ટુંકી વાર્તા : એક ટકોર
આજે મારી નોકરીનો પહેલો દિવસ હતો. એથી જરૂર કરતા વહેલી જાગી ગઈ હતી. એકતો રાત્રે ટેન્શનના કારણે બહુ મોડા આંખ મીચાઈ હતી છતાં પાંચ વાગ્યાનું એલાર્મ મુક્યું હતું, રૂપેશ બોલ્યા પણ ખરા,”રીમા થોડી વાર સુઈ જા.હજુ વાર છે તારે આઠ વાગ્યે પહોચવાનું છે.આમ પાચ વાગ્યે ઉઠીને શું કરવાની છે?”
“રૂપેશ,મારે ઘરકામ પતાવીને જવાનું છે. તમે સાત વાગે ઉઠો તો ચાલે મારે ના ચાલે.”આમ કહીને ફટાફટ નાહી પરવારીને અને રસોડાની બાજુમાં આવેલા નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવી પ્રભુના આશિષ લીધા. મનમાં સ્તુતિ બોલતા રસોડામાં ઘુસી ગઈ.આજે મશીન કરતા પણ વધુ ઝડપે મારા હાથ ચાલવા લાગ્યા હતા. લંચમાં લઇ જવા શાક અને ભાખરી બનાવી કાઢ્યા. થોડું શાક અને બાકીની ભાખરીનો લોટ ડબ્બામાં રહેવા દીધો. વિચારીને કે બાને ખાવું હશે ત્યારે ગરમ ભાખરી બનાવી લેશે. કારણ બાને ઠંડી ભાખરી ભાવતી નહોતી.
સામે ઘડિયાળમા નજર પડી તો કાંટો સાડા છ બતાવતો હતો.રૂમમાં જઈ રૂપેશને જગાડ્યા “ચલો ઉઠો,ચા થઇ ગઈ છે ” રસોડું સાફ કરતા કરતા ચાના ગરમ ઘુંટ ભરવા લાગી. મને આદત હતી પહેલા ચાય પીવું પછીજ આગળ કામ સુઝતું. પણ આજે આ કામની લ્હાયમાં વર્ષોની ટેવ કેવી ભાગી! હું મનોમન હસી પડી.
આજે પહેલો દિવસ હતો નોકરીનો હું મોડી પાડવા માગતી નહોતી.અમારા લગ્નને છ મહિના થયા હતા હજુ બાળક માટે વાર હતી. મારી ઈચ્છા હતી કે ત્યાં સુધી હું ક્યાંક નોકરી કરું તો થોડી ઘણી વઘારાની બચત થઇ જાય.પરતું બાને આ વાત મંજુર નહોતી।…બાએ તો એક જ વાત પકડી રાખી હતી કે ” આજ સુધી મેં ધરકામ બહુ કર્યું હવે મારે આરામ જોઈએ છે” તેમને બીક હતી કે જો રીમા નોકરી કરશે તો તેમને વધારાનું કામ કરવું પડશે.
હું આ વાતને બરાબર સમજી ગઈ હતી માટે મેં સામેથી જણાવ્યું હતું,”બા….,તમે કામની જરાય ચિંતા નાં કરશો.હું ઘર અને બહાર બંને બરાબર સંભાળી લઇશ.”
મારા કહ્યા મુજબ બધું પરવારી બાને પગે લાગી હું નોકરી ઉપર જવા નીકળી ગઈ. રૂપેશ પણ ખુશ હતા. કારણ તે મારી ખુશીમાં કાયમ ખુશ રહેનારા હતા , વધારામાં કહેતા કે “રીમા હવે તને બહારનો અને બહારના લોકોનો અનુભવ થશે અને વધારાની બચત થશે જે આપણા આવનારા ભવિષ્ય માટે ઉપયોગમાં આવશે”.
નોકરી પરથી પાંચ વાગ્યે ઘરે આવી જતી.ઘરે આવીને બાકીનું કામ હસતા મ્હોએ ફટાફટ આટોપી લેતી જેથી બાને કોઈ અગવડ નાં પડે. છતાં પણ તેમને લાગતું કે હું ઘરે નાં હો ત્યારે તેમને ભાગ થોડા ઘણા કામ આવી જાય છે. તે ખુશ નહોતા જણાતા.
આ રીતે એક વર્ષ જેવો સમય થયો હશે. હવે ઘરના કામ અને મારી નોકરી માટે કરવી પડતી દોડાદોડીની માઠી અસર મારા સ્વાસ્થ ઉપર પડવા લાગી. ક્યારેક તો ધરે આવીને એમ થતું થોડી વાર સુઇ જઉ.એક દિવસ આ કારણે હું તાવમાં પટકાઈ ગઇ.ડોકટરે આરામ કરવા જણાવ્યું. પણ નોકરીમાં બહુ રજા મળે તેમ નહોતું આથી બે દિવસ આરામ કરી ફરી હું હાજર થઇ ગઈ. હવે રૂપેશ બાને ટોકતા હતા અને કહેતા કે,”બા….,આખો દિવસ ઘરે રહો છો તો ક્યારેક રસોઈની થોડી તૈયારી કરી લેતા હો તો રીમાને પણ રાહત રહે.”
બાને લાગ્યું દીકરો માનો મટી વહુનો થઇ ગયો.બા સ્વભાવે મળતાવડા અને પ્રેમાળ હતા. પણ કોણ જાણે તેમને બહાર કામ કરતી વહુ પસંદ નહોતી .
બા હવે બીમારીનું બહાનું કાઢી અમારા ઘરે આવવાના સમયે સુઈ જતા. હું આ વાત સમજી ગઈ હતી પરંતુ મારે કામ ઘર અને નોકરીના બંનેને જાતેજ સંભાળવાના છે.
મારા મોટા નણંદ સ્મિતાબેન બે દિવસ અમારા ઘરે રહેવા આવ્યા. આ બે દિવસમાં તેમને ઘણું જોયું હતું તેઓ આખી સ્થિતિ સમજી ગયા હતા. પાછા જવાની આગલી રાત્રે તે બાના ઓરડામાં વાતો કરતા હતા તે હું ત્યાંથી પસાર થતા સાંભળી ગઈ.
” બા સારું છે ને વહુ ચાર પૈસા કમાશે તો તારા જ ઘરમાં આવશેને! જો હું નોકરી કરું છું તો મારા ઘરમાં બધાને બહુ રાહત થાય છે. મારા સાસુ તો મને કાયમ કહે છે, “સ્મિતા,તું બહાર કામ કર હું ઘરનું કામ હું સંભાળી લઇશ.આથી મને પણ લાગે હું કામ કરું છું, બધાને મદદરૂપ થાઉં છું.” મારા આ સાસુ એ માત્ર સાસુજ નથી, તારી જેમ મા છે ”.
બીજા દિવસે એલાર્મ વાગતા હું બેઠી થઇ ગઈ અને રસોડામાં જઈને જોયું, તો બા મારી માટે ચા મૂકી રહ્યા હતા. તે બોલ્યા ” રીમા આવ પહેલા ચા પીલે પછી બીજા કામ કરજે” સ્મિતાબેનની એક ટકોર દવાની કામ કરી ગઈ અને મારી આંખો ખુશીથી છલકાઈ પડી.
-રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
pravinshastri
March 18, 2016 at 3:37 pm
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
એક સરસ મજાજી ટૂંકી વાર્તા સૌ સાસુને અર્પણ. બહેના, નણંદ હો તો ઐસી. ધન્યવાદ અને આભાર વ્હાલી વિનોદિની.
pravinshastri
March 18, 2016 at 3:39 pm
સરસ મજાની વાર્તા….રીબ્લોગ કરી છે. થેન્ક્સ.
મનસુખલાલ ગાંધી
March 18, 2016 at 5:25 pm
એક સુંદર સંદેશો આપતી સુંદર વાર્તા..દરેક ઘરમાં આવું સમજદાર કુટુંબ હોય તો સંસાર ભર્યો ભર્યો લાગે…