
વ્હાલી મમ્મી ,નવા વર્ષમાં તમને મારા પ્રણામ ,
તમારો પત્ર મળ્યો, વાંચી દુઃખ થયું કે આજકાલ વા ના દુઃખાવાને કારણે તમને પગમાં બહુ તકલીફ રહે છે . હું તમને કહીશ કે મમ્મી ,મનથી ખુશ રહેજો, હકારાત્મક વિચારો તમારું દુઃખ ઓછું કરવામાં મદદરૂપ થશે. મમ્મી તમેજ કહેતા હતા કે પરોપકારથી અને બીજાઓને સુખ આપવાથી આનંદ મળે છે અને આમ કરવામાં પોતાનું દુઃખ ઓછું લાગે છે .
આનો એક જીવંત દાખલો તમને લખું છું. હું વીકેન્ડમાં ઓહાયોના ક્લીવલેન્ડ શહેરમાં ગઈ હતી , ત્યાં નીતા માસીના ઘરની સામે એક અમેરિકન કપલ રહે છે. આ બે દિવસ દરમિયાન રોજ સવાર સાંજ બાજુના બંગલાનાં ઝાપાં માં એક ડીસેબીલીટી ટ્રાન્સપોર્ટ સર્વિસની વેન દાખલ થતી હું જોતી હતી. વચમાં આવી જતા નાના મોટા પ્લાન્ટ ને કારણે અંદર શું ચાલતું તેની ખબર પડતી નહોતી. છેવટે મેં માસીને આનું કારણ પૂછ્યું તો તેમના જણાવ્યા પ્રમાણે …..
બાજુમાં રહેતી જેન હેરી બાવન વર્ષની બહુ એક્ટીવ કહી શકાય તેવી બહુ શોખીન અને રૂપાળી અમેરિકન સ્ત્રી હતી , તેના ઘરની પાછળ આવેલા સ્વીમીંગ પુલનો તે ભરપુર ઉપયોગ કરતી કારણ સ્વીમીંગ કરવું તેનો શોખ હતો , આટલી ઉમરે પણ તે મહિનામાં બે વખત બ્યુટીપાર્લરમાં જઈ , હેર નેલ વગેરે કરાવી આવતી.
લાસ્ટ યર તેને નડેલા એક ભારે કાર અકસ્માત માં તેની કમર નીચેના ભાગમાં ઈજા થયેલી , જેના કારણે તેના બંને પગનું હલનચલન બંધ થઇ ગયું હતું. શરૂઆત માં તે લાંબો સમય ડીપ્રેશન માં રહી. ત્યાર બાદ આર્ટ ઓફ લીવીંગના અહી ચાલતા કોઈ સેમીનાર દ્વારા તે જીવન જીવવાની સાચી કળા ” બીજાને ખુશી આપી ખુશ રહેવું” શીખી લાવી .
અત્યારે તે દરરોજ સવારે અહી નજીકના એક એડલ્ટ ડે કેરમાં વોલેન્ટર વર્ક માટે જાય છે. જાતે તે ડ્રાઈવ નથી કરી શકતી આથી તે ડે કેરની વેન તેને રાઈડ આપે છે .
નીતા માસીના જણાવ્યા પ્રમાણે જેન ત્યાં એકલા પડેલાં વૃધ્ધો સાથે વાતો કરે છે તેમને ગમતી પ્રવૃત્તિઓ કરે છે , તેમની સાથે અવનવી રમતો રમી તેમને ખુશ રાખે છે અને તે પોતે પણ ખુશ રહે છે જેના કારણે દુઃખને જોવાની અને સહન કરવાની તેમની નજર બદલાઈ હતી . આખો દિવસ એકલતામાં રહેતા વૃદ્ધોને પણ જેનના જવાથી બહુ રાહત થાય છે ,સામે તેઓ પણ જેનને લાગણી અને પ્રેમ આપે છે.
જેનનું જાતે હલનચલન બંધ છે બાકી શરીરનો ઉપરનો ભાગ અને તેમની જીજીવિષા એકદમ બરાબર હતી. તેઓ માનતા હતા કે નકારાત્મકતા અને ડીપ્રેશનને દુર રાખવું તમારા હાથમાં છે તેની માટે શરીર નહિ પણ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે. ગમતા કાર્યમાં બીઝી રહેવાથી મન ખુશ અને શાંત રહે છે.
મમ્મી સાચી વાત છે કે “તમારા મનની ખુશી એ આપણી માલિકીની વસ્તુ છે, તેના પર કોઈ બીજાની ઈજારાશાહી ન હોવી જોઈએ “.
ખુશી તો નાની નાની વસ્તુ માંથી પણ મેળવી શકાય છે જેમકે મ્યુઝીક સાંભળવું , પેન્ટિંગ કરવું કે પછી નાના બાળકો સાથે તેમના જેવા બનીને ધમાલ મસ્તી કરવી, નાચવું ગાવું …. ટુકમાં જે મનને ગમે તે બધું કરવું ,તેમાં મળતી ખુશી શારીરિક દુઃખ ભુલાવી દે છે . પરંતુ જ્યારે શરીર સાથ નાં આપે ત્યારે જેન જેવા કામ કરવાથી અને વ્યસ્ત રહેવાથી ઘણું દુઃખ ભૂલી જવાય છે .
મમ્મી આ બધામાં મહત્વની વાત કહેવી તો ભૂલી ગઈ કે આપણા તહેવારો દરમિયાન નો આનંદ ઉત્સાહ પણ ઘણું દુઃખ હળવું કરી આપે છે. તમારે દિવાળી પૂરી થઇ પરંતુ અહી તો વીકેન્ડમાં અમે કોઈ પણ ફેસ્ટીવલ ઘામઘુમથી ઉજવી શકીએ છીએ જેના કારણે અહી દિવાળી ત્રણ વિક જેટલી લાંબી ચાલે. એક વિકેન્ડ અહી ચાલતા ગુજરાતી સમાજની દિવાળી પાર્ટી હોય તો બીજા વિકેન્ડ મંદિરમાં અન્નકૂટના દર્શન તરીકે પૂજા ભક્તિ સાથે મોજમસ્તી કરાય છે..
અહી તો બધાને બહાનું જોઈએ ભેગા થઈને ઉજવણી કરવા માટે તેથી મંદિરમાં બધા સુંદર તૈયાર થઈને જઈએ અને રાત્રે જમીને ઘરે આવીએ છીએ . અહી આવેલા સ્વામીનારાયણ ના મંદિરમાં રાત્રે જમવામાં અલગ અલગ સ્ટોલ માં પાણીપુરી ,ભેલ , પાપડીનો લોટ સાથે આપણું ગુજરાતી ભોજન અને બાળકો માટે પીઝા કેક બધુજ રખાય છે જાણે કોઈ રીસેપ્શન માં ગયા હોય તવો માહોલ જામે છે .
ચાલો મમ્મી આજે હું થોડી બીઝી છું કારણ મારા ઘરે દિવાળી ડીનર માટે મિત્રોને બોલાવ્યા છે. આજે બધાને ડીનર કરાવવાનો ટર્ન મારો છે “સબંધો તો એક હાથ દે અને એક હાથ લે જેવા હોય છે, જે પ્રેમ સાથે આવકારનું ખાતર પાણી માગે છે”.
તમારી તબિયતની સંભાળ રાખજો … નેહાના પ્રણામ
rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ ( યુએસએ )