” વિશ્વાસ,મૈત્રીભાવ અને માફીભાવ” સુખી લગ્નજીવનની મહત્વની ચાવીઓ.
“લગ્નજીવનના રથની લગામ માત્ર પતિપત્નીના હાથમાં રહેલી હોય છે”
પતિ પત્ની વચ્ચે જો મૈત્રીભાવ હશે તો તેમના પ્રેમની મીઠાશ અવશ્ય સચવાઈ જશે. કારણ ત્યાં પરસ્પર સમજુતી સાથે હિતની ભાવના હશે, જ્યાં સારા ખોટાનું અને માન અપમાનનું ચલણ નહીવત રહેશે.
પછીનો ક્રમ છે વિશ્વાસ. અહી એકબીજાની આઝાદીને ઘ્યાનમાં રાખવામાં આવે તો પ્રેમ સાથે વિશ્વાસ પણ આપોઆપ સચવાઈ જાય છે, પ્રિય પાત્રનું અહિત સહુ પ્રથમ મારું અહિત બનશે નો જો ભાવ જો મનમાં હશે તો ત્યાં પ્રેમ હંમેશા સલામત રહેશે. એક બીજાને મનની વાત કરતા પહેલા સામે વાળા નું મન વાંચવું પણ અત્યંત જરુર્રી છે.
વિશ્વાસ મૂકી ખુલ્લા થતા પહેલા જાણી લેવું જોઈએ કે સાથી આ વાતને સમજવા કે પચાવી શકવા તૈયાર છે કે નહિ? સમય અને સ્થાન જોઈ અંગત વાતો કહેવી જોઈએ ક્યારેક ઉતાવળે કહેવાએલી વાત મૂળ મુદ્દો છોડીને કોઈ અલગ સ્વરૂપ લઇ શકે છે.
સીમા અને રાજનાં લગ્નજીવન ની પહેલી રાત્રે બંને ભાવુક હતા, સીમાનો હાથ હાથમાં લઇ રાજે સીમાને કહ્યું ” સીમા આજથી આપણે પતિપત્ની સાથે સાથે અંગત મિત્રો પણ બનીશું ,તો તું મને એક દોસ્ત માની તારા મનની દરેક વાત જણાવી શકે છે. હું તારા ભૂતકાળ થી અજાણ્યો છું તો તે બાબતે તું અને ખુલ્લા મને કહી શકે છે.”
અને લાગણીવશ સીમાએ તેના એક ખાસ મિત્ર હર્ષ વિશે વાતો કરી. અને બસ પ્રથમ દિવસ થી રાજના મનમાં સીમા પ્રત્યે એક શંકાનું બીજ રોપાઈ જાય છે જેને દુર કરવામાં સીમાના કેટલાય વર્ષો નીકળી ગયા.
પરંતુ આજ વાત જો સીમાએ સમયને અંતરે વાતો વાતોમાં રાજને જણાવી હોત તો શક્ય છે તે પણ હર્ષને પોતાનો મિત્ર બનાવી શક્યો હોત.
લગ્ન પછી ઘર એક મંદિર છે જ્યાં પ્રેમ અને સમર્પણ એનું આંગણ છે. અહી વિચાર ભેદ ભલે થાય પણ મન ભેદ ક્યારેય ના થવો જોઈએ નહીતર કોઈ પણ સમસ્યા નો સાચો ઉકેલ નહિ મળે અને સંસાર રથનું એક પૈડું ખોરવાઈ જતા આ ખોડંગાતો રથ યોગ્ય દિશામાં આગળ નહિ વધી શકે.
પતિપત્ની હંમેશા એકબીજાની સાથે રહેતા હોવાથી તેમને એકબીજાની કમજોરીઓ નો ખ્યાલ આવી જતો હોય છે. સાથે રહેતી બે અલગઅલગ સોચ ઘરાવતી વ્યક્તિઓના મત પરસ્પર ક્યારેક તો ટકરાય છે. આવી પરિસ્થિતિ માં દોષારોપણ ને બદલે જો સહેજ કુનેહ થી કામ લેવાય તો ગમે તેટલી વિષમ સ્થિતિ માં પણ સહેલાઈ થી બહાર નીકળી શકાય છે. આવા વખતે એક બીજા સામે આંગળી ચિંધ્યા વિના પોતપોતાની ભૂલને જો નમ્રપણે સ્વીકારી લેવામાં આવે તો સંવાદોની ગમેતેવી ઉગ્રતાને ઝડપથી સંકેલી લેવાય છે. અને ભૂલો ભૂલીને માફ કરવાની સરળતા આ સબંધ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે. લગ્નજીવનની મઘુરતા સદાને માટે જળવાઈ રહે એ માટે આ ત્રીજો માફીભાવ ખાસ મહત્વનો છે જો ખોટા અહં નો ત્યાગ કરવામાં આવે તો સબંધોની મધુરતા જળવાઈ રહે છે.
દાંપત્યજીવનમાં નાનો મોટો ટકરાવ તો સ્વાભાવિક બને છે. કોઈ કારણોસર એવી પરિસ્થિતિ આવે છે કે પતિ પત્ની બે માંથી એકની વ્યસ્તતા બીજાની અકળામણ નું કારણ બની જાય, ત્યારે પોતાની સ્થિતિને એક તરફ મૂકી સામેવાળાની પરિસ્થિતિને શાંતિથી વિચારવી જોઈએ.
તરું અને સચિનના લગ્નને પાંચ વર્ષ થયા હતા. તરું તેના માતા પિતાની એકનું એક સંતાન હતી. તેની માતાને આવી પડેલી માંદગીને કારણે છેલ્લા કેટલાક વખતથી તે સાસરી અને પિયર વચમાં વહેચાઈને જીવતી હતી. પરિણામે તે સચિનને પુરતો સમય આપી શકતી નહોતી. શરૂમાં સચિનને આ વાતનો ગુસ્સો રહેતો અને થોડો સમય મનમોટાવ પણ રહ્યો. તરું બીમાર માને એકલા છોડી શકે તેમ નહોતી. આવી પરિસ્થિતિમાં તે ચુપ રહેતી.
છેવટે સચિનને આ વાત વિશેની ગંભીરતા અને સાચી સમજ તેની મમ્મી એ આપી કે “દીકરી હોય કે દીકરો બંને માટે માની જગ્યા અને પ્રાયોટીરી કાયમ સરખી રહેવાની.” છેવટે સચિન આખી વાતને સમજી ગયો અને તરુને બધીજ રીતે સાથ આપ્યો પરિણામે તેમના સંસારબાગની મધુરતા કાયમને માટે સચવાઈ ગઈ.
સાથી ઉપર આક્ષેપો કરવાને બદલે તેની પરેશાની સમજી અને તેમાં જો સાથ આપવામાં આવે તો વિશ્વાસ એમની દોર વધુ મજબુત બને છે. અને છેલ્લી સ્થિતિમાં તેમને શારીરિક અને માનસિક રીતે ” દો જિસ્મ એક જાન ” કહી શકાય છે.
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર