
છેલ્લા 24 વર્ષ થી અહી છું અને બે યુવાન દીકરીઓની માતા હોવાને કારણે હું સમજી શકું છું કે અહીના બાળકો માટે વાંચવું શક્ય નથી ,તેઓ ગુજરાતીમાં વાતચીત કરે છે તેજ મારે મન ઘણું છે.
આતો વાત થઇ નવી ઉગતી પેઢીની , પણ આપણું શું ? શું આપણે ભાષા સાથે જોડાઈ રહ્યા છીયે ? શું આપણું વાંચન હજુ પણ પહેલાની માફક યથાવત છે ?
જવાબ આવશે ના .
જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે ,સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.
મારા આ કાર્યમાં મને અમદાવાદ ગુજરાતી માતૃભાષા અભિયાન નો સંપૂર્ણ સહકાર મળ્યો છે જેના જગદીશભાઈ વ્યાસ નો ઘણો આભાર માનું છું.
સહુ થી વધારે આભારી હું વિનોદ પટેલ ( my hubby ) ની છું જેમના સાથ સહકાર વિના મારે એક પાંદડું ખસેડવું પણ અશક્ય છે..
“23 ફેબ્રુઆરી ” ના રોજ હું આ પુસ્તક પરબને શરુ કરવા જઈ રહી છું . બસ હવે રાહ જોઈ છું કે ગુજરાતી બચાવોના આ અભિયાન માં મને અહી ડેલાવરના લોકો અને સમાજ તરફથી મને કેવો પ્રતિભાવ મળે છે .અહી થી પુસ્તક લઇ જનારને એકજ વિંનતી રહેશે કે વાંચ્યા બાદ સમયસર પરત કરી જવું જેથી બીજા પણ તેનો લાભ લઇ શકે , અને ખાસ જો કોઈ પાસે વધારાના સારા પુસ્તકો બિન વપરાશ પડી રહેતા હોય તો પ્લીઝ મને અહી મુકવા આપે. જેથી વધારે અને વધારે લોકો ને સારા વાંચનનો લાભ મળે. કારણ આપ સહુ જાણો છો કે અહી ગુજરાતી વાંચન નો સદંતર અભાવ રહેલો છે. આમાં સહકાર આપી સમાજ પ્રત્યેનું ઋણ ઉતારવા સહભાગી બનશો … આભાર


રેખા વિનોદ પટેલ (વિનોદિની)