RSS

સુખની શોધ :

11 Apr

સુખની શોધ :

સુખમાં રહેવાનું તારણ ભાઈ,રોગને કહેવું તું ભારણ ભાઈ
શરીર તો મારું એક બહાનું છે,મન દુઃખનું છે કારણ ભાઈ

દરેક વ્યક્તિ જાણે અજાણ્યે સુખની શોધ કરતો રહે છે , આ સુખ તે અસલમાં છે શું?
શું તે કોઈ વસ્તુસ્થિતિ છે ? મનનો કોઈ ભાવ છે કે રોકડ રકમ? આ જાણી નથી શક્યા છતાય સતત તેની શોધમાં દરેક જણ રાત દિવસ દોડતો રહે છે
           કેટલાક કહે છે  ” સુખી રહેવા નકારાત્મકતાને હઠાવો” પણ નકારાત્મકતાને હઠાવવા માટે સહુ પ્રથમ આપણી શારીરિક હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે “. થોડી બીમારી આવતા આપણે નકારાત્મક વિચારોથી ભાવુક બની જઈએ છીએ. આવી સ્થિતિથી પ્રભાવિત થઇ આપણી સંવેદનશીલતા ઝડપથી પરિસ્થિતિમાંથી પીછહેઠ કરી લે છે. પછી હતાશા અનુભવે છે.

માણસનાં મન ને જરાય સરખું ચેન થી હોતું
બધી અમીરાતની વચ્ચેય તેને શૂન્યનો આભાસ હોય છે
એક અસુખ એક ઉણપ એક છાનું સપનું એના ચેન ને કોતરતું જાય છે
તે થોડો નવરાશ અને નિરાંતનો સમય કાઢી,
પોતાનું મનગમતું કામ કરે અને તેના ભાવભીના મનને ખુલ્લું મન રાખે તો
અસંતોષ ના અંઘારા કૂવા માંથી બહાર નીકળવાનો માર્ગ સોઘી શકે છે.

જિંદગી બડી હસરત સે તકતી હૈ, ફૈલા કે બાંહે ઉસે અપના બનાલો

આમતો આ વાત સાચી છે ” જ્યારે માણસ શરીરથી બીમાર હોય ત્યારે નાનીનાની વસ્તુઓ અને આજુબાજુના ઘટના ક્રમનો તેના મન ઉપર નેગેટીવ અસર પડતી દેખાય છે, આવા સમયમાં તે વધુ નબળો બનતો જણાય છે “.જો આપણે શરીરથી સુખી હોઈશું તો મનથી પ્રફુલ્લિત આપોઆપ થઇ શકીશું , ખુશ રહેવું એ આપણી પોતાની ઈચ્છા ઉપર અવલંબે છે પરંતું શારીરિક સુખ એ નિરોગી તન અને આંતરિક ચેતના શક્તિ ઉપર આધારિત છે.

              આવા સમયે તે વ્યક્તિએ પોતાના માનસિક બળને એકઠું કરવાની તાતી જરૂર પડે છે ,આ સમયે દુઃખ નિરાશા કે ગ્લાની અનુભવવાને બદલે જો થોડા હકારાત્મક વિચારો મનગમતું કાર્ય હાથ ઉપર લેશે તો  માનસિક નકારાત્મકતા થી દુર રહી શકશે, આ રીતે ઝડપથી શારીરિક મજબુતાઈ પાછી મેળવી શકાશે . “સારી હેલ્થ માટે સહુ પ્રથમ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે”.

આપણે સહુ જાણીએ છીએ કે” ખુશી ભૂતકાળમાંથી જન્મી વર્તમાન સુધી લંબાય છે”.  પરંતુ એનો અર્થ જરાય એવો નથી થતો કે કાલને યાદ કરતા રહીએ અને આજને ભૂલી જઈએ .વર્તમાને ભૂતકાળ ઉપર બહુ નિસ્બત નાં રાખવું , ભૂતકાળના દુઃખોને આજના આનંદ ઉપર હાવી થતા રોકવા જરૂરી છે.  નહીતર આજને બગડતા વાર નહિ લાગે. “બરાબર એમજ જેમ પાકી કેરીના ટોપલામાં એક ખરાબ કેરી મુકાઈ હોય.”

              ઉજ્જવળ હોય કે નિરાશાજનક પણ ભૂતકાળ ને ભુલાવામાં ભલાઈ છે, યાદ રાખવું તો એટલુજ રાખવું જોઈએ કે જેના કારણે આપણી પ્રગતિનો માર્ગ ખુલ્લો રહે અને આપણી આજ ના બગડે.  કેટલાક લોકો કાયમને માટે જુના સુખ અને દુઃખને ગણી ગણીને યાદ કરી તેમની આજને બગાડે છે અને મળતી નાની મોટી ખુશીઓને ગ્રહણ લગાડે છે. ગઈ કાલના સોનેરી સપનાને યાદ કરવામાં આજના અને આવતી કાલના સપનાને નજર અંદાજ ના કરવા જોઈએ . જીંદગીની સાચી મજા તો જીંદગીનાં આજને સ્નેહથી જીવવામાં છે
ક્યારેક કોઈ છૂપો ભય અંદર રહેલી ખુશીઓ નો શિકાર કરી નાખે છે ,અને થાકેલુ અસુખ મન શરીરને થકવી નાખે છે .  સામાન્ય રીતે આપણું ઘાર્યું નથી થતું ત્યારે આપણે દુઃખી થઇ જઈયે છીએ આવા વખતે લાગે છે કોઈને આપણી પડી નથી કે કોઈને આપણી માટે ભાવ નથી રહ્યો … અંદરની ખુશી અને સ્થિર રહેતા મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ, વધારે કરી વણનોતર્યું દુઃખ વહોરી લઈએ છીએ.  નિરાશા કલેશ ,કંટાળો બધું આપણી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને આનંદ , પ્રગતિનો રસ્તો રોકાઈ જાય છે.
             પ્રગતિના સમયમાં આડે આવતા લોકો અને તેમના અણછાજતા વ્યવહારોને નજર અંદાજ કરવામાં ભલાઈ રહેલી છે ,કારણ તેની સામે થવામાં આપણી શક્તિ અને સમય બંને વેડફાઈ જતા હોય છે . આવા સમયે મનમાં રહેલા ધ્યેયને આંખ સામે રાખી આપણે આગળ નીકળી જવું જોઈએ . દુઃખી મન હોય ત્યારે ખાસ એકલા ના બેસી રહેવું કે દુઃખ ભર્યા ગીતો નાં સાંભળવા જોઈએ. કારણ આજુબાજુના વાતાવરણની અસર મન ઉપર વધુ ઝડપથી પડે છે.
અહી મળતા દરેક ભાવ દરેક વ્યવહાર જરૂરી નથી કે આપણી ખુશી માટેજ હોય , જેમ આપણે કોઈ થી દુઃખી થઈયે છીએ તેમ કોઈ માટે આપણે પણ દુઃખનું કારણ જરૂર બની જતા હોઈશું. માટે દરેક પ્રત્યે સદભાવ રાખવો બહુ જરૂરી છે. કોઈ માટે મનમાં રાખેલી કટુતા ક્યારેય સાચી ખુશી નહિ આપે. માટે કાયમ “જીઓ ઓર જીને દો” નો ભાવ રાખવો જોઈએ.
         કોઈના થી થયેલી ભૂલોને મન ઉપર લેતા પહેલા એકવાર સામે વાળાની પરિસ્થિતિનો વિચાર અવશ્ય કરવો જોઈએ, આમ કરતા મનદુઃખનું સાચું કારણ જાણી શકાશે, સાથે આપણા પોતાના મનનું દુઃખ કે ભાર હળવું થશે. અને સ્થિતિને ઝડપથી થાળે પડી શકાશે. આમ કરતા પણ જો લાગે કે સામેવાળી વ્યક્તિમાં વધારે પડતા દોષો છે તો આપણને તકેદારી ભરવાની સમજ વધશે. તો એક રીતે સામેવાળાને સમજવાનો આ વિચાર સહેલો જ કહેવાય.
કેટલાક લોકો તમને લાગણી થી કચડી નાખતા હોય છે. વધારે પડતી લાગણીઓ મુંઝવી નાખે છે. આવા અસમયે આપણે સાચી સ્થિતિને ભૂલી જઈએ છીએ. ખોટી લાગણીમાં મગજ થાકી જાય છે અને વિચારવાની સ્થિતિ ડામાડોળ બની જાય છે, તેની નુકશાની આપણેજ ઉઠાવીએ છીએ. માટે આવા વખતે થોડો સમય આવી વ્યક્તિઓ થી નમ્રતાપૂર્વક દૂર રહી સાચી સ્થિતિ અને ભાવનાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે. ક્યારેક દૂરતા આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.
              સામાન્ય રીતે કલહ ખોટા ઝગડાઓ થી દૂર રહેનારા ચુપ રહેવાનું પસંદ કરે છે. આ ખોટું નથી પરંતુ ક્યારેક તો પોતાની જાત માટે સ્ટેન્ડ લેતા શીખવું જોઈએ. યોગ્ય સમયે જરૂરી પ્રત્યાઘાત આપવો જોઈએ, નહીતર લાગણીઓ દુઃખ મનમાં અને મનમાં  ઘુંટાઈને વધુ ઊંડી જશે. પરિણામે સહન કરવાનું વધી જશે. આવી સ્થિતિમાં અસંવેદન બની જવું પણ યોગ્ય છે. સાથે દ્રઢતા અને નિર્ભયબની સામે વાળાને ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી બને છે.
બહુ સહેલાઈથી ખુશીને પોતાની કરવા માટે પોતાની ઉપર વિશ્વાસ રાખવો બહુ જરૂરી બને છે , હું ખુશ છું એવો ભાવ વધારે ઘુંટાવા દવો જોઇયે. અને આ માટે દિવસમાં એકવાર તમારી ખુદની પ્રસંશા કરો. તમારા કરેલ સારા કાર્યોને બીરદાવો, એક આત્મવિશ્વાસ ભરો આમ કરવાથી તમારી આસપાસ એક હકારાત્મક વાતાવરણ રચાશે જેના કારણે કાર્ય કરવાની ધગશ આપોઆપ વધતી જશે .
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુએસએ )

 

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: