પ્રિય સ્વીટી , હેપ્પી વેલેન્ટાઈન ડીયર
“વોટ ઇસ યોર વેલેન્ટાઈન પ્લાન? ,આઈ નો ડીયર તારા હમણાં જ એન્ગેજમેન્ટ થયા છે તો રોહન સાથે પ્રેમના પ્રતીક સમા આ તહેવારની ઉજવણી કરવા તું બહુ એક્સાઈટ હોઈશ.
તું મારી બહેનની દીકરી છે, તો માસી હોવાના નાતે તને આજે એક વણમાગી સલાહ આપું છું, રોહન હજુ હમણાંજ તેના પગ ઉપર ઉભો રહ્યો છે તેની પાસે તહેવારોના નામે ખોટા ખર્ચા નાં કરાવતી , બેટા હું જાણું છું તારા શોખ ,સ્વપ્નો બહુ ઊંચા છે . કારણ તે એન્ગેજમેન્ટ માં પણ મોંધી ડાયમંડ રિંગની ઈચ્છા રાખી હતી . તે વાત યાદ આવતા આજે પણ તારી ચિંતા થઇ આવે છે .
અહી અમારા જાણીતા ફેમીલીની દીકરી સિયાની વાત તને કહું , તેની મહત્વકાંક્ષા બહુ ઉંચી છે . એક સામાન્ય પરિવાર માંથી આવતા રોબીન અને સિયાની વચમાં પાંચ વર્ષથી પ્રેમ છે , બંનેની ઉંમર લગભગ 28 વર્ષની થવા આવી . બંને પરિવારો આ સબંધ માટે રાજી છે ,પરંતુ આ બે માંથી કોઈ લગ્ન માટે કંઈજ વાત કરતા નથી.
લગ્નને એક ઉંમર હોય છે , અને દરેક મા બાપ ઈચ્છે કે તેમના સંતાનો સમયસર પોતાનું ઘર વસાવી લે , સિયાના મમ્મી ડેડીને બહુ ચિંતા રહેતી હતી પરંતુ જેમ ઉમર વધે તેમ સમજશક્તિ સાથે જીદ પણ વધુ દ્રઢ બનતી જાય છે. સિયાને એન્ગેજમેન્ટ માં બહુ મોંધી ડાયમંડ રીંગ જોઈએ છે, અને લગ્ન પછી એક મહિનાનું પરદેશમાં હનીમુન . તેની આ ઇચ્છાઓ પૂરી કરવા રોબીન હજુ સક્ષમ નથી. બસ આજ કારણે તેઓ હજુ એકાદ બે વર્ષની રાહ જોવા તૈયાર છે . સામે વાળાની સ્થિતિ ને જાણ્યા સમજ્યા વિના જ્યારે કોઈ માંગણી કરવામાં આવે છે ત્યારે તેની અસર સબંધો ઉપર ચોક્કસ પણે થાય છે. હવે બધાને ડર લાગે છે ક આ પ્રેમ લગ્ન સુધી પહોંચશે ખરો ?
દીકરી આ તે કેવો પ્રેમ જ્યાં તેમની વચમાં અપેક્ષાઓ નો આખો ભંડાર પડેલો હોય , પ્રેમમાં તો સૂકો રોટલો અને ખાલી ઓટલો પણ ખપે. અહી દેખાદેખી કેન્દ્રમાં હતી. સિયાની એક ફ્રેન્ડને તેના લગ્નમાં મળેલી રીંગ અને લક્ઝુરીયસ કાર જોઈ તેના કરતા વધુ તેની પાસે છે તે બતાવી આપવાની જીદમાં તેઓ જિંદગીના મહત્વનાં વર્ષો બરબાદ કરી રહ્યા હતા.
કેટલાક તો વેલેન્ટાઈન ગીફટની સામે ચાલી માંગણી કરતા હોય છે વિચાર આવે છે કે શું ગિફ્ટનું મહત્વ લાગણી કરતા સ્ટેટસ વધુ છે? વેલેન્ટાઈન એટલે પ્રેમ અને ખુશીનો તહેવાર …ગીફ્ટ આપવી લેવી એ બધું સબંધોને ઉષ્માભર્યા રાખવાની ટેકનીક માત્ર છે. જેનાથી રોજબરોજની લાઈફ સ્ટાઈલમાં થી બહાર નીકળી પ્રેમી માટે કંઈક અલગ કર્યાની અનુભુતી જન્મી જાય .
જ્યારે વહેવારમાં સબંધમાં લેવડદેવડ વધી જાય ,ત્યારે તેની અસર પ્રેમની મીઠાશમાં આવી જાય છે ,ગમે તેવા મીઠાં સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી
વેલેન્ટાઈન નો અર્થ છે પ્રેમ .તને તે વિશેની વાત કહું તો ,પાંચમી સદીની શરૂઆતમાં યુરોપમાં સંત થઇ ગયા જેનું નામ હતું વેલેન્ટાઈન … તેમણે રોમમાં ચાલતાં એક પુરુષના બહુ સ્ત્રીઓ સાથેના સબંધને અનૈતિક કહી લગ્નપ્રથાને મહત્વ આપવા વિશે પ્રચાર કર્યો. જે વાત રોમના ક્રૂર રાજાને પસંદ નાં આવી અને વેલેન્ટાઈનને ૧૪ ફેબ્રુઆરી ૪૯૮નાં રોજ સંત વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધો. બસ તેમની દુ:ખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવાની શરૂઆત થઇ હતી.
અહી અમેરિકામાં તો નાના બાળકોને સ્કુલના દિવસો થીજ આ દિવસને સેલીબ્રેટ કરતા શીખવાડે છે . દરેક બાળકોને બાકીના બીજા બાળકો માટે નાના વેલેન્ટાઈન કાર્ડ અને કેન્ડી કે નાની ગીફ્ટ લાવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ તેઓ આ બધું એકબીજા સાથે એક્સચેન્જ કરે છે, આ સમયે નાતજાત કે રંગભેદ જોવાતો નથી માત્ર બાળકોને મિત્રતાની સાચી સમજ આપવામાં આવે છે.
પ્રેમની યાદગીરી સમાન આ તહેવાર એટલે કોઈ મનગમતી વ્યક્તિ સાથે આત્મીયતા અને પ્રેમની લાગણી વ્યકત કરવાનો દિવસ. દરેક લાગણીભીના હૈયા પોતાની ગમતી વ્યક્તિને ,ફ્લાવર્સ, કાર્ડ,સ્વીટસ કે ગીફ્ટ આપીને લાગણી વ્યક્ત કરે છે . કેટલાક તો આના થી આગળ વધીને આ દિવસે એડલ્ટ ડે કેર , નર્સિંગ હોમ કે ચિલ્ડ્રન હોમમાં જઈને તેમને ફ્લાવર કેન્ડી આપી તેમની સાથે સમય વ્યતીત કરીને ઉજવે છે .
આ જોતા એક વાત સ્પસ્ટ થયા છે કે વેલેન્ટાઈન માત્ર પ્રેમીઓ નો તહેવાર નથી આ એ દરેક ઉજવી શકે છે જેના મનમાં પ્રેમ લાગણી હોય ,મિત્ર મિત્રને કે બાપ દીકરીને કે ભાઈ બહેનને કે પછી કોઈ પણ એકમેકને “બી માઈ વેલેન્ટાઇન” કહી શકે છે જેનો સાદો અર્થ ” જે તે સબંધે પણ તું મારી સાથે રહે ” આ સમજને આપણે લાંબે સુધી લઇ જવી જોઈએ.
“પ્રેમ એ એક અનોખી વસ્તુ છે તેને સમજવું અને સાચવવું બહુ જરૂરી છે પ્રેમમાં ગીફ્ટ કરતા લાગણી ની વધુ જરૂર છે ” ચાલ દીકરી હું રજા લઉં….નેહાની મીઠી યાદ
રેખા વિનોદ પટેલ (યુએસએ )