
ક્યારેક ગમતું કાર્ય હાથ લાગે તો તેની મઝા કૈક અલગ હોય છે, એક વિશ્વાસ સાથે આનંદ થી થતા એ કાર્યનું પરિણામ પણ મઝાનું આવે છે. અને સામા છેડે પરાણે સોપાએલું કાર્ય કરવાનો કંટાળો પણ બમણો રહે છે.
સરયુને બહારના કામ બધા કામ કરવા ગમે પરતું ઘરમાં કોઈ કામ સોંપવામાં આવે તો તે પરાણે કરતી હોય તેવું લાગે. ક્યારેય કોઈ કામમાં પરફેક્શન નાં મળે. કારણ તે કરવાની તેની વૃત્તીજ નહોતી. આમ કરવમાં એવું નાં કહી શકાય કે તે કામ ચોર હતી. કારણ તે જ્યાં જોબ કરતી ત્યાં રોજ દસ કલાક મન દઈને બધુજ પરફેક્ટ કરતી. પરિણામે ટુંકા સમયમાં તેને પ્રમોશન પણ મળી ગયું હતું. તો પછી ઘરકામ માટે કાયમ તેના ઘરના ખોડ કેમ કાઢતાં હશે?
કારણ એકજ હતું આ કામ તેની રૂચી પ્રમાણેનું નહોતું. બહુ અસર પડે છે ગમતા કે અણગમતાં કાર્ય કરવામાં આવે. જીવનમાં ઘણીવાર એવું પણ બને કે ના ગમતા કાર્ય કરવા પડે, આવા સમયે માણસની સાચી સમજ અને સ્વભાવનો પરિચય છતો થાય છે. સમજુ માણસો આવી પરિસ્થિતિને સમજીને કાર્યને પૂરું કરે છે.
ક્યારેક આપણુ ગમતું કામ કરવાનું થાય છે ત્યારે આપણે સમય કે સંજોગો જોતા નથી. બસ ઉત્સાહ પૂર્વક તે કામની પાછળ લાગી જઈએ છીએ, આંતરિક રીતે જાગેલી શક્તિઓના પરિણામે ઘાર્યા કરતા ઓછા સમયમાં તેને યોગ્યતાથી પૂર્ણ કરી લઇએ છીએ. આ જોતા એક વાત ચોખ્ખી જણાય છે કે આપણા માં કાર્ય કરવાની શક્તિ છે. બસ આપણે તેને ગમતું ના ગમતું ના વાડામાં બાધી દઈએ છીએ.
આવીજ રીતે જ્યારે આપણા માટે કૈક કરીએ ત્યારે તે કામ કરતા ખુશી આપે છે,સાથે આત્મવિશ્વાસ વધારે છે. અને લોકોને દેખાડવા કરવામાં આવતું કાર્ય જો યોગ્ય પ્રતિભાવ નાં મળે ત્યારે હતાશા તરફ લઇ જાય છે. બીજાઓની પરવા કરવા કરતા હકારાત્મક બની પોતાની ખુશ રહેવામાં શાણપણ છે. તો ચાલો ગમતું એકાદ કામ કરી લઇએ ” ગમતાનો કરીએ ગુલાલ”
રેખા પટેલ (વિનોદિની )