RSS

લાગણીની થેરાપી..one of my good story

26 Feb

લાગણીની થેરાપી મુળ સૌરાષ્ટ્રના,  પણ રાષ્ટ્રીય ફલક પર ખૂબ પ્રખ્યાત થયેલા ,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગીત સમ્રાટ તથા ગાયક વિક્રમસિંહ પરમાર એમની પાંસઠ વર્ષની ઉમરમાં પણ મોહક વ્યકિત્વ ધરાવતા હતા. વિક્રમસિંહ એના યુવાનીનાં દિવસો થી એક પ્રખ્યાત સંગીતકાર હોવાને કારણે એનાં ચાહકો જ્યાં જ્યાં એમનાં કાર્યક્રમ યોજાતા ત્યા એમને ધેરી વળતા હતા. વાંકડિયા લાંબા વાળ,પાણીદાર આંખો, અને ઝીણી દાઢી રાખતા વિક્રમસિંહ મસ્તીમાં આવી જઈને જ્યારે લાંબા રાગ આલાપતા ત્યારે યુવાન વયની સ્ત્રીઓ તો ઠીક પણ વયસ્ક સ્ત્રીઓ પણ અંદરથી ડોલી ઉઠતી હતી. આરોહ અને અવરોહમાં નીકળતા એમનાં મદીલા અવાજમાં એક જાદુ હતો..એક સંમોહન હતુ. ભારતભરના જુદા જુદા શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહેતા હતા. એવો જ એક કાર્યક્રમ અમદાવાદના નટરાજ હોલમાં યોજાયો હતો. મદહોશી ભર્યો સંગીત પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં પ્રથમ હરોળની વચલી સીટમાં એક રૂપાળી યુવતી રાગના લય પ્રમાણે બરાબર ડોલતી હતી જાણે મદારીનાં બિનની ધૂન ઉપર નાગણ ડોલતી હોય. બધુ જ ભાન ભૂલી એ યુવતી વિક્રમસિંહનાં સંગીતમાં મસ્ત હતી, આ વાત વિક્રમસિંહની શ્રોતાપારખું નજર બહાર નહોતી. સંગીતની સાથે લયબધ્ધ ચાલતાં દેહ ડોલન સાથે ગાળામાં પહેરેલ હીરાનો હાર ચમકી ઉઠતો હતો.આ જોઈને એટલી ખાતરી તો જરૂર થતી હતી કે કોઈ ઘનવાન પિતાની પુત્રી હતી.બરાબર રાત્રે બાર વાગ્યે કાર્યક્રમ પૂરો થયો. ભૂરો રેશમનો પડદો ધીરે ધીરે ઘરતીને ચૂમવા લાગ્યો. વિક્રમસિંહ જેવા જવા માટે ઉભા થયા ત્યાજ કાર્યક્રમનાં આયોજક શાહ સાહેબ અંદર આવ્યા.સાથે સાથે પેલી યુવતી હતી.

ચાંદના ટૂકડા જેવી રૂપાળી યુવાતી ,પણ કોણ જાણે આંખોમાં ગહેરી ઉદાસી દેખાતી હતી. ગોરી ચામડી હોવા છતા ચમક નહોતી,પણ આંખોમાં કઈક અજબ આકર્ષણ હતું.એ આંખોની ગહેરાઈમાં પહેલી નજરે જ વિક્રમસિંહ ખોવાઈ ગયા. “વિક્રમજી…. આ કામયા શેઠ છે. શેઠ સોહનલાલની એકની એક સુપુત્રી ,જે આપના સેંકડો ચાહકોમાની એક સૌથી મોટી ચાહક છે.” શાહ સાહેબે ઓળખાણ આપતા કહ્યુ. બંને એક બીજાને હલ્લો કર્યું અને થોડી વાતચીત પછી કામયાએ વિદાય લીધી.જતી વેળા તેની આંખોમાં કંઈક યાચના જેવું તરવરતું હતું. જે એક ઋજુ હ્રદયના સંગીતકારને હચમચાવી ગયું.

જેવી કામયા રવાના થઇ તુરત જ વિક્રમસિહએ શાહ સાહેબને પુછયુ,”આ યુવતી કઈ દુઃખી હોય તેવું નહોતું લાગતું?” “હા તમારી વાત સાચી છે.કામાયાને કોઈ મહારોગ છે. હાલમાં એની ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ દવાઓ તેની  જોઈએ એવી અસર બતાવતી નથી.સોહનલાલ શેઠ મારા સારા મિત્ર છે.મને આ દીકરીની બહુ ચિંતા છે.” શાહ સાહેબ  દુઃખી થઇ બોલ્યા. “આજે ચાલુ કાર્યક્રમ દરમિયાન મે જોયું કે કામયાને સંગીતમાં બહુ રૂચી છે.અને જો તમે હા કહો તો હું એક વખત તેમના પિતાજી સાથે આ બાબતે વાત કરવા માગું છું.”વિક્રમસિંહ બોલ્યા.

“જી વિક્રમજી…જરૂર હું આવતી કાલે સોહનલાલ શેઠ સાથે તમારી મુલાકાત કરાવી આપું છું.”

બીજા દિવસે સોહનલાલ સાથેની મુલાકાત દરમિયાન વાતચીત કરતા તેઓ જાણી ચુક્યા હતા કે કામિયાને કોઈ અજાણ્યો રોગ પકડમાં લઈને બેઠો છે.  જેના કારણે તેનું તેજ દિવસે દિવસે હણાતું જાય છે ,ભૂખ અને નિંદ્રા રિસાઈને દુર ભાગે છે.  ઘણા ઈલાજ પછી પણ આ રોગ માંથી કામયાને સંપૂર્ણ મુક્તિ મળતી નથી શેઠ સોહનલાલના કહ્યા પ્રમાણે  કામયાને સંગીતનો બહુ શોખ છે.સાથે સાથે તેના વિશે સારી એવી સમજ પણ છે.     આ સાંભળતાં વિક્રમસિંહએ સોહનલાલને સંગીત થેરાપી વિશે સમજ આપી. અને જણાવ્યુકે મ્યુઝિક થેરાપીમાં બહુ તાકાત હોય છે. ભલભલા હઠીલા રોગો સામે લડવામાં મદદ કરે છે. કેટલાય રોગો જેવા કે ટેન્શન,ડિપ્રેશન ,અનિન્દ્રા  કે એથી આગળ વધી ને કેન્સર જેવા મહારોગો માંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી એક આગવો ભાગ ભજવી જાય છે .

જેમકે રાગ ભૈરવી અસ્થમા,શરદી કે અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.રાગ મલ્હાર,રાગ  જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. રાગ દરબારી હૃદયનાં રોગોમાં અને રાગ શિવરંજ યાદશક્તિ વધારવા મદદરૂપ બને છે ” વિક્રમસિંહ બહુ શાંતિ પૂર્વક શેઠ સોહનલાલને સંગીતના ફાયદા સમજાવી રહ્યા હતા. “પણ આ કઈ શરદી કે દુખાવો નથી કે સંગીતથી મટી જાય,કામયાને કોઈ અજાણ્યો મહારોગ છે જે હજુ સુધી પકડમાં પણ આવ્યો નથી તેનો ઈલાજ ચાલે છે.”સોહનલાલ દુઃખી અવાજે બોલ્યા. “હા એ હું જાણું છું , તમે તમારો ઈલાજ ચાલુ રાખો અને મને સંગીત થેરાપી કરવા દો.  કામયાજીને બને તેટલા જલ્દી સજા થતા જોવાની મારી ઈચ્છા છે”  વિક્રમસિંહ બોલ્યા. “ભલે,તમારી ઈચ્છા હોય તો તમે પણ તમારી સંગીત થેરાપી અજમાવી જુવો, પરતું આ સમય દરમિયાન તમારે અહી અમારા ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે ,મારી દીકરી બહાર ક્યાય નહિ આવે  ”.

આમ સોહનલાલની હા થતા બધાજ કામ પડતા મૂકી વિક્રમસિંહ ત્યાજ રોકાઈ ગયા અને સવાર સાંજ લગાતાર એક મહિના સુધી અલગ અલગ રાગ કામયા સામેં આલાપતા જતા હતા.ક્યારેક કામયા પણ એમાં સાથ પૂરાવતી હતી.અને જોત જોતામાં દવા સાથે જેમ દુવા અસર કરે તેમ તેની ઉપર સંગીતની અસર થવા લાગી. ધીરે ધીરે આ મ્યુઝિક થેરાપીથી કામયાના જીવનમાં જાણે ઓલવતા દીવામાં તેલ ઉમેરાય તેવું બન્યું, તેના શરીરની ચેતના તેની ભૂખ અને ઊંઘ સાથે પાછી આવતી જતી હતી. વિક્રમસિંહ હૈયામાં કામયાની તંદુરસ્તી ની ખુશી અને જુદાઈના દર્દને સાથે લઇ વતન પાછા ફર્યા. આ સમય દરમિયાન વિક્રમસિંહનાં હૈયામાં કામયા પ્રત્યે ફૂટેલું ભીનું લાગણીનું એક અંકુર થીજીને રહી ગયું હતું .

એ પછી કામયા વિક્રમસિંહ સાથે પત્રવ્યવહારથી જોડાયેલી રહી.કારણકે તેના તકલીફના દિવસોમાં મિત્ર બની સંગીત સમ્રાટે તેને બહુ મદદ કરી હતી અને ગુરુ બની સંગીતનું દુર્લભ જ્ઞાન પણ પીરસ્યું હતું. કામયાના લગ્નની વેળાએ વિક્રમસિંહ ને ખાસ આમંત્રણ મળતા તેઓ લગ્નની આગલી રાત્રે અમદાવાદ આવી પહોચ્યાં , બહુ પ્રેમથી તેમનું સ્વાગત થતું હતું છતાય તેમના અંતર મહી કોઈ અથ્ક્ય ઉદાસી છવાએલી રહી, જેનું કારણ માત્ર તેઓજ સમજી શકતા હતા ,છતાય કોણ જાણે કામયાની નજર એ દુઃખને સ્પર્શી ગઈ હતી .

એકાંત મળતા કામયા તેમના ખભે હાથ મુકીને બોલી ” શું વાત છે વિક્રમસિંહ બહુ ઉદાસ લાગો છો , કોઈ પરેશાની છે ? , એક મિત્ર માની મને કહી શકો છો ” . ” સુખી રહેજે ” કામાયાને માથે હાથ મૂકી માત્ર એટલું બોલતા તેમની આંખોમાં ભીનાશ તગતગી ઉઠી.  કામયા પણ છવાએલી ચુપ્પીમાં ઘણું સમજી ગઈ હતી . મૌસમ બદલાતા ગયા અને વરસોના પડળ ચડતા ગયા કામયા જીવનમાં ઘણી આગળ વધી ગઈ હતી.પરંતુ વિક્રમસિંહની દુનિયા તો ત્યાજ શેઠ સોહનલાલના બંગલે રોકાઈ ગઈ હતી.કામયાના બહુ સમજાવટ  છતાય તે આગળ વધી શક્યા નહોતા.બસ સંગીતમાં આગળને આગળ વધતા ગયા અને એવોર્ડ જીતતા ગયા.

છેલ્લા કેટલાક મહિનાઓથી વિક્રમસિંહનો કોઈ પત્ર નહોતો , ફોન તો તેઓ ક્યારેય રાખતાં નહોતા આથી ચિંતિત કામયાને કોઇ પણ સંજોગે વિક્રમસિંહની ભાળ મેળવવી હતી. છેવટેકામયા તેના ત્રીસ વર્ષના દામ્પત્ય જીવનનાં સાથી સુરેશ શેઠને સાથે લઇ રાજકોટ નજીકના વિક્રમસિંહના વતન ત્રાજપર ગામડામાં તેની વિલાયતી ગાડી લઇને પહોચી ગઈ . ગાડીના આંગણામાં પાર્ક થતાની સાથેજ કામયા ” વા” આવેલા ઘુંટણના દર્દને અવગણતી ઝડપભેર વિક્રમસિંહનાં નાના પણ સુંદર બેઠા ઘાટનાં મકાનનાં પાછળના ભાગમાં આવેલા ઓરડામાં પહોચી ગઈ.

એક મોટા ઓરડામાં બે બારીની બરાબર વચમાં ગોઠવેલ પલંગ ઉપર વિક્રમસિંહ આંખો મીંચીને સુતા હતા , બંને બારીઓને લગાવેલા પાતળાં પડદાં માંથી ચરાઈને આવતો પવન તેમના આછાં થઇ ગયેલા સફેદ વાળને સહેલાવતો હતો તેની મીઠી અનુભૂતિ તેમના ચહેરા ઉપર સાફ ઝલકતી હતી .

તેમને જોતાજ સીધી કામયા ફરિયાદનાં સુરમાં કહેવા લાગી.”વિક્રમસિંહ…..,આ શું માંડ્યું છે?આટલા બીમાર છો અને મને જણાવ્યું પણ નથી..આવું તે કેમ ચાલે? તમારા માટે હું કોઈ પારકી છું?બોલતાં બોલતા કામયાનાં શ્વાસ સુધ્ધા હાંફવા લાગ્યા. “બસ બસ કામયા જરા શ્વાસ લેવા રોકાય જાવ, તમારો ગુસ્સો જોઈ સુરેશભાઈ પણ હસે છે. પહેલા શાંતિથી તમે બંને બેસો.” થોડા હસતા રહીને વિક્રમસિંહ બોલ્યા નહી હું અહીંયા બેસવા નથી આવી કે ના કે તમારી ખબર પુછવા.. હું પાણી તો જ પીશ.જો  તમે તમારી હઠ છોડી અમારી સાથે અમદાવાદ આવશો”. “જો વિક્રમસિંહ  તમે અમને મિત્ર માનતા હોય તો અમારી સાથે આવવુ જ પડશે ”સુરેશભાઈ પણ આગ્રહ કરતા બોલ્યા.

“ભલે તબિયત સારી થાય ત્યા સુધી તમારે ત્યાં હું રહીશ..હવે તો તમે બંને ખૂશ!!!”  કામયા અને સુરેશભાઇનાં અતિ આગ્રહને વશ થઇને વિક્રમસિંહએ હસીને હા ભણી. “અંકલ આટલેથી કઈ અટકવાનું નથી.જે મ્યુઝિક થેરાપીથી તમે મમ્મીની જિંદગી બચાવી હતી.એ જ સંગીત થેરાપી હું તમારી માટે અજમાવીશ.અને તમારે મને સહન કરવી જ  પડશે.ભલે હું તમારા જેવી મહાન સંગીતકાર નથી,પણ તમારી સાગિર્દ છું,તો ઘણું બધું હું પણ જાણું છું” કામયા અને સુરેશભાઇ સાથે આવેલી અત્યાર સુધી મુક બેઠેલી દીકરી શ્વેતાની વાત સાંભળી બધા હસી પડ્યા.કારણ દરેક વેકેશનમાં શ્વેતા અહી રહીને વિક્રમસિંહ પાસે થી ઘણું શીખી હતી .

થોડા મહિનાઓ પછી કામિયાની હ્રદયપૂર્વક માવજત અને એની દીકરી શ્વેતાની મ્યુઝિક થેરાપીથી ચેતનવંતા બનેલા વિક્રમસિંહ એક સાંજે સુરેશભાઈના વિશાળ બંગલા પાછળના ફૂલો આચ્છાદિત બગીચામાં આવેલા ગઝીબામાં બેસીને હારમોનિયમનાં સુર છેડતા હતા. અને કામયા તેના મીઠા સુરે એના અવાજનો સાથ આપતી હતી. શ્રોતાઓમાં સુરેશભાઈ અને શ્વેતા મંત્રમુગ્ધ બની સામે બેઠાં ડોલી રહ્યા હતા .     રેખા વિનોદ પટેલ, ડેલાવર(યુ.એસ.એ)

rekhavp13@gmail.com

https://vinodini13.wordpress.com

 

 

One response to “લાગણીની થેરાપી..one of my good story

  1. મૌલિક રામી "વિચાર"

    February 27, 2016 at 1:53 am

    ખુબજ સુંદર સંગીતમય વાર્તા… i am also musical and music teacher too…every word of musical terminology are perfect ..

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: