——————
થોડાક સમય પહેલા બનેલી ઘટનાએ મારા જીવનને એક સુખદ મોડ આપી દીધો હતો.
“નીમા…ઓ નીમા….,મારી પીળા રંગની ફાઈલ ક્યા છે?”
જરૂરી ફાઈલ હાથ ના લાગતા ભદ્રેશે આખા ઘરને માથે લઇ લીધું હતું.સ્ટડીરૂમના ટેબલના ખાનાઓમાંથી બધી વસ્તુઓ બહાર વિખેરાયેલી પડી હતી.ભદ્રેશે બેડરૂમને એક પીખાએલા પંખીના માળા જેવો કરી મુક્યો કે ત્યાં સુધી કે કપડાના કબાટમાંથી પણ ઘણું વેરણ છેરણ થઇ ગયું હતું.
“નીમા આખો દિવસ તું ઘરે રહે છે , અને મોટાભાગનો સમય નવરીજ રહેતી હોય છે , તો ક્યારેક સમય કાઢીને કમસે કમ મારા ઓફિસના પેપર્સ અને ફાઇલોને સરખા મુકવાનું કામ કરતી હોય તો પણ સારું લાગે, ક્યારેક સાવ અભણ જેવું વર્તન કરે છે .”
ભદ્રેશના મ્હોએથી નીકળતા થોડા ગુસ્સાભર્યા અને તુમાખી ભર્યા શબ્દો મને ચુભતા હતા છતાં મન મારી હું ચુપચાપ તેમની એ પીળી ફાઈલ શોધવામાં મદદ કરતી રહી.
છેવટે કઈક યાદ આવતા ભદ્રેશ બોલ્યા,” ઓહ !યાદ યાદ આવ્યું..એ ફાઈલ તો કારની પાછલી સીટમાં જ રહી ગઈ હતી… સોરી નીમા, હું નીકળું.. મોડું થાય છે….બાય ડીયર ” કહી મારા ગાલને સહેલાવી જાણે કશુ જ નાં બન્યું હોય તેમ ભદ્રેશ કારની ચાવી ઘુમાવતા ઓફિસે જવા નીકળી ગયા.
પહેલી વખત જ્યારે આ સર્ટીફિકેટ મારા હાથમાં આવ્યુ ત્યારે મારું મન હવામાં ઉડતું હતું. દુનિયાને મુઠ્ઠીમાં ભરવી હતી.કઈક કરી બતાવવાનું જોશ હતું !
ત્યા જ મમ્મી પપ્પાના શબ્દો કાને પડ્યા”નીમા બેટા…..,જો દીકરી હવે તારી પરણવા લાયક ઉંમર થઇ ગઈ છે.તારા સપના તારા પતિના ઘરે જઈ તેનાં સાથમાં પુરા કરજે.”
મારી ઉમર લગ્નલાયક થતા એક મોટા ઓફિસર સાથે લગ્ન નક્કી થયા.સપનાઓને પાંખમાં ભરી સુખદુઃખમાં સાથ દેવાના વચને બંધાઈ હું સપ્તપદીના બંધનમાં બંધાય ગઇ.બંધન કોઇ પણ પ્રકારનું હોય વહેલા મોડા એ બંધનમાંથી ક્યારેક તો છુટવાની ઇચ્છા તો માણસને થાય જ છે.કદાચ પંખીને પીંજરામાં કેદ કરી લો તો આકાશ એના માટે એક સપનું બની જાય છે.
અહીંયા તો જાણે મને લાગ્યું કે મારી બે પાંખો સાથે એમની બીજી બે પાંખો જોડાઈ ગઈ “બસ હવે આખું આભ મારી મુઠ્ઠીમાં!!!!!”
પણ આ સ્વપ્નને તુટવા માટે બસ એક જ સવારની,એક જ નાની જરૂર પડી!એ દિવસે જ્યારે ભદ્રેશે કહ્યુ કે,”જો નીમા…..,આપણે ક્યા કશી ખોટ છે. હું કમાઉ છું.અને એટલું કમાંઉ છું કે તું તારે લહેર કર અને મને અને મારા ઘરને સાચવ.ખાસ કરીને તો તું બહાર કામ કરે તે મારા હોદ્દાને અને મારા સ્વભાવને અનુકુળ નથી.”
બસ એ દિવસ પછી તો એ જ સવાર અને એ જ સાંજ,” બાય નીમા ડીયર …હાય નીમા ડીયર.”
“આજે હું બહુ થાકી ગયો છું પ્લીઝ ડીનર માટે ઉતાવળ કરજે”
તો ક્યારેક”નીમા ડીયર….,આજે હું મોડો આવીશ.મારે આજે મીટીંગ છે અને ડીનર પણ બહાર કરીશ.”
તો ક્યારેક”નીમા ડીયર આજે સાંજે સરખી રીતે તૈયાર થજે પાર્ટીમાં જવાનું છે “
બાકીના બધાજ દિવસો …,આ રીતે લગભગ એક સરખા પુરા થતા,
જીવનનાં પન્ના ઉપર હવે સમયની પીળાશ ચડવા લાગી હતી .
એક સવારની વાત યાદ આવી ગઈ …..
ચા પીતા પીતા ભદ્રેશ બોલ્યા “નીમા આજે સાંજે એક પાર્ટી છે” !
એની વાત સાંભળીને હું ચુપ રહી.તુરત મારી ચુપ્પીને ના સમજી બોલી ઉઠ્યા,”નો પ્રોબ્લેમ ડીયર.આજે કોકટેલ પાર્ટી છે .આમ પણ તને ઓછી ફાવે છે.માટે હું કંપની માટે સેક્રેટરી મિસ જુલીને સાથે લઇ જઈશ.તું આરામ કરજે નીમા ડીયર.”
હું જાણતી હતી કે રાબેતા મૂજબ કે આ જવાબ તેમનો પહેલેથી ગોઠવેલો હતો !!!
થોડા સમય પહેલાની એ પીળી ફાઇલ વાળી ઘટનાંથી મનનો એક ખૂણો ભારે હતો,અને ઉપર આ દાઝ્યા ઉપર ડામ આપી ગઈ હતી.
હું થોડીક મનોમન ધુંધવાયેલી હતી ,અચાનક યાદ આવી ગયું મારું પેલું “પીળું પડતું જતું એમ.એસ.સી.નું સર્ટીફિકેટ “
અચાનક મારામાં રહેલી “હું” વરસોની આળસ ખંખેરીને બેઠી થઈ ગઈ …..એક નવા જોશ,ઉમંગ દિલમાં ભરીને પીળા પન્નાના સાથમાં ઉડવાને તૈયાર .
એજ સવારથી મારા ચક્રો ગતિમાન થયા . ટેકનોલોજી સાથે હરણફાળ ભરવા માટે મેં કમર કસી ,ઘરના ખુણામાં પડી રહેતા કોમ્પ્યુટર ઉપર થી નવું વાંચવા અને શીખવાની શરૂઆત બહુ કામમાં લાગી રહી હતી , જે છૂટી ગયું હતું તે બધું હું ઝડપથી એકઠું કરવા માંડી હતી કારણ હવે મને મારી ઉપરનો વિશ્વાસ બેસતો જતો હતો , મન ઉપર એકજ વાતનું ઝનુન ચડતું જતું હતું કે બસ મારે મારા સંસારની મીઠાસને પાંખોમાં સાચવી રાખીને ઉડવું છે અને આબવું છે આભે ચમકતાં ચાંદને જે શીતળતા સાથે ચમક પણ આપે છે .
જુદી જુદી કંપનીઓમાં મેં પૂરી લગન અને ઈમાનદારી થી ઈન્ટરવ્યું આપવાના શરુ કાર્ય ,થોડી મહેનત જરૂર પડી કારણ મારી ડીગ્રીની જેમ મારું ભણતર પણ સમયના થર હેઠળ થોડુ પીળું પડતું હતું પણ ભદ્રેશ સાથે આટલા વર્ષો જીવતા મારામાં ધીરજ ના અગણિત પુષ્પો ખીલ્યા હતા,ક્યાંક તો આજે એ કામ લાગી રહ્યા હતા
**********************************
આજે આખો દિવસ હું વ્યસ્ત રહી હતી ,નવું શીખવાની ચાહ મને સમયનું ભાન ભુલાવી દેતી હતી , ભદ્રેશ રાત્રે મોડા ઘરે આવ્યા સાથે બહાર લટકાવેલા મેલ બોક્સ માંથી સવારની આવી પડેલી મેલનો થપ્પો લેતા આવ્યા.
” નીમા શું કરે છે આખો દિવસ આ મેલ પણ અંદર લાવતી નથી ” જરાક અણગમો દર્શાવતા બોલ્યા
ત્યાજ હું પાણીનો ગ્લાસ લઇ હસતાં ચહેરે હાજર થઇ ” સોરી આજે ઘણું કામ હતું ભૂલી ગઈ ”
મારા શબ્દોની મીઠાસ તેમેને સ્પર્શી ગઈ હશે ,અને “ઇટ્સ ઓકે ” કહી તેમને વાત ટુંકાવી દીધી. તેમના હાથમાં મારા નામનું એક સફેદ પરબીડિયું આવ્યું .
” નીમા આ તારા નામની ટપાલ છે ,જો તો શું છે એમાં “
” તમે જોઈ લ્યો ને શું છે ?” મેં જવાબ વાળ્યો
કવર ફોડતા તેમની આંખોમાં આશ્ચર્યના ભાવ બેવડાઈ ગયા” આતો તારો કોઈ મલ્ટીનેશનલ કંપનીમાંથી જોબ લેટર છે “.
તેમના શબ્દો સાથે મારા શરીર માંથી ખુશીની લહેર દોડી ગઈ સાથે એક આશંકા જન્મી ગઈ હતી કે હવે ભદ્રેશનો પ્રતિભાવ કેવો આવશે ?
મારી આંખોની છાની આશંકા તેઓ સમજી ગયા હશે , એક ક્ષણની ખામોશી પછી તેમના ચહેરા ઉપર પ્રશંસા ના ભાવ ફેલાઈ ગયા.
હું મારી ખુશી વ્યક્ત કરતા આટલું જરૂર બોલી ” અત્યાર સુધી હું ઘર અને વર માટે જીવી છું હવે થાય છે થોડું મારી માટે જીવી લઉં , એક પ્રેમાળ પતિ તરીકે તમે પણ મારી ખુશીમાં ખુશ હશો ” .
” નીમા કોન્ગ્રેજ્યુલેશન ડીયર ,પણ મને આ માટે તારે પૂછવું જોઈતું હતું છતાય આજે તારી ખુશીમાં હું ખુશ છું, હું જાણું છું તારી એકલતા અને મારી વ્યસ્તતાને ” કહી મને સોડમાં લીધી .
મે બારીની બહાર નજર કરી તો ઉપર ખુલ્લા આકાશમાં ચંદ્ર મંદમંદ હસી રહ્યો હતો જાણે કહેતો હતો ” નીમા હવે તો તને બે પાંખો સાથે ભદ્રેશનો મજબુત સહારો મળી ચુક્યો છે ,ચાલ ખુલ્લા આભમાં ઉડવાને તૈયાર થા “.
રેખા વિનોદ પટેલ(વિનોદિની )
ડેલાવર , યુએસએ
https://vinodini13.wordpress.com