અમેરિકામાં સ્પ્રિંગ અને ઉનાળાની મસ્ત શરૂઆત
માણસ ઋતુઓ પ્રમાણે ટેવાતો જાય છે અને સ્થિતિ પ્રમાણે બદલાતો જાય છે. એકધારી લાઈફ કોઈને પણ મળતી નથી. સમરનાં છ મહિના નોર્થમાં રહેતા અમેરિકન-કેનેડીયન લોકો માટે ઊર્જા શક્તિનું કામ કરે છે. નવેમ્બર થી લઇ માર્ચ મહિના સુધીનો સમય એટલે ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવાની સજા. તમે ઘારો તોય બહાર નીકળી શકો નહિ , આ પછી વેધર સહેજ સારું થાય એટલે બઘાના તન સાથે મન પણ ઉત્સાહમાં આવી જતા હોય છે .
અમેરીકામાં ૨૦ માર્ચથી ઓફિસયલી સ્પ્રિંગની શરૂઆત થાય અને ૨૧ જુનથી સમર શરુ થાય છે. સ્પ્રિંગ આવી જાય છતા પણ વાતાવરણમાં ઠંડીના ચમકારા દેખાય છે. ક્યાંક સ્નો વરસી જાય તો સાથે સાથે વરસાદ પણ ટપકતો રહે છે. છતાં પણ આ સમયે વિન્ટરમાં ગરમ પ્રદેશમાં ઉડી ગયેલા બર્ડ પણ પાછા ફરવા માંડે છે. રંગીન નાની ચકલીઓ, બ્લૂબર્ડ અને રોબિનનો કલબલાટ બહુ મીઠો લાગે છે. શિયાળામાં અંદર ગ્રાઉન્ડ રહેતા સસલાઓ, ઉંદર ,ગ્રાઉન્ડ હોગ અને ખિસકોલીઓ બહાર દોડતા જોવા મળે છે.
આ સાથે બારીની બહાર ચેરી ફ્લાવરથી લચી ગયેલી ડાળીઓમાં કુદરત પોતાનું કામ કરતી દેખાય છે. સામાન્ય રીતે વૃક્ષો ઉપર સૌ પ્રથમ પાંદડાં આવે ત્યાર બાદ ફૂલ આવે પણ જેમ નોર્થ અમેરિકામાં આ વૃક્ષોનું ઊંધું છે. અહી આ વૃક્ષો ઉપર પહેલા ફૂલો આવે છે પછી પાનાં ફૂટે છે. ખાસ તો સ્પ્રીન્ગમાં ચેરી ફ્લાવાર્સની શોભા અહી અનોખી હોય છે. આ ચેરી વૃક્ષો ઉપર આવતા ફૂલોનું જીવન બહુ ટુકું હોય છે.
આ ફૂલોને મુક્તિ, ફ્રીડમના એક પ્રતીક તરીકે માનવામાં આવે છે. ૧૯૧૨માં જાપાનના ટોકિયોના નગરપતિએ વોશિંગ્ટનને જાપાન-અમેરિકાના મીઠા થતા જતા સંબંધના માનમાં આ ચેરી ફ્લાવરનાં ટ્રી ગીફ્ટમાં આપ્યા હતા. આ નાજુક ફ્લાવર્સમાં ખાસ કરીને સફેદ પિંક વાયોલેટ અને ડાર્ક ગુલાબી વધારે પડતા જોવા મળે છે. જ્યારે આ ફ્લાવર્સ બ્લુંમીંગ થતા હોય ત્યારે આખા ઝાડ ઉપર માત્ર ફૂલોનું રાજ હોય છે.
આખાય વોશિંગ્ટન ડીસી માં ઠેરઠેર રોપાએલા આ વૃક્ષો ઉપર આ સિઝનમાં ચેરી ફ્લાવર ઝૂમતા દેખાય છે. આ સમયે યોજાતો ફેસ્ટીવલ ચેરી બ્લોસમ કહેવાય છે. હવામાં ઝૂમતા આ ફૂલો સાથે જમીનમાં દટાઈ રહેલા સુગંધીદાર એઝાલિયા, લીલીના ફૂલો બહાર નીકળી આવે છે અને સાથે આંખોને જકડી રાખે તેવા રંગબેરંગી તુલીપ, આઈરિસ, રેન્યુક્યુલસ, સ્નોફ્લેક્સ પથરાઈ જાય છે.
વેધરમાં ગરમીનો બદલાવ આવતા અમેરિકામાં રહેતા લોકોની દિનચર્યામાં પણ સ્ફૂર્તિ અનુભવાય છે. આમ પણ મોટાભાગની અમેરિકન પ્રજા એકસરસાઈઝ કરવાની શોખીન હોય છે. વિન્ટરમાં ઘરે ટ્રેડમિલ કરતા કે જીમની ચાર દીવાલોમાં એકસરસાઈઝ કરતા લોકો હવે બહાર ખુલ્લી હવામાં દોડતાં જોવા મળે છે.
આજકાલ સવારમાં રોજ લગભગ એકજ સમયે મારા ઘર પાસે થી એક અમેરિકન વૃદ્ધને સ્પીડમાં ચાલવા જતા જોતી હતી. છેલ્લા કેટલાક સમરના પાંચ મહિના હું તેમની સાથે તેમની પત્નીને પણ સાથે ચાલતા જોતી હતી, પરતું આ વખતે તે એકલા વોક કરવા જતા, આથી મને નવાઈ લાગતી. છેવટે એક સવારે વોક કરતા હું તેમની સાથે થઇ ગઈ તો વાત વાતમાં તેમણે જણાવ્યું કે તેની પત્નીનું થોડા સમય પહેલાજ ડેથ થયું છે. અને તેની છેલ્લી વિશ હતી કે મારે રોજ બે માઈલ વોક કરવું. કારણ હતું આ વૃદ્ધને ડાયાબિટીસ હતો આથી તેમના માટે વોક કરવું જરૂરી હતું.
તેમણે વાત આગળ વધારતા કહ્યું ” તેની આ છેલ્લી વિશ હતી કે ચાલવાનું બંધ નાં કરીશ નહિતો તારા પગ થંભી જશે પછી તારી પાસે ચાકરી કરવા કોઈ નથી , બસ તેની લાસ્ટ વિશ પૂરી કરવા ચાલુ છું, પણ અહી હવે થોડાજ સમય રહેવાનો છું, એકલો છું તો હવે પાસેના ટાઉનમાં આવેલા સિનયર હોમમાં રહેવા જવાનો છું. ” કહી તે આગળ નીકળી ગયા. તેમની આ વાત મને વિચારતી કરી ગયા.
વાત સાચી હતી વોક કરવું હેલ્થ માટે ખરેખર જરૂરી છે. હેલ્થ કોન્શિયસ લોકો અહી ભરેલા પડ્યા છે જેઓને સાઇકલિંગ, સ્વિમિંગ, જેવી એકસરસાઈઝ વધુ પસંદ હોય છે. આઉટસાઈડ એક્ટિવિટીમાં ટ્રેકિંગ, ફિશિંગ કરતા જોવા મળે છે.
પણ આ બધું જેને પોતાના હેલ્થની પરવા છે તેમની માટે છે. બાકી અહી મેદસ્વી લોકો પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. જેમની માટે સ્પ્રિંગ અને સમર એટલે ખાઈ પીને જલસા કરવાનો સમય. લોકો દારુ ,નોનવેજ અને આઉટસાઈડ બાર્બીક્યું ઠેરઠેર કરતાં જોવા મળે છે. વળી કેટલાકતો હેલ્થ સારી હોય છતાં ચાલવું ના હોય તેવા લેઝી લોકો ગવર્મેન્ટ તરફથી મળતી હેન્ડીકેપ પીપલ માટેની બાઈસીકલ લઈને ફરતા જોવા મળે છે. લાઈફને કેવી રીતે અને કેટલા હદ સુધી એન્જોય કરવી તે આપણા હાથમાં છે. બાકી કુદરત સદાય આપણી આજુબાજુ જ રહેતી હોય છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)