
” કુમળાં છોડને વાળો તેમ વળે” આ કહેવત સાર્થક કરવા માટે, આ માટે હવે આપણી પાસે ઓછા વર્ષો રહ્યા છે. કારણ આજની જનરેશન જેટલી ઝડપથી ગતિ કરી રહી છે તે જોતા તેમને વાળવાનો ટાઈમ પીરીયડ પણ ઘટતો જાય છે. હવે નાની ઉંમર થી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે. અલગ રૂમ અને પ્રાઈવસી જોઈએ છે. બાળકો સમજણા થતા જ તેમની બેડરૂમ હોય છે. આ તેમની રૂમ છે તેવું જતાવવા તેઓ રૂમને અંદરથી લોક લગાવી બેસવાનું પસંદ કરે છે. આ તેમના માટે ફ્રીડમ ગણાય છે. અને પેરેન્ટ્સ માટે આ હેડેક બની રહે છે.
અમેરિકામાં રહેતા દરેક ઇન્ડિયન માતાપિતાના મનમાં વ્યક્ત અવ્યક્ત ઈચ્છા રહેલી હોય છે કે તેમનું બાળક ભાષા અને સંસ્કારો અપનાવે. સવારમાં ઉઠીને ગુડમોર્નિંગ સાથે ભગવાનનું નામ બોલે, કે પછી કોઈ વડીલ સાથે ઓળખાણ કરાવે તો હાઈ કહેવા કરતા કરતા બે હાથ જોડી અભિવાદન કરે. પરંતુ દરેકની ઈચ્છા પ્રમાણે થવું જરૂરી નથી. કારણ બાળકો આવી બધી બાબતો સામે હવે પોતાના ઓપિનિયન આપતા થઇ ગયા છે. ક્યારેક તો કહેતા હોય છે ,” શું હાથ જોડીને કેમ છો, કે જયશ્રી કૃષ્ણ કહીએ તોજ રીસ્પેક્ટ આપી ગણાય”? વાત પણ સાચી છે.
હમણા થોડા સમય પહેલા મારી ટીનેજર દીકરી સાથે વાતચીત કરતા મેં સ્વાભાવિક પણે તેને સમજાવતા કહ્યું ” બેટા આપણું અને અમેરિકન કલ્ચર અલગ છે. આપણે ફેમીલી ,લવ અને કમીટમેન્ટ માં માનીએ છીએ. ઇન્ડિયન કલ્ચરમાં મેરેજ પહેલા ફીઝીકલ રીલેશન નથી હોતા”. તેના જવાબમાં મારી દીકરી મને સમજાવે છે” મોમ તને રીયલ ક્રિશ્ચિયન કલ્ચરની જાણ નથી. તું કહે છે તેમ તેમનામાં પણ રીયલ ક્રિશ્ચિયન ફેમીલી કમીટમેન્ટ અને ફેમિલીને વધારે ઈમ્પોર્ટન્સ આપે છે, મારી ફ્રેન્ડને બોય ફ્રેન્ડ છે અને એ તેની સાથે મેરેજ કરવાની છે. છતાં પણ તેણે હજુ તેને એક કિસ પણ કરી નથી કારણ તે કહે છે એ તેના ઘર્મની વિરુદ્ધ છે. તેના ઘરમાં હજુ સુધી આલ્કોહોલ નથી આવ્યો”. અને મોમ શું ઈન્ડિયાનો બધા સારા હોય છે?” તેના આ એક પ્રશ્નથી હું ચુપ થઈ ગઈ હતી. અમેરિકામાં રહેતી આજની જનરેશન જેટલી સ્વતંત્ર છે તેટલી મનની ચોખ્ખી પણ હોય છે. વાતને ઘુમાવવાને બદલે કહી દેવાનું વધુ પંદ કરે છે. તેમની આ ટેવ પણ સરાહનીય હોય છે.
અત્યારની જનરેશનના બાળકોને કોઈના ઘરે કે સોશ્યલ પ્રસંગે લઇ જવા હોય તો પહેલો પ્રશ્ન તેઓ પૂછશે ” તેમના ઘરે મારી એઈજ નું કોઈ છે ? હું શું કરીશ? ” અને તેઓ આવવાનું પસંદ કરતા નથી . અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા બેઠા તેમનો સંપર્ક સોશ્યલ મીડિયા સાથે જ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો મિત્રો પુરતા બની રહે છે. અહી પરદેશમાં મિત્રો પણ પરદેશી આથી બાળકો ઝડપથી તેમની ટેવો અપનાવે છે. આવા સમયમાં ઇન્ડિયન પેરેન્ટ્સની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે.
બાળકોને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. સ્કુલમાં આખો દિવસ તેમની સાથેજ રહેતા હોવાથી મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ ફૂડ વધારે પસંદ કરે છે. પરિણામે ઇન્ડિયન ફૂડ તેમાય ગુજરાતી ફૂડ ખાવું પસંદ નથી કરતાં, જેના પરિણામે મોટા થઈને તેઓ બનાવતા પણ શીખતા નથી. આજના કલ્ચરની સમસ્યા છે કે તેઓને થોડું ઘણું ઇન્ડિયન ફૂડ ભાવે છે પણ બનાવતા નથી આવડતું. આ કારણે ઇન્ડિયન મમ્મીઓ થી છેવટ સુધી કિચન પણ છૂટતું નથી.
આ સમસ્યા માત્ર પરદેશની નથી. હવે તો ભારતમાં પણ શહેરો સ્માર્ટ સિટી બની રહ્યા છે, ત્યાંના બદલાતા શોખ અને દેખાડામાં ભાષા સાથે પહેરવેશ અને વિચારો સાથે વર્તન ઝડપથી બદલાઈ રહ્યા છે. એક જમાનો હતો જ્યારે પેરેન્ટ્સ પુખ્ત સંતાનો માટે જીવન સાથીની શોધ કરતા, આજે પેરેન્ટ્સ સામે ચાલીને કહે છે કોઈ તમારા ઘ્યાનમાં હોય તો જણાવજો . એક રીતે સારીજ વાત છે બાળકોને મનગમતા જીવનસાથીની શોધ કરવો ચાન્સ મળે છે. છતાં યુવાનીના જોશ ની સમજ ક્યારેક થાપ ખાઈ શકે છે માટે પેરેન્ટ્સ નું માર્ગદર્શન જરૂરી બની રહે છે. આજના યુવાનો માટે ડેટિંગ’ કરવું સહેલું છે પણ તેમની માટે ‘કમિટમેન્ટ’નો હાઉ પણ ભારે છે માટે તેઓ જલદી લગ્નના બંધનને સ્વીકારતા નથી. પરિણામે લગ્ન કરવાની ઉંમર વધતી ચાલી છે.
આજની જનરેશન ‘ના’ કહી દેતા સહેજેય અચકાતી નથી. એવું નથી કે એમની માટે લાગણીઓનું મહત્વ નથી પરતું તેઓ પરાણે કોઈ કામ કરવામાં માનતા નથી, આ સાથે દબાએલું કચડાએલું જીવન તેમની ડીક્ષનેરીમાં નથી. તેઓ જિંદગીને જીઓ ઓર જીનેદો ના એન્ગલ થી જુવે છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
pravinshastri
May 15, 2016 at 3:34 am
ઘર ઘરની વાત.