કરેલા કર્મોની સજા”…રેખા પટેલ
આજથી ચાર વર્ષ પહેલા મનુ અને શારદા તેમનું નાનકડું ગામડું છોડીને તેમના પાંચ વર્ષના દીકરા ગણેશનાં ભવિષ્ય માટે અમદાવાદમાં રહેવા આવ્યા. તેનાજ ગામના એક ઓળખીતા મહેશને કારણે એક સરકારી હોસ્પીટલના ચપરાસી તરીકે મનુને કામ મળી ગયું. સાથે નજીકની વસ્તીમાં તેમને એક રહેવા લાયક ખોલી મળી ગઈ. શારદા ઘરના બેઉ છેડા ભેગા કરવા આજુ બાજુમાં બે ઘરકામ બાંધી આવી હતી. ગણેશ નિશાળમાં જાય અને પાછો આવે ત્યાં સુધીમાં કામ પતાવી ઘેર આવી જતી.અને મનુ પણ સવારમાં જાય તે છેક સાંજે પાછો ઘેર આવતો. સરસ મઝાનો સંસાર તેની ગતિએ ચાલવા લાગ્યો હતો. હવે અહી આવ્યાને તેમને બે વર્ષ પૂરા થયા હતા. હોસ્પીટલમાં ડોકટરોને રુવાબથી ફરતા જોઈ મનુના દિલ દિમાગમાં એક સ્વપ્નું આકાર લેવા માડ્યું, વ્હાલસોયા દીકરાને ડોક્ટર બનાવવાનું સપનું મજબુત થતું જાતું હતું. પણ સપના પુરા કરવા પુરતી બચત થતી નહોતી.એવામાં સાથે કામ કરતો મહેશ એક કીડો મગજમાં નાખી ગયો કે ગેરકાયદેસર કામ કરીને પૈસા કેમ કમાઇ શકાય …
કહેવાય છે ને કે સંગ તેવો રંગ. હવે મનુ પણ મહેશની વાતોમાં આવી ગયો. કારણ બાદ હવે તેને જન્મેલા સ્વપનને એક વટવૃક્ષ બનતા જોવું હતું.
અહી તેમણે ગેરકાયદેસર રીતે કામ સરકારી દવાખાનામાં આવતા બ્લડ બેન્કના લોહીના બાટલા અને સરકારી દવાઓને તેમને નજીકની ખાનગી હોસ્પીટલમાં ખાનગી રીતે પહોચાડી દેવાના રહેતા. બદલામાં તેમને નક્કી કરેલી રકમ મળી જતી. મોટી હોસ્પિટલ અને અહી ચાલતી અંધાધુંધીમાં તેમની આ ઘાલમેલની કોઈને ખબર પડતી નહી.આમને આમ ત્રણ વર્ષ નીકળી ગયા.
એક સાંજે ગણેશ રડતો પગ પછાડતો પાસે આવ્યો ” બાપુ બધા છોકરાઓ પાસે સાઇકલ છે અને તે બધાય સ્કુલમાં સાઇકલ ઉપર આવે છે,મને એક સાઇકલ જોઈએ છે” મનુએ તેનો હાથ પકડીને પ્રેમથી સમજાવ્યો કે”બસ હવે રડવાનું બંધ કર.આ મહિનાનો પગાર આવશે એટલે હું તને સાયકલ અપાવી દઈશ.” “મહેશ મારે ચાર પાંચ હજાર જોઈએ છે.” કામ ઉપર આવતાની સાથે મનુએ મહેશને વાત કરી.
મહેશે તેને એક સૂઝાવ આપ્યો “જો એક ખાનગી હોસ્પીટલમાં એક મોટા માણસની સર્જરી થવાની છે એમને એબી નેગેટીવ બ્લડ ગ્યુપની બે બોટલ જોઈએ છે.અને આપણી પાસે પણ બેજ બોટલો વધી છે. તું જો તારા જોખમ ઉપર આ બે બોટલ આપી આવે.તો ચાર હજાર તને આરામથી મળી જશે,બોલ તૈયાર છે આ કામ કરવા?”
મનુની નજર સામે ગણેશનો ખુશ ખુશાલ ચહેરો તરવરી ઉઠ્યો અને લાંબો વિચાર કર્યા વિના તેણે હા કહી દીધી. બીજા દિવસે કહ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં એ લોહી પહોચાડી આવ્યો. અને બદલામાં કડકડતી ચાર હજારની નોટો ખિસ્સામાં લઇ નવી સાઇકલ ખરીદીને ઘેર પહોચી ગયો.
સવારે જરા સાચવીને રસ્તો ક્રોસ કરજે..બહું ફાસ્ટ ના ચલાવતો..એવી સલાહો આપીને મનુએ ગણેશને નિશાળે રવાના કર્યો અને પછી દવાખાને પહોચી ગયો. થોડીવારમાં એક રીક્ષા વાળો એક લોહી નીતરતા છોકરાને ઉચકીને અમારી હોસ્પીટલમાં હાંફતો દોડી આવ્યો ” ભાઈ સ્ટ્રેચર લઇ આવો આ છોકરનો જીવ જવાની અણી ઉપર છે.” મનુ ને ત્યાં કામ કરતો જોઈ એ બુમ પાડવા લાગ્યો. તેને આમ ગભરાએલો જોઈ મનુ દોડીને સ્ટ્રેચર લઇ સામો ગયો અને પેલા છોકરાને એમાં સુવાડ્યો. પણ આ શું? આ જોઇને તે ચક્કર ખાઈ ત્યાંજ ઢગલો થઈ ગયો.. મારો ગણેશ..મારો ગણેશ..બોલીને મોટેથી મનુએ મોટી પોક મુકી. ગણેશની હાલત જોઇનેડોકટરો દોડી આવ્યા. તરત ઓપરેશન માટે લઇ જવાયો.પૂછપરછમાં જાણવા મળ્યું કે ગણેશ તેની નવી આવેલી સાઇકલ ઉપર ઝડપી ગતિએ સ્કુલે જતો હતો અને કોઈ ટેમ્પાવાળાએ એને ઠોકર મારી દીધી. તેને માથામાં સખત માર વાગ્યો હતો. પગેપણ ફ્રેકચર થયું હતું અને એનું ખાસું લોહી વહી ગયું હતું. આથી સર્જરી કરતા તેને લોહીની તાત્કાલિક જરૂર પડી …. ડોક્ટર મહેતા બહાર આવી મને કહેવા લાગ્યા,”જા મનુ નર્સ સાથે જઈને કોલ્ડરૂમમાંથી “એબી નેગેટીવ” બ્લડનો બાટલો લઇ આવ”. ડૉકટરની વાત સાંભળી મનુના શરીરનું લોહી સુકાઈ ગયું હોય તેવું લાગવા લાગ્યું. એ જાણતો હતો કે અંદર એબી નેગેટીવ બ્લડ બાકી નથી રહ્યું.
કોલ્ડરૂમમાથી હાફળી ફાફળી દોડતી આવીને નર્સ બોલ “ડોક્ટર સાહેબ,અંદર આ ગ્રુપની એક પણ બોટલ બાકી નથી.” શું ?એક પણ નથી હવે શું કરીશું આ છોકરાનું બહુ લોહી વહી ગયું છે તેને બચાવવો ભારે થઈ પડશે ” ડોક્ટર આટલું બોલીને અંદર દોડ્યા. મનુનું બ્લડ ગ્રુપ ચેક કરતા મેચ નાં થયું.અને શારદાને અહી બોલાવવાનો સમય હાથમાં નહોતો. હવે મનુને તેણે કરેલા કૃત્યો ઉપર મનોમન પસ્તાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. તે તેની જાતને કોસતો હતો. “હે ઈશ્વર! મારા કરેલા ખરાબ કામોની સજા મારા દીકરાને નાં આપીશ” તે કરગરી ઉઠ્યો. તેની આવી મનોદશા કોણ જાણે કેટલો સમય રહી હશે. અચાનક તેના ખભા ઉપર એક હુંફ ભર્યો હાથ પડ્યો તે હાથ ડોક્ટર મહેતાનો હતો
“ મનુ….,હવે કશી ચિંતા નહી કરતો.તારા દીકરાનું ઓપરેશન સારી રીતે થઇ ગયું છે, ડોક્ટર પટેલનું લોહી એબી નેગેટીવ હોવાથી તેની વ્યવસ્થા થઇ ગઈ હતી.” આટલું સાંભળતાં મનુના જીવમાં જીવ આવ્યો. મનોમન તેણે કરેલા કર્મો ઉપર તે પસ્તાવો કરી રહ્યો હતો અને સાથેસાથે એ આ ડોક્ટરોની મહાનતાને મનોમન વંદી રહ્યો હતો.
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ )
Gurjarica
April 23, 2016 at 2:12 pm
कर्मन की गती न्यारी रे बन्धु कर्मनकी गत न्यारी