉપર તેમની લાઈફ સ્ટાઈલ ઉપર પડે છે. અત્યારે ટીનેજર્સ નાની ઉંમર થી જોબ શોઘવા લાગી જતા હોય છે. એના લીધે સ્ટડી તરફ ઘ્યાન પણ ઘટતું જવાનું બને છે. ફન મસ્તીભરી લાઈફ જીવવા ડોલર્સની પહેલી માંગ હોય છે. આથી જોઈતા ડોલર નાં મળે ત્યારે તેને મેળવવા સંસ્કારી બાળકો જોબ શોધે છે, અને પુઅર અને અશિક્ષિત ફેમિલીમાં થી આવતા બાળકો ક્રાઈમ તરફ પણ વળી જતા હોય છે. પરિણામે અત્યારે ટીનેજર્સ નું ક્રાઈમ ધોરણ વધી ગયું છે.
chandralekha
July 2, 2016 at 4:01 am
ઘરે બેઠા અમેરિકા નાં હાલ ચાલ જાણવા મળ્યા , સુંદર વિગતો રજુ કરી છે જે આજના વર્તમાન જીવન ને સ્પર્શે છે