સંવેદનાનું સીમકાર્ડ : ‘સાચી શ્રધ્ધાંજલિ” રેખા પટેલ 🙏
અદિતિ માધ્યમવર્ગના માતાપિતાનું એકનું એક સંતાન, ટૂંકી આવકમાં કરકસર સાથે જીવતા માતાપિતાએ અદિતિને બહુ લાડકોડ થી ઉછેરી હતી. પહેલેથી જ મહત્વકાક્ષી અદિતિના સ્વપ્નો બહુ ઊંચા હતા, તેને ભણવા સાથે હરવા ફરવાનો અને ફેશન જગત સાથે તાલમેલ મિલાવી ચાલવાનો જબરો શોખ હતો. આમતો અદિતિના પિતાને જુદી જુદી જગ્યાઓ ઉપર જવાનો બહુ શોખ હતો છતાં તેઓ પોતાની બધી ઈચ્છાઓ ને મનમાં દબાવી દીકરીને ફરવા મોકલતા. તેવીજ રીતે તેની મમ્મી તેમના શોખને મનમાં સંઘરી રાખી દીકરીના મોજશોખને પોષતી હતી.આમ અદિતિના માતાપિતા તેની દરેક ઈચ્છા પૂરી કરવા બનતું બધું કરી છુટતાં હતા.
જોકે અદિતિ આ વાતને ત્યારે ખાસ સમજતી નહોતી, બસ તેને બધાની સામેં ધી બેસ્ટ રહેવું હતું. છતાં એક વસ્તુ તેની બહુ સારી હતી. તે હતી ” તેની ઓનેસ્ટી ” . અદિતિ કઈ પણ સારી ખોટી વાત તેના પેરેન્ટ્સ થી છુપાવતી નહોતી. પરિણામે જીવનના દરેક પગલે તેને તેમની સારી અને સાચી સલાહ તેને મળતી રહેતી.
અદિતિ જીવનને મસ્તીમાં જીવતી હતી સાથેસાથે સ્ટડીમાં પણ બેસ્ટ રહેતી હતી. આમ તેને સમયસર એમબીએ પૂરું કરી લીધું, દેખાવમાં અત્યંત રૂપાળી કહી શકાય તેવી અદિતિ માટે કેટલાય માગાં આવી ચુક્યા હતા પરતું સ્ટડી પહેલા કહી તે બધાને ઠુકરાવતી રહી.
” છેવટે મા બાપની અધુરી ઈચ્છા પૂરી કરવા માટે અદિતિએ એક દિવસ પોતાના મનની વાત સામે ચાલીને કહી. ” મમ્મી પપ્પા હું વિકાસને પસંદ કરું છું. જે કોલેજમાં મારા કરતા એક વર્ષ આગળ હતો, તે એમબીએ કમ્પ્લીટ કરીને હાલ પુનાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચા પગારની નોકરીમાં જોઈન્ટ થયો છે.’
મમ્મી પપ્પાની ઈચ્છાને માન આપી અદિતિએ વિકાસને ઘરે બોલાવ્યો. શાલીન સ્વભાવનો વિશાલ તેમને પસંદ આવી ગયો. તે પણ તેના માતા પિતાનું એક માત્ર સંતાન હતો. વિકાસના પિતાનું પુનામાં પોતીકું ઘર હતું અને તે રીટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર હતા. આથી લગ્ન પછી અદિતિ પુના તેમની સાથેજ રહેવાની હતી. દીકરીને મનગમતો વર અને સારું ઘર મળતા અદિતિના પેરેન્ટસે ખુશી ખુશી દીકરીના લગ્ન મનગમતી જગ્યાએ કરાવી આપ્યા.
અદિતિ પરણીને વડોદરા થી પુના ચાલી ગઈ. ત્યાં તેને પણ એક સારી કંપનીમાં જોબ મળી ગઈ. એક વર્ષ તો પલક ઝબકારે પસાર થઈ ગયું. આખું વિક જોબ હોય ને વીકેન્ડમાં વિકાસ સાથે બહાર ફરવા જવાનો પ્લાન હોય. ક્યારેક ફેમીલી સાથે કોઈ સોશ્યલ પ્રસંગોમાં જવાનું બનતું. હા ઉનાળામાં વિકાસને તેના માતા પિતા સાથે એક વિક ફરવા જવાનું થયું. અદિતિએ નોઘ્યું હતું કે તેના સાસુ સસરા બહુ ખુશ હતા. છતાં પોતે વિકાસથી સહેજ દૂર થાય તો તેઓ તેમના દીકરા સાથે સમય પસાર કરવાનો એક પણ મોકો ચુકતા નહોતા. આ બધા સમય દરમિયાન તેને મમ્મી પપ્પાને મળવાનો ખાસ મોકો મળ્યો નહોતો , બસ ફોન ઉપર તે સમય મળતા અચૂક વાત કરી લેતી. એક દિવસ તેને કંપનીના કામે વડોદરા જવાનું થયું. વર્ષ પછી ઘરે આવતા તેને મમ્મી પપ્પાની લાઈફમાં ખાસ્સો બદલાવ લાગ્યો. બહારથી હસતા આ બંને અંદરથી મુંઝાતા જણાયા.
અદિતિએ બહુ પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ અદિતિ વિના રહેવાથી હજુ ટેવાઈ શક્યાં નથી, પરતું દીકરીના સુખે બહુ સુખી છે.” જણાવી અદિતિના હૈયાનો ભાર હળવો કરતા રહ્યા. અદિતિ પોતે પણ હવે મા બાપને યાદ કરતી હતી. છતાં દીકરી સાસરે શોભે વિચારી બે દિવસ રોકાઈ તે ભારે હૈયે પાછી વળી.
કેલેન્ડરના પાનાં તૂટતા રહ્યા. ફરી ઉનાળો આવી ગયો. એક સાંજે જમ્યા પછી ડાઈનીંગ ટેબલ ઉપર અદિતિએ બધાની વચ્ચે એક એન્વેલપ ખોલ્યું. જેમાં ગોવાના કોઈ રિસોર્ટનું ચાર દિવસના પેકેજનું બુકિંગ કન્ફર્મેશન હતું.
” અદિતિ આ શું છે?” વિકાસે નવાઈ પામતા પૂછ્યું.
” વિકાસ તું ,મમ્મી અને પપ્પા ચાર દિવસ માટે ગોવા જાઓ છો, અને એ માટે મે તમારી લીવ પણ મંજુર કરાવી લીધી છે.” અદિતિએ કહ્યું
“પણ તું કેમ નહિ?” ત્રણેવ એક સાથે બોલી ઉઠ્યા.
” મમ્મી પપ્પા આપણે અહી સાથે જ હોઈએ છીએ પરંતુ આ દિવસો તમે માત્ર તમારા દીકરા સાથે વિતાવો તેવું હું ઈચ્છું છું.” બોલતા અદિતિનો અવાજ ભારે થઈ ગયો .
બીજા દિવસની આવીજ સાંજે જમ્યા પછી વિકાસે એક એન્વેલપ અદિતિના હાથમાં મુક્યું જેમાં કેરાલાની ત્રણ ટીકીટો પેકેજ ટુર સાથે હતી.
” અદિતિ જેવી ઝંખના મારા માતાપિતાના મનમાં છે તેવીજ તારા પેરેન્ટ્સના મનમાં પણ જાગતી જ હશે. હું જાણું છું તારા પેરેન્ટ્સે અભાવો વચ્ચે કોઈજ મોજશોખ નથી કર્યા. હવે તારો વાળો છે તેમને જે નથી મળ્યું તે બધુજ અપાવવાનો” અદિતિ સમય અને સ્થાન ભૂલીને વિકાસને વળગી પડી. તેની આંખોમાં ચોધાર આંસુ વહેતા હતા……………………
“બહુ નશીબદાર હોય છે એ દીકરા દીકરી જેમને મા બાપનું ઋણ ઉતારવાનો મોકો મળે છે. જે પણ સંતાનોને આવો કોઈ મોકો મળે પ્લીઝ અચૂક પેરેન્ટ્સ ને ગમતું કરી લેજો. તેની ઇચ્છાઓને પરિપૂર્ણ કરી દુનિયાનું સર્વોત્તમ સુખ મેળવી લેજો.આ તેમને માટે જીવતા જીવત સાચી શ્રધ્ધાંજલિ ગણાશે ”
“આ વાર્તા હું મારી આવી ઘણી બધી ઈચ્છાઓને અધુરી રાખીને , છવ્વીસ વર્ષ પહેલા અમને છોડી શ્રીજી ચરણ ગયેલા મારા પપ્પાને શ્રધ્ધાંજલિ તરીકે અર્પણ કરું છું.”
રેખા વિનોદ પટેલ (ડેલાવર, યુએસએ)