કોલેજ કેમ્પસની જાણી અજાણી વાતો
નવી જગ્યા અને નવા માહોલમાં ઢળવા માટે દરેકે કઈક તો એડજસ્ટમેન્ટ કરવું જ પડતું હોય છે. ઘરથી દૂર બીજા શહેરની કોલેજમાં સ્ટડી કરવા જતા સ્ટુડન્ટ માટે પહેલા વર્ષે ડોર્મમાં રહેવાનું ફરજીઆત છે. ડોર્મમાં મોટાભાગે દરેક જગ્યાએ સ્ટુડન્ટને બીજા સાથે રૂમ શેર કરવી પડતી હોય છે. ક્યારેક તો એક રૂમમાં ત્રણ જણને સાથે રહેવાનું થાય છે. રૂમ પાર્ટનર માટે તમે પહેલેથી ખાસ રીક્વેસ્ટ આપી શકો પરંતુ દરેક વખતે તમને ગમતા ફ્રેન્ડ સાથે મુકાય તે જરૂરી નથી હોતું . આવા સંજોગોમાં મોટેભાગે રેન્ડમ સ્ટુડન્ટ સાથે સેટલ થવું ફરજીઆત બની રહે છે .
અહી ગર્લ અને બોયઝની રૂમ બાજુબાજુમાં હોય છે. કોણ ક્યા જાય છે ,શું કરે છે તેનું ધ્યાન રાખવા કોઈ રેક્ટર જેવું હોતું નથી . હા થોડા રૂલ્સ રેગ્યુલેશન હોય છે. દરેક ફ્લોર ઉપર એક સોફ્ટમોર કે જુનિયર સ્ટુડન્ટ અહીની વ્યવસ્થા સંભાળતા હોય છે. તેમને RA ( રેસીડેન્ટ એડવાઈઝર ) કહેવામાં આવે છે.
મારી એક ફ્રેન્ડની દીકરી કોલેજમાં ગઈ, ત્યાં તેની રૂમ પાર્ટનર તરીકે આવેલી એક અમેરિકન જે ગર્લ લેસ્બિયન હતી, તેની ગર્લફ્રેન્ડ પણ આજ ડોર્મનાં બીજા રૂમમાં હતી. જે રાત્રે અહી તેમની રૂમમાં આવી જતી. તે કારણે આ ગુજરાતી છોકરી બહુ ડીસ્ટર્બ થતી હતી. તેણે એક બે વાર તેની રૂમ પાર્ટનરને આ બાબતે કહી જોયું પણ કઈ અસર ના થઈ. અઘુરામાં પેલી અમેરિકન છોકરીએ મારી ફ્રેન્ડની દીકરીને માથે આળ ચડાવ્યું કે તેની વસ્તુઓ રૂમ માંથી ચોરાઈ જાય છે. અને એ પણ કહ્યું કે રૂમમાં આવનાર તેની ફ્રેન્ડ છે, જે સ્ટડી કરવા માટે તેની સાથે આવે છે. હવે આવી સ્થિતિમાં તેની પાસે કોઈ ખાસ વિકલ્પ નહોતો રહ્યો. છેવટે બીજા મિત્રોની સહાય થી તે ડોર્મનાં ઇન્ચાર્જને તે આખી વાત સમજાવી શકી અને તેની રૂમમાં અમેરિકન ગર્લને બદલે બીજી ઇન્ડિયન છોકરીને મુકાઈ.
કોલેજ કેમ્પસમાં અનેક એકટીવીટી ચાલતી હોય છે. અલગ અલગ ગ્રુપમાં સ્ટુડન્ટ મનગમતી પ્રવૃત્તિઓ કરતા હોય છે. અહી ફૂટબોલ, બેઝબોલ, સોકર, બાસ્કેટબોલ, સોફ્ટબોલ વધારે પોપ્યુલર ગેમ્સ છે. ડાન્સ,સ્ટેજપ્લે અને બીજી આઉટડોર ઇનડોર એકટીવીટી પણ ઘણી થતી હોય છે. મોટેભાગે દરેક કોલેજ કેમ્પસમાં અલગ ગ્રુપ ચાલતાં હોય છે. જેમાં બોયસ માટે ફટરર્નીટી નામનું ગ્રુપ છે જે સોશ્યલ પરપઝ થી, કે એક સરખા શોખ અને એકટીવીટીના આધારે ચાલતું હોય છે. આવા ગ્રુપ્સ જે લોકલ કે નેશનવાઈડ રીતે ચલાવાતા હોય છે. એકજ કોલેજમાં અલગ અલગ ફટરર્નીટી ગ્રુપ ચાલતા હોય છે જે જુદાજુદા ગ્રીક લેટર્સ થી ઓળખાય છે. આવીજ રીતે ગર્લ્સ માટેના ગ્રુપને સોરોરીટી કહેવાય છે.
આવા ગ્રુપમાં નવા આવનાર સ્ટુડન્ટસ પોતાની ઈચ્છા પ્રમાણે ,શોખ પ્રમાણે જોઈન્ટ થતા હોય છે. જેમાં દાખલ થવા માટે પહેલા તેમની એબીલીટીની અને લોયલ્ટીની પરીક્ષા લેવાય છે. નવા આવનાર ફ્રેશમેન સ્ટુડન્ટ સાથે પ્લેજીંગ થાય છે એટલેકે સીનીયર તેમના બોસ બનીને તેમની પાસે જુદાજુદા કામ કરાવે છે. ક્યારેક તેમને આખી રાત જાગીને કામ કરવા પડતા હોય છે. તો ક્યારેક ના ગમતું કામ કરવાની પણ ફરજ પડતી હોય છે. જેમકે એક વિક સુધી શાવરનાં લેવો કે હેર વોશ નહિ કરવાના કે પછી ગર્લ્સ માટે મેકઅપ વિના ફરવું વગેરે. આ બધું તેમને ફરજીઆત કરવાનું હોય છે. મોટાભાગે આ હાનીકારક નથી હોતું. પરંતુ અમુક જગ્યાએ કોઈને ઇજા થાય કે માનભંગ થયા તેવું પણ બનતું હોય છે. આ બધા પછી જ્યારે એમ લાગે કે આ નવા આવનારા મેમ્બર્સ ગ્રુપને લોયલ છે, તો તેમને પોતાની સાથે સામેલ કરી ગર્લ્સ માટે સિસ્ટરહુડ અને બોયસ માટે બ્રધરહુડ જાહેર કરાય છે. આવા ગ્રુપમાં બાળકો એક ફેમિલી થઈને એકમેકને મદદ પણ કરતા હોય છે. આને ગ્રીક લાઈફ કહેવાય છે.
જોકે સિન્સિયર થઇ ભણતાં સ્ટુડન્ટસ આવા ગ્રુપમાં જોઈન્ટ થવાનું પસંદ કરતા નથી. કારણ અહી સમયનો બહુ બગાડ થતો હોય છે, ક્યારેક તમારે વાંચવું હોય પરંતુ સિનિયર્સ કહે કે બધાએ બહાર જવાનું છે તો તેમને ફોલો કરવું જ પડે છે. સમય અને ઉંમરની માંગને સમજીને કરવામાં આવતી થોડી મસ્તી થોડો ફન યોગ્ય છે. પરંતુ જેને ખરેખર ભણવું હોય છે તેમણે તેમના ટાર્ગેટને અવશ્ય નજર સમક્ષ રાખવો જોઈએ. બાકી અહીની મુક્ત કોલેજ લાઈફમાં તેમને આવું ઘણું બધું મળી આવશે જે તેમની દિશા અને વિચારો બદલી શકે છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ